ક્યારેક ધનસંપત્તિ પ્રદર્શિત કરી શકાય અને ગૌરવ લઈ શકાય એવી જાહેરાતો છે તો ક્યારેક ધનસંપત્તિ લોકોની નજરે ન પડે એમ છુપાવી રાખવાની અવસ્થા પણ હોય છે
ઉઘાડી બારી
પ્રતીકાત્મક તસવીર
એવું કહે છે કે દસમી-અગિયારમી સદીમાં ગુજરાતમાં જ્યારે સોલંકી યુગ પ્રવર્તતો હતો ત્યારે સિદ્ધરાજ જયસિંહે એક વિશેષ પ્રકારનો કાયદો કર્યો હતો. રાજધાની અણહિલપુર પાટણમાં વસતા નાગરિકોમાં જેઓ ધનવાન હોય તેમણે તેમની ધનસંપત્તિ અનુસાર પોતાના નિવાસસ્થાનની બહાર એક ચોક્કસ પ્રકારનો ધ્વજ ફરકાવવો પડે. રાજા સ્વયં જ્યારે નગરમાં ફરવા નીકળે ત્યારે આ ધ્વજના નિરીક્ષણના આધારે સમજી શકે કે રાજ્યમાં કેટલા ધનવાન છે.
ક્યારેક ધનસંપત્તિ પ્રદર્શિત કરી શકાય અને ગૌરવ લઈ શકાય એવી જાહેરાતો છે તો ક્યારેક ધનસંપત્તિ લોકોની નજરે ન પડે એમ છુપાવી રાખવાની અવસ્થા પણ હોય છે. ઘણા માણસો શ્રીમંત હોવા છતાં પોતાને ગરીબ તરીકે ખપાવે છે અને કેટલાક ગરીબ લોકો પોતે પ્રમાણમાં ઠીક-ઠીક સંપત્તિ ધરાવે છે એવો દેખાવ પણ કરતા હોય છે.
ADVERTISEMENT
પણ આ ગરીબી એટલે શું અને સંપત્તિવાન હોવું એટલે શું આ પ્રશ્ન સમજવા જેવો છે. મોટા ભાગના સંપત્તિવાન અને સફળ માણસો પોતાની બાલ્યાવસ્થા વિશે વાત કરતી વેળાએ પોતે કેવા ગરીબ હતા એનો ઇશારો કરતા જ હોય છે. આજે મુકેશ અંબાણી વિશે પણ વાત કરતી વખતે કોઈક પોતે જાણકાર હોવાનો દાવો કરીને એવું કહેતા હોય છે કે ધીરુભાઈ અંબાણી ધંધાની શરૂઆતમાં મુંબઈના ભુલેશ્વર જેવા નીચલા મધ્યમ વર્ગના વિસ્તારમાં રહેતા અને મુકેશભાઈ તથા અનિલભાઈ ભુલેશ્વરની ભીડ વચ્ચે બૉલ-બૅટ રમતા. આવું અંબાણી પરિવાર માટે છે એવું નથી, લગભગ ઘણાખરા ક્ષેત્રમાં ટોચે પહોંચેલા બાલ્યાવસ્થાની પારિવારિક ગરીબીની વાત એક યા બીજા પ્રકારે કરી લે છે. આ ગરીબી ક્યારેય કોઈના જીવનમાં હોય છે ખરી?
ગરીબી ગોતી જડતી નથી
ગરીબી કોઈ અવસ્થા નથી. ધારો કે તમારી પાસે એકસો રૂપિયાની સંપત્તિ છે. તમારા પાડોશી પાસે એ વખતે બસો રૂપિયાની સંપત્તિ હશે તો એની સરખામણીએ તમે તમારી જાતને ગરીબ માનવા માંડશો. સામજિક સ્તરે પણ જેઓ જાણે છે કે તમારી પાસે સો રૂપિયાની સંપત્તિ છે અને તમારા પાડોશી પાસે બસો રૂપિયાની સંપત્તિ છે તો તેઓ પણ તમને ગરીબ માનવા માંડશે અને પેલા બસોવાળાને સંપત્તિવાન.
પણ આ બસોવાળો સંપત્તિવાન જ્યારે એની શેરીના નાકે વસતા ત્રીજા જણ પાસે પાંચસો રૂપિયાની સંપત્તિ જોશે ત્યારે આ બસોવાળો તેની સરખામણીએ ગરીબ બની જશે. સામાજિક સ્તરે પણ આ બસોવાળો હવે ગરીબ છે. પેલા પાંચસોવાળાની શ્રીમંતાઈ પણ લાંબી નથી ટકવાની. ટૂંક સમયમાં શેરીના નાકે જ બીજો એક હજારવાળો પોતાના ઘરની બહાર વાવટો ફરકાવશે અને પેલા પાંચસોવાળાની પરિસ્થિતિ ગરીબ થઈ જશે. આમ ગરીબી એક અવસ્થાને બદલે એક માનસિક પરિસ્થિતિ બની જાય છે. એ જ રીતે શ્રીમંતાઈ પણ પેલી ગરીબાઈની જેમ જ બદલાતી રહે છે. ક્યારેય કોઈ શ્રીમંતાઈ કે કોઈ ગરીબાઈ લાંબો વખત નભતી નથી એટલું જ નહીં, એની ઓળખાણ માત્ર તાત્પૂરતા તકાદાને કારણે થતી રહે છે.
શાળા-કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ધારો કે મારી પાસે ફી ભરવામાં જરૂરી પાઠ્યપુસ્તકો ખરીદવા માટે પૈસા નહોતા. મારા કેટલાક મિત્રો એ જ સમય દરમિયાન ફટાફટ પુસ્તકો ખરીદતા અને જરૂરી ફી ભરી દેતા. આગલા વર્ષે જેમણે પુસ્તકો ખરીદ્યાં હતાં તે હવે નવા વર્ષમાં આ પુસ્તકોનો ઉપયોગ નહીં હોવાથી મને આપી દેતા. હું એ લઈ લેતો. જ્યારે વાર્ષિક પરીક્ષાઓ આવતી ત્યારે આ શ્રીમંત મિત્રો તેમના અભ્યાસક્રમ માટે મારી પાસે આવતા, હું તેમને શીખવતો અને જ્યારે પરિણામ જાહેર થતું ત્યારે તેઓ પાછળના નંબરે રહેતા અને હું આગળ રહેતો. આગળ રહેવાથી હું શ્રીમંત થઈ જતો નહીં. ગરીબ છું એવો કોઈ સિક્કો પણ લાગતો નહીં. ગઈ કાલે જેઓ શ્રીમંત હતા (અને આજે પણ છે) તેમણે ખુશી-ખુશી પુસ્તકો મને આપ્યાં હતાં. વર્ષોવર્ષ આંકડાઓ એકઠા કરીને એવું સમજાવવામાં આવે છે કે દેશની સમૃદ્ધિ વધતી જાય છે, પણ આ સમૃદ્ધિના આંકડા માયાવી હોય છે. આ આંકડા સામૂહિક ગણતરીના હોય છે. એક વ્યક્તિને આ આંકડાથી હજાર રૂપિયાનો નફો થયો હોય, પણ બીજી નવ વ્યક્તિને આ જ સમયગાળા દરમિયાન નુકસાની થઈ હોય, પરિણામે દેશનો આંકડો અવશ્ય ઊંચો આવે પણ વ્યક્તિગત કે સામાન્ય જીવન સમૃદ્ધ થયું છે એમ કહેવાય નહીં.
ગરીબી અને સમૃદ્ધિ - આ છેડેથી પેલે છેડે
આપણે જ્યારે ગરીબી કે સમૃદ્ધિની વાત કરીએ છીએ, અરે આ બે શબ્દોનો ઉચ્ચાર સુધ્ધાં કરીએ છીએ ત્યારે આપણી નજર સામે ચલણી નોટો, બંગલા, મોટર, સોનારૂપાના ઢગલા આ બધું જ દેખાવા માંડે છે. સમૃદ્ધિ કે ગરીબાઈ એટલે આ બધા સ્થૂળ પદાર્થોનું હોવું કે નહીં હોવું એવો જ અર્થ થાય છે. આ બે શબ્દો સાથે એક વિશેષ અર્થ પણ સમાયેલો છે એ ભૂલી જવાય છે. આ બે શબ્દ એટલે વૈચારિક સમૃદ્ધિ કે વૈચારિક ગરીબાઈ. ઉત્તમ વિચારનું હોવું એક સમૃદ્ધિ છે એ વાત આપણાથી ભુલાઈ જાય છે. એવું કહેવાય છે કે સૉક્રેટિસે જે વિચારો તેમના સમકાલીનોને આપ્યા એનાથી પ્રભાવિત થઈને કોઈએ તેમને કહેલું કે તમારી પાસે આવા વિચારો તો છે પણ આ વિચારોને અમલમાં મૂકી શકાય એવાં સાધનો ક્યાં છે? એવાં સાધનો ઉપલબ્ધ કરવા માટે સૌપ્રથમ તમારે આર્થિક રીતે સમૃદ્ધ થવું પડશે. વૈચારિક સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિના વિકાસ પછી જ મેળવી શકાશે. આના જવાબમાં સૉક્રેટિસે કહેલું - આર્થિક સમૃદ્ધિ એક તાત્પૂરતી આવશ્યકતા છે પણ વૈચારિક સમૃદ્ધિ સમૂહ અને સમાજની શાશ્વતી સમૃદ્ધિ છે. આ શાશ્વતી સમૃદ્ધિ જો સંભાળી લઈશું તો આર્થિક સમૃદ્ધિ તો અવરજવર કર્યા જ કરશે.
સુખ અને સંપત્તિ
પ્રત્યેક માણસ અને ખરું કહીએ તો જીવમાત્ર પોતે માની લીધેલા તત્કાલીન સુખ માટે જ સતત પ્રયત્ન કરતો હોય છે. બે ઓરડીના વસવાટવાળો ત્રણ કે ચાર ઓરડીના ફ્લૅટને સુખ માનતો હોય છે, જ્યારે આવો ફ્લૅટ તેમને મળે છે ત્યારે ઘરમાં વસાવેલાં ટીવી, ફ્રિજ, વૉશિંગ મશીન અને મોટરગાડીને સુખ માને છે. વેગનઆર, એસ્ક્રોસ, સ્વિફ્ટ, ટિયાગો કે એવી કોઈક ગાડી તમારી પાસે હોય એટલે તમે ફરારી, મર્સિડીઝ કે રોલ્સ રૉયસનું સપનું પણ જોવા માંડો છો. આમ સુખ તમારાથી દૂર ભાગે છે. તમે જ એને ભગાડી મૂકો છો. શ્રીમંતાઈનો સાથ તમારી પાસે રહેતો નથી અને તમે ગરીબાઈથી વીંટળાઈ રહ્યા છો એનું પણ સ્મરણ તમને રહેતું નથી.
બોલો, તમે ગરીબ છો કે શ્રીમંત?