ગયા અઠવાડિયે આપણે ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ જે ૧૪ પ્રકારના જીવોને મૃત માન્યા છે એની વાત રામચરિતમાનસમાં લખી હતી એની વાત શરૂ કરેલી.
સત્સંગ
આશિષ વ્યાસ
ગયા અઠવાડિયે આપણે ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ જે ૧૪ પ્રકારના જીવોને મૃત માન્યા છે એની વાત રામચરિતમાનસમાં લખી હતી એની વાત શરૂ કરેલી. આ માટે એક સૂત્રની વાત થઈ હતી જેમાં कौल कामबस कृपिन बिमुढा। अति दरिद्र अजसी अतिबुढा।। સૂત્રમાં સમાયેલાં ૭ લક્ષણોની વાત કરી હતી. આજે બાકીનાં ૭ લક્ષણોની વાત કરીશું -
सदा रोगबस संतत क्रोधी।
बिश्नु बिमुख श्रुति संत बिरोधी।।
तनु पोषक निंदक अघखानी।
जीवत सव सम चौदह प्रानी।।
ADVERTISEMENT
૮. सदारोगबस અહીં રોગી એવો શબ્દ નથી વપરાયો, પણ રોગબસ કહ્યું છે. અર્થાત્ રોગને વશ થઈ ગયો છે. જે જીવન એવા પ્રકારે જીવ્યો છે કે તન રોગી થઈ ગયું અને એનો પ્રતિકાર કરવામાં તે સમર્થ નથી અને રોગને આધીન થઈ ચૂક્યો છે.
૯. संतत क्रोधी વાત-વાતમાં અને વિચાર કર્યા વિના બસ માત્ર ક્રોધ કર્યા કરે છે. જેના સ્વભાવમાં જ ક્રોધ ઘર કરી ગયો છે અથવા જે તામસી પ્રકૃતિવાળો છે.
૧૦.बिष्नु बिमुख અહીં વિષ્ણુ વિમુખનો અર્થ ભગવાનમાં શ્રદ્ધા ન ધરાવતો અથવા વિષ્ણુ ભગવાન અને તેના અવતારોમાં જેને શ્રદ્ધા ન હોય તેવો.
૧૧. श्रुति संत बिरोधी એટલે વેદનો અને સંતોનો વિરોધી. વેદ અને પુરાણ આ બધું દંભ છે અને ખોટું છે. એ તો બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે બધું કર્યું છે. પૂજાપાઠની જરૂર જ શું છે? અને સંતોનાં છિદ્ર જોનારો સંતોનાં સત્કાર્યોની પણ ટીકા કરનારો અને સંતોનો વિરોધ કરનારો.
૧૨.तनु पोषक માત્ર પોતાનું પેટ ભરવામાં પોતાને હોશિયાર માનનારો. ભાગવતમાં લખ્યું છે કે માત્ર સ્વકેન્દ્રીથી પોતાની ઉદરપૂર્તિ માટે જ પ્રયત્ન કરનારો. તેને પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પણ ફિકર ન હોય. માત્ર પોતાને જ સુખ મળે એવું વિચારનારો તનુ પોષક કહેવાય.
૧૩. निंदक બીજાની નિંદા કરનારો. જેનો સમય વ્યર્થ વાતોમાં જતો હોય અને પારકી પંચાતમાં જ તેને આનંદ આવતો હોય.
૧૪. अघखानी અધખાની એટલે દોષથી ભરેલો, ઉપરના તમામ જેમાં હોય એ.
રામચરિતમાનસમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજીએ આ ૧૪ લક્ષણો ધરાવતી વ્યક્તિને જીવતી હોવા છતાં એને મૃત માની છે. ભલે તે જીવે પણ તેના જીવનનો કોઈ અર્થ નથી. પ્રેમ એ જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. જેના હૃદયમાં પ્રેમની સરિતા વહે છે તેને જ સમૃદ્ધ કહેવાયો છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનને પ્રેમમાર્ગે લઈ જવું જોઈએ. પ્રેમ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. પ્રેમ એ હિન્દુની પહેચાન છે. આ પ્રેમ માનવને ધર્મથી પ્રાપ્ત થાય છે. ધર્મ જ પ્રેમની સરિતા વહાવી શકે છે અને પ્રેમ જ વ્યવહારજગતમાં ધર્મનું રૂપ ધારણ કરે છે. એટલા માટે તો હિન્દુ સંસ્કૃતિ વિશ્વગુરુ હતી, વિશ્વગુરુ છે અને વિશ્વગુરુ રહેશે.