અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના અનેક પ્રકારના વીઝા છે જે મેળવીને પરદેશીઓ હરવાફરવા, ધંધાકીય કામ કરવા, ભણવા, થોડા સમય માટે નોકરી કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા આવાં અનેક કાર્યો માટે જે પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા ઘડવામાં આવ્યા છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના અનેક પ્રકારના વીઝા છે જે મેળવીને પરદેશીઓ હરવાફરવા, ધંધાકીય કામ કરવા, ભણવા, થોડા સમય માટે નોકરી કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા આવાં અનેક કાર્યો માટે જે પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા ઘડવામાં આવ્યા છે એ મેળવવાની લાયકાત દર્શાવીને અમેરિકામાં પ્રવેશીને એ વીઝા હેઠળ જે કાર્ય કરવાની છૂટ હોય એ કરી શકે છે.
કૅનેડિયન સિટિઝનો માટે આવા નૉન-ઇમિગ્રન્ટ વીઝાની શ્રેણી હેઠળ ખાસ ‘TN’ વીઝા ઘડવામાં આવ્યા છે. જે કૅનેડિયન સિટિઝન વ્યક્તિ ‘નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ’ હેઠળ, જેની વ્યાખ્યા પ્રોફેશનલ તરીકે કરવામાં આવી છે, એવા પ્રોફેશનલ હોય અને અમેરિકન માલિક માટે નૉન-ઇમિગ્રન્ટ તરીકે અમેરિકામાં કામ કરવાની ઇચ્છા ધરાવતા હોય તેમને ખાસ પ્રકારના ઘડવામાં આવેલા TN વીઝા આપવામાં આવે છે.
ADVERTISEMENT
કૅનેડિયન નાગરિકે અમેરિકા અને કૅનેડાની બૉર્ડર પર આવેલી ઇમિગ્રેશન ઑફિસમાં અમેરિકન માલિકે તેમને નોકરી ઑફર કરી છે જે નોકરી માટે પ્રોફેશનલ નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ હેઠળ ગણાતા હોય એવા નોકરિયાતની જરૂર છે એવું બૉર્ડર પર આવેલા ઇમિગ્રેશન ઑફિસરને પત્ર આપીને દેખાડવું પડશે. તેમણે સાથે-સાથે તેઓ ડિગ્રીધારક છે એ દર્શાવવા કૉલેજની ડિગ્રી પણ રજૂ કરવાની રહેશે અને ત્યાં સુધીમાં તેમણે જો કોઈ કૅનેડામાં યા અન્ય કશે નોકરીઓ કરી હોય તો એ વિશે બધી જ જાણકારી આપવાની રહેશે. આવા કૅનેડિયનોને વીઝા આપવામાં નહીં આવે પણ TN સ્ટેટસ આપવામાં આવશે જેના પર તેઓ અમેરિકામાં પ્રવેશીને નોકરી કરી શકશે. આવી સવલત મેક્સિકન સિટિઝનો માટે પણ આપવામાં આવી છે.
અનેક પરદેશીઓ જેમણે કૅનેડાની સિટિઝનશિપ પ્રાપ્ત કરી હોય છે તેઓ આ TN વીઝાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. ખોટી ડિગ્રીઓ, બનાવટી એમ્પ્લૉયમેન્ટ લેટરો, આવું-આવું રજૂ કરીને તેઓ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. બૉર્ડર પરના ઇમિગ્રેશન ઑફિસરને જો જરા જેટલી પણ એ કૅનેડિયન સિટિઝન જે મૂળમાં અન્ય કોઈ દેશનો સિટિઝન હોય તેના વિશે શંકા જાય તો તેઓ તેમને TN સ્ટેટસ આપતાં પહેલાં તેમની ઊંડી જાતતપાસ કરે છે અને ખાતરી થતાં તેઓ ખરેખર TN સ્ટેટસ માટે લાયક છે તો જ તેમને અમેરિકામાં પ્રવેશવા દે છે અન્યથા અમેરિકામાં તો પ્રવેશ આપવામાં આવતો જ નથી પણ કૅનેડાની સરકારને તેમની આ છેતરપિંડીની જાણ કરવામાં આવે છે અને ત્યાર બાદ કૅનેડાની સરકાર તેમના પર છેતરપિંડીના આરોપસર કાર્યવાહી કરે છે.