નૃત્યકાર ઉદય શંકરનું ઇન્ડિયા કલ્ચર સેન્ટર આર્થિક તંગીના કારણે બંધ થઈ ગયું અને ગુરુ દત્ત અલ્મોરાથી કલકત્તા પાછા આવી ગયા અને જીવનમાં નવી દિશાની તલાશ શરૂ થઈ.
દેવ આનંદ અને ગુરુ દત્ત
નૃત્યકાર ઉદય શંકરનું ઇન્ડિયા કલ્ચર સેન્ટર આર્થિક તંગીના કારણે બંધ થઈ ગયું અને ગુરુ દત્ત અલ્મોરાથી કલકત્તા પાછા આવી ગયા અને જીવનમાં નવી દિશાની તલાશ શરૂ થઈ. અલ્મોરામાં નૃત્યની સાથે બીજી કલાઓમાં પારંગત થવાની તક અચાનક છીનવાઈ જવાથી ગુરુ દત્ત નાસીપાસ થઈ ગયા હતા. આગળ શું કરવું એ સૂઝતું નહોતું. ત્યારે ફરી એક વાર અંકલ બેનેગલ તેમની સંકટ સમયની સાંકળ બનીને આવ્યા.
ગુરુ દત્તને લઈને તે પુના આવ્યા અને પ્રભાત ફિલ્મ કંપનીના ભાગીદાર બાબુરાવ પાઈ સાથે મુલાકાત કરાવી. એ દિવસોમાં પ્રભાત સ્ટુડિયો દ્વારા અનેક સફળ ફિલ્મોનું નિર્માણ થયું હતું. કંપનીની પૉલિસી હતી કે નવા આશાસ્પદ કલાકારોને પ્રોત્સાહન આપવું. એ હિસાબે અનેક નવી પ્રતિભાઓને ત્યાં મોકો મળતો. ગુરુ દત્ત સાથે બાબુરાવે ડાન્સ ડિરેક્ટર તરીકે ૫૦ રૂપિયાના પગાર લેખે ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ કર્યો અને આમ ૧૯૪૫માં ગુરુ દત્તના જીવનના નવા અધ્યાયની શરૂઆત થઈ. ફિલ્મ ‘લાખારાની’ના એક ગીતમાં તેમણે ગ્રુપ ડાન્સર તરીકે કામ કર્યું. એ સમયે તે ડિરેક્ટર વિશ્રામ બેડેકરના અસિસ્ટન્ટ તરીકે પણ કામ કરતા હતા. એ દિવસો દરમ્યાન જ ગુરુ દત્તની રુચિ ફિલ્મોના નિર્દેશન માટે વધવા લાગી. એ પહેલાં તેમનો રસ નૃત્યકલામાં હતો પરંતુ ધીમે-ધીમે તેમનું મન ડિરેક્ટર બનવાનાં સપનાં જોવા લાગ્યું.
એ દિવસોમાં લાહોરથી આવેલા દેવ આનંદ પ્રભાતની નવી ફિલ્મ ‘હમ એક હૈં’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા પુના આવ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર હતા પી. એલ. સંતોષી. દેવ આનંદનો
ADVERTISEMENT
પગાર હતો મહિનાના ૩૫૦ રૂપિયા, જે એ દિવસોમાં બહુ મોટી રકમ હતી. ગુરુ દત્તની જેમ જ એ પણ પ્રભાત કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા.
એક દિવસ સવારે દેવ આનંદની રૂમ પર ટકોરા પડ્યા. તેમણે પૂછ્યું, ‘કૌન હૈ?’
‘મૈં કપડે લાયા હૂં.’ ધોબીનો છોકરો તુકારામ બોલ્યો.
દેવ આનંદે કપડાં લીધાં અને જોયું તો તેમના મનગમતા શર્ટને બદલે બીજા કોઈનું શર્ટ આવી ગયું હતું. ગુસ્સામાં તેમણે કહ્યું, ‘આ મારું શર્ટ નથી. લાગે છે તારા પિતાને કામ કરવામાં રસ નથી.’ તુકારામ ડરી ગયો. તેણે એક પછી એક રૂમના દરવાજા ખટખટાવીને શર્ટ માટે પૂછવાનું શરૂ કર્યું. અંતે એક રૂમમાં તેને જવાબ મળ્યો. ગુરુ દત્ત એક શર્ટ લઈને તેની પાસે આવ્યા અને દેવ આનંદને કહ્યું, ‘લાગે છે ભૂલમાં મારા શર્ટને બદલે તમારું શર્ટ મને આપી ગયો છે.’
