આજકાલ દરેક લગ્નમાં રોટલી અને બ્રેડમાં અઢળક વરાઇટી જોવા મળી રહી છે. પ્લેટમાં સબ્ઝી, ફરસાણ અને મિષ્ટાન માટે જગ્યા ઓછી પડે એટલી બધી વાનગીઓની ભરમાર હોવા છતાં આ સેક્શનમાં ઇનોવેશન્સ ઍડ કરવાની જરૂર કેમ પડી અને કેવા ઑપ્શન આવી ગયા છે જોઈ લો
શાદી મેં ઝરૂર આના
ચીઝ કુલચા
પૂરી, ફુલકા રોટલી, બે પડી રોટલી, રુમાલી રોટી, ભાખરી, બાજરાનો રોટલો, જુવારનો રોટલો, નાન, કુલ્ચા, લચ્છા પરાઠાં, તંદૂરી રોટી, ટૉર્ટિલા, ફોકાચિઆ, બ્રુસેટા.... વેડિંગ મેનુમાં બે-ત્રણ પ્રકારનાં ફરસાણ-મિષ્ઠાન કે પાંચ જાતનાં શાક હવે જૂની વાત થઈ ગઈ. આજકાલ રોટલી અને બ્રેડમાં પણ મહેમાનોને અઢળક ઑપ્શન આપવામાં આવે છે. બુફેના કાઉન્ટર પર આટલીબધી વરાઇટી જોઈને મહેમાનો પણ કન્ફ્યુઝ થઈ જતા હશે કે કઈ રોટલી ખાવી અને એની સાથે કઈ સબ્ઝી ટેસ્ટ કરવાની મજા આવશે? આ સેક્શનમાં ઇનોવેશન્સ ઇન્ટ્રોડ્યુસ કરવાનાં કારણો તેમ જ લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણીએ.
ઑપ્શન્સ કેમ?
ADVERTISEMENT
રોટલી એટલે રોટલી એમાં વળી આટલા બધા ઑપ્શન રાખવાની શું જરૂર છે? કમલેશ કેટરિંગ સર્વિસિસના કમલેશ ઠોસાણી (શાહ) આ સવાલનો જવાબ આપતાં કહે છે, ‘વરાઇટી ઇન્ટ્રોડ્યુસ કરવાનું કારણ છે લોકોમાં આવેલી સભાનતા. આજે ગુજરાતી પ્રજા પણ ડાયટ કૉન્શિયસ બની છે. માત્ર પૂરી જ નહીં, મોટા ભાગની તળેલી વાનગીઓ મેનુમાંથી આઉટ થવા લાગી છે. મેંદો પણ હવે લોકો અવૉઇડ કરે છે. ડાયટિશ્યને ઘઉંની રોટલી ખાવાની ના પાડી હોય એવા મહેમાનોની સંખ્યા વધતી જાય છે તેથી હવે મકાઈ, ચોખા, નાચણી, જુવારની રોટલી બુફેના કાઉન્ટર પર આવી ગઈ છે. ક્લાયન્ટ્સની ડિમાન્ડને જોતાં અને લેટેસ્ટ ટ્રેન્ડ સાથે રહેવા કેટરર્સ પણ નવા-નવા એક્સપરિમેન્ટ્સ કરતા રહે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ કે હવે સૅલડ પણ ક્વૉન્ટિટીમાં જોઈએ છે.’
મક્કે દી રોટી
ચપાતી, રોટલી, ફુલકા આ બધી ફ્લૅટ બ્રેડ વિના કોઈ ભોજન પૂર્ણ થતું નથી. રોટલી બનાવવી એ એક કળા છે. જેમ આપણા દેશના દરેક રાજ્યની જુદી ભાષાઓ છે એવી જ રીતે રોટલીનું પણ અલગ સ્વરૂપ છે. અલગ-અલગ આકાર અને સામગ્રીમાંથી બનાવેલી રોટી, એના પર બટર ડોલપ ભારતીયોનું સ્ટેપલ ફૂડ છે. હવે લોકોને આ સેક્શનમાં હેલ્ધી ઑપ્શન્સ જોઈએ છે એવી જાણકારી આપતાં પ્રતાપ એક્સેલન્સી ફૂડ ઍન્ડ બેવરેજિસના મયૂર ધુલ્લા કહે છે, ‘મહારાષ્ટ્રથી ભાકરી, ગુજરાતનાં થેપલાં, પંજાબથી મક્કી રોટી, કર્ણાટકની અક્કી રોટી, રાજસ્થાનથી મિસી રોટી અને હૈદરાબાદની રૂમાલી રોટલી હંમેશાંથી લોકપ્રિય હતી. જેમ-જેમ એક્સપોઝર વધતું ગયું, લોકો ટ્રાવેલ ફ્રીક બનતા ગયા, રોટલીમાં વેરિએશન ઍડ થતાં ગયાં. ઘઉંમાંથી બનાવવામાં આવતી પરંપરાગત રોટલી હવે વિવિધ લોટના મિશ્રણ અને વેજિટેબલ સ્ટફિંગ સાથે બને છે. રાગી, જુવાર, સોયા, રાજગરા જેવાં અનાજ હવે રસોડા પૂરતાં સીમિત નથી રહ્યાં. એમાંથી બનાવેલી રોટલી લગ્ન માણવા આવતા મહેમાનોને પણ પસંદ છે.’
