આવું માનવું છે સામાન્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે જે કંપનીમાં જોડાયેલાં એ પ્રભુદાસ લીલાધરના જ ૯૬ ટકા શૅર ઍક્વાયર કરીને ચૅરપર્સન બનવાનો માઇલસ્ટોન અચીવ કરનારાં અમીષા વોરાનું.
ટુ ધ પૉઇન્ટ
અમીષા વોરા
આવું માનવું છે સામાન્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે જે કંપનીમાં જોડાયેલાં એ પ્રભુદાસ લીલાધરના જ ૯૬ ટકા શૅર ઍક્વાયર કરીને ચૅરપર્સન બનવાનો માઇલસ્ટોન અચીવ કરનારાં અમીષા વોરાનું. ઇન્વેસ્ટમેન્ટ તેમ જ વેલ્થ મૅનેજમેન્ટ સેક્ટરમાં નવો ઇતિહાસ રચનારાં આ ગુજરાતી મહિલા કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત છે ત્યારે વાંચો ‘મિડ-ડે’ માટે આશુતોષ દેસાઈ સાથે કરેલી પ્રોફેશનલ અને પર્સનલ સફરની અલકમલકની વાતો
હું આજે પણ ઘણી વાર કહું છું કે મને એ લોકો બહુ ગમે જે મને ‘ના’ પાડે, કારણ કે લોકો મને ‘ના’ પાડે એટલે એક વાત નક્કી જ થઈ જાય કે હવે આ તો હું કરવાની જ છું. ‘ના’નો મતલબ હું ક્યારેય ‘ના’ લેતી જ નથી લાઇફમાં.
ADVERTISEMENT
ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ મૅનેજમેન્ટ ક્ષેત્રની સફરની શરૂઆત કઈ રીતે થઈ?
મારી કરીઅર ખૂબ નાની ઉંમરે શરૂ થઈ ચૂકી હતી. ૨૧ વર્ષની ઉંમરે તો હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈ ચૂકી હતી, કારણ કે મેં મારા ગ્રૅજ્યુએશન સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો કોર્સ શરૂ કરી દીધો હતો. સી.એ. પછી મેં જે. એમ. ફાઇનૅન્શિયલમાં રિસર્ચ ઍનલિસ્ટ તરીકે મારી કરીઅરની શરૂઆત કરી. ત્યારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) નવું-નવું શરૂ થયું હતું અને એ વખતે પ્રોફેશનલ કાર્ડ (એક્સચેન્જ મેમ્બરશિપ) મળતું હતું. આ ૧૯૯૧ની વાત છે. મને જે. એમ. ફાઇનૅન્શિયલમાં બે વર્ષ થઈ ચૂક્યાં હતાં; પણ સતત કંઈક નવું કરવાનો, નવાં જોખમો સામે બાથ ભીડવાનો મારો સ્વભાવ રહ્યો છે. આથી એ સમયે એક સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એનએસઈનું કાર્ડ લીધું હતું અને પાર્ટનરશિપમાં અમે ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ સમય એવો હતો (૧૯૯૨) જ્યારે ભારતીય અર્થતંત્ર ખૂલી રહ્યું હતું. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ, એફઆઇઆઇ ઇક્વિટી બિઝનેસ વગેરે શરૂ થઈ રહ્યું હતું અને એ સમય દરમિયાન રિસર્ચ-બેઝ્ડ ઍનૅલિસિસ અને સર્વિસિસ જેવું ખાસ હજી ઇન્ડસ્ટ્રીમાં હતું નહીં. અમે ફુલફ્લેજેડ રિસર્ચ ઍનૅલિસિસ સાથે ફૉરેન ઇન્સ્ટિટ્યુશન્સને સર્વિસ આપવાનું શરૂ કર્યું. પાંચ-સાત વર્ષમાં તો અમે ખૂબ સારો બિઝનેસ જનરેટ કરવા માંડ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૮-’૯૯માં અમે અમારો બિઝનેસ પ્રભુદાસ લીલાધર સ્ટૉક બ્રોકિંગ સાથે મર્જ કરી નાખ્યો. આ મર્જર બાદ હું આખા પી.એલ. (પ્રભુદાસ લીલાધર)નો એફઆઇઆઇ બિઝનેસ હૅન્ડલ કરવા માંડી હતી. કામ સરસ ચાલતું હતું અને મને પણ મજા આવતી હતી. જોકે ૨૦૦૩-’૦૪માં ભારતીય સ્ટૉકમાર્કેટમાં મંદીની શરૂઆત થઈ. કંપનીને લાગ્યું કે મારે એફઆઇઆઇની સાથે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ પર પણ ધ્યાન આપવું જોઈએ એટલે પી.એલ.ના આખા ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસનું સુકાન મેં સંભાળવાનું શરૂ કર્યું.
ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસની સાથે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ સંભાળવાની દિશામાં કેવી ચૅલેન્જિસ મળી?
હા, આ ચુનૌતી નવી નહોતી, પરંતુ ચૅલેન્જિંગ જરૂર હતી. મારું બાળક નાનું હતું અને મારા પતિ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. પતિ-પત્ની બંને કામ કરતાં હોય ત્યારે ઘરની અને ઑફિસની જવાબદારીઓ સાથે સંભાળવી સહેલી વાત તો નથી જ. જોકે કહેવાય છેને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ જ રીતે દરેક સફળ સ્ત્રીની પાછળ પણ એક પુરુષનો સાથ હોય છે. કમસે કમ મારા કિસ્સામાં તો છે જ. મારા પતિ નીરજ માત્ર એક પુરુષ તરીકે જ નહીં, સાચા અર્થમાં એક લાઇફ પાર્ટનર તરીકે પણ મને સતત સાથ આપતા રહ્યા. અમારી બધી જવાબદારીઓ અમે સહિયારી જવાબદારી તરીકે નિભાવી છે. એટલું જ નહીં, મારાં સાસુ પણ મને સતત સપોર્ટ કરતાં રહેતાં, કારણ કે હવે મારે અવારનવાર ફૉરેન ટૂર્સ પણ થતી રહેતી અને ડોમેસ્ટિક બિઝનેસને કારણે અહીં પણ અનેક મીટિંગ્સ વગેરેમાં હું વ્યસ્ત રહેતી હતી. સતત મીટિંગ્સ, સતત માર્કેટ અને કૉર્પોરેટ્સની સ્ટડી, ઍનૅલિસિસ. થાક કઈ ચીજનું નામ છે એ જ હું ભૂલી ગઈ હતી એમ કહો તો ચાલે. આ બધી જ મહેનતનાં પરિણામ પણ એટલાં જ સારાં મળ્યાં. એક કરોડનો ઇન્સ્ટિટ્યુશન બ્રોકરેજનો બિઝનેસ કરતી અમારી કંપની છ વર્ષ જેટલા સમયગાળામાં ૧૦૦ કરોડનો ઇન્સ્ટિટ્યુશન બ્રોકરેજ કરતી કંપની બની શકી. ૨૦૦૭-’૦૮ સુધી કરેલા આ અથાગ પરિશ્રમ પછી જે ઇન્સેન્ટિવ્ઝ અને રેમ્યુનરેશન મને મળવાપાત્ર હતું એ પૂરેપૂરું ન લેતાં એ પૈસા મેં મારી જ મહેનતમાં ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય કર્યો અને કંપનીમાં ૨૪ ટકાની હિસ્સેદારી (ઇક્વિટી હોલ્ડિંગ) ખરીદી. કંપની સારું કામ કરી રહી હતી અને ભારતીય બજારો પણ સારું કરી રહ્યાં હતાં. આથી આ વર્ષોમાં કંપનીએ પણ પ્રગતિ કરી. અમે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને એનબીએફસી શરૂ કરવાનો નિર્ણય લીધો.
