તાજેતરમાં કેન્દ્ર સરકારે ૩૧ મે, ૨૦૧૭ સુધી જન્મેલાં બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. આ બાબતે વાલીઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે ત્યારે જાણીએ આ નવી શિક્ષણ નીતિનાં કારણો
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
સરેરાશ ભારતીય વાલીઓમાં પોતાના સંતાનને સ્કૂલમાં બેસાડવાની ખૂબ ઉતાવળ જોવા મળે છે. બે વર્ષના બાળકને પ્લે ગ્રુપમાં મોકલી તેઓ પોરસાય છે. રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ, ૨૦૦૯ પ્રમાણે પહેલા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ઉંમર છ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ, પરંતુ વાલીઓમાં દેખાદેખી વધતાં ઘણી વાર પાંચ વર્ષની ઉંમરમાં તે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લે છે. લગભગ ત્રણ દાયકા બાદ કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.
વેલકમિંગ સ્ટેપ
ADVERTISEMENT
નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે ૩૧ મે, ૨૦૧૭ સુધી જન્મેલાં બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સરકારે સૂચવેલી નવી શિક્ષણ નીતિ સંદર્ભે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ.
બાળકે છ વર્ષ પૂરાં કર્યાં હશે તો જ સ્કૂલમાં પ્રવેશ મળશે એ વાસ્તવમાં મિસકન્સેપ્શન છે. મૂંઝવણ અનુભવી રહેલા વાલીઓને માર્ગદર્શન આપતાં બોરીવલીની શેઠ જી. એચ. હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજનાં પૂર્વ પ્રિન્સિપાલ ચેતના ઓઝા કહે છે, ‘નવી શિક્ષણ નીતિને લઈને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અભ્યાસથી વંચિત રહી જશે એવું નથી. અગાઉ નર્સરી અથવા પ્લે ગ્રુપ, જુનિયર અને સિનિયર કેજી માટે સ્કૂલમાં ઍડ્મિશન લેવું ફરજિયાત નહોતું. પ્રી-પ્રાઇમરી સુધીનું એજ્યુકેશન જુદી-જુદી પ્રાઇવેટ સ્કૂલોમાં આપવાનો જે ટ્રેન્ડ હતો એને બંધ કરીને આ ધોરણોનો સ્કૂલમાં સમાવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એનાથી તમામ વિદ્યાર્થીનું પાયાનું શિક્ષણ સમાન થઈ જશે. આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-’૨૪થી નર્સરી માટે ત્રણ વર્ષ, જુનિયર કેજી માટે ચાર વર્ષ, સિનિયર કેજી માટે પાંચ વર્ષ અને પહેલા ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષ પૂર્ણ થયાં હશે એવાં બાળકોને જ ઍડ્મિશન આપવામાં આવશે. એનો અર્થ છે તમારું સંતાન અઢી વર્ષે સ્કૂલમાં નહીં જઈ શકે. આજકાલ વાલીઓ વચ્ચે હરીફાઈ એટલી વધી ગઈ છે કે ટૉડલર્સને સ્કૂલમાં મૂકી દે છે. સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પૅટર્નમાં બદલાવથી બાળક માનસિક દબાણમાંથી મુક્ત થઈ શકશે. ત્રણ વર્ષ સુધી બાળક ઘરમાં રહેશે તો પોતાની માતૃભાષા સાથે પણ કનેક્ટ થઈ શકશે. ઑપ્શનલ સબ્જેક્ટને મુખ્ય પ્રવાહમાં લાવીને સરકારે શિક્ષકો માટેના ક્રાઇટેરિયા પણ બદલી નાખ્યા છે. નવી જનરેશનના વિદ્યાર્થીઓને વધુ ક્વૉલિફાઇડ ટીચરો મળવાના છે. ઉપર સુધીના ધરખમ ફેરફારો આવકારદાયક પગલું છે.’
સ્ટ્રક્ચરલ ચેન્જિસ
નવી શિક્ષણ નીતિનો પ્રસ્તાવ ત્રણ વર્ષ અગાઉ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પૅન્ડેમિકના કારણે અમલમાં મૂકવામાં વિલંબ થયો છે એવી જાણકારી આપતાં ઇન્ટરનૅશનલ સ્કૂલનાં શિક્ષિકા નિશા ભાટિયા કહે છે, ‘અગાઉ ૧૦ + ૨ એટલે કે પહેલા ધોરણથી દસમું ધોરણ તેમ જ અગિયાર અને બારમા ધોરણનો સ્કૂલના અભ્યાક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નવી નીતિમાં આ સ્ટ્રક્ચરમાં ચેન્જિસ કરવામાં આવ્યા છે. હવે ૫ (નર્સરી, જુનિયર, સિનિયર, ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ)+૩ (ત્રીજું, ચોથું અને પાંચમું ધોરણ) +૩ (છઠ્ઠું, સાતમું અને આઠમું ધોરણ) +૪ (નવમું, દસમું, અગિયારમું અને બારમું ધોરણ) આ સ્ટ્રક્ચર હશે. વિદ્યાર્થી જીવનનાં પ્રથમ પાંચ વર્ષમાં કરવામાં આવેલા બદલાવથી ફાઉન્ડેશન મજબૂત થશે. ફન્ડામેન્ટલ ક્લિયર થવાથી વિદ્યાર્થીની ભાષા, મૅથેમૅટિક્સ, અન્ય રસના વિષયો તેમ જ તેની ક્ષમતાનો પરિચય થઈ જશે. છ વર્ષની ઉંમરે ગ્રેડ વનમાં એન્ટર થનારા વિદ્યાર્થીઓનો મેન્ટલ ગ્રોથ જુદો હશે. ઇન્ટેલિજન્સની દૃષ્ટિએ જોઈએ તો દર નવી જનરેશન વધારે ને વધારે સ્માર્ટ બનતી જાય છે, પરંતુ ઇમોશન્સને હૅન્ડલ કરવામાં તેઓ વીક થઈ રહ્યા છે. શૈક્ષણિક, સાઇકોલૉજિકલ, ન્યુટ્રિશનિસ્ટ, ફિટનેસ એમ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા નિષ્ણાતોએ ઊંડો અભ્યાસ કર્યા બાદ સાથે મળીને આ નીતિ બનાવી છે જેથી વિદ્યાર્થીઓ ડિસિપ્લિન અને મૅચ્યોરિટી સ્ટેજ પર આવ્યા બાદ સ્કૂલના અભ્યાસક્રમનો ભાર ઉપાડે. એના અમલીકરણ માટે સરકારે પણ ત્રણ વર્ષનો સમય અમસ્તો નથી લીધો. એજ્યુકેશનના ફીલ્ડમાં મોદી સરકારની આઇડિયોલૉજી અને વિઝન ક્લિયર છે. આગામી સમયમાં ગ્રૅજ્યુએશન પણ ચાર વર્ષનું થઈ જશે.’
સાઇકોલૉજિકલ કારણો
મહારાષ્ટ્ર તેમ જ સીબીએસઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સનાં કાઉન્સેલિંગ સેશન લેવાનો સાત વર્ષનો અનુભવ ધરાવતાં કાઉન્સેલર અને સાઇકોથરપિસ્ટ હિરલ પંડ્યા કહે છે, ‘રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટમાં પહેલા ધોરણ માટે છ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, પરંતુ સોશ્યોઇકૉનૉમિકલ સ્ટેટસ અને આસપાસના વાતાવરણથી પ્રભાવિત વાલીઓ વચ્ચે સંતાનને શક્ય એટલું વહેલું સ્કૂલમાં મોકલવાની હોડ લાગી છે. અરે, ટૉડલરને લઈને મમ્મીઓ સ્કૂલમાં જાય એવો કન્સેપ્ટ પણ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે. નાની ઉંમરના બાળકને સારી સ્કૂલમાં મોકલવાની દેખાદેખી અને પ્રેશર એવી સાઇકલ છે જે સોસાયટીમાંથી પેરન્ટ્સમાં અને પેરન્ટ્સથી કિડ્સના બ્રેઇનમાં ટ્રાન્સફર થાય છે. સરેરાશ બાળકો આ પ્રકારના પ્રેશરનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. વાલીઓએ બાળકના મગજના વિકાસના તબક્કાને સમજવું ખૂબ જરૂરી છે. છથી સાત વર્ષની ઉંમર એવો તબક્કો છે જ્યારે શારીરિક વિકાસની સાથે મગજની અંદર જ્ઞાનાત્મક વિકાસની શરૂઆત થાય છે. સરળ ભાષામાં કહીએ તો આ એજમાં તે વસ્તુઓનાં નામ, મિત્રોનાં નામ, ચિત્રો વગેરે સહેલાઈથી યાદ રાખી શકે છે. સરકાર દ્વારા લગામ તાણવાથી અને ઔપચારિક શિક્ષણનો ઍક્સેસ હશે જ નહીં તો પેરન્ટ્સ પોતાના સંતાનને ઘરમાં ભણાવવા વધુ એફર્ટ નાખશે. એના કારણે બાળકનો શારીરિક, માનસિક અને સામાજિક ગ્રોથ સારો થશે. જોકે ઉંમર વધારવાથી વર્કિંગ અને ન્યુક્લિયર ફૅમિલીના પેરન્ટ્સ સામે કેટલીક ચૅલેન્જિસ આવી શકે છે. હાલમાં તેઓ સંતાનને ઘણી નાની ઉંમરમાં સ્કૂલમાં મોકલી રહ્યા છે. હવે તેમણે ફરજિયાતપણે રાહ જોવી પડશે.’
પેરન્ટ્સ શું કહે છે?
ચેમ્બુરની કિયારા વડોદરિયાના ઍડ્મિશન માટે દોડાદોડી કરતા તેના પેરન્ટ્સ ચિંતામાં છે, કારણ કે તેમની દીકરી ઉંમરમાં એક મહિનો નાની છે. આ સંદર્ભે વાત કરતાં કિયારાનાં મમ્મી ક્રિષ્ના કહે છે, ‘નવી શિક્ષણ નીતિને સમજવાનો પ્રયાસ કર્યો છે પણ ક્લૅરિટી નથી. અત્યારે તો અમે સારી સ્કૂલની શોધમાં દોડીએ છીએ. વાસ્તવમાં કિયારાનું સિનિયર કેજીમાં ઍડ્મિશન લેવાનું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છ વર્ષ પૂરાં થવાં જોઈએ એનો અર્થ સિનિયર કેજીમાં ઍડ્મિશન વખતે બાળકની ઉંમર પાંચ વર્ષ હોવી જોઈએ. કિયારા ૧૧ જુલાઈએ જન્મી હોવાથી ઉંમરમાં માત્ર ૧ મહિનો ૧૧ દિવસ નાની છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિ ખૂબ જ સારી છે, પરંતુ કેટલાક કિસ્સામાં બાળકનો ઇન્ટરવ્યુ લઈને પ્રવેશ આપવો જોઈએ. કિયારાનું ઍડ્મિશન વચ્ચેના ધોરણમાં લેવાનું છે તેથી સ્પષ્ટતા નથી મળી રહી. જો ઍક્ઝેક્ટ ઉંમર પર ભાર મૂકવામાં આવશે તો મારી દીકરીનું વર્ષ બગડશે.’