ડોનલ્ડ ટ્રમ્પે હમણાં તેમની ઇલેક્શનની રૅલીના એક ભાષણમાં એવું જણાવ્યું કે અમેરિકા જે એક ખૂબ સુંદર દેશ હતો એને ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા અને ત્યાં ગેરકાયદે રહેતા તેમ જ કામ કરતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સે ‘કચરાનો ડબ્બો’ બનાવી નાખ્યો છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ તેમ જ આગામી પ્રેસિડન્ટપદની ચૂંટણીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે હમણાં તેમની ઇલેક્શનની રૅલીના એક ભાષણમાં એવું જણાવ્યું કે અમેરિકા જે એક ખૂબ સુંદર દેશ હતો એને ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા અને ત્યાં ગેરકાયદે રહેતા તેમ જ કામ કરતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સે ‘કચરાનો ડબ્બો’ બનાવી નાખ્યો છે. શું આ વાત સાચી છે કે અમેરિકા હવે એક સુંદર દેશને બદલે ‘ગાર્બેજ કૅન’ બની ગયો છે?
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ તેમ જ આગામી પ્રેસિડન્ટપદના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પના આ ઉદ્ગારો અક્ષરેઅક્ષર સાચા માની લેવાની જરૂર નથી. તેમના મતે અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તેમનું મંતવ્ય છે, પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની પણ બે બાજુ છે. એ વાત સાચી છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ કાયદાનું ઉલ્લંઘન કરે છે. અમેરિકા જે રોજગારીનો દર છે એનાથી અત્યંત ઓછા દરે કામ કરીને અન્ય અમેરિકનોના રોજગારીના દરમાં ભંગાણ પડાવે છે. થોડા ઘણા આવા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અમેરિકન સિટિઝનની નોકરી પણ છીનવી લે છે, પણ સાથે-સાથે ઇલીગલ ઇમિગ્રન્ટ્સની નઠારી વાતો જોડે સારી વાતો પણ છે. અમેરિકામાં જે કાર્યકરોની ખોટ છે, તેમનાં ખેતરોમાં કામ કરવા માટે મજૂરોની જે અછત છે, વાહનો ચલાવવા માટે, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંઓમાં કામ કરવા માટે તેમ જ અન્ય નીચલી કક્ષાનાં કાર્યો કરવા માટે અને ઉચ્ચ પ્રકારનાં કાર્યો કરવા માટે જે કાર્યકરોની ખોટ છે એ ખોટ થોડા ઘણા અંશે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પૂરી પાડે છે. અમેરિકા ખૂબ મોટો દેશ છે, પણ એની વસ્તી એ દેશના વિસ્તાર મુજબ ખૂબ ઓછી છે અને આથી અમેરિકાના દરેક કાર્યક્ષેત્રમાં કાર્ય કરનારાઓની ખોટ વર્તાય છે. જે ખોટ થોડે ઘણે અંશે આવા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પૂરી પાડે છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સ સામાન્ય અમેરિકન નાગરિકો કરતાં ખૂબ સસ્તા દરે કામ કરે છે. આથી ફાયદો અમેરિકન સિટિઝનોને જ થાય છે. આમ અમેરિકાને કામ કરતી વ્યક્તિઓની ખૂબ જરૂર છે, જે જરૂરિયાત કાયદેસરના ઇમિગ્રન્ટ્સ તેમ જ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પણ થોડે ઘણે અંશે પૂરી પાડે છે. બાકી, એવું કહેવું કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સે સુંદર અમેરિકાને કચરાનો ડબ્બો બનાવી નાખ્યો છે એ અતિશયોક્તિ નહીં, સદંતર ખોટી વાત છે. ઊલટાનું અમેરિકાને સુંદર રાખવામાં તેમણે તેમનો ફાળો નોંધાવ્યો છે. જોકે એક વાત નક્કી છે કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવું કે કામ કરવું ગુનો છે. જો તમારે અમેરિકામાં જઈ કામ કરવું હોય, કાયમ રહેવું હોય તો એ માટે જુદા-જુદા પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ તેમ જ ઇમિગ્રન્ટ વીઝા છે.