ભારતીય સેના પાસે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ - NDRF અને એન્જિનિયર રેજિમેન્ટ જેવા વિશિષ્ટ એકમો છે જે ખાસ કરીને રાહતકામગીરી માટે તાલીમ પામેલા છે
ભારતીય સેનાની ખાસ ટુકડીઓ ત્યાં રાહતસામગ્રી સાથે પહોંચી જાય છે
ભારતના કોઈ પણ પાડોશી દેશમાં ભૂકંપ, પૂર કે સુનામી જેવી કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે સૌથી પહેલાં ભારતીય સેનાની ખાસ ટુકડીઓ ત્યાં રાહતસામગ્રી સાથે પહોંચી જાય છે અને ફટાફટ રાહતકાર્ય શરૂ કરી દે છે. ઘણી વાર તો જે દેશ પર આફત આવી હોય એની સરકાર રાહતકાર્ય શરૂ કરે એ પહેલાં ભારતીય સેનાનું રાહતકાર્ય ત્યાં શરૂ થઈ ગયું હોય છે. આ પરંપરાને જાળવી રાખતાં તાજેતરમાં મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ઑપરેશન બ્રહ્મા હેઠળ ૬૨૫ ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતસામગ્રી મોકલી છે. ૨૮ માર્ચે શરૂ કરાયેલા આ ઑપરેશન હેઠળ ભારતે મ્યાનમારમાં તબીબી સહાય અને રાહતસામગ્રી પહોંચાડવા માટે અનેક વિમાનો અને ભારતીય નૌકાદળનાં જહાજોનો ઉપયોગ કર્યો હતો. ભારતે ઑપરેશન ‘બ્રહ્મા’ હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ કન્સાઇનમેન્ટ મ્યાનમાર મોકલ્યાં છે. એમાં પહેલું શિપમેન્ટ ૧૫ ટન પુરવઠાનું હતું જેમાં તંબુ, ધાબળા, દવાઓ અને ખોરાક ૨૯ માર્ચે યાંગોન પહોંચાડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના ૮૦ ચુનંદા જવાનો સ્વચ્છતા-કિટ, રસોડાનો સામાન અને દવાઓ સહિત બાવીસ ટન રાહતસામગ્રીનો બીજો જથ્થો લઈને ૩૦ માર્ચે નેપ્ટા પહોંચી ગયા હતા. ત્રીજા શિપમેન્ટમાં ૬૦ ટનથી વધુનો પુરવઠો મોકલવામાં આવ્યો જેમાં સર્જિકલ સવલતો, પાણીની સેવાઓ અને મહિલા અને બાળસંભાળ સેવાઓનો સમાવેશ થતો હતો. માંડલેમાં ૧૧૮ સભ્યોની ભારતીય સેનાની ફીલ્ડ હૉસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળનાં બે જહાજો સાતપુડા અને સાવિત્રી ૨૯ માર્ચે ૪૦ ટન રાહતસામગ્રી લઈને યાંગોન જવા રવાના થયાં હતાં, જે સોમવારે યાંગોન પહોંચ્યાં હતાં. ત્યાર બાદ ૩૦ માર્ચે આંદામાન અને નિકોબારથી ભારતીય નૌકાદળનાં બે વધુ જહાજો કાર્મુક અને LCU-52 ૩૦ ટન રાહતસામગ્રી લઈને યાંગોન પહોંચ્યાં હતાં.
ઑપરેશન ‘બ્રહ્મા’ના નામનો ફોડ પાડતાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ‘બ્રહ્મા સૃષ્ટિના દેવતા છે જેમનું કામ સર્જન કરવાનું છે. જ્યારે આપણે મ્યાનમારના લોકોને વિનાશ પછી તેમના દેશમાં નવસર્જન કરવા માટે મદદનો હાથ લંબાવી રહ્યા છીએ ત્યારે ઑપરેશનનું નામ ‘બ્રહ્મા’ રાખવામાં આવ્યું છે.’
ADVERTISEMENT
ભારતે ભૂતકાળમાં પણ અનેક વાર કુદરતી આફતમાં સપડાયેલા દેશોને ઉદાર હાથે સહાય કરીને ભારતની પરંપરાગત ‘વસુધૈવ કુટુંબકમ’ ભાવનાને સાર્થક કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિયેટનામ, લાઓસ અને મ્યાનમારમાં સુપર ટાયફૂન યાગી ત્રાટક્યું એ પછી ભારતે ‘ઑપરેશન સદ્ભાવ’ હેઠળ આ દેશોને સહાય મોકલી હતી.
મ્યાનમારમાં ઑપરેશન બ્રહ્મા અંતર્ગત ઇન્ડિયન આર્મીની શત્રુજીત બ્રિગેડ તરીકે ઓળખાતી ૫૦મી સ્વતંત્ર પૅરા બ્રિગેડે ૨૦૦ બેડવાળી મેડિકલ ફૅસિલિટી ગણતરીના કલાકોમાં તૈયાર કરી આપી હતી અને ૧૧૮ સભ્યોની મેડિકલ ટીમે ઑપરેશન બ્રહ્મા અંતર્ગત ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી. શત્રુજીત બ્રિગેડ આફતગ્રસ્ત વિસ્તારોમાં ત્વરાથી મેડિકલ અને સર્જિકલ કૅર પહોંચાડવા માટે ટ્રેઇન થયેલું ઇન્ડિયન આર્મીનું યુનિટ છે.
ભારતે મે ૨૦૨૩માં ‘ઑપરેશન કરુણા’ હેઠળ મ્યાનમારને રાહતસહાય મોકલી હતી. મ્યાનમાર અને બંગલાદેશમાં સુપર સાઇક્લોન મોચાના ત્રાટક્યા પછી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૩માં ટર્કી અને સિરિયામાં પણ એક ભયંકર ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. એ સમયે ભારતે અસરગ્રસ્ત દેશોને સહાય પૂરી પાડવા માટે ‘ઑપરેશન દોસ્ત’ નામનું શોધ અને બચાવ-અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ ભારતે તાબડતોબ ટર્કી અને સિરિયામાં બચાવટીમો, તબીબી ટીમો, દવાઓ, રાહતસામગ્રી અને આવશ્યક પુરવઠો મોકલ્યો હતો.
ભારતીય સેનાએ ૨૦૨૩માં ‘ઑપરેશન કાવેરી’ પણ કર્યું હતું. સુદાનમાં સેના અને હરીફ અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ સમયે મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સુદાનમાં સપડાયેલા ભારતીયોને ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે વાયુસેનાનાં બે વિમાનો અને નૌકાદળના જહાજ સુમેધાને ઑપરેશનમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
કોરોના મહામારી દરમ્યાન જ્યારે આખું વિશ્વ આ કટોકટીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે ‘રસી મૈત્રી’ અભિયાન શરૂ કર્યું હતું. ભારત સરકાર દ્વારા વિશ્વભરના દેશોને કોવિડ-19 રસી પૂરી પાડવા માટે માનવતાવાદી પહેલ કરવામાં આવી હતી. સરકારે ૨૦ જાન્યુઆરી ૨૦૨૧થી રસીઓ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. ભારતે ૯૫ દેશોને કોવિડ રસીના ૬.૬૩ કરોડ ડોઝ પૂરા પાડ્યા હતા.
એપ્રિલ ૨૦૧૫માં પાડોશી દેશ નેપાલમાં એક વિનાશક ભૂકંપ આવ્યો હતો જેને કારણે વ્યાપક વિનાશ થયો હતો. એ સમયે ભારત સરકારે ‘ઑપરેશન મૈત્રી’ શરૂ કર્યું હતું. આ કામગીરીમાં ભારતીય સશસ્ત્ર દળોને નેપાલમાં બચાવ અને રાહતકામગીરી માટે મોકલવામાં આવ્યાં હતાં. વિનાશક ભૂકંપના ગણતરીના કલાકોમાં જ ‘ઑપરેશન મૈત્રી’ શરૂ કરવામાં આવ્યું હતું.
૨૦૦૪માં શ્રીલંકા અને મૉલદીવ્ઝ સુનામીથી ખરાબ રીતે પ્રભાવિત થયાં હતાં. આ કટોકટીના સમયમાં મદદ કરવા માટે ભારતે ‘ઑપરેશન કેસ્ટર’ અને ‘ઑપરેશન રેઇનબો’ શરૂ કર્યાં હતાં, જેમાં દરિયામાં ખોવાયેલા માછીમારો અને બોટોની શોધ અને બચાવમાં મદદ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં. આ દરમ્યાન ત્રણ ભારતીય નૌકાદળનાં જહાજો INS મૈસુર, INS ઉદયગિરિ અને INS આદિત્ય મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોની મદદ માટે હેલિકૉપ્ટર, પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ, તબીબી ટીમો અને રાહતસાધનો વગેરે મોકલવામાં આવ્યાં હતાં.
