ઑસ્ટ્રેલિયા નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા આ દેશમાં તમે માત્ર ૬૦ દિવસમાં નાગરિકતા મેળવી શકો છો : હમણાં લલિત મોદીને કારણે ચર્ચામાં આવેલા આ દેશની વસ્તી માત્ર ૩.૨ લાખ છે
વાનુઆટુ
પુરાણોમાં શ્રીરામના પૂર્વજ સત્યવ્રતની કથા આવે છે, જેઓ સદેહે સ્વર્ગમાં જવા માગતા હતા પણ સ્વર્ગમાં પ્રવેશ ન મળતાં આકાશમાં જ લટકી રહ્યા હતા અને ઇતિહાસમાં ત્રિશંકુ તરીકે વિખ્યાત થયા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લંડનમાં રહેતા ભારતના ભાગેડુ લલિત મોદીની હાલત પણ ત્રિશંકુ જેવી થઈ છે, કારણ કે તેમણે ભારતનો પાસપોર્ટ સરેન્ડર કર્યો છે અને તેમને વાનુઆટુ જેવું અટપટું નામ ધરાવતા દેશ દ્વારા આપવામાં આવેલો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો છે.
પૈસાના બદલામાં પાસપોર્ટ
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો વાનુઆટુ એક એવો દેશ છે જ્યાં તમે માત્ર ૬૦ દિવસમાં નાગરિકતા મેળવી શકો છો. કોઈ વીઝાની ઝંઝટ નહીં, કોઈ કરનો બોજ નહીં અને વિશ્વના ૧૩૦થી વધુ દેશોમાં કોઈપણ વીઝા વિના મુસાફરી કરવાની સ્વતંત્રતા. આ પાસપોર્ટ તમને બ્રિટન, રશિયા, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર સહિતના દેશોમાં મુસાફરીની મંજૂરી આપે છે. આ દેશ એના સુંદર દરિયાકિનારા, શાંત વાતાવરણ અને વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંની સરકાર તમને માત્ર મોટી રકમના બદલામાં સત્તાવાર પાસપોર્ટ આપે છે. આ દેશનું કરમુક્ત જીવન અને આરામદાયક વાતાવરણ એને એવા ધનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે જેઓ ક્યાંય સ્થાયી થયા વિના બીજો પાસપોર્ટ મેળવવા માગે છે. ૧૭૮ દેશોના હૅપી પ્લૅનેટ ઇન્ડેક્સમાં વાનુઆટુને પૃથ્વી ગ્રહ પરના સૌથી ખુશ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
નીરવ મોદી નિષ્ફળ
પ્રદૂષણ અને કોલાહલથી મુક્ત આ દેશ દુનિયાના ધનકુબેરોને ખણખણતા ડૉલરના બદલામાં નાગરિકતા વેચવા માટે જાણીતો છે. વાનુઆટુ માત્ર ૩.૨ લાખની વસ્તી ધરાવે છે. વાનુઆટુની નાગરિકતા મેળવવા માટે એક અરજદારે ઓછામાં ઓછા ૧.૦૮ કરોડ રૂપિયા (૧.૩૦ લાખ ડૉલર)નું રોકાણ કરવાની જરૂર છે, જ્યારે એક પરિવાર (જીવનસાથી અને બે બાળકો)એ ૧.૫૦ કરોડ રૂપિયા (૧.૮૦ લાખ ડૉલર)નું રોકાણ કરવું પડે છે. લલિત મોદી પહેલાં પંજાબ નૅશનલ બૅન્કમાં મોટું કૌભાંડ કરીને ભાગી ગયેલા ગુજરાતી નીરવ મોદીએ પણ પોતાના પરિવાર સાથે વાનુઆટુની નાગરિકતા ગજવે કરવાની કોશિશ કરી હતી, પણ એ નિષ્ફળ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયાનું દબાણ
વાનુઆટુ કરચોરો માટે એટલું મોટું સ્વર્ગ છે કે ૨૦૦૮ સુધી આ દેશ અન્ય સરકારો કે કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને ગુપ્ત ખાતાંની માહિતી જાહેર કરતો નહોતો. વાનુઆટુમાં કોઈ ઇન્કમ-ટૅક્સ, TDS, કૅપિટલ ગેઇન ટૅક્સ, વારસાકર અથવા હૂંડિયામણનાં નિયંત્રણો નથી. ઘણી આંતરરાષ્ટ્રીય જહાજ-કંપનીઓ કરવેરાના લાભો અને અનુકૂળ શ્રમકાયદાઓને કારણે એમનાં જહાજોને વાનુઆટુના ધ્વજ હેઠળ ગણાવવાનું પસંદ કરે છે. હાલમાં ઑસ્ટ્રેલિયા તરફથી લાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય દબાણને કારણે વાનુઆટુ સરકારને પારદર્શિતા વધારવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવાની ફરજ પડી છે.
મુખ્ય વ્યવસાય ખેતી
આ દ્વીપસમૂહ ઉત્તર ઑસ્ટ્રેલિયાથી આશરે ૧૭૫૦ કિલોમીટર પૂર્વમાં, ન્યુ કેલેડોનિયાથી ૫૦૦ કિલોમીટર ઉત્તર પૂર્વમાં, ફિજીથી પશ્ચિમમાં અને સોલોમન ટાપુઓના દક્ષિણ પૂર્વમાં ન્યુ ગિની નજીક આવેલો છે. વાનુઆટુ દેશ ૮૦ ટાપુઓનો બનેલો છે. એના મોટા ભાગના ટાપુઓ વસ્તીવાળા છે, પરંતુ એમાંથી કેટલાક ટાપુઓ ઉપર સક્રિય જ્વાળામુખી છે. વાનુઆટુનો મોટા ભાગનો વિસ્તાર પર્વતીય છે અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોથી ઢંકાયેલો છે. આ આખો વિસ્તાર ભૂકંપગ્રસ્ત છે. આ દેશના ટાપુઓ પર રહેતા મોટા ભાગના લોકો ગામડાંઓમાં રહે છે. તેમની આજીવિકાનો મુખ્ય સ્રોત ખેતીવાડી છે. આ દેશના રિવાજો અને પરંપરાઓ ખૂબ જ પુરાણા છે.
પર્યટકોનું સ્વર્ગ
વાનુઆટુ પર્યટકોનું સ્વર્ગ ગણાય છે. દક્ષિણ પૅસિફિકના કોરલ રીફ્સનું અન્વેષણ કરવા માગતા ડાઇવર્સ માટે વાનુઆટુને રજાનાં શ્રેષ્ઠ સ્થળોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. વાનુઆટુ ઘણા રિયલિટી ટીવી-શોનું માનીતું સ્થળ રહ્યું છે જેણે પર્યટનઉદ્યોગને વેગ આપ્યો છે. રિયલિટી ટીવી-શ્રેણી સર્વાઇવરની નવમી સીઝનનું ફિલ્માંકન વાનુઆટુમાં કરવામાં આવ્યું હતું જેનું શીર્ષક ‘સર્વાઇવર : વાનુઆટુ આઇલૅન્ડ્સ ઑફ ફાયર’ હતું.
ખુશ રાષ્ટ્ર કેમ?
આ નાનકડા રાષ્ટ્રને દુનિયાનું સૌથી ખુશ રાષ્ટ્ર કેમ માનવામાં આવે છે એનું રહસ્ય એ છે કે વાનુઆટુમાં બધી જમીનની માલિકી મૂળ પ્રજાની છે અને એ વિદેશીઓને વેચી શકાતી નથી. વાનુઆટુ રાષ્ટ્રીય આંકડા કાર્યાલય દ્વારા ૨૦૧૧માં કરાયેલા એક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું હતું કે જમીનની પહોંચ ધરાવતા લોકો જમીન વિનાના લોકો કરતાં સરેરાશ વધુ ખુશ હોય છે. આજે દેશના ૨,૯૮,૦૦૦ રહેવાસીઓમાંથી ત્રણ-ચતુર્થાંશ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. મોટા ભાગના લોકો એવી જમીનના માલિક છે જ્યાં તેઓ રહી શકે છે અને પોતાનો ખોરાક જાતે ઉગાડી શકે છે.
