૭૯ વર્ષની ઉંમરે રસીલા કોરડિયા ઑર્ડર લઈને ઊંધિયું અને હાંડવો બનાવે છે અને પોતાને આખો દિવસ વ્યસ્ત રાખે છે.
૭૯ વર્ષનાં રસીલા કોરડિયા દિવસ દરમિયાન શાકભાજી કાપવામાં, સામગ્રી તૈયાર કરવામાં સમય વિતાવે છે. સવારે ૧૧ વાગ્યા સુધી રસોડામાં ઑર્ડર મુજબ ઊંધિયું અને હાંડવો બનાવવામાં સમય પસાર કરે છે.
૭૦ના દાયકામાં ચાર દીકરીઓ હોય અને દીકરો ન હોય તો સામાજિક પ્રેશર જબરદસ્ત રહેલું, પણ ચાર દીકરીઓની આ મમ્મીને ક્યારેય દીકરાની ખોટ નથી સાલી. જરૂર પડ્યે દીકરીઓ તેમની સાથે અડગ ઊભી રહે છે. દીકરીઓનાં લગ્ન પછી તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું ને હસબન્ડને લિવરની તકલીફ શરૂ થઈ ગઈ હતી. તેમણે પોતાના શોખ કુકિંગમાંથી કમાવાનું શરૂ કર્યું. આજે તો તેઓ એકલાં રહે છે અને એટલીબધી જરૂર નથી તો પણ ૭૯ વર્ષની ઉંમરે રસીલા કોરડિયા ઑર્ડર લઈને ઊંધિયું અને હાંડવો બનાવે છે અને પોતાને આખો દિવસ વ્યