અતિ પ્રાચીન આર્ટિફેક્ટ્સ એકત્રિત કરવાની પ્રોસેસ દરમ્યાન તેમણે દુંદાળા દેવને લગતી કેટલીક માન્યતાઓનો પણ છેદ ઊડી જાય એવી માહિતી ભેગી કરી છે.
ટુ ધ પૉઈન્ટ
સૌજન્ય : સતેજ શિંદે
ભારતના સૌપ્રથમ સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી તેમના કલેક્શનના પૅશન માટે પણ જાણીતા છે. સેક્સ્યુઅલિટી સાથે સંકળાયેલા ઇરૉટિકાના સંગ્રહ ઉપરાંત તેમની પાસે ખૂબ બહોળું ગણેશજીનું કલેક્શન છે. અતિ પ્રાચીન આર્ટિફેક્ટ્સ એકત્રિત કરવાની પ્રોસેસ દરમ્યાન તેમણે દુંદાળા દેવને લગતી કેટલીક માન્યતાઓનો પણ છેદ ઊડી જાય એવી માહિતી ભેગી કરી છે. ગણેશ ચતુર્થી ઢૂંકડી છે ત્યારે ‘મિડ-ડે’નાં સેજલ પટેલે તેમની સાથે કરેલી ગોષ્ઠિમાં જાણવા મળ્યું કે હવે તેમનું નેક્સ્ટ કલેક્શન શું હશે. આવો વાંચીએ તેમની ગોષ્ઠિના કેટલાક અંશો
સેક્સોલૉજિસ્ટ તરીકે ઇરૉટિકાનો બિગેસ્ટ સંગ્રહ તમારી પાસે હોય એ સમજી શકાય છે, પણ ગણેશજીના કલેક્શનની દિશા કઈ રીતે મળી?
યસ, ઇરૉટિક આર્ટનું કલેક્શન એ મારું પૅશન છે અને એ માટે હું વર્ષોથી કંઈક સતત શોધતો રહું છું. એક સમય હતો જ્યારે હું લગભગ દર શુક્રવારે ચોરબજારમાં જતો, આવું જ કંઈક રૅર મળી જાય એ શોધવા. મારી પાસે એ દૃષ્ટિ છે અને થોડુંક નૉલેજ પણ એટલે રૅરિટી બાબતે સમજણ પડે. હું તો મૂળે ઇરૉટિક આર્ટ માટે જ ગયેલો અને ત્યાં મેં એક દુકાનમાં ટેરાકોટાનું નાનકડું મેડૅલિયન જોયું. એના પર બુલ એટલે કે આખલો હતો. એને નંદી પણ કહેવાય. નંદીનો મતલબ થાય આનંદ આપવાવાળો જે સેક્સ્યુઅલ પૅશનનું પણ સિમ્બૉલ છે. એની નીચે બ્રાહ્મી લિપિમાં જાતેશ્વર લખેલું. મતલબ કે શિવજી. મને એ ગમ્યું અને થોડુંક બાર્ગેઇન કરીને લગભગ હજાર રૂપિયામાં હું એ મેડૅલિયન લઈ આવ્યો.
ADVERTISEMENT
એ મેડૅલિયનને ગણેશજી સાથે કઈ રીતે સાંકળવામાં આવ્યું?
કહુંને તમને... એક રવિવારે હું મારી આવી સંગ્રહ કરેલી ચીજોનું નિરીક્ષણ કરતો હતો ત્યારે એની બીજી તરફ મને ગણેશજી જોવા મળ્યા. આ ગણેશ બે હાથવાળા હતા અને તેમની પાછળ પ્રભાવલિ હતી એટલે કે આભામંડળ પણ હતું. એવી ફેમસ માન્યતા છે કે ગણેશજી એક સમયે વિઘ્નકર્તા હતા. છઠ્ઠી સદીમાં તેમના સ્વરૂપમાં ચાર હાથ આવ્યા અને એ વખતે તેમને વિઘ્નહર્તાનું બિરુદ મળ્યું. આ બિલીફને કારણે બે હાથવાળા ગણેશ જોઈને હું સરપ્રાઇઝ્ડ હતો. છઠ્ઠી સદીમાં જે ગણેશની પ્રતિમા છે એને ચાર હાથ છે અને એ ચીનમાં ક્યાંક છે. આ ચીજ ખરેખર કેટલી જૂની છે એ જાણવા હું ટેરાકોટા એક્સપર્ટ અને પદ્મશ્રી ડૉ. ધવલીકરને પુણે જઈને મળ્યો. તેમને પણ નવાઈ લાગી. તેમણે મને ધારવાલ યુનિવર્સિટીના એપિગ્રાફિલૉજિસ્ટ પ્રોફેસર રિટ્ટીને મળવા કહ્યું. તેમણે આ ચીજ તપાસીને કહ્યું કે ડેફિનેટલી આ ત્રીજી કે ચોથી સદીનું છે. એ પછી મૈસુરમાં એપ્રિગ્રાફિક સોસાયટી ઑફ ઇન્ડિયાના ડૉ. રવિ શંકરને બતાવ્યું. તેમણે કહ્યું કે આ બીજી સેન્ચુરીનું હોઈ શકે. પ્રોફેસર જોગે અને પ્રોફેસર દાંડેકરના કહેવા મુજબ આ પીસ ત્રીજી કે ચોથી સદીનું જ છે એ નક્કી થઈ ગયું. મને વિચાર આવ્યો કે ચીનમાં ગણેશની જે પ્રતિમા છે એ છઠ્ઠી સદીની છે ત્યારે આ જે મેડૅલિયન છે એ એનાથીયે ૨૦૦ વર્ષ જૂનું છે. એનો મતલબ એ થયો કે વિશ્વના સૌથી જૂના ગણેશનું પ્રતીક ચીનમાં નહીં, ભારતમાં આપણી પાસે છે!
