આપણી તકલીફો પ્રત્યેની જાગૃતિ જ આપણી સૌથી મોટી રાહત હોય છે. ‘હા, હું ઉદાસ છું’ એવું સ્વીકાર્યા પછી જે રાહત મળે છે એવી નિરાંત ‘હું ઓકે છું’ જેવું જુઠ્ઠાણું બોલ્યા પછી નથી મળતી
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
થોડાં વર્ષ પહેલાંની વાત છે. મારી દિનચર્યા પર્ફેક્ટલી નૉર્મલ હતી. ઊલટું એ સમયે હું મારી જાતને વધારે વ્યસ્ત રાખતો. આમ તો પહેલેથી જ હું વર્કોહૉલિક છું, પણ એ દિવસો દરમ્યાન વ્યસ્ત રહેવા માટે મારે પ્રયત્નો કરવા પડતા. હું સતત લોકોની કંપની ઝંખતો, એકલો રહી ન શકતો અને કામમાં વ્યસ્ત હોવા છતાં એક વિચિત્ર ખાલીપો અનુભવ્યા કરતો. એક દિવસ સવારે એક કૉર્પોરેટ હૉસ્પિટલમાં રાઉન્ડ લઈને હું મારી હૉસ્પિટલ જવા નીકળતો હતો ત્યારે પાર્કિંગમાં અચાનક મારી મુલાકાત એક પ્રિય અને જિગરજાન મિત્ર સાથે થઈ. એ મિત્ર વ્યવસાયે મનોચિકિત્સક છે.
એ મિત્ર હતો એટલે કે પછી એ સાઇકિયાટ્રિસ્ટ હતો એટલે, કારણ જે પણ હોય, પરંતુ એની સાથેની વાતચીત દરમ્યાન અચાનક મારી આંખો ભરાઈ આવી. અંતરમાં દબાવીને રાખેલો લાગણીઓનો દાવાનળ અચાનક ફાટી નીકળ્યો અને મારી આંખોએ જાહેરમાં બળવો પોકાર્યો. ‘હું ઓકે છું’ જેવા તકલાદી અને ખોખલા ભરોસા પર અત્યાર સુધી ટકી રહેલી જાત અચાનક ભાંગી પડી અને મને રિયલાઇઝ થયું કે ‘નો, આઇ વૉઝ નૉટ ઓકે.’ મિત્રના રૂપમાં મારી સામે ઊભેલા મનોચિકિત્સકને એ નિષ્કર્ષ પર પહોંચતાં જરાય વાર ન લાગી કે મને ડિપ્રેશન છે. મારાં બધાં કામ પડતાં મૂકીને તેણે મને પોતાના ક્લિનિક પર બોલાવ્યો. અને એ મુલાકાતે મારી જિંદગી બદલી નાખી.
ADVERTISEMENT
સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે અને બીજો તબક્કો સમર્પણ છે. મેં સ્વીકાર્યું કે હું ડિપ્રેશનમાં હતો. પૂરી શ્રદ્ધા અને સમર્પણથી મેં મારી સારવાર કરાવી, કારણ કે મારે એમાંથી બહાર આવવું હતું. જાતને ખોટા અને ખોખલા દિલાસા આપીને હું થાકી ગયેલો. ક્યારેક રોગ પ્રત્યેની સભાનતા જ આપણી સૌથી શ્રેષ્ઠ સારવાર નીવડે છે. જે અને જેટલી તકલીફો આપણા ‘અવેરનેસ ફીલ્ડ’ની બહાર રહે છે એ જ આપણને હેરાન કરી શકે છે.
આપણી તકલીફો પ્રત્યેની જાગૃતિ જ આપણી સૌથી મોટી રાહત હોય છે. ‘હા, હું ઉદાસ છું’ એવું સ્વીકાર્યા પછી જે રાહત મળે છે એવી નિરાંત ‘હું ઓકે છું’ જેવું જુઠ્ઠાણું બોલ્યા પછી નથી મળતી. ઉદાસ હોઈએ અને છતાં નૉર્મલ દેખાવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે સાત મેઈએ ભ અને કરે કે આપણે જાતને છેતરીએ છીએ. આપણા મનોભાવો સાથે એવું તરાયા કરીએ છીએ. આપણી અંદરનો અવાજ આપણને વિરામ લેવાનું કહેતો હોય અને એને દબાવવા માટે આપણે વધારે જોરશોરથી કામ કર્યા કરીએ છીએ.