ભારતીય સેનાની એક મુખ્ય તાકાત એ છે કે એ ઝડપથી કામે લાગી શકે છે. ભારતીય સેના પાસે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને એન્જિનિયર રેજિમેન્ટ જેવા વિશિષ્ટ એકમો છે જે ખાસ કરીને રાહતકામગીરી માટે તાલીમ પામેલા છે. આ એકમોને આપત્તિના કલાકોમાં તહેનાત કરી શકાય છે જેનાથી જીવન બચાવવાની અને તાત્કાલિક સહાય પૂરી પાડવાની શક્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. ભારતીય સેના ઘણી વાર ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચે છે. તેમના કર્મચારીઓને શોધ અને બચાવકામગીરીમાં તાલીમ આપવામાં આવે છે. તેઓ અદ્યતન સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે તાલીમ પામે છે. ઉદાહરણ તરીકે ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પૂર દરમ્યાન ભારતીય સેનાએ દૂરના વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓ અને નાગરિકોને બચાવવા માટે હેલિકૉપ્ટર અને વિશેષ ટીમો તહેનાત કરી હતી.
ભારતીય સેના આપત્તિઓ દરમ્યાન મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પણ પૂરી પાડે છે. એની સુસજ્જ ફીલ્ડ હૉસ્પિટલો અને પ્રશિક્ષિત તબીબી કર્મચારીઓ સાથે ભારતીય સેના ઘાયલોને તાત્કાલિક તબીબી મદદ પૂરી પાડી શકે છે. ભારતીય સેનાનું મોબાઇલ મેડિકલ યુનિટ શસ્ત્રક્રિયાઓ કરવા, રસીકરણ આપવા અને આપત્તિગ્રસ્ત વસ્તીને આવશ્યક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા સક્ષમ છે. ૨૦૧૮માં કેરલાના પૂર દરમ્યાન ભારતીય સેનાએ સ્થાનિક વસ્તીને મદદ કરવા માટે તબીબી શિબિરો સ્થાપીને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. ભારતીય સેના પાસે વ્યાપક લૉજિસ્ટિક્સ ક્ષમતાઓ છે જે એને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક પુરવઠો પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે. પડકારજનક ભૂપ્રદેશોમાં સપ્લાય ચેઇનનું સંચાલન કરવાનો તેમનો અનુભવ ખાતરી કરે છે કે સહાય ઝડપથી અને કાર્યક્ષમ રીતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.
કોઈ પણ કુદરતી આફત વખતે પહેલી જરૂરિયાત તાત્કાલિક રાહતની હોય છે જેમાં ખોરાક, પાણી, દવા, તબીબી સહાય વગેરે પહોંચાડવાનાં હોય છે. તાત્કાલિક રાહતના તબક્કા પછી લોકોનું જીવન થાળે પાડવાની કામગીરી બજાવવાની હોય છે. એ માટે ભારતીય સેના રસ્તાઓ, પુલો અને સંદેશવ્યવહાર લાઇનો જેવી આવશ્યક માળખાગત સુવિધાઓને પુનઃ સ્થાપિત કરવામાં ફાળો આપે છે. એના એન્જિનિયરિંગ એકમો ક્ષતિગ્રસ્ત પુલોનું પુનર્નિર્માણ કરવા અને સામાન્ય જીવન ફરી શરૂ માટે અથાગ મહેનત કરે છે. આ પ્રયાસ ખાસ કરીને ૨૦૧૪માં જમ્મુ અને કાશ્મીરના પૂરથી પ્રભાવિત વિસ્તારોના પુનર્વસન દરમ્યાન ઉપયોગી સાબિત થયો હતો, જ્યાં સેનાએ રાહતકાર્યનો તબક્કો પૂરો કર્યા પછી કનેક્ટિવિટી અને સેવાઓને પુનઃ સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય સેના આપત્તિઓનો સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી - NDMA) સહિત વિવિધ સરકારી એજન્સીઓ સાથે નજીકથી કામ કરે છે. આપત્તિ રાહતપ્રયાસોની અસરને મહત્તમ બનાવવા માટે સેના બિનસરકારી સંસ્થાઓ અને સમુદાયો તેમ જ જૂથો સાથે પણ સહયોગ કરે છે. આ સંસ્થાઓ ઘણી વાર સ્થાનિક જરૂરિયાતોની ઊંડી સમજ ધરાવે છે અને સહાયના યોગ્ય સ્થળે વિતરણમાં મૂલ્યવાન સલાહ પૂરી પાડી શકે છે. -સંજય વોરા