તો પછી પેલી ગણેશજી વિઘ્નકર્તા છે એ વાળી થિયરીનું શું?
હા, એ બિલીફ પણ આ મેન્ડૅલિયનથી ખોટી પડે છે. એનું કારણ એ છે કે એમાં ગણેશજીની મૂર્તિને આભામંડળ છે. જે વિઘ્નકર્તા હોય તેની આસપાસ ઓજસ કદી ન હોય. બે હાથ અને આભામંડળ ધરાવતા આ એક જ ગણેશ છે વિશ્વમાં. વળી, ટેરાકોટાનો પીસ ૧૭૦૦થી ૧૮૦૦ વર્ષ સુધી ટકે એ જ બહુ મોટી વાત છે.
શું આ શોધ પછીથી તમને ગણેશજી માટે ફૅસિનેશન વધ્યું?
ના, એક્ઝૅક્ટ્લી એવું ન કહી શકાય. એ પછી ઔરંગાબાદના એક મિત્રે મને ૧૮મી સદીનું ગણેશનું ખૂબ સુંદર પેઇન્ટિંગ આપ્યું. હું ગણેશજી વિશે વધુ જાણવા-સમજવા માટે લોકોને મળતો રહેતો હતો એટલે કેટલાક મિત્રો મને ગણેશજીને લગતી રૅર ગણાતી ચીજો ભેટમાં આપતા રહેતા. આમ ગણેશને શોધવા હું ક્યાંય ગયો નથી, ગણેશજી મારી પાસે આવવા લાગ્યા અને પછી મારો રસ વધ્યો. એ પછી મેં કેટલાક સિક્કાઓ અને મૂર્તિઓ ઑક્શનમાં બહુ ઊંચા ભાવે ખરીદ્યાં પણ ખરા. હા, એ કલેક્શનમાં મારો એક જ નિયમ રહ્યો છે કે એ કાં તો બહુ જ રૅર હોવું જોઈએ અને સાથે સુંદર પણ.
અત્યારે કેટલી અને કેવી-કેવી ચીજો છે તમારી પાસે?
નાનું-નાનું ઘણુંબધું. મૂર્તિઓ, ટેરાકોટા કૉઇન, જ્વેલરી. લગભગ દરેક સદીનું પ્રતિનિધિત્વ થાય એવી ચીજો મારી પાસે છે. ભારતમાં એક સમયે દૂતિયા નામનું સ્ટેટ હતું જ્યાં ગણેશજીની સ્ટૅમ્પ્સ હતી. એ પણ મારી પાસે છે. કૉઇન્સ, પોસ્ટકાર્ડ્સ, સ્ટૅમ્પ-પેપર્સ સુધ્ધાં ગણેશજીનાં છે. મદુરાઈ અને સાઉથના ગણેશને ડિપિક્ટ કરતા હોય એવા આર્ટિફેક્ટ્સ પણ છે. આ બધી જ ચીજો લોકો એમ પણ જોઈ શકે એ માટે ‘ગણેશા થ્રૂ ધ એજીસ’ નામનું પુસ્તક પણ બહાર પાડ્યું છે. લગભગ ૨૦૦ જેટલી ચીજો તો ખરી જ.
આટલા સમૃદ્ધ ગણપતિનો વારસો કોને આપવા માગો છો?
જો કોઈ મ્યુઝિયમ બનાવતું હોય તો તેને આખું કલેક્શન આપવા તૈયાર છું. વિશ્વના સૌથી જૂના ગણેશજીનાં દર્શનનો લાભ બધા જ લઈ શકે એનાથી રૂડું બીજું શું હોઈ શકે? મને લાગે છે કે સિદ્ધિવિનાયક જાય એના કરતાં વધુ ભક્તિભાવથી લોકો એ મ્યુઝિયમ જોવા આવશે. આર્કિયોલૉજિલ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા આ પ્રમાણિત કલેક્શન હોવાથી એને ઇન્ડિયાની બહાર લઈ જઈ શકાય એમ નથી.
ઇરૉટિકાનું વિશ્વસ્તરે મ્યુઝિયમ પાસે પણ ન હોય એવું શૃંગારિક કલેક્શન અને પછી આ ગણેશજી. શું એના સિવાય બીજું કંઈ?
યસ, હમણાં હું સ્વસ્તિકનું કલેક્શન કરું છું. આપણો સાથિયો ૧૦,૦૦૦ વર્ષ જૂનું સિમ્બૉલ છે. સ્વસ્તિકના પચાસ-સો વર્ષ જૂના નહીં પણ હજાર-બે હજાર વર્ષ જૂના આર્ટિકલ્સ પણ મારી પાસેથી અત્યારે વીસ-પચીસ નીકળે. ગણેશનું બીજું સ્વરૂપ સ્વસ્તિક છે. હા, હજી પણ ગણેશજીનું કંઈક અનયુઝવલ મળી જાય તો એ લઈ જ લઉં. જોકે અત્યારે મારું ફોકસ સાથિયા પર છે. સ્વસ્તિકમાં પહેલાં ત્રણ પાંખિયાં હતાં. ચાર પાંખિયાં મોસ્ટ કૉમન છે. પાંચ પાંખિયાવાળા સ્વસ્તિક પણ હોય છે. સ્વસ્તિકનો મતલબ થાય સુવસ્થી એટલે કે સ્વસ્થતા અને હૅપીનેસનું પ્રતીક. જૈન, બુદ્ધ અને શૈવિઝમમાં પણ તમને સાથિયો જોવા મળશે.
ધારો કે...
જો તમે સેક્સોલૉજિસ્ટ ન હોત તો?
તો વેપારી હોત. હું વેપારમાં ગયેલો અને પછી પાછો આવેલો. મારી મમ્મી કહેતી હતી કે પપ્પા ઇચ્છતા હતા કે તેમનો એક છોકરો ડૉક્ટર થાય. ત્રણ મોટા ભાઈઓ ન જઈ શક્યા અને હું પણ કંઈ બહુ બ્રાઇટ સ્ટુડન્ટ નહોતો. છતાં થયું કે લાવ, ટ્રાય કરીએ. મેં આ બ્રાન્ચ લીધી એનું કારણ એ હતું કે એ વર્જિન છે. એમાં સ્કોપ ઓપનિંગ્સ ખૂબ મળે.
ગઝલ, ગણપતિ અને સેક્સૉલૉજીમાંથી પહેલો પ્રેમ કયો?
પહેલો પ્રેમ સેક્સોલૉજી, બીજો ગઝલ અને ત્રીજો ગણેશ; કેમ કે સેક્સોલૉજી અને ગઝલ બન્ને રિલેટેડ છે. આ રુચિનું સાયન્ટિફિક કારણ પણ છે. તમે જુઓ. બે લીટીથી એક શેર બને, બે વ્યક્તિથી એક અનુભવ બને. કેટલાય શેર ભેગા થાય તો એક ગઝલ બને. કેટલાય અનુભવ ભેગા થાય ત્યારે સંબંધની શરૂઆત થાય. બીજું, સેક્સ અને શાયરી એ બન્ને સાંજ પછી જ ખીલે. મુશાયરા કદી દિવસે નથી ભરાતા અને અંગત જીવનમાં ઇન્ટિમસીનો માહોલ સાંજ પછી જ ઘેરો બને છે. ગાલિબે સરસ કહ્યું છે...
બલાંએ જાં હૈ ગાલિબ, ઉસકી હર બાત
ઇશારત ક્યા, ઇબારત ક્યા, અદા ક્યા
આ જ વાત સેક્સ્યુઅલિટી અને ગઝલ બન્ને માટે સમાન રીતે લાગુ પડે છે.
થોડુંક ઝટપટ
જીવનમાં કોઈ વસવસો ખરો? ફલાણું થયું હોત તો સારું થાત?
ટચ વુડ. ઍઝ સચ કંઈ જ નહીં. પર્સનલ લાઇફમાં ભગવાને મેં વિચારેલું એનાથીયે વધુ આપ્યું છે. માલિકની અપાર મહેરબાની અને અદ્ભુત નસીબ છે મારું.
તમારી નબળાઈ શું?
હું એ નહીં કહું, કેમ કે મારી નબળાઈનું કારણ એ કદાચ બીજા કોઈકની સક્સેસ હોઈ શકે. દુશ્મનના હાથમાં આપણી નબળાઈ શું કરવા આપવી?
૮૦ વર્ષની ઉંમરે બધી જ રીતે સંતોષભરેલું જીવન છે અને છતાં એક વસ્તુ ભગવાન આપવા તૈયાર હોય તો શું માગો?
કોઈ સારો શેર કહી દે તો મજા પડી જાય. મને એટલો સંતોષ છે કે નેક્સ્ટ મોમેન્ટ પર હું ન રહું તોય સંતુષ્ટ છું. અહીં શૂન્યભાઈનો શેર કહેવા માગીશ...
જીવન જીવી જાણ નિરંતર
મરવાનું છે યાદ ન કર
પુષ્પની સૌરભ માણી લે
ખરવાનું છે યાદ ન કર