આ જ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ડુક્કર, રતાળુ અને દક્ષિણ પૅસિફિક પાક કાવા જેવા માલ વાનુઆટુમાં પૈસા વિના સરળતાથી સુલભ છે. કાવાનો ઉપયોગ તનાવ દૂર કરવા માટે કરવામાં આવે છે. કાવાના છોડના મૂળમાંથી બનેલું પરંપરાગત પીણું વાનુઆટુમાં ખૂબ જ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. કાવાના સમારંભો ધાર્મિક પ્રથાઓ અને સામાજિક મેળાવડાનો એક અભિન્ન ભાગ છે, જે વાનુઆટુના લોકોની આધ્યાત્મિક વિધિઓમાં મોજ લાવે છે. પરંપરાગત કાવા સમારંભોમાં કાવાની તૈયારી અને એનું સેવન ધાર્મિક પ્રક્રિયાઓ ગણાય છે. કાવાના મૂળને પીસીને પાણીમાં ભેળવવામાં આવે છે જેના પરિણામે વાદળછાયું, માટીના જેવા સ્વાદવાળું પીણું બને છે. આ પ્રવાહીને ગાળીને એક સામૂહિક વાટકીમાં પીરસવામાં આવે છે, જેને સહભાગીઓ વારાફરતી નારિયેળની કાચલીમાંથી પીએ છે. કાવા સમારંભોમાં આત્માઓને પ્રાર્થના કરવામાં આવે છે.
વાનુઆટુના લોકોની ખુશીનો બીજો સ્રોત ટાપુવાસીઓનું તેમની પ્રાચીન પરંપરા સાથેનું મજબૂત જોડાણ અને દ્વીપસમૂહના વૈવિધ્યસભર લૅન્ડસ્કેપ્સ છે, જે ખડકાળ પર્વતોથી લઈને કોરલ રીફ સુધીના છે. વાનુઆટુની પ્રજા દ્વારા બોલાતી ૧૩૯ સ્થાનિક ભાષાઓમાંથી ઘણીમાં ‘વાનુઆટુ’નો અર્થ ‘આપણી ભૂમિ’ થાય છે. વાનુઆટુના લોકો દ્વારા બોલાતી મુખ્ય ભાષા સ્વદેશી ભાષાઓ છે.
કામ મહત્ત્વનું નથી
વાનુઆટુ એક સુંદર દેશ છે જેમાં શુદ્ધ કુદરતી વાતાવરણ છે અને લોકો આ પર્યાવરણને શક્ય એટલું સાચવવા માગે છે. ઉદાહરણ તરીકે વાનુઆટુ પ્લાસ્ટિકની પીવાની સ્ટ્રૉ અને પ્લાસ્ટિક બૅગ પર પ્રતિબંધ મૂકનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ઘણા લોકોના જીવનમાં કામ ખૂબ મહત્ત્વનું પાસું નથી. સ્વજનના મૃત્યુ પછી લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે શોક કરે છે અને તેમનાં રોજિંદાં કાર્યોમાં પાછા ફરવા માટે ઉતાવળ કરતા નથી. વાનુઆટુમાં નોકરી કરનારને દર વર્ષે માંદગીની ૨૧ રજાઓ મળે છે. વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ વર્ષમાં ૨૧ જાહેર રજાની પણ સવલત મળે છે.