પ્રસન્ન ન હોવા છતાં આપણે એટલા માટે કામ કર્યા કરીએ છીએ, કારણ કે ઉદાસ હોવાની સ્વીકૃતિ આપણી પરંપરા, કેળવણી અને પ્રકૃતિથી વિરુદ્ધ છે. આપણને બાળપણમાં કોઈએ શીખવ્યું જ નથી હોતું કે ડિપ્રેશન લાગે ત્યારે શું કરવું? ક્યાં જવું? કોને કહેવું? અને એટલે જ આપણામાંના મોટા ભાગના લોકો ઉદાસીની હાલતમાં પણ પોતાની નોકરી, વ્યવસાય કે પ્રવૃત્તિ કર્યા કરે છે.
આ પ્રકારના ડિપ્રેશનને ‘High Functioning Depression’ કહેવાય છે, જેમાં પીડિત ઉદાસી છુપાવવા માટે પોતાના બનતા પ્રયત્ન કરે છે. પોતાના કથળી ગયેલા માનસિક સ્વાસ્થ્યની જાણ આ જગતને ન થઈ જાય એ માટે એ જાતને સતત પ્રવૃત્તિશીલ કે વ્યસ્ત રાખે છે. પોતાની ઉદાસી પર કોઈ પ્રવૃત્તિ કે કામની ચાદર ઢાંકીને તે વ્યક્તિ જગત સામે પરાણે હસતી રહે છે. તેના ચહેરા પર રહેલી બનાવટી સ્વસ્થતા અને વ્યક્તિત્વની શાંત લાગતી સપાટી પરથી તેની ભીતર ફાટી નીકળેલા યુદ્ધનો અંદાજ પણ નથી આવતો.
હકીકતમાં આ પ્રકારનું ડિપ્રેશન એક ‘રેડ અલર્ટ’ છે, જેમાં આપણી જાત આપણને કહી રહી છે કે અત્યાર સુધી જગતની સામે જે પાત્ર આપણે ભજવતા આવ્યા છીએ એ પાત્ર ભજવીને એ થાકી ગઈ છે. કંટાળી ગઈ છે અને એ જ તક છે આપણી મૂળભૂત જાતને અનાવૃત્ત કરવાની. ડિપ્રેશન આપણી ‘ઓરિજિનલ સેલ્ફ’ને મળવાનો ચાન્સ આપે છે. આપણી આસપાસ રચેલાં દંભ, આડંબર, શણગાર અને સૃષ્ટિ ખરી પડે છે ત્યારે જે બાકી રહી જાય છે એ આપણી જાત છે અને ત્યારે સમજાય છે કે એક અંતરનો અવાજ દબાવવા માટે આપણે કેટલા બધા ઘોંઘાટનો સહારો લેતા હોઈએ છીએ.
એવું બિલકુલ જરૂરી નથી કે ઉદાસ રહેલી વ્યક્તિ કાયમ એક ખૂણામાં બેસીને રડતી જ હોય. એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ તે પોતાનાં બધાં કામ, જવાબદારીઓ અને સંબંધો નિષ્ઠાપૂર્વક નિભાવતી હોય અને છતાં એ ઉદાસી કે હતાશાથી પીડાતી હોય એવું બિલકુલ શક્ય છે. કોઈ પણ પ્રવૃત્તિ, સથવારા કે કામની ગેરહાજરીમાં કશું જ કર્યા વગર પણ જો આપણું ચિત્ત પ્રસન્ન રહેતું હોય તો આપણે નીરોગી છીએ. જે ક્ષણે આપણું એકાંત આપણને ખૂંચવા માંડે એ ક્ષણે સમજવું કે ઉદાસી માથું ઊંચકી રહી છે. કામ ગમવું જોઈએ પણ કામની ગેરહાજરીમાં નવરાશ પણ એટલી જ ગમે એ આવશ્યક છે, કારણ કે નવરાશની પળોમાં આપણી મુલાકાત જાત સાથે થતી હોય છે અને એ જ્યારે ‘કેમ છો?’ પૂછે છે ત્યારે એ સારો નહીં, સાચો જવાબ માગતી હોય છે.