Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > પશુઓનો ઇલાજ એટલો પણ સરળ નથી...

પશુઓનો ઇલાજ એટલો પણ સરળ નથી...

Published : 29 April, 2023 03:32 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મૂંગાં પશુઓનો ઇલાજ અઘરો તો હોય જ છે, પરંતુ પશુઓના ડૉક્ટર્સને ફક્ત પશુઓ સાથે જ નહીં; એમને પાળનારા માણસો સાથે પણ પનારો પડે છે. એક તરફ પેટ્સને પોતાના બાળકની જેમ રાખતા અતિ સંવેદનશીલ મુંબઈગરાઓ અને બીજી તરફ પશુને ફક્ત શો-ઑફ માટે પાળતા લોકો વચ્ચે..

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



પશુઓના ડૉક્ટર્સને કૉમિક કૅરૅક્ટર બનાવીને ઘણી ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. ઘોડા કે હાથીને લગાવવાનાં જમ્બો ઇન્જેક્શન્સ સાથે જોવા મળતાં આ વિચિત્ર કૉમેડી કૅરૅક્ટર્સ હસવા પૂરતાં તો ઠીક છે પરંતુ રિયલ લાઇફમાં પશુઓના ડૉક્ટર્સનું કામ અને એમનું એમના પ્રોફેશન માટેનું સમર્પણ જોઈએ તો ચોક્કસ માન થઈ આવે. મુંબઈ જેવા શહેરમાં પેટ લવર્સની સંખ્યા વધતી જાય છે અને ઘરે-ઘરે લોકો કૂતરાં-બિલાડાં તો શું ગિની પિગ, હેમસ્ટર્સ અને કાચબા પણ પાળવા લાગ્યા છે. મહત્ત્વનું એ છે કે જેને તકલીફ છે એ પ્રાણીઓ તો બોલી નથી શકતાં છતાં એમના દર્દને કે તકલીફને સમજીને એનો ઇલાજ કરવાનો હોય છે. આ મુશ્કેલી ઓછી હોય એમ પશુઓના ડૉક્ટર્સને ફક્ત એમના દરદીનો ઇલાજ નથી કરવાનો હોતો, પરંતુ એના માલિકો સાથે પણ તાલમેલ ગોઠવવાનો હોય છે જે ક્યારેક કોઈ પરિસ્થિતિમાં અઘરું સાબિત થાય છે. 
તુંડે-તુંડે મતિર્ભિન્નાનો અર્થ એ છે કે જેટલા જુદા-જુદા લોકો એટલી જુદી-જુદી એમની સમજ. પ્રાણીને ઘરમાં લાવીને એનો ઉછેર કરવો એ કોઈ નાની વાત તો છે નહીં. 
ખૂબ મોટી જવાબદારી છે. આ જવાબદારીને ઘણા લોકો અતિ સંવેદનશીલતાથી અપનાવે છે, ઘણા નથી અપનાવી શકતા. આ વિરોધાભાસ ઘણી વખત ડૉક્ટરની જૉબ અઘરી કરી મૂકે છે. આજે મુંબઈમાં ઘણાં વર્ષોથી પ્રૅક્ટિસ કરતા પશુઓના ડૉક્ટર્સને પૂછીએ કે એમના પ્રોફેશનની શું ચૅલેન્જિસ છે? કેવા-કેવા પ્રૉબ્લેમ્સ એમના પ્રોફેશનનો ભાગ બની ચૂક્યા છે. 