આ પણ વાંચો : કમાલની કંકોતરીઓ
ઇનોવેટિવ આઇટમ
ઝાતર રોટી
વેડિંગ મેનુમાં મિસ્સી રોટી, તવા ફુદીના પરાઠા, અજવાઇન પરાઠા, પનીર કુલ્ચા, ચિલી ચીઝ કુલ્ચા બધાને ભાવે છે. નાચણી, જુવાર, મકાઈ અને મિસ્સી રોટી ટ્રેન્ડિંગ છે એમ જણાવતાં કમલેશભાઈ કહે છે, ‘કોઈ પણ વેડિંગમાં પાંચથી સાત પ્રકારની રોટલીની વરાઇટી રાખવી પડે છે. આ સીઝનમાં મેથીની ભાજી નાખીને બનાવેલી મિસ્સી રોટી, મક્કી રોટી, અમૃતસરી કુલ્ચા ખૂબ ચાલે છે. રાજમામાંથી બનાવેલી રોટી અને સ્ટફ્ડ પરાઠાં બધાને ટ્રાય કરવાં છે. ફ્લેવર્ડ રોટી આપણે ત્યાં એટલીબધી કૉમન નથી, પરંતુ કલર અને ટેક્સચર જોઈને લોકો ટ્રાય કરે છે. મેક્સિકન અને લેબનીઝ કાઉન્ટર પૉપ્યુલર છે. નવું એક્સપ્લોર કરવાવાળું ઑડિયન્સ વધતાં અમને પણ પોતાની આર્ટ બતાવવાની તક મળે છે અને સર્વ કરવાની મજા આવે છે. જોકે પૅન્ડેમિક બાદ ઘણા પરિવારોએ મેનુમાં કૉસ્ટ-કટિંગ કર્યું હોવાથી ફૅન્સી રોટી ઍડ કરવા પર અમે વધુ ભાર નથી આપતા.’
આ પણ વાંચો : ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા રે
અમૃતસરી કુલચા
અગાઉ ખાદ્યપદાર્થો ચોક્કસ પ્રદેશ સુધી મર્યાદિત હતા, આજે વિશ્વભરની વાનગીઓથી આપણે પરિચિત થયા છીએ. શિયાળાની ઋતુમાં પંજાબમાં સરસોં કા સાગ સાથે મક્કી રોટલી ખાવાનું ચલણ છે. વિન્ટર વેડિંગ મેનુમાં એણે પોતાનું સ્થાન બનાવી લીધું છે એવી માહિતી આપતાં મયૂરભાઈ કહે છે, ‘અમારી ટીમ દ્વારા અઢળક એક્સપરિમેન્ટ્સ કરવામાં આવ્યા છે જેને ઑડિયન્સે ખૂબ પસંદ પણ કર્યા છે. ચણા કુલ્ચા ઉત્તર ભારતીય માટે નાસ્તાનો વિકલ્પ હતો. એમાં વિવિધ પ્રકારનાં સ્ટફિંગ્સ સાથે એ વધુ વિકસિત થયું. એક સમયની બટર નાન હવે નાનઝા (વેજિસ અને ચીઝથી ભરેલા પીત્ઝાની જેમ બનાવેલી નાન) બની ગઈ. ગુજરાતી થેપલાને અમે લોકોએ થેપલા ટાકોસમાં તેમ જ બાજરીના રોટલાને બાજરા કેસેડિયામાં પરિવર્તિત કરી દીધા. નવો સ્વાદ અજમાવવામાં આપણે નિષ્ણાત છીએ. વૈશ્વિક વાનગીઓના અમારા મેનુમાં ઇન્સ લેબનનથી ખુબ્ઝ, ઇટલીથી સાવરડો, એશિયાથી સ્ટફ્ડ ઍન્ડ બૉઇલ્ડ બાઓ વગેરે છે. મેક્સિકન કુલ્ચા જેવા ફ્યુઝન ફૂડ ટ્રેન્ડિંગ આઇટમ છે. રોટલીને ગમે તે શેપમાં અને કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે બનાવવામાં આવે, એ હંમેશાં ભારતીય ભોજનનો અવિભાજ્ય ભાગ બનીને રહેશે.’