એટલે ઇન્સ્ટિટ્યુશન સાથે હવે ફરી એક નવી જવાબદારી શરૂ થઈ?
હા જી, ૨૦૧૨-’૧૩માં અમારો ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો હતો, પણ રીટેલ બિઝનેસ એટલું સારું પ્રદર્શન નહોતો કરી રહ્યો. આથી ઇન્સ્ટિટ્યુશનની જવાબદારી અમારા બીજા સિનિયર મૅનેજમેન્ટને સોંપીને મેં રીટેલ બિઝનેસ તરફ વધુ ધ્યાન આપવા માંડ્યું. ૨૦૧૨થી આજે હવે ૨૦૨૨ સુધી હું રીટેલ અને નૉન-બૅન્ક ફાઇનૅન્સ બિઝનેસ પર જ વધુ કૉન્સન્ટ્રેટ કરી રહી છું. રીટેલમાં પણ તનતોડ મહેનત શરૂ થઈ અને અમે દસ વર્ષમાં રીટેલ બિઝનેસ પણ દસગણો વધારી શક્યા.
ઇક્વિટી બિઝનેસનાં બંને ક્ષેત્રો લીડ કરી ચૂક્યા પછી તમને શું લાગે છે કે હાલ આ ઇન્ડસ્ટ્રી કઈ તરફ જઈ રહી છે, શું મોટા બદલાવ આવ્યા છે?
ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી હાલ એક ખૂબ મોટા બદલાવમાંથી પસાર થઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાને કારણે હવે દરેક વસ્તુ ઍપબેઝ તો થઈ જ ગઈ છે, સાથે જ બ્રોકરેજ ડિસ્કાઉન્ટનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ સમજ, જાણકારી અને એની ડીટેલ ઍનૅલિસિસ માગી લેતો બિઝનેસ છે. જો એમ ન કરો તો વહેલા-મોડા તમારે પસ્તાવાનો જ વારો આવે. આથી અમે ઍડ્વાઇઝરી ક્વૉલિટી અને ડીટેલ રિસર્ચ ઍનૅલિસિસની સાથે જ રોકાણકારોને સતત નવું શીખવતા રહેવાનું અને અપગ્રેડ કરતા રહેવાનું ચાલુ રાખ્યું છે. લાઇવ માર્કેટમાં ટ્રેઇનિંગ અને વેબિનાર અને લર્નિંગ સેશન્સ પણ કરતા રહીએ છીએ, જેથી એક જાણકાર રોકાણકારની કમ્યુનિટી ઊભી કરી શકાય. ટૂંકમાં, તમે એમ કહી શકો કે અમે વૅલ્યુ-ઍડેડ ઍડ્વાઇઝર્સ છીએ, નહીં કે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ.
કોરોના પછી મહિલાઓ ઇક્વિટી માર્કેટમાં ઍક્ટિવ થઈ છે. તેમને શું સલાહ આપશો?
ખુશ છું. એક સ્ત્રી જયારે ફૅમિલીનું સેવિંગ્સ સંભાળતી કે વેલ્થ ક્રીએશન કરતી થાય ત્યારે તે ઘરના જ નહીં, દેશના વિકાસમાં પણ લક્ષ્મી તરીકે કૉન્ટ્રિબ્યુશન આપતી થાય છે. જોકે પુરુષ હોય કે મહિલા, હું એમ જ કહીશ કે ઇન્વેસ્ટમેન્ટનું કામ એક લૉન્ગ ટર્મ લર્નિંગ પ્રોસેસ છે. આથી દરેક વ્યક્તિએ આ વિશે પોતાનું નૉલેજ અને અન્ડરસ્ટૅન્ડિંગ સતત વધારતા રહેવું જોઈએ. ઍડ્વાઇઝ કે ટીપનું આંધળું અનુકરણ ન કરવું.