દેવ આનંદ અને ગુરુ દત્ત હસી પડ્યા. આ હતી તેમની પહેલી મુલાકાત. બંનેએ એકમેકની ઓળખ આપી. ‘હમ એક હૈં’માં ગુરુ દત્ત અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને એમાં એક નાનો રોલ ભજવ્યો. ફિલ્મમાં બીજા હીરોના રોલમાં રહેમાન કામ કરતા હતા. એટલે ત્રણેય યુવાનો એકમેકની નિકટ આવ્યા. સાથે હરવું, ફરવું, ખાવું, પીવું અને કામ કરવું. દરેક પોતપોતાનાં સપના અને સીક્રેટ એકમેક સાથે શૅર કરતા. એક દિવસ દેવ આનંદે કહ્યું, ‘ગુરુ, જ્યારે હું પ્રોડ્યુસર બનીશ ત્યારે તને ડિરેક્શનની જવાબદારી આપીશ.’
પ્રતિસાદ આપતાં ગુરુ દત્તે દેવ આનંદને કહ્યું, ‘જ્યારે હું પ્રોડ્યુસર બનીશ ત્યારે તને હિરોનો રોલ આપીશ.’
જ્યારે મિત્રો સાચા દિલથી એકમેકને વચન આપે છે ત્યારે નિયતિ પણ એમાં સાથ આપતી હોય છે. ભવિષ્યમાં બંનેએ એકમેકને કરેલો વાયદો પૂરો થાય એવી પરિસ્થિતિ સર્જાવાની હતી. દેવ આનંદ અને ગુરુ દત્ત જીવનભર એકમેકના મિત્ર રહ્યા. પ્રેમ નામના શસ્ત્રથી ઘાયલ થવું ગમે એ ગમે ત્યારે ગમે તેને ઉગામો તમે
પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી હોતો. એ ક્યારે, કોને, કેવી રીતે અને શા માટે થાય છે એની ચર્ચા કરવી નકામી છે. મુગ્ધાવસ્થામાં એક જુવાળ આવે છે અને એ સમયે તમે સાનભાન ભૂલીને પ્રેમ પદારથનું સેવન કરવા લાગો છો. આ એક સહજ, પ્રાકૃતિક ઘટના છે જેમાંથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. ગુરુ દત્ત પણ એમાંથી બાકાત નહોતા.
‘હમ એક હૈં’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ગુરુ દત્ત કામદેવના બાણથી ઘાયલ થયા અને પ્રેમમાં પડ્યા. બન્યું એવું કે ફિલ્મના ડાન્સ ડિરેક્ટર તરીકે તેઓ વિજયા દેસાઈ નામની એક ડાન્સરના પરિચયમાં આવ્યા, નિકટતા વધી. આપણી કમનસીબી છે કે જે ઉંમરે પ્રેમ કરવાનો હોય ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય અનિવાર્ય ગણાય છે. એક દિવસ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
ગુરુ દત્તનાં માતા વાસંતી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ગણેશપૂજાના દિવસો ચાલતા હતા ત્યારે એક દિવસ અચાનક ગુરુ અને વિજયા ઘરે આવ્યાં. બંનેએ મારા ચરણસ્પર્શ કર્યા. ગુરુએ વિજયાની ઓળખ આપી કહ્યું, ‘મા, આ તારી પુત્રવધૂ છે.’ અમે તેની ખુશીમાં રાજી હતા. આમ પણ તેની ઉંમર પરણવાલાયક હતી એટલે અમને બીજો કોઈ વાંધો નહોતો. અમે તેમને આશીર્વાદ આપ્યા. એ જ દિવસે સાંજે બંનેએ વિદાય લીધી.’
આ ઘટના બની એના થોડા જ દિવસોમાં પુનાના એક વકીલ ખાજિગીવાલાનો પત્ર ગુરુ દત્તનાં માબાપ પર આવ્યો. એમાં લખ્યું હતું કે હજી ગુરુ દત્ત સગીર વયના થાય એમાં થોડા મહિના બાકી છે. જો તે હમણાં લગ્ન કરશે તો એ ગેરકાયદેસર ગણાશે અને તેની ધરપકડ થશે. પરિવાર ચિંતામાં પડી ગયો. તેમણે ગુરુ દત્તને આ વાતની જાણ કરી, પણ તે મક્કમ હતા.
વાસંતી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક દિવસ શ્રીમતી ખાજિગીવાલ અમને મળવા આવ્યાં અને કહ્યું કે ગુરુ અને વિજયાનાં લગ્ન જલદી કરાવી લો. અમને થયું કે નક્કી કૈંક ગરબડ છે. અમે વિજયા વિશે તપાસ કરી તો જાણવામાં આવ્યું કે પુનામાં એવી અફવા ફેલાયેલી હતી કે વિજયા અને પેલો વકીલ એકમેક સાથે રિલેશનશિપમાં છે. આ કારણે વકીલની પત્ની ઇચ્છતી હતી કે જલદીથી થઈ જાય તો સારું. શું સાચું અને શું ખોટું એ અમને ખબર નહોતી પડતી. અમે ગુરુને આ વિશે વાત કરી પરંતુ તે સાંભળવા તૈયાર નહોતો.’
ગુરુ દત્તની જીવનકથાના લેખક યાસિર ઉસ્માન લખે છે, ‘મરાઠી વર્તમાનપત્રમાં ગુરુ દત્ત અને વિજયાનાં લગ્નની જાહેરાત આવી. ગુરુ દત્તના નિકટના મિત્રને ખબર પડી કે વકીલ ધરપકડનું વૉરન્ટ લઈને આવવાના છે એટલે તેમણે ગુરુ દત્તને મુંબઈ મોકલી આપ્યા. એ પછી શું થયું કે એ લગ્ન કદી થયાં જ નહીં.’
ગુરુ દત્તના નિકટના સાથી અને લેખક નિર્દેશક અબ્રાર અલ્વી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ગુરુ દત્ત પ્રભાતમાં કામ કરતા હતા ત્યારે વિજયા દેસાઈ નામની એક અભિનેત્રી સાથે તેમનું પ્રકરણ ખૂબ જાણીતું થયું હતું. બંને લગ્નની વેદી પર ચડવા તૈયાર હતાં પણ એ શક્ય ન બન્યું, કારણ કે એ દિવસોમાં ગુરુ દત્ત કોઈ મોટી હસ્તી નહોતા. તેથી વિજયાના પરિવારે આ લગ્નનો વિરોધ કર્યો એટલું જ નહીં, તેમણે ધક્કા મારીને ગુરુ દત્તને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.
આજે ગુરુ દત્ત કે વિજયા દેસાઈ હયાત નથી પણ પ્રભાત છોડ્યા બાદ ગુરુ દત્તે જે નામ-દામ મેળવ્યાં એ જોઈને વિજયાને જરૂર પસ્તાવો થયો હોત. શ્રીમતી ગુરુ દત્ત તરીકે તેને સમાજમાં માન-સન્માન મળ્યાં હોત. થોડીક મરાઠી ફિલ્મો અને નાટકોમાં તેણે કામ કર્યું પણ એ ભૂમિકાઓ નગણ્ય જ રહી. તેની મૂડી એક જ હતી, ગુરુ દત્તે લખેલા પત્રો જે તેણે ક્યારેય પ્રગટ ન કર્યા. છેવટ સુધી એ પત્રો પોતાની પાસે જતન કરીને સાચવી રાખ્યા.’
પ્રેમ ફૂલ જેવો છે. મહેકવું અને કરમાવું એની નિયતિ છે. સમય જતાં કાગળનાં ફૂલ પણ જીર્ણશીર્ણ થઈ જાય છે. આ સત્ય સ્વીકારવું સહેલું નથી. ખાસ કરીને પ્રથમ પ્રેમની નિષ્ફળતા વ્યક્તિને છિન્નભિન્ન કરી નાખે છે. વિજયા સાથેના નિષ્ફળ પ્રેમપ્રકરણની પીડાને ગુરુ દત્ત મૌનના મુખવટાથી ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતા, પણ માતા વાસંતીથી એ જોવાતું નહોતું.
ગુરુ દત્તની એ હાલતની વાત કરતાં તેઓ કહે છે, ‘ગુરુની માનસિક સ્થિતિ જોઈ અમને ડર લાગતો. થતું કે આ હાલતમાંથી તેને જલદી ઉગારવો જોઈએ. મને લાગ્યું તેને એક જીવનસાથીની જરૂર છે. એટલે મેં હૈદરાબાદમાં રહેતી મારી કઝિનની પુત્રી સુવર્ણા પસંદ કરી. તે અને ગુરુ મળ્યા. એકમેકને માટે હા પડી. બંને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. અમારા જીવને શાંતિ થઈ કે હવે ગુરુ અને સુવર્ણા ઠરીઠામ થઈને સુખેથી જીવન ગુજરશે.’
પરંતુ નિયતિની ડાયરીમાં ગુરુ દત્તનું ભાવિ કૈંક અલગ જ લખાયું હતું. જ્યારે આપણે એમ માનીએ છીએ કે હવે બધું સમુંસૂતરું ચાલશે ત્યારે જ ગાડી અટકી જાય છે. અચાનક એવું બન્યું કે સુવર્ણાએ ગુરુ દત્તના પત્રોના જવાબ આપવાના બંધ કર્યા. તેનાં માતાપિતા વાસંતીના ફોનકૉલ્સને અવગણીને બહાનાં કાઢવા લાગ્યાં. એની પાછળનું સાચું કારણ શું હતું એ વાત આવતા શનિવારે.