વિશ્વમાં લોકપ્રિય સાહસિક રમત બંજી જમ્પિંગનાં મૂળિયાં વાનુઆટુમાં નખાયા એવું કહી શકાય.
ઇતિહાસ અસ્પષ્ટ
વાનુઆટુનો ઇતિહાસ અસ્પષ્ટ છે. એના પુરાતત્ત્વીય પુરાવાના રૂપમાં ઈ. સ. પૂર્વે ૧૩૦૦થી ૧૧૦૦ વચ્ચેના માટીકામના ટુકડાઓ અહીંથી મળી આવ્યા છે. ઑસ્ટ્રોનેશિયન ભાષાઓ બોલતા લોકો લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં આ ટાપુઓ પર આવ્યા હતા. સ્પેનના રાજા માટે કામ કરતા પોર્ટુગીઝ સંશોધક પેડ્રો ફર્નાન્ડિસ ૧૬૦૬માં સૅન્ટો ટાપુ પર ઊતર્યા હતા. તેઓ ઑસ્ટ્રેલિયા પહોંચી ગયા હોવાનું માનીને એને ડેલ એસ્પિરિટુ સૅન્ટો અથવા ‘પવિત્ર આત્માની દક્ષિણી ભૂમિ’ કહેતા હતા. ૧૭૭૪માં કૅપ્ટન કુકે ટાપુઓનું નામ ન્યુ હેબ્રીડ્સ રાખ્યું, જે નામ સ્વતંત્રતા સુધી ચાલ્યું હતું.
વર્ષ ૧૮૨૫માં યુરોપિયન વેપારી પીટર ડિલન દ્વારા એરોમાન્ગો ટાપુ પર ચંદનના લાકડાની શોધ થતાં વસાહતીઓનો મોટો ધસારો થયો, જે ૧૮૩૦માં વસાહતીઓ અને પોલિનેશિયન કામદારો વચ્ચેના સંઘર્ષ પછી સમાપ્ત થયો હતો. ૧૮૦૦ના દાયકાની શરૂઆતમાં વાનુઆટુના હજારો લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ફિજીનાં શેરડી અને કપાસનાં ખેતરોમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને ગુલામ બનાવીને ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ પણ લઈ જવામાં આવ્યા હતા. આ યુગને બ્લૅકબર્ડિંગ કહેવામાં આવતું હતું અને એ વીસમી સદીની શરૂઆત સુધી ચાલ્યું હતું.
વાનુઆટુ ટાપુઓમાં ફ્રેન્ચ અને બ્રિટિશ હિતો વચ્ચેના સંઘર્ષને કારણે બન્ને સત્તાઓમાંથી એક અથવા બીજી સત્તાએ આ પ્રદેશ પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવા માટે સ્પર્ધા કરી હતી. જોકે ૧૯૦૬માં ફ્રાન્સ અને બ્રિટન ટાપુઓ પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખવા સંમત થયા હતા. પરિણામે જે સરકાર બની એ બ્રિટિશ-ફ્રેન્ચ કોન્ડોમિનિયમ તરીકે ઓળખાતી વર્ણસંકર સરકાર હતી.
બ્રિટન-ફ્રાન્સનું સંયુક્ત નિયંત્રણ
૧૯૦૬માં આ દેશ બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત નિયંત્રણ હેઠળ આવ્યો હતો. વાનુઆટુમાં પ્રથમ રાજકીય પક્ષની રચના ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી અને એનું મૂળ નામ ન્યુ હેબ્રીડ્સ નૅશનલ પાર્ટી હતું. ફાધર વૉલ્ટર લિની એના સ્થાપકોમાંના એક હતા જે પાછળથી અહીંના વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૪માં પક્ષનું નામ બદલીને વાનુઆકુ પાર્ટી રાખવામાં આવ્યું, જેણે સ્વતંત્રતા માટે સખત પ્રયાસ કર્યો હતો. ૧૯૮૦માં નારિયેળ યુદ્ધ દરમિયાન વાનુઆટુ પ્રજાસત્તાકની રચના થઈ. ૧૯૮૦માં વાનુઆટુ દેશ કૉમનવેલ્થની અંદર એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો હતો. ૧૯૯૦ના દાયકા દરમિયાન વાનુઆટુમાં રાજકીય અસ્થિરતાનો અનુભવ થયો, જેના પરિણામે વધુ વિકેન્દ્રિત સરકાર બની હતી. ૧૯૯૬માં પેમેન્ટ વિવાદને કારણે વાનુઆટુ મોબાઇલ ફોર્સ નામના એક અર્ધલશ્કરી જૂથે બળવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯૯૭થી નવી ચૂંટણીઓની માગણી કરવામાં આવે છે.
