મુંબઈને દુષ્કર બનાવવાનું ફરીથી શરૂ કર્યું છે ત્યારે કહેવાનું એટલું કે..
મુંબઈને દુષ્કર બનાવવાનું ફરીથી શરૂ કર્યું છે ત્યારે કહેવાનું એટલું કે...
ઝડપી લાઇફ, ફાસ્ટ લાઇફ-સ્ટાઇલ. આ બધા વચ્ચે આપણે એવા તો જોતરાઈ ગયા છીએ જાણે જીવનની રેસ હોય અને એ રેસમાં સૌથી પહેલાં પહોંચવાનું હોય. જીવનની આ રેસ ગયા વર્ષે થંભી ગઈ ત્યારે એવું લાગતું હતું કે લૉકડાઉને મુંબઈકરોને સાન આપી દીધી, પણ અત્યારે ફરીથી જ્યારે મુંબઈ તરફ જોઈએ છીએ ત્યારે દેખાય છે કે ના, આપણે હતા એ જ છીએ. આપણે ભૂલી ગયા કે આપણે આપણી આજુબાજુના માહોલને ફરીથી નરકનું રૂપ આપવા માંડ્યા છીએ.
કહેવાનું મન થાય કે અસુવિધાઓની ભરમાર એ સ્તરે છે કે હવે લોકોને આ અસુવિધાની પણ આદત પડી ગઈ છે. રસ્તા પર કચરો ન હોવો જોઈએ એવું તેઓ વિચારી પણ નથી શકતા અને ગંદકી વિનાના રસ્તાની કલ્પના પણ નથી કરી શકતા. હવે ગંદકી એ તેમના જીવનનું એક અવિભાજ્ય અંગ છે એવું તેમણે સ્વીકારી લીધું છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, પણ આ આર્થિક રાજધાનીની સડક જુઓ. બિલ્ડિંગનાં બાંધકામ આડેધડ થઈ જાય છે અને થઈ ગયેલાં એ બાંધકામ માટે કોઈ પૂછનારું નથી. આ જે પરિસ્થિતિ છે એ મુંબઈને બદથી બદતર બનાવે છે. પ્રદૂષણ ઓછું થાય એ માટે કોઈ પ્રકારનાં કડક પગલાં લેવામાં નથી આવતાં અને એટલે જ કોવિડના લૉકડાઉન સમયે મુંબઈ સ્વચ્છ અને સુઘડ દેખાવા લાગી હતી, શ્વાસ લેવા યોગ્ય બની ગઈ હતી. આજે તમે કોઈ પણ ફ્લાયઓવર પરથી જુઓ, તમને મુંબઈ પર ધુમ્મસ વળ્યું હોય એવું દૃશ્ય જોવા મળશે. આ ધુમ્મસ વાહનોનું પ્રદૂષણ છે અને આ પ્રદૂષણ મુંબઈકરની લાઇફ ટૂંકી કરી રહ્યું છે. ભાગદોડ પણ એટલી વધી ગઈ છે કે એને કારણે પણ હવે સરેરાશ મુંબઈવાસીનું આયુષ્ય બીજી સિટીમાં રહેતા લોકો કરતાં ઓછું થઈ ગયું છે અને જો લાંબું જીવે છે તો એ કોઈ મોટી બીમારી સાથે જીવે છે.
મુંબઈને નવેસરથી બગડતું રોકવાની તક હાથમાંથી નીકળી જાય એ પહેલાં એને માટે કામ શરૂ કરવું જોઈશે. સમજણ વાપરવી પડશે અને બુદ્ધિપૂર્વક ચાલવું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર મુંબઈમાં ઘણુંબધું કામ કરી શકાય એમ છે અને એ કરવું જરૂરી પણ છે. જો એ ન થયું તો મુંબઈમાં રહેવું દુષ્કર થઈ જશે અને મુંબઈમાં કામ કરતા લોકોની હાલત ખરાબ થઈ જશે. મુંબઈ એવું શહેર છે કે એ દરેકને સાચવી લે છે અને દરેકને તેમની મહેનત મુજબનું રિઝલ્ટ આપે છે. હજારો લોકો એવા છે જેઓ મુંબઈના નથી, પણ આજે મુંબઈમાં સેટલ થઈને કરોડપતિ થઈ ગયા છે અને તેમના જેવા લાખો લોકો લાખોપતિ બન્યા છે. યાદ રાખજો કે પૉઝિટિવ વાતાવરણ ધરાવતી સિટી પણ આજે દુનિયામાં ઓછી રહી છે જ્યાં સેટલ થનારો ક્યારેય દુખી ન થયો હોય. જો એવું હોય તો પછી શું કામ સુવિધાના મામલે કોઈએ હેરાન થવું જોઈએ. હવે પાકા પાયે પગલાં લેવામાં વિલંબ ન થાય એ જ બધાના હિતમાં છે અને હિતને પ્રાથમિકતા આપવી એ માનવધર્મની પહેલી ફરજ છે.