આટલા લાંબા અનુભવના નિચોડ જેવાં કોઈ લર્નિંગ્સ ખરાં જે કદી નહીં ભુલાય?
હાહાઆઆ... જવાબ આપવામાં ખૂબ અઘરો છતાં ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે - હું એટલું જરૂર કહીશ કે મારા અનુભવોએ મને એટલું શીખવ્યું છે કે જ્યારે-જ્યારે બજારમાં બધું જ ખૂબ સારું લાગતું હોય, દિલ અને દિમાગ કહેતાં હોય કે હવે તેજી જ તેજી છે ત્યારે મોટા ભાગે એ તેજીનો અંત નજીક હોય છે અને જ્યારે-જ્યારે ખૂબ ડર લાગે, હવે બજારમાં મંદી જ રહેશે એમ લાગે ત્યારે બજારની બૉટમ નજીક હોય છે. જોકે આ અનુભવો જ તમને શીખવે છે અને પરિણામ એ આવે છે કે હવે હું પૅનિક થતી નથી.
મને યાદ છે કે ૨૦૦૪માં ઘણા લાંબા સમય પછી હું વેકેશન પર ઑસ્ટ્રેલિયા ગઈ હતી અને અહીં કોઈક કારણસર બજારમાં નીચેની સર્કિટ લાગી ગઈ હતી. નિફટી ૨૦ ટકા તૂટ્યો હતો. ઑસ્ટ્રેલિયા અને મારું વેકેશન બધું બાજુ પર રહી ગયું હતું અને અહીં ભારતથી કૉલ પર કૉલ શરૂ થઈ ગયા હતા. ક્લાયન્ટ્સની પોઝિશન્સ, ચૅનલ ઇન્ટરવ્યુઝ, માર્જિન કૉલ્સ બધાં મેદાનમાં એકસાથે યુદ્ધ લડવાનું હતું. જોકે ત્યારે સમજાઈ ગયું કે પ્રાઇસિસ આર ટેમ્પરરી, બિઝનેસ ઇઝ પર્મનન્ટ. આથી જ્યારે તમારી નજર પ્રાઇસિસ પર નહીં પણ બિઝનેસ પર જવા માંડે ત્યારે તમારી ખરી મૅચ્યોરિટી શરૂ થતી હોય છે.
ઇક્વિટી માર્કેટમાં કરીઅર બનાવવાનું તમે ક્યારે નક્કી કરેલું?
મારા પિતા એ જમાનામાં બૅન્કર હતા અને એ સમયે તેઓ ઘણા નવા-નવા આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફર) ભરતા રહેતા હતા. હું તેમને એનાં ફૉર્મ્સ ભરવામાં મદદ કરતી. મને યાદ છે ત્યાં સુધી તેમની પાસે કેટલીક કંપનીના શૅર હતા. ચાર દીકરીઓનાં લગ્ન સમયે તેમણે એ થોડા શૅર વેચીને અમારાં લગ્નનો પ્રસંગ ઉકેલી લેતા. આથી સ્ટ્રૉન્ગ ફન્ડામેન્ટલ કંપની અને લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેવા થમ્બરૂલના સંસ્કાર તો મને તેમની પાસેથી જ મળ્યા છે. આ જ થમ્બરૂલ અમે અમારા ક્લાયન્ટ માટે પણ વિચારીએ છીએ કે ‘કન્વર્ટ સેવિંગ ઇન ટુ વેલ્થ!’. વળી જે. એમ. ફાઇનૅન્શિયલના નિમેષ કંપાણી મારા મામા થાય અને એ સમયે દીકરી કોઈ ઓળખીતાને ત્યાં જ નોકરી કરે એવી ઇચ્છા વડીલોની રહેતી. આજે મારા પપ્પા જીવતા હોત તો મને ખાતરી છે કે તેમની દીકરીને આ સ્થાને જોઈને તેમને ખૂબ ખુશી થાત.
તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યાં એવું કેમ?
હા, મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયું છે, કેમ કે મારા પિતા દૃઢપણે માનતા હતા કે ભણતર માતૃભાષામાં થાય તો જ બાળકની વિચારશક્તિ ખીલે. અને હું તમને કહું? આપણા સમાજમાં એક ખોટી ભ્રમણા છે કે બાળક ગુજરાતી મીડિયમમાં ભણે તો તે ઇન્ફિરિયરિટી કૉમ્પ્લેક્સમાં રહે અને વિકાસ નહીં કરી શકે. જોકે આ ખોટું છે. મારો જ અનુભવ લો. મને ક્યારેય એવો કૉમ્પ્લેક્સ નથી નડ્યો. એટલું જ નહીં, હું નથી નૉન-વેજ ખાતી, નથી ડ્રિન્ક કરતી તો પણ આ બધી વાતો ક્યારેય મને પ્રોફેશનલ લાઇફમાં નડી જ નથી.
તમારા પતિ નીરજભાઈ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, તો શું ભણતાં-ભણતાં પ્રેમ?
ના, અમે બાળપણના સાથી છીએ. એક જ બિલ્ડિંગમાં અમે મોટાં થયાં છીએ. અમે સાથે લંગડી રમ્યા છીએ, ડબ્બા આઇસપાઇસ રમ્યા છીએ. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં મારા સિનિયર હતા. હું પણ તેમની સ્ટુડન્ટ હતી.
પ્રેશરવાળી પ્રોફેશનલ લાઇફમાં પર્સનલ-પ્રોફેશનલ બૅલૅન્સ કઈ રીતે જાળવો છો?
મને એક દીકરો છે. તે પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયો છે. સાથે તેણે સીએફએ કર્યું છે અને લંડનથી એમએસસી ઇન બિઝનેસ એક્સલન્સ કર્યું છે. તેનાં લગ્ન પણ થઈ ગયાં છે. હા, તે નાનો હતો, મારા શરૂઆતના દિવસો હતા ત્યારે જબરદસ્ત પ્રેશર રહેતું હતું. દીકરો નાનો હોય, બીજા-ત્રીજા ધોરણમાં ભણતો હોય અને હું અનેક દેશોમાં સતત ટ્રાવેલ કરી રહી હોઉં. હા, આ માટે ખરાં અભિનંદન મારા પતિને આપવાં પડે. મારાં સપનાંઓ વિશે તેમને પણ ખબર હતી. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં તમને ખબર છે કે આપણા સમાજમાં એવો માહોલ નહોતો કે છોકરી બહારની દુનિયામાં જઈને આટલી ઍક્ટિવલી કામ કરી શકે, પણ તેમણે મને પહેલેથી જ ખૂબ સપોર્ટ કર્યો. મારાં સાસુ, બાપ રે, તેમણે જબરદસ્ત સપોર્ટ કર્યો છે.
સાંભળ્યું છે કે તમારામાં કોઈ રિમાર્કેબલ બદલાવ આવ્યો છે. સાચી વાત છે?
મને ખબર નથી કે એને રિમાર્કેબલ બદલાવ ગણાવી શકું કે નહીં. છેલ્લાં બે વર્ષમાં મેં ટ્રેકિંગનો શોખ ડેવલપ કર્યો છે. મે મહિનામાં મેં એવરેસ્ટ બેઝ કૅમ્પનો ટ્રેક કર્યો. તમને કહું, શું જબરદસ્ત અનુભવ રહ્યો છે એ જીવનમાં! ઈશ્વર ખૂબ કૃપાળુ છે કે મને એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ટ્રેક કરવા જેટલી હેલ્થ આપી અને મને મોકો મળ્યો. જાતઅનુભવથી તમને કહું? એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જઈ આવો પછી તમને કોઈ વાતનો ડર નથી રહેતો.