પશુઓનાં નખરાં 
મૂંગાં પશુઓને ઠીક કરવાં એટલું સરળ નથી એ તો સમજી શકાય. આપણને લાગે છે કે માણસનાં જ નખરાં હોય છે, પણ એવું નથી હોતું. પશુઓનાં પણ એટલાં જ નખરાં હોય છે એમ સમજાવતાં અંધેરીમાં પ્રૅક્ટિસ કરતા વેટરિનરિયન ડૉ. ચેતન પરમાર જણાવે છે, ‘મારી પાસે એક વાર એક લૅબ્રૅડોરનો કેસ આવ્યો. એને ટીક ફીવર થયો હતો. આ તાવ માટે ૨૧ દિવસ ફરજિયાત દવા લેવી પડે. સામાન્ય રીતે પશુઓને એના ખોરાક સાથે ભેળવીને અમે દવા આપવાનું સૂચવતા હોઈએ છીએ. આ લૅબ્રૅડોર રોટલી સિવાય બીજું કશું જ ખાતો નહોતો. ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એ બીજો કોઈ ખોરાક ખાય જ નહીં, ફક્ત રોટલી જ ખાય. અને રોટલી સાથે દવા આપીએ તો ન ખાય. પછી છેલ્લે મેં સૂચવ્યું કે દવાને પીસીને રોટલીના લોટમાં નાખો અને પકવો. હવે આમાં તકલીફ એ હતી કે દવાને ગરમ ન કરાય. કરીએ તો એનો પાવર ઓછો થઈ જાય. છતાં કોઈ ઉપાય જ નહોતો. એટલે થોડું બૅલૅન્સ કર્યું. ટેમ્પરેચર દવાને હાનિ ન પહોંચાડે એ રીતે દવા આપી અને એને ઠીક કર્યો.’ 
હાઇપર પેરન્ટ્સ 
આ સિવાય બીજી મહત્ત્વની તકલીફ એ છે કે ઘણા માલિકો માટે એમનું પેટ એમના ઘરનું બાળક હોય છે. પેટને એકાદ છીંક આવે કે થોડી ખાંસી આવે તો પણ ઉપર-નીચે થઈ જતા હોય છે. આ લોકો પોતાના પેટ માટે અતિ ઇમોશનલ હોય છે. અતિ કાળજી પણ સારી નથી હોતી એમ જણાવતાં ડૉ. ચેતન પરમાર કહે છે, ‘એ લોકો એટલા હાઇપર હોય છે કે પહેલાં અમારે એમને સંભાળવા પડે છે. એક કેસ મને યાદ છે કે જેમાં પેટ એકાદ દિવસ સુસ્ત રહ્યું તો ખુદ એની બ્લડ-ટેસ્ટ કરીને મારી પાસે આવ્યા. મને કહે છે કે એનું હીમોગ્લોબિન ૧૨ છે, મારો ડૉગ એનીમિક થઈ ગયો. ડૉક્ટર, પ્લીઝ એને દવા આપો. મેં એમને સમજાવ્યા કે આને ઓછું ન કહેવાય. તો એમની પાસે હિસ્ટરી હતી કે પહેલાં એનું હીમોગ્લોબિન ૧૩ હતું, હવે ૧૨ થયું છે. તમે એને દવા આપો. એ એક પણ વાતે સમજતા નહોતા. એટલે ન ઇચ્છવા છતાં મેં એને આયર્ન સપ્લિમેન્ટ્સ આપ્યા. એનાથી કશું નુકસાન નહોતું થવાનું પણ એની જરૂર પણ નહોતી. આવા પેરન્ટ્સને શાંત કરવા અમારે આવું કરવું જ પડે છે.’ 


