અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રજાને સંબોધતાં આપેલી તેમની ઉદ્ઘાટન-સ્પીચ વીતેલી એક સદીમાં કોઈ પણ પ્રેસિડન્ટે ન આપી હોય એવી સ્પીચ છે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રજાને સંબોધતાં આપેલી તેમની ઉદ્ઘાટન-સ્પીચ વીતેલી એક સદીમાં કોઈ પણ પ્રેસિડન્ટે ન આપી હોય એવી સ્પીચ છે. તેમણે અમેરિકન પ્રજા સાથે સમગ્ર જગતને પણ જાણે ખુલ્લેઆમ કહી દીધું છે કે તમે બધા પણ અમેરિકાને (વાંચો ટ્રમ્પને) શહેનશાહ સમજીને ચાલો. જોકે ટ્રમ્પના આ નિવેદનને દરેક દેશ પોતાની રીતે મૂલવશે, એની સામે પોતાની શક્તિ-સૂઝ મુજબ લડશે, આ માટે દરેક દેશે પોતાની સમર્થતા વિકસાવવી જોઈશે. ભારતીય પ્રજાએ અને ભારત સરકારે ઇન્ડિયા ફર્સ્ટ માટે પૉઝિટિવ સ્પિરિટ વિકસાવવો જોઈશે. અમેરિકાના પડકારોને ઝીલવા સજ્જ થવું જોઈશે. આ વખતના બજેટમાં સંભવતઃ અમેરિકાના પડકારો સામે સજ્જ થવાનાં કદમ હોઈ શકે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ તેમના સ્વભાવ મુજબ સત્તા પર આવ્યા એવા દેખાયા, તેમણે ચૂંટણીના પ્રચારમાં જે કહ્યું હતું અથવા તેમના વિશે જે ચર્ચાઓ ચાલતી હતી એ બન્ને સાચાં ઠર્યાં. આત્મવિશ્વાસ કરતાં વધુ અભિમાન અને આક્રમકતા સાથે ટ્રમ્પે પહેલા દિવસની સ્પીચમાં જ પોતાના સ્વભાવનાં દર્શન કરાવી દીધાં. આ દર્શનમાંથી જે-તે દેશ સબક અને સંકેત લઈ શકે. આ સ્પીચની નિંદા થઈ શકે તો પ્રશંસા પણ થઈ શકે, કારણ કે પોતાનો દેશ પ્રથમ, પોતાની પ્રજા પ્રથમ એ સૂત્ર દરેક પાસે હોવું જોઈએ પરંતુ એ માટે દેશે સમર્થ બનવું પડે. ખેર, અત્યારે તો આપણે ટ્રમ્પસાહેબની દાદાગીરી અને બધાના બાપ બનવાના ઇરાદાવાળાં વાણી-વલણને સમજવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
જગતના બાપ બનવાની દાદાગીરી?
ટ્રમ્પના સોગંદવિધિ સમયના પ્રવચનનું પહેલું જ વિધાન અને લક્ષ્ય કહે છે, અમેરિકા ફર્સ્ટ... બાકી બધાનું જે થવાનું એ થાય (બાકી બધા જાય તેલ લેવા, એવો અર્થ પણ નીકળી શકે). તેમણે ચૂંટણીના પ્રચાર વખતે જે જણાવેલું એ દોહરાવતાં કહ્યું કે મેક અમેરિકા ગ્રેટ અગેઇન, અમેરિકાને ફરી મહાન બનાવીએ. આમાં તેમના અમેરિકાપ્રેમ(?) સાથે અહંકાર પણ છલકાતો હતો. તેમણે કહ્યું છે કે અમેરિકા આખા જગતનો તાત-બાપ છે અને રહેશે; બીજા બધા દેશોએ અમેરિકાની નીચે રહેવાનું છે અને અમેરિકાને, એમની સલામતી માટે એની વાતો-શરતોને માનતા રહેવાનું છે. ટ્રમ્પે સીધી અને સ્પષ્ટ વાત એ પણ કહી છે કે અમેરિકા હવે પછી પોતાને બધી જ રીતે શક્તિશાળી બનાવવા અને ઉત્પાદન ક્ષેત્રે ઊંચે જવા બીજા દેશોમાંથી થતી આયાત પર ડ્યુટી વધારશે. તેમનો સંદેશ એ છે કે અમેરિકા બીજા દેશોને સમૃદ્ધ બનાવવા પર નહીં, પરંતુ પોતાને સમૃદ્ધ બનાવવા પર જોર આપશે.
ટૅરિફ વૉર, મેક ઇન અમેરિકા
અમેરિકન પ્રેસિડન્ટે ધારણા મુજબ આવતાંની સાથે ટ્રેડ ટૅરિફ વૉરનો આરંભ કરી દીધો છે, જેની અસર દરેક દેશ તેમ જ વૈશ્વિક વેપાર પર થશે. તેમણે પોતાના દેશના નાગરિકોને (દુનિયાને પણ) એક સંદેશ એ પણ આપ્યો છે કે મેક ઇન અમેરિકા અને હાયર ઇન અમેરિકા. અર્થાત્ અમેરિકાને અને અમેરિકનને જ ચાન્સ આપો, પ્રમોટ કરો; બીજાઓની સર્વિસ ન લો. ફર્સ્ટ અમેરિકા અને ફર્સ્ટ અમેરિકન. આનો એક સંકેત ભારત માટે એ થાય કે H-1B વીઝા પર અમેરિકામાં કામ કરતા-રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં રોજગાર-નોકરીની તકોને અસર થશે. જોકે આ અસર કેટલા પ્રમાણમાં થશે એ કહેવું કઠિન છે, કારણ કે ટ્રમ્પ ભલે કહે કે ફર્સ્ટ અમેરિકા, ફર્સ્ટ અમેરિકન; પરંતુ આમ પ્રૅક્ટિકલી થવું સરળ નથી, આ વાત-વચન પર ત્યાંની પ્રજા રાજી થાય, તાળી વગાડે એ જુદી વાત છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે ટ્રમ્પે ટૅલન્ટેડ ભારતીય માટેના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે એવું પણ સ્પષ્ટ કર્યું છે. જોકે ઓવરઑલ તો ટ્રમ્પે ભારત સહિત દરેક દેશ સામે પડકાર ફેંક્યો છે : બોલો, કિસમેં કિતના હૈ દમ?
બાય ધ વે, ટ્રમ્પના પ્રવચન બાદ ભારતીય માર્કેટમાં હેવી કરેક્શન નોંધાયું, કેમ કે આયાત-જકાતની ચિંતા વધી. નોંધનીય એ પણ છે કે ૨૦૨૫ના અત્યાર સુધીના સમયમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ વેચવાલી કરી બેઠા છે. આમ પણ ઘણા સમયથી તેઓ ભારતીય બજારમાં સેલર્સ વધુ રહ્યા છે. રૂપિયાની ડૉલર સામેની નબળાઈ ઉપરાંત ખુદ ડૉલરની વધતી જતી મજબૂતી અને અમેરિકન ઇકૉનૉમી માટે નવેસરથી આરંભાયેલા આક્રમક પ્રયાસની અસર તેમના રોકાણપ્રવાહને થાય એ સ્વાભાવિક છે.
મોદીની અને ટ્રમ્પની સ્પીચનો ફરક
આપણે અહીં નરેન્દ્ર મોદી જ્યારે ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે તેમનાં સૂત્રોને યાદ કરીએ તો નજર સામે ભારત પ્રત્યેની ગરિમા, પ્રેમ જ નહીં; ઘણુંબધું નોખું અને નક્કર કરી બતાવવાનો ઉત્સાહ-ઉમળકો ઊભરાતો-છલકાતો જોવા મળ્યો હતો. તેમણે કહેલું, અચ્છે દિન આએંગે અને મોદી સરકારે એક દાયકામાં એમાંથી કેટલું પુરવાર કર્યું એ નજર સામે છે અને ચર્ચાનો વિષય પણ છે. અલબત્ત, આપણે અહીં રાજકીય દૃષ્ટિએ તુલના કે વિશ્લેષણ કરતા નથી, પરંતુ મોદીના પ્રવચનમાં ભારતને આગળ અને ઊંચે લઈ જવાની વાતો અને વિશ્વાસ હતો અને છે, સબ કા સાથ સબ કા વિકાસનો મંત્ર હતો અને છે. એમાં ક્યાંય બીજા દેશોને પાછળ પાડી દેવાની મનોવૃત્તિ કે મનસા નથી, પોતે જ ઉત્તમ છે અને સૌની ઉપર જ રહેશે એવા મનસૂબા કે ભાવ વ્યક્ત થતા નથી. આત્મસન્માનની વાત હતી, પરંતુ અહંકારની વાત નહોતી. મેક ઇન ઇન્ડિયા હતું અને છે, પણ બીજા દેશોને પોતાના ગુલામ બનાવવાની ઇચ્છા નહોતી અને આજે પણ નથી. દાદાગીરીનો ચસકો નહોતો, પણ આત્મનિર્ભરતા માટેનો ઉત્સાહ ચોક્કસ હતો અને છે.
અમેરિકા સૌથી મોટું કરજદાર
ટ્રમ્પે અમેરિકાને સુવર્ણકાળમાં લઈ જવાનું સપનું સેવ્યું છે, જ્યારે કે એ હાલ કરજથી છલોછલ દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ છે. બીજી બાજુ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીને સૌથી વધુ મહત્ત્વ આપવા માગે છે, કહેવાય છે કે એને ટ્રમ્પ ડૉલર બનાવવા માગે છે. તેમણે વધતી મોંઘવારીની ચિંતા પણ વ્યક્ત કરી છે અને એનર્જી પ્રાઇસના ઉછાળાને જવાબદાર ગણાવ્યા છે. આ નિવેદન વૈશ્વિક સ્તરે એનર્જી પ્રાઇસને અસર કરશે. આ માટે લાંબા ગાળાનું આયોજન થશે એમ ચોક્કસ સમજી શકાય. ટ્રમ્પે પોતાને અમેરિકાના રક્ષક તરીકે ગણાવ્યા છે. ૨૦૧૭માં જ્યારે ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા ત્યારે તેમણે જે સ્પીચ આપી હતી એના કરતાં આ વખતની સ્પીચ સાવ ઊંધી છે. ૨૦૧૭માં તેમણે સ્પીચમાં અમેરિકા સંબંધી ઢગલાબંધ નેગેટિવ વાતો કરી હતી, જ્યારે આ વખતે આક્રમક વાતો અને વાણી સાથે તેમણે અમેરિકામાં હવે સુવર્ણ યુગ શરૂ થયો હોવાનો દાવો કર્યો.
આ વખતે એક વાત જે આંખે ઊડીને વળગી એમાં ટ્રમ્પે ટેક બિલ્યનેર્સને પોતાની કૅબિનેટના પ્રતિનિધિઓ કરતાં વધુ માનનું સ્થાન આપ્યું હતું. અર્થાત્ ઈલૉન મસ્ક, માર્ક ઝકરબર્ગ, સુંદર પિચાઈ વગેરે જેવી હસ્તીઓ ટ્રમ્પની આસપાસ હતી; જ્યારે કે કૅબિનેટ પ્રતિનિધિઓ સામે બેઠા હતા. ટ્રમ્પ અને ઈલૉન મસ્ક વિશે ક્યારની જે વાતો ચાલે છે એ જગજાહેર છે. આમાં વળી ક્રિપ્ટોકરન્સીનું તત્ત્વ ઉમેરાયું છે, એ પણ જાહેર છે. ટ્રમ્પ અમેરિકામાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી ખર્ચયોજના ધરાવે છે. એમાં રોડ, બ્રિજિસ, અન્ય નેટવર્ક સામેલ થાય છે. આ વચનો તેમણે પહેલી વખતની મુદતમાં આપ્યાં હતાં જેનો વારો હવે નીકળશે. જો આપણા દેશમાં લોકો મોદીની વાતો-વચનોની ટીકા કરતા હોય તો શું તેમને ટ્રમ્પની વાતો-વચનો વાજબી લાગે છે?
ભારત મજબૂત બનતું રહ્યું છે
નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ માટેના સંદેશમાં કહ્યું છે કે ભારત-અમેરિકા સાથે મળીને કામ કરશે અને વિશ્વ માટે બહેતર ભાવિ ઘડશે. જોકે ટ્રમ્પ ભારત સાથે કેવો વ્યવહાર રાખે છે એના પરથી હવે ધીમે-ધીમે પડદો ખૂલશે એમ જણાય છે. એક મહત્ત્વની વાત એ છે કે આજની તારીખમાં ભારત વધુ મજબૂત દેશ બન્યો છે, ભારતની વિકાસની સંભાવના વધુ ઊંચે ગઈ છે. એમર્જિંગ (ઊભરતા) દેશોમાં ભારત એકમાત્ર ઝડપીમાં ઝડપી આર્થિક વિકાસ કરતો દેશ છે ત્યારે અમેરિકાને પણ ભારતની જરૂર ખરી. અલબત્ત, અમેરિકાનો ભરોસો કેટલો કરાય એ સવાલ કાયમ રહ્યો છે, એમ ટ્રમ્પનો પણ કેટલો ભરોસો કરાય એ સવાલ પણ છે જ. અમેરિકા ભારત સાથે પણ વેપારસંબંધો વિશે વાટાઘાટ કરી પોતાનાં હિતોને કઈ રીતે વધુ સારી રીતે સાચવવાં એના પર ભાર મૂકશે, જો વિશ્વને અમેરિકાની જરૂર હોય તો અમેરિકા સહિતના જગતને ભારતની પણ જરૂર છે. અલબત્ત, ભારતે વધુ ને વધુ શક્તિશાળી બનવા પર જોર આપવું જોઈશે. ભારતે-મોદી સરકારે અમેરિકાના પડકારો સામે વધુ સમર્થ બનવા યુદ્ધના ધોરણે સજ્જ-સક્રિય બનવું જોઈશે. અત્યારે તો ટ્રમ્પે દરેક દેશ સામે વેપાર અને વિકાસની હરીફાઈનું યુદ્ધ જાહેર કરી દીધું છે. પરિણામ સમય સાથે આવતાં જશે.
ટ્રમ્પ વિશે કહેવાતી વાતો-અફવા
ભારતમાં એક વર્ગ વડા પ્રધાન મોદીને એક સમયે ફેંકુ કહેતો (આજે પણ કહેતો હશે), તેઓ ટ્રમ્પ વિશે શું કહેશે? છે હિંમત કંઈ કહેવાની? જોકે અમેરિકન મીડિયા બેધડક કહે છે કે ટ્રમ્પ ખોટું બોલવામાં માહેર છે. તેમના પરના કથિત હુમલા પણ પ્લાન્ટેડ હોવાનું કહેવાય છે. જગતની સૌથી વિશાળ લોકશાહી કહેવાતા આ કન્ટ્રીમાં ટ્રમ્પે ૧૦૦ ઑર્ડર્સ એક જ દિવસમાં સહી કરી દીધા, આમાં કોઈની મંજૂરી કઈ રીતે લેવાઈ એ સવાલ પૂછવા કોઈ રેડી નથી. ટ્રમ્પનાં અત્યારનાં પગલાં આમ જુઓ તો ભારતમાં મોદી સરકારે લીધેલાં કેટલાંક પગલાં સમાન જણાય છે. મેક ઇન અમેરિકા (મેક ઇન ઇન્ડિયા), વિદેશી રોકાણને આકર્ષવા કરરાહતોની ઑફરો, આત્મનિર્ભર ભારતની જેમ પ્રથમ અમેરિકા અને અમેરિકન, રોજગાર સર્જન વગેરે.
માર્કેટ ટ્રેન્ડ માટે ટ્રમ્પનાં ટ્વીટ જોયા કરો
હાલ તો વિવિધ દેશોની ઇકૉનૉમી અને માર્કેટને ટ્રમ્પની વૉલેટિલિટીની સૌથી વધુ ચિંતા હોઈ શકે. કહે છે કે સ્ટૉકમાર્કેટના ટ્રેન્ડને સમજવા-જાણવા માટે હવે ચાર્ટ, બૅલૅન્સશીટ કે આર્થિક આંકડા જોવાને બદલે ટ્રમ્પ રોજેરોજ શું ટ્વીટ કરે છે એ જોવાનું રાખવું.
દાવોસના વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ટ્રમ્પના દાવા અને દાદાગીરી
ડોનલ્ડ ટ્રમ્પની ઇનૉગરલ સ્પીચ બાદ દાવોસની સ્પીચ પણ ચર્ચાનો વિષય બની. આનું કારણ એ છે કે ટ્રમ્પનાં વર્તમાન નિવદેનો વિવિધ દેશો માટે સમયના પડકાર ગણાય એવાં છે. ટ્રમ્પ હાલ બેફામ બોલી રહ્યા છે. તેઓ તરંગ અને તુક્કાના માણસ પણ ગણાય છે, વિવાદાસ્પદ બોલવું અને ઍક્શન લેવી એ તેમની ફિતરત છે, કારણ કે આ માણસ જ બેફિકર બિહેવ કરતો માણસ છે. તેમ છતાં તેમનાં કથન કે નિવેદનોની ઉપેક્ષા થઈ શકે એમ નથી. ખેર, દાવોસ ખાતેના વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં તેમણે વિડિયો મારફત જે સ્પીચ આપી હતી એને ધ્યાનમાં લઈએ તો ટ્રમ્પે કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રને અમેરિકામાં વિકસાવો અને જો એમ ન કરી શકતા હો અને આયાત મારફત આગળ વધવા માગો તો ઊંચી આયાત-જકાત ભરવા તૈયાર રહો. તેમણે અમેરિકામાં ખાનગી રોકાણને આકર્ષવા ગાજર અને લાઠી બન્ને બતાવવાની નીતિ અપનાવી છે, જે માટે તેમણે જણાવ્યું છે કે અમેરિકામાં આવો અને તમારી પ્રોડક્ટ અહીં બનાવો, જો આમ કરશો તો તમને દુનિયાના સૌથી નીચા દરે ટૅક્સ લાગુ કરવામાં આવશે.
ટ્રમ્પનું લક્ષ્ય એ છે કે અમેરિકા જકાત અને કરવેરા મારફત પોતાની આવક વધારે અને એમ કરતાં જઈ એના પરના કરજનો બોજ ઘટાડતું જાય. તેમનું મિશન છે અમેરિકાની ઇકૉનૉમીનું ઝડપી રિવાઇવલ. આ માટે તે આર્થિક વિકાસને વેગ આપવા વ્યાજદરના ઘટાડા માટે પણ ઇશારા કરી રહ્યા છે. ટ્રમ્પ હાલ દરેક મોરચે છવાઈ જવા માગે છે અને આ માટે તે યેન કેન પ્રકારેણ કંઈ પણ કરવા તૈયાર છે. તેમને અમેરિકન અને દુનિયાના તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં રસ છે. તેથી જ તેમણે આ વક્તવ્યમાં યુદ્ધો બંધ કરવા તરફ પણ સંકેત આપ્યો છે.