આ વાતને સાયન્ટિફિક રિસર્ચનો સપોર્ટ પણ છે કે વિશ્વના ૬૪ ટકા પુરુષો જીવનસાથીની પસંદગીમાં માતાનો પડછાયો શોધે છે. આવું શા માટે કહેવાય છે એ માટેનાં તેમનાં કારણોની ખણખોદ કરીએ
સ્પેશ્યલ સ્ટોરી
અથિયા શેટ્ટી અને કે. એલ. રાહુલ
પુરુષો પોતાની માતા જેવી પર્સનાલિટી તેમ જ સમાન ગુણો ધરાવતી સ્ત્રી તરફ વધુ આકર્ષાય છે એવું કહેવાતું આવ્યું છે. આ વાતને સાયન્ટિફિક રિસર્ચનો સપોર્ટ પણ છે કે વિશ્વના ૬૪ ટકા પુરુષો જીવનસાથીની પસંદગીમાં માતાનો પડછાયો શોધે છે. આવું શા માટે કહેવાય છે એ માટેનાં તેમનાં કારણોની ખણખોદ કરીએ
દરેક ગર્લ માટે એના પપ્પા રોલ મૉડલ હોય છે એવી જ રીતે દરેક યંગ બૉયની પહેલી ગર્લફ્રેન્ડ તેની મમ્મી હોય છે. સાયન્ટિફિક રિસર્ચમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. અભ્યાસ કહે છે કે બે-તૃતીયાંશ પુરુષો જીવનસાથીમાં માતાનું પ્રતિબિંબ શોધે છે. આ વાત માત્ર ભારત સુધી સીમિત નથી. યુકેના રિલેશનશિપ કાઉન્સેલરની ટીમે કરેલા સંશોધન અનુસાર વિશ્વના ૬૪ ટકા પુરુષો પોતાની માતા જેવી પર્સનાલિટી તેમ જ સમાન ગુણો ધરાવતી સ્ત્રી તરફ વધુ આકર્ષાય છે. તમારા સબકૉન્શિયસ માઇન્ડમાં જે ફીલિંગ ચાલતી હોય એ રિયલ લાઇફમાં પ્રોજેક્ટ થતી હોય છે એવું સાઇકોલૉજિકલ તારણ નીકળ્યું છે. આ રિસર્ચ સંદર્ભે ચર્ચા કરી સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
સમય લાગે
સંજય અને પ્રીતિ વસાણી
તમે જેની છત્રછાયામાં મોટા થયા હો તેનો તમારા મન પર પ્રભાવ હોય. તમે એવું માનવા લાગો છો કે મમ્મી જેવી હશે તો મને સારી રીતે સમજી શકશે. જોકે વીસ ટકા પુરુષો જ પહેલી મુલાકાતમાં આવું વિચારતા હોય છે. પ્રૉપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા દાદરના બિઝનેસમૅન સંજય વસાણી આવો મત વ્યક્ત કરતાં કહે છે, ‘વાઇફ અને મમ્મી બે જુદી વ્યક્તિ છે. બન્નેની પોતાની પર્સનાલિટી છે તેથી તુલના ન કરી શકાય. આજે પણ મને બાના હાથની ચા જોઈએ. ક્યારેક પ્રીતિને કહી દઉં કે મમ્મી જેવી ચા બનાવતાં નથી આવડતી પણ જ્યારે તેને ઘરનાં કામકાજ કરતાં, વડીલોની સેવા કરતાં, સામાજિક વ્યવહારો સાચવતાં અને ગૃહસ્થી સંભાળતાં જોઉં છું ત્યારે વિચાર જરૂર આવે કે આ મારી બા જેવી છે. ‘બા જેવી’ શબ્દ પતિ-પત્નીના સંબંધને વધુ મજબૂત બનાવે છે એમાં કોઈ બેમત નથી. માતાની હાજરી હોય અને વાઇફમાં પણ સમાનતા દેખાય એ પુરુષ પોતાને વિશ્વની સૌથી નસીબદાર વ્યક્તિ માને છે. મારા ઘણા મિત્રો છે જેમની પત્નીમાં માતા જેવા ગુણો હોવાના લીધે તેમને મમ્મીની ગેરહાજરી સાલતી નથી. રિસર્ચની વાત કરીએ તો યંગ એજમાં લગ્ન માટે છોકરી પસંદ કરતી વખતે તાબડતોબ આવો વિચાર નથી આવતો. છોકરીમાં મમ્મી જેવું કશુંક દેખાયું અને પ્રેમમાં પડી જાઓ એવું ભાગ્યે જ બને. એકબીજાને પસંદ કરો, વાતચીત કરો, મળતાં રહો પછી તમને અંદરથી એવું લાગે કે આ મારું ઘર મમ્મીની જેમ સંભાળશે ત્યારે લગ્ન કરો છો. જેમ-જેમ લગ્નજીવન આગળ વધે છે એમ આ ફીલિંગ સ્ટ્રૉન્ગ થાય. જોકે આજકાલ એવું ખાસ જોવા નથી મળતું. નવી જનરેશનની લાઇફસ્ટાઇલ અને થિન્કિંગ ટોટલી જુદાં છે. તેમને કરીઅર ઓરિએન્ટેડ પાર્ટનર જોઈએ છે તેથી ‘મમ્મી જેવી’ વાળો ફૅક્ટર નીકળી જાય છે. યુવાપેઢીની આવી વિચારધારા પણ કંઈ ખોટી નથી. જમાના પ્રમાણે જે બદલાવ આવે એને સ્વીકારવો જોઈએ.’
આ પણ વાંચો : ગભરાટ નથી, નર્વસનેસ છે
ઇમોશનલ ડીએનએ
જીવનસાથીમાં માતાનો પડછાયો શોધવો એને હું સાઇકોલૉજિકલ નહીં પણ બાયોલૉજિકલ અને ઇમોશનલ કારણ કહીશ. ફાર્માસ્યુટિકલનો બિઝનેસ ધરાવતા ઘાટકોપરના વિરેન ઘાટલિયા આવો અભિપ્રાય આપતાં કહે છે, ‘આ રિસર્ચને ઇમોશનલ ડીએનએ સાથે સીધો સંબંધ છે. વ્યક્તિની માનસિકતા આસપાસના લોકોના પ્રભાવ અને ફૅમિલીના વાતાવરણમાંથી ડેવલપ થાય છે. જ્યારે માતા સાથે જન્મથી જ લાગણીનું જબરદસ્ત બંધન હોય છે. આ પ્રેમને તે જીવનમાં હંમેશાં ઝંખતો રહે છે. જીવનસાથીમાં પણ શોધે છે. સબકૉન્શિયસ માઇન્ડ હ્યુમન લાઇફની રિયલ સ્ટોરી છે. મારી માતાને એક મજબૂત મનોબળ ધરાવતી મહિલા તરીકે જોયાં છે. તેમણે જીવનમાં અનેક ચડાવઉતારનો હિંમતભેર સામનો કર્યો છે. યુવાનીમાં તમે કોઈ મહિલાને મળ્યા અને એનામાં તમને માતા જેવા ગુણો દેખાય એવું નથી થતું. સાંસારિક જીવનમાં ઇમોશનનું ઇવલુશન અટ્રૅક્શન, સ્વાર્થ અથવા જરૂરિયાતથી થાય છે. ધીમે-ધીમે એ લાઇકિંગમાં કન્વર્ટ થાય અને ઓવર ધ પિરિયડ ઑફ ટાઇમ તમારા પાર્ટનરમાં માતા જેવા ગુણો દેખાવા લાગે ત્યારે એ પ્રેમમાં પરિવર્તિત થાય છે. મારી વાઇફ પારુલ પણ સ્ટ્રૉન્ગ પર્સનાલિટી ધરાવે છે. દરેક પરિસ્થિતિમાં તેના ચહેરા પર સ્માઇલ હોય. મને શું જોઈએ છે એની મારા કરતાં પારુલને વધારે ખબર હોય તેથી તેનું નામ જુનિયર મા પાડી દીધું. ઇમોશનલ ડીએનએનું આનાથી સુંદર ટ્રાન્સફૉર્મેશન ન હોઈ શકે. ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે તમને મમ્મી જેવું બધું જોઈએ. હકીકતમાં કોઈ પુરુષ ડાયરેક્ટલી માતા અને પત્નીની સરખામણી કરતો નથી, થઈ જતી હોય છે. જેમ મહિલાઓ પતિની તુલના પિતા સાથે કરે છે એવી જ રીતે. આટલી સમજણ વિકસે પછી દામ્પત્યજીવનમાં ફરિયાદ માટે અવકાશ નથી રહેતો.’
સાંસારિક જીવનમાં ઇમોશનનું ઇવલુશન અટ્રૅક્શનથી શરૂ થઈ ધીમે-ધીમે લાઇકિંગમાં કન્વર્ટ થાય અને ઓવર ધ પિરિયડ ઑફ ટાઇમ તમારા પાર્ટનરમાં માતા જેવા ગુણો દેખાવા લાગે ત્યારે એ પ્રેમમાં પરિવર્તિત થાય છે. - વિરેન ઘાટલિયા
આવાં પણ કારણો
મમ્મીની જેમ કરકરસર કરતી હોય અથવા બચતનો ગુણ હોવો.
મમ્મી જેવી ગૃહિણી અને સુપર કુક હોય તો પ્રેમ થઈ જાય.
સામાજિક વ્યવહારો સાચવવાનો અને મહેમાનોને આવકારવાનો ઉત્સાહ દેખાય.
વડીલોની સેવા કરવાની તૈયારી દાખવે એવી સ્ત્રી પણ આકર્ષે.
સામાન્ય રીતે પૅમ્પરિંગની ડિમાન્ડ વાઇફની હોય છે, પણ એનાથી ઊંધું જોવા મળે તો પુરુષને મમ્મીનું રૂપ દેખાય.
રિલેશનશિપનું રિફ્લેક્શન
ડૉ. સોનલ આનંદ
ઉપરોક્ત સ્ટડી વિશે વાત કરતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં મનોચિકિત્સક ડૉ. સોનલ આનંદ કહે છે, ‘બે-તૃતીયાંશ પુરુષો તેમની માતા જેવી સ્ત્રીઓના પ્રેમમાં પડે છે એવા અભ્યાસને શારીરિક દેખાવ અને ગુણો સાથે નહીં પણ એ વ્યક્તિના માતા-પિતા સાથેના સંબંધને ઇન્ડિકેટ કરે છે. સાઇકોલૉજિકલ રિસર્ચ જેન્ડર બાયસ્ડ નથી. માતા-પિતા સાથે સકારાત્મક સંબંધો હોય એવી વ્યક્તિ સમાન ગુણો ધરાવતી અન્ય વ્યક્તિ તરફ જલદી આકર્ષાય છે. અનેક કેસમાં એવું પણ જોવા મળે છે કે મમ્મીની જેમ મૅચ્યોર્ડ અને કેરિંગ નેચર ધરાવતી મહિલા ઉંમરમાં પોતાના કરતાં મોટી હોય તોય પુરુષો તેના પ્રેમમાં પડે છે. ઘણી વાર એકદમ ઊંધું પણ જોવા મળે છે. બાળપણમાં માતાનો પ્રેમ ન મળ્યો હોય, શરૂઆતથી જ માતા સાથેના સંબંધો મુશ્કેલીભર્યા રહ્યા હોય, માતાનો સ્વભાવ ખરાબ હોય અથવા ઘરનું વાતાવરણ ડહોળાયેલું રહેતું હોય એવા કેસમાં પુરુષ એવી સ્ત્રીને પસંદ નથી કરતો જે તેને માતાની યાદ અપાવે. જોકે પ્રેમ અને લગ્નની પરિભાષા જુદી છે. મોટા ભાગના પુરુષો જીવનસાથીની પસંદગી કરતી વખતે સેક્સ્યુઅલ ઇમ્પ્રિન્ટિંગ એટલે કે જાતીય સંબંધોને ફોકસમાં રાખે છે. વિજાતીય સુંદરતાનું આકર્ષણ હોવું એ કોઈ નવી વાત નથી. સ્ત્રી હોય કે પુરુષ, એકમેકને પસંદ કરવાનાં જુદાં-જુદાં સાઇકોલૉજિકલ કારણો હોઈ શકે છે. જનરેશન ટુ જનરેશન એમાં પરિવર્તન જોવા મળે છે.’