ડૉ. ચેતન પરમાર અને ડૉ. અનિલકુમાર સિંહ



અમારું પેટ તો વેજિટેરિયન જ! 
સહજ છે કે જે ઘરમાં બધા લોકો શાકાહારી હોય એ લોકો પોતાના ઘરમાં કોઈ પણ કારણસર માંસાહાર ન જ લાવે. પરંતુ તકલીફ એ છે કે મોટા ભાગના કૂતરાઓ અને બધા જ પ્રકારની બિલાડીઓ માંસાહારી પ્રજાતિ છે. પશુ તમારા ઘરનું સદસ્ય બની શકે છે પરંતુ એને માણસ તરીકે ગણીને પોતાની વસ્તુઓ એના પર થોપવી યોગ્ય નથી. આદર્શ રીતે શાકાહારી ઘરોમાં પેટ્સ ન હોયાં જોઈએ, પરંતુ એવું થતું નથી એમ સમજાવતાં જોગેશ્વરીમાં પેટ ક્લિનિક ધરાવતા ડૉ. અનીલ કુમાર સિંહ કહે છે, ‘અમારી પાસે આવા લોકો આવે ત્યારે અમે સમજાવીએ છીએ કે એમને જબરદસ્તી વેજિટેરિયન બનાવીને એક રીતે તમે એમની સાથે અન્યાય કરી રહ્યા છો. તમારા પેટનો ગ્રોથ એવો નહીં થાય જેવો થવો જોઈએ. એનું શરીર અને તાસીર બધું અલગ છે. એમાંના ઘણા સેન્સિબલ હોય છે અને આ ભેદ સમજે છે, પરંતુ ઘણા લોકો નથી સ્વીકારી શકતા. છતાં પેટને પોતાના જીવનથી દૂર નથી કરી શકતા. એટલે અમને તેઓ ફોર્સ કરે છે કે અમે ઉપરથી એવાં સપ્લિમેન્ટ આપીએ જેને કારણે પેટનો ગ્રોથ વ્યવસ્થિત થાય. એને કોઈ કમી ન રહે. માણસ એક એવું પ્રાણી છે જે સમગ્ર દુનિયાને પોતાની રીતે બદલવા ઇચ્છે છે, જે યોગ્ય નથી.’
દેખાડા માટે જોઈએ છે પેટ 
એક વર્ગ એવો પણ છે મુંબઈમાં જેમણે પોતાના ઘરમાં સારી બ્રીડનાં પેટ્સ એટલે રાખ્યાં છે, કારણ કે એમને શો-ઑફ કરવું છે. બીજા લોકોના ઘરમાં પેટ્સ જોઈને એમને પણ લાગે છે કે અમારા ઘરમાં પણ પેટ છે. એવા પણ લોકો છે જે ભાવુક થઈને પેટને ઘરે તો લઈ આવ્યા પરંતુ હવે એનું ધ્યાન કેમ રાખવું એ ખબર પડતી નથી. એવા પણ છે જેમને બાળકો નથી એટલે એ પેટ ઘરે લઈ આવ્યા હોય, પરંતુ ઘરમાં કોઈને એના માટે સમય જ ન હોય. આ બધા જ પ્રકારના પેટ-પેરન્ટ્સ ડૉક્ટર્સના કામને વધુ ચૅલેન્જિંગ બનાવે છે. 


ડૉ. જિનેશ શાહ


બેદરકારી ભારે પડે છે 
એ કઈ રીતે એ સમજાવતાં મલબાર હિલમાં પ્રૅક્ટિસ કરતા ડૉ જિનેશ શાહ કહે છે, ‘અમારું કામ છે મૂંગાં પશુઓને ઠીક કરવાનું. પશુ તો ખુદ બોલી નથી શકતું કે એને શું થાય છે. એની માહિતી અમારે આ પેરન્ટ્સ પાસેથી જોઈતી હોય છે. કોઈ પણ દરદી હોય, એની હિસ્ટરી જ્યાં સુધી વ્યવસ્થિત રીતે ડૉક્ટર પાસે ન હોય ત્યાં સુધી એનો ઇલાજ કઈ રીતે શક્ય બને? આવા ઘરોમાં મોટા ભાગે પેટની કાળજી નોકરો રાખતા હોય છે. એ નોકરોને પેટની કશી પડી હોતી નથી. મેં જોયું છે કે નોકરને કહ્યું હોય કે પેટને વૉક કરવા લઈ જા તો એ નીચે લઈ જઈ પેટને એક જગ્યાએ બાંધીને પોતે મોબાઇલ પર ચોંટેલા હોય છે. અમારી પાસે પણ એ નોકરો જ પેટને લઈને આવે છે. આપણે પૂછીએ કે શું થાય છે, કાલે શું ખાધું હતું, કેટલા દિવસથી આ તકલીફ છે તો આવા મૂળભૂત પશ્નોના જવાબ પણ એની પાસે હોતા નથી. અથવા તો કઈ પણ ખોટું-સાચું કહી દે. એટલે ખરેખર શું થાય છે એ સમજવું અઘરું બની જાય. અમે કહેતા હોઈએ 
છીએ કે પેટ એ જવાબદારી છે. જો ઉપાડી શકો તો જ એને ઘરમાં રાખો. પણ લોકો સમજતા જ નથી. હાઇપર પેરન્ટ્સ અમારા માટે મોટો પ્રૉબ્લેમ નથી જેટલા આવા પેરન્ટ્સ કે જેને પાળતુ પ્રાણીની કશી પડી નથી અમને પ્રૉબ્લેમ આપે છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2023 03:32 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK