દયિતા શાહ એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છે અને હૅન્ડબૅગ પેઇન્ટિંગના કામ માટે ખાસ ન્યુ યૉર્કથી લેધર કલર ઑર્ડર કરે છે
દયિતા શાહ
ઘણા લોકોના વૉર્ડરોબમાં મોંઘીદાટ બ્રૅન્ડેડ હૅન્ડબૅગ્સ એમ જ ધૂળ ખાતી પડી હોય છે. કાં તો એના લેધરનું લેયર ઊખડી ગયું હોય કાં તો બૅગનો એટલીબધી વાર યુઝ કરી લીધો હોય કે પછી એમ થાય કે હવે આ નથી વાપરવી. આ સમસ્યાને ઉકેલવાનું કામ કરે છે કફ પરેડમાં રહેતાં દયિતા શાહ. દયિતા આવી બૅગ્સ પર હૅન્ડ-પેઇન્ટિંગ કરીને એને તદ્દન નવો લુક આપે છે જેથી ક્લાયન્ટ એને હજી થોડાં વર્ષો સુધી વાપરી શકે. દયિતા શાહ એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છે અને હૅન્ડબૅગ પેઇન્ટિંગના કામ માટે ખાસ ન્યુ યૉર્કથી લેધર કલર ઑર્ડર કરે છે
ટૅલન્ટનો ઉપયોગ કરીને એને આવકનું સાધન કઈ રીતે બનાવવી એ કળા શીખવા જેવી છે. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેઓ મલ્ટિ-ટૅલન્ટેડ હોય છે, પણ તેમ છતાં એનો ઉપયોગ કરીને પૈસા કઈ રીતે રળી શકાય એની ગતાગમ તેમને પડતી નથી. આ વસ્તુ આપણે કફ પરેડમાં રહેતાં ૫૨ વર્ષનાં દયિતા શાહ પાસેથી શીખવા જેવી છે. તેમણે તેમની આર્ટના જોરે ઘરેથી જ એક યુનિક બિઝનેસ શરૂ કરી દીધો છે. આર્ટિસ્ટ એવાં દયિતા શાહ લક્ઝુરિયસ બ્રૅન્ડ્સની બૅગ્સ પર હૅન્ડ-પેઇન્ટિંગ કરી આપવાનું કામ કરે છે. આ બિઝનેસનો આઇડિયા કઈ રીતે આવ્યો અને જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે દયિતા શાહ પાસેથી જાણીએ.
ADVERTISEMENT
આ રીતે આવ્યો આઇડિયા
બ્રૅન્ડેડ લેધરની બૅગ્સ પર પેઇન્ટિંગ કરીને એની કાયાપલટ કરીને આપવાનું કામ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં બાવન વર્ષના દયિતા શાહ કહે છે, ‘મેં આ કામ કરવાની શરૂઆત કોવિડના સમયગાળામાં કરી હતી. એ સમયે બધાના વૉર્ડરોબમાં બહુ બધી બ્રૅન્ડેડ બૅગ્સ એમનેમ યુઝ કર્યા વગરની પડી હતી. કબાટમાં પડી-પડી એ બૅગ્સની ઉપરનું લેધરનું લેયર ઊખડવા લાગ્યું હતું, કલર ઝાંખા પડી ગયા હતા. મારી એક ફ્રેન્ડે મને તેની એક લેધર બૅગ આપી અને તેણે મને કહ્યું કે તું વર્ષોથી કૅન્વસ પર પેઇન્ટિંગ તો કરે જ છે તો તું મને મારી બૅગ પર પેઇન્ટિંગ કરી આપીશ? એ પછી મેં એક ટ્રાય કરવાનું નક્કી કર્યું. મારો આ પ્રયોગ સફળ રહ્યો. એ પછી મને થોડો કૉન્ફિડન્સ પણ આવ્યો. મને સમજાયું કે હું મારી આર્ટનો ઉપયોગ આ રીતે પણ કરી શકું છું. એ પછી માઉથ પબ્લિસિટીથી મને એક પછી એક બૅગ્સ પેઇન્ટ કરવાના ઑર્ડર મળવા લાગ્યા. એ રીતે મેં લેધર બૅગ્સ પર હૅન્ડ-પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં મોટા ભાગના ઑર્ડર્સ મને માઉથ પબ્લિસિટીથી જ મળ્યા, કારણ કે સાવ અજાણ્યા હોય એ લોકો તેમની આટલી મોંઘી બૅગ આપતાં ખચકાય એ સ્વાભાવિક છે. મેં અત્યાર સુધીમાં ચારસોથી વધુ હૅન્ડબૅગ પેઇન્ટ કરી છે. લક્ઝુરિયસ હૅન્ડબૅગ્સની કિંમત લાખોમાં હોય છે. એટલે એ વૉર્ડરોબમાં એમનેમ પડી હોય તો પણ એને બીજાને આપતાં તમારો જીવ ન ચાલે. મારી પાસે એવા ક્લાયન્ટ તેમની હૅન્ડબૅગ પેઇન્ટ કરાવવા આવે છે જેમની બૅગનાં અંદરનાં ખાનાં, ચેઇન બધું બરાબર હોય; પણ બહારથી લેધરનું લેયર થોડું ઊખડી ગયું હોય. ઘણી વાર એવું પણ થાય કે બૅગ ખરાબ ન થઈ હોય પણ એને એટલી બધી વાર વાપરી હોય કે એને નવો લુક આપવાની ક્લાયન્ટની ઇચ્છા હોય. કેટલાક ક્લાયન્ટ મારી પાસે એટલા માટે આવે કે તેમની જે બૅગ હોય એ ખૂબ જ પ્લેન હોય અને એમાં તેમને ડિઝાઇન કરાવીને થોડો વાઇબ્રન્ટ લુક આપવો હોય. એટલે હું મારા ક્લાયન્ટ્સની હૅન્ડબૅગ્સ પર પેઇન્ટિંગ કરીને આપું જેથી તેઓ એને નવી રીતે વાપરી શકે.’
આ રીતે થાય કામ
લેધર બૅગ પર પેઇન્ટિંગનું કામ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે માહિતી આપતાં દયિતા શાહ કહે છે, ‘મારી પાસે જે બ્રૅન્ડેડ બૅગ્સ આવે છે એની કિંમત બે-ત્રણ લાખ હોય છે. એટલે હું ડાયરેક્ટ્લી એના પર પેઇન્ટ કરવાનું શરૂ ન કરી શકું. સૌપ્રથમ હું ક્લાયન્ટને પૂછી લઉં કે તેમને કયા ટાઇપની ડિઝાઇન તેમની બૅગ પર કરાવવી છે જેમ કે ફ્લાવર, ઍબ્સ્ટ્રૅક્ટ વગેરે. તેમને કયા રંગો પસંદ છે એ જાણી લઉં. એ હિસાબે પછી હું ડિજિટલી એક ડિઝાઇન તૈયાર કરીને ક્લાયન્ટને દેખાડું. જો તેમને એ ડિઝાઇન પસંદ આવે એ પછી જ હું બૅગ પર પેઇન્ટિંગ કરવાનું ચાલુ કરું છું. હું પાંચ બૅગ્સ પર એકસાથે કામ કરવાનું શરૂ કરું છું. આનું રીઝન એ છે કે એના પર લગાવેલા પેઇન્ટના એક લેયરને ડ્રાય થતાં ૨૪ કલાક લાગે છે. એટલે એક બૅગનો કલર સુકાતો હોય ત્યાં બીજી બૅગ પર કામ કરવાનું શરૂ કરી દઉં છું. આપણે કોઈ પણ લેધર બૅગ ખરીદીએ ત્યારે એના પર કેમિકલનું એક કોટિંગ હોય છે, જેથી જલદીથી લેધર ખરાબ ન થાય. તો સૌથી પહેલાં હું કોટિંગને રિમૂવ કરું. એ પછી એને ૨૪ કલાક માટે ડ્રાય થવા રાખી દઉં. એ પછી જે એરિયામાં ડિઝાઇન ડ્રૉ કરવી હોય ત્યાં પહેલાં વાઇટ કોટ મારવો પડે નહીંતર બૅગની જે ઓરિજિનલ ડિઝાઇન હોય એ દેખાય. એટલે વાઇટ કોટ કર્યા પછી ફરી એ ૨૪ કલાક સુકાય. પછી એના પર બીજા કલરનો કોટ આવે. એ કલરના ત્રણ કોટ લગાવવા પડે, તો જ એ ડિઝાઇન લેધરને પર્મનન્ટ્લી પકડે. આખી ડિઝાઇન થયા પછી એના પર પ્રોટેક્ટિવ લેયર લગાવું. એને ડ્રાય થતાં બીજા ૨૪ કલાક લાગે. આજે મોટા-મોટા શોરૂમ્સ જ્યાં પર્સનલાઇઝ્ડ ડ્રૉઇંગ થતાં હોય છે અને એ લોકો જે ઇન્ક અને કલર યુઝ કરે છે એ સેમ હું પણ યુઝ કરું છું. આ કલર હું ખાસ ન્યુ યૉર્કથી મગાવું છું, જે પ્યૉર લેધર કલર હોય છે. એટલે જ બૅગ પર જે ઑલરેડી પ્રિન્ટેડ ડિઝાઇન હોય અને જે હું હૅન્ડ પેઇન્ટ કરીને એક્સ્ટ્રા ડિઝાઇન પેઇન્ટ કરું છું એમાં કોઈ ફરક દેખાશે નહીં.’
પર્સનલાઇઝેશન
ક્લાયન્ટ્સ પાસેથી કેવી-કેવી ડિમાન્ડ આવતી હોય છે એ વિશે પોતાનો અનુભવ જણાવતાં દયિતા શાહ કહે છે, ‘મારી પાસે એક ક્લાયન્ટ આવી હતી. તેની પાસે ૧૦ વર્ષ જૂની ગુચીની એક બૅગ હતી. એ બૅગનું ઉપરનું લેધરનું લેયર ઊખડી ગયેલું હતું. એ બૅગ પર મેં તેને એક મોટો ડ્રૅગન પેઇન્ટ કરીને બૅગને સુંદર બનાવીને આપી હતી. મારું કામ લેધર ચેન્જ કરીને આપવાનું નથી, પણ જે ખરાબ થઈ ગયું છે એને છુપાવીને એને બ્યુટિફાઇ કરવાનું કામ છે. એટલે આવી તો અનેક બૅગ જે વપરાય એવી ન હોય એને મેં વાપરવાલાયક બનાવીને આપી છે. મારી પાસે ઘણા ક્લાયન્ટ્સ તેમની બૅગ પર પર્સનલાઇઝ્ડ ડિઝાઇન કરાવવા માટે પણ આવે છે. જેમ કે મારી એક ક્લાયન્ટ છે એણે એવું મૅનિફેસ્ટ કરેલું કે તેને આવતા વર્ષે જપાનની ટ્રિપ કરવી છે. તો તેણે તેના વૉલેટ પર જપાનનો સ્ટૅમ્પ પેઇન્ટ કરાવેલો. મારી વધુ એક ક્લાયન્ટ હતી તેણે જિમી ચૂના લેધરના કાર્ડ-હોલ્ડર પર તેનાં બે પેટ અૅનિમલ્સનાં પેઇન્ટિંગ્સ મારી પાસેથી કરાવ્યાં હતાં. કોઈની એવી ડિમાન્ડ હોય કે મને આ ફ્લાવર ગમે છે તો એની ડિઝાઇન તમે મને બૅગ પર કરી આપો. તો આવી રીતે મને ક્લાયન્ટની અલગ-અલગ ડિમાન્ડ આવતી રહી છે અને હિસાબે હું તેમને પેઇન્ટ કરીને આપું છું. લૂઇ વિત્તોંનો સૌથી મોટો શોરૂમ પૅરિસમાં છે. એ લોકોના આર્ટિસ્ટો દ્વારા લેધર બૅગ્સ પર પર્સનલાઇઝ્ડ પેઇન્ટિંગ કરીને આપવામાં આવે છે. જનરલી જે લોકો આવી મોંઘી હૅન્ડબૅગ ખરીદતા હોય તેમને એવું હોય કે પર્સનલાઇઝેશનનું કામ તેઓ બ્રૅન્ડ પાસેથી જ કરાવે. તો હું એ વસ્તુનું નૉલેજ લેવા માટે પૅરિસ પણ ગઈ હતી. મારી પાસે એવા પણ ઘણા ક્લાયન્ટ આવે છે જેઓ નવી બૅગ બ્રૅન્ડ પાસેથી ખરીદે અને એના પર પર્સનલાઇઝેશનનું કામ હોય એ મારી પાસેથી કરાવે. એટલે જરૂરી નથી કે ખરાબ થઈ ગઈ હોય એવી જ બૅગ આવે. ઘણા લોકો ફક્ત પર્સનલાઇઝેશન માટે પણ આવતા હોય છે.’
ઘરેથી જ મૅનેજ થાય કામ
ક્લાયન્ટના ઑર્ડર લેવાથી લઈને, ડિઝાઇન તૈયાર કરવાથી લઈને પેઇન્ટિંગ કરવા સુધીનાં બધાં જ કામ દયિતા શાહ જાતે ઘરેથી જ કરે છે. પોતાના કામ વિશે માહિતી આપતાં તે કહે છે, ‘મેં કોઈ અલગથી સ્ટાફ રાખ્યો નથી. હું ૧૦ દિવસની અંદર ક્લાયન્ટને કામ પૂરું કરીને આપું છું. જનરલી આર્ટિસ્ટ તેમના મૂડના હિસાબે કામ કરતા હોય છે. એટલે ઘણી વાર એવું હોય કે હું કલાકો સુધી એકધારી કામ કરતી રહું અને ઘણી વાર એવું થાય કે હું કામને હાથ પણ ન લગાવું. જનરલી હું ઑર્ડર લેવાનું કામ બપોરે ૧૨ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરું છું. જોકે બૅગ પર પેઇન્ટિંગ કરવા બેસું ત્યારે હું એવો સમય પસંદ કરું જ્યારે મને કોઈ ડિસ્ટર્બન્સ કે ડિસ્ટ્રૅક્શન ન આવે. લાખોની બૅગ્સ લઈને પેઇન્ટ કરવા બેઠા હોઈએ ત્યારે એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવું પડે. મેં કમર્શિયલ આર્ટ કરેલું છે એટલે હું લેધર બૅગ, જૅકેટ, શૂઝ બધાં પર સરળતાથી પેઇન્ટ કરીને એને પર્સનલાઇઝ્ડ ટચ આપી શકું છું. હૅન્ડબૅગ પેઇન્ટિંગ માટેની મારી પ્રાઇસ-રેન્જ પાંચ હજારથી શરૂ થાય છે. એ પછી ક્લાયન્ટને કેવી ડિઝાઇન ગમે છે, એમાં કેટલા કલાક કામ કરવું પડ્યું, કેટલો કલર યુઝ થયો, બૅગ પર કેટલી સાઇઝનું પેઇન્ટ કરવાનું છે એ બધા પર એની પ્રાઇસ ડિપેન્ડ કરે છે. હું એક્ઝિબિશન્સમાં પણ ભાગ લઉં છું. મેં પેઇન્ટ કરેલી હૅન્ડબૅગ્સ લઈ જઈને ડિસ્પ્લે કરું છું એટલે લોકોને ખબર પડે કે માર્કેટમાં આવી કોઈ વસ્તુ પણ એક્ઝિસ્ટ કરે છે. મને મારા કામમાં પરિવારનો પણ સપોર્ટ મળે છે. મારા ફાઇનૅન્સનું કામ મારા હસબન્ડ પરાગ સંભાળે છે. તેમનો લૅબોરેટરી કેમિકલનો બિઝનેસ છે. મારો દીકરો કહાન પણ તેના પિતાના બિઝનેસમાં જોડાયેલો છે. મારી દીકરી કેયા ન્યુ યૉર્કમાં આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણી છે અને અત્યારે એક કંપનીમાં જૉબ કરે છે. એટલે મને ન્યુ યૉર્કની એક શૉપમાંથી લેધર કલર ખરીદીને તે જ મોકલે છે.’