આપણને એવું જ લાગે છે કે આસપાસ રહેલી દરેક વ્યક્તિની નજર ફક્ત આપણા પર જ છે, પણ હકીકતમાં એવું નથી હોતું. જે રીતે આપણા વિશ્વનું કેન્દ્રબિંદુ આપણે હોઈએ છીએ એમ અન્યના વિશ્વનું કેન્દ્રબિંદુ પણ તેઓ પોતે જ હોય છે
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
મારો એક મિત્ર કી-બોર્ડ પ્લેયર છે. સંગીતના કાર્યક્રમોમાં ગાયકની સાથે સ્ટેજ પર રહીને, અન્ય સાજિંદાઓની સાથે તે મ્યુઝિક આપે છે. એક વાર એવું બનેલું કે એક હાઉસફુલ ઑડિટોરિયમની સામે તેઓ એક મ્યુઝિકલ-શોનું પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. ઑડિયન્સમાં લગભગ છસોથી સાતસો લોકો બેઠેલા હતા. સ્ટેજ પરથી એક ગીત પ્રસ્તુત થઈ રહ્યું હતું, બરાબર એ જ વખતે કી-બોર્ડ વગાડી રહેલા મારા મિત્રને જોરથી છીંક આવી.
કોઈ પણ જાતની પૂર્વ-નોટિસ કે રિહર્સલ વગર તેનું નાક વહેવા લાગ્યું. નાકમાંથી છલકાઈને કી-બોર્ડ પર ટપકી રહેલા પેલા ઉપદ્રવી પ્રવાહીને અટકાવવાની મારા મિત્રએ ઘણી કોશિશ કરી, પરંતુ તેના બન્ને હાથ કી-બોર્ડ પર વ્યસ્ત હોવાથી થોડી ક્ષણો સુધી એ ચીકણી જળધારા વહેતી રહી. બીજું કોઈ હથિયાર હાથવગું ન હોવાથી તેણે ટી-શર્ટની બાંયથી આ કુદરતી આફત સામેની રાહત-કામગીરી શરૂ કરી. શો પત્યા પછી આ ઘટનાને કારણે તે ઉદાસ હતો. આનાથી વધારે એમ્બૅરેસિંગ કે શરમજનક બીજી કઈ બાબત હોઈ શકે કે આટલા બધા લોકો તમને નિહાળતા હોય અને અચાનક તમારું નાક વિદ્રોહી થઈ જાય!
ADVERTISEMENT
લોકો તેના પર હસશે, તેની મજાક ઉડાવશે કે તેના મીમ્સ બનાવશે જેવા ભયંકર વિચારો સાથે મારો મિત્ર ગ્રીન-રૂમમાં હતાશ થઈને બેઠેલો. થોડા સમય પછી જેમ-જેમ લોકો તેને મળતા ગયા તેમ-તેમ તેને ખ્યાલ આવતો ગયો કે સ્ટેજ પર બનેલી આટલી મોટી દુર્ઘટના તરફ કોઈનું ધ્યાન જ ગયું નથી. ઑડિયન્સ તો ઠીક, સાથી કલાકારોમાંથી પણ કોઈએ તેની આ ક્ષણિક દુર્દશા વિશે નોંધ નહોતી લીધી. સાનંદ આશ્ચર્ય સાથે તે માનવા તૈયાર જ નહોતો કે જે ક્ષોભજનક ક્ષણ તેને અંદરથી કોરી ખાઈ રહી હતી એ ક્ષણ વિશે તેની આસપાસનું જગત બેધ્યાન અને બેખબર હતું. મિત્રના મનમાં રહેલા ડરનું કારણ હતું સ્પૉટલાઇટ ઇફેક્ટ.
સાઇકોલૉજિસ્ટ જીન પીઆગેટની થિયરી એવું કહે છે કે બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી એવું જ માનતું હોય છે કે આ આખું જગત માત્ર તેને જ નિહાળી રહ્યું છે. ફક્ત તે જ આ જગતનું કેન્દ્રબિંદુ અને સેન્ટર ઑફ ઍટ્રૅક્શન છે. એ હદ સુધી કે બાળકો એવું માનતાં હોય છે કે વસ્તુઓ કે વ્યક્તિઓ ત્યાં સુધી જ અસ્તિત્વમાં રહે છે જ્યાં સુધી તેઓ તેમને નિહાળતા હોય છે. બે વર્ષ પછી ધીમે-ધીમે બાળકને સમજાય છે કે વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. અને એમ છતાં કેટલાય આજીવન એવું માનતા રહે છે કે આ પૃથ્વી ફક્ત તેમની આસપાસ ફરી રહી છે.
આ જગત સતત આપણને નિહાળી રહ્યું છે, આપણી ભૂલો પર ફોકસ કરી રહ્યું છે કે રોજિંદા જીવનમાં થતી આપણી સ્ટુપિડ ભૂલોનું મૅગ્નિફાઇંગ લેન્સથી અવલોકન કરી રહ્યું છે એવી ડરામણી માનસિકતાને ધ સ્પૉટલાઇટ ઇફેક્ટ કહેવાય છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણા પર સતત કોઈ સ્પૉટલાઇટ છે અને આપણી દરેક ભૂલ, છબરડા કે મૂર્ખામીભર્યા કૃત્યની આ જગત નોંધ લઈ રહ્યું છે. વધુપડતા સેલ્ફ-કૉન્શિયસ લોકો પોતાની જાતને એટલું બધું મહત્ત્વ આપી દેતા હોય છે કે ધીમે-ધીમે તેઓ એવું સમજવા લાગે છે કે બધાનું અટેન્શન માત્ર તેમની તરફ જ છે. દરેક આંખ ફક્ત તેમને જ નિહાળી રહી છે. ટૂંકમાં, આપણા દરેક કૃત્ય પર સતત કોઈની નજર છે એવી ભૂલભરેલી સમજણ એટલે સ્પૉટલાઇટ ઇફેક્ટ. આવી માન્યતા લકવાગ્રસ્ત, બીમાર અને નર્વસ કરી દેનારી હોય છે. ભૂલ કે મૂર્ખામી કરી બેસવાનો, મનમાં સતત રહેલો ડર આપણા વ્યક્તિગત વિકાસને રૂંધે છે. આપણી અભિવ્યક્તિને રોકે છે.
ટી-શર્ટ ઇનસાઇડ-આઉટ પહેરાઈ ગયું, વાતો કરતાં કૉફી ઢોળાઈ ગઈ, ચાલતી વખતે ગડથોલિયું ખાધું, પેમેન્ટ કરતી વખતે વૉલેટમાં રૂપિયા ખૂટી પડ્યા, શાંત મીટિંગમાં અચાનક છીંક, ઉધરસ કે હેડકી આવી અને આવું તો કેટલુંય. હકીકત એ છે કે એ અનપેક્ષિત અને ક્ષોભજનક કોઈ Fart moment હોય કે જાહેરમાં થયેલી કોઈ મૂર્ખતા, આપણને એવું જ લાગે છે કે આસપાસ રહેલી દરેક વ્યક્તિની નજર ફક્ત આપણા પર જ છે, પણ હકીકતમાં એવું નથી હોતું.
કારણ એવું છે કે જે રીતે આપણા વિશ્વનું કેન્દ્રબિંદુ આપણે હોઈએ છીએ એમ અન્યના વિશ્વનું કેન્દ્રબિંદુ તેઓ પોતે હોય છે. દરેક વ્યક્તિના મનમાં પોતાના જીવનમાં ચાલતી સમસ્યાઓ, ચિંતાઓ અને તકલીફો હોય છે. પોતાનાં સપનાં, ભવિષ્યના પ્લાન્સ, વ્યક્તિગત સંબંધો અને સામાજિક સંઘર્ષોમાં પરોવાયેલા લોકોને આપણી તરફ નજર કરવાનો, આપણી મૂર્ખામી પર હસવાનો કે એને યાદ રાખવાનો બિલકુલ સમય નથી હોતો. આ વિશાળ જગતમાં આપણું વધુપડતું મહત્ત્વ છે એવી ભ્રમણા અને માન્યતા જ અનેક માનસિક યાતનાઓનું મૂળ છે. આ જગત માટે આપણે એટલા નોંધપાત્ર છીએ જ નહીં કે આપણી ભૂલોનું કોઈ બારીકાઈથી નિરીક્ષણ કરે. જસ્ટ રિલૅક્સ, આપણા એમ્બૅરેસ થવાની કે જાત પર અત્યાચાર કરવાની જરૂર નથી. આ જગતને જીવવાની અને જીવતરની ઉજવણી કરવાની એક જ રીત છે, બનો બિન્દાસ.