બંજી જમ્પિંગનું જનક
વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય સાહસિક રમત બંજી જમ્પિંગના મૂળિયા વાનુઆટુમાં નખાયા એવું કહી શકાય કારણ કે આ રમત વાનુઆટુમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને મનોહર ઉજવણીઓમાંની એક પેન્ટેકોસ્ટ ટાપુ પરની નાગોલ લૅન્ડ ડાઇવ સાથે મળતી આવે છે. આ ઘટના સમુદાયના યુવાનો માટે ધાર્મિક વિધિ અને માર્ગદર્શક બન્ને તરીકે સેવા આપે છે. એમાં ભાગ લેનારા યુવાનો ઊંચા લાકડાના ટાવર પર ચડે છે અને કૂદી પડે છે. તેમના પગની ઘૂંટીઓ પર વેલા બાંધેલા હોય છે. વેલા નીકળી જાય એ પહેલાં તેઓ જમીન પર નીચે પડી જાય છે. આ અદ્ભુત દૃશ્ય માણસ અને જમીન વચ્ચેના જોડાણનું પ્રતીક છે.
કાર્ગો સંપ્રદાય
વાનુઆટુમાં સૌથી વિશિષ્ટ પાસાંઓમાંનું એક કાર્ગો સંપ્રદાયની હાજરી છે. વસાહતી યુગ દરમિયાન જ્યારે લોકો યુરોપિયન વસાહતીઓ પાસે રહેલી ભૌતિક સંપત્તિના સાક્ષી બન્યા ત્યારે કાર્ગો સંપ્રદાયનો ઉદ્ભવ થયો હતો. તેઓ માનતા હતા કે કાર્ગો તરીકે ઓળખાતી આ ભૌતિક સંપત્તિ આત્માઓ તરફથી ભેટ છે અને તેઓ પણ ધાર્મિક વિધિઓ દ્વારા આવી સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે.
કુદરતી આફતો
વાનુઆટુ હજી પણ કેટલાક કુદરતી પડકારોનો સામનો કરી રહ્યો છે. પૅસિફિકના રિંગ ઑફ ફાયરમાં સ્થિત વાનુઆટુ કુદરતી આફતો માટે ખૂબ જ સંવેદનશીલ છે. તાજેતરનાં વર્ષોમાં દરિયાના સ્તરમાં વધારો અને હવામાનની પૅટર્નમાં ફેરફારને કારણે આ ટાપુઓ પર જોખમ ઊભું થયું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના ૨૦૧૪ના અહેવાલ મુજબ આ દ્વીપસમૂહને કુદરતી આફતો માટે વિશ્વનો સૌથી વધુ જોખમી દેશ માનવામાં આવે છે. ૨૦૧૫માં ચક્રવાત પામ ટાપુઓમાંથી પસાર થયું એના કારણે વ્યાપક નુકસાન થયું હતું અને ૭૫ હજાર લોકો બેઘર થયા હતા. આ વિનાશ છતાં રહેવાસીઓએ ઝડપથી પુનઃનિર્માણ શરૂ કરી તેમની શક્તિશાળી સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી.
-સંજય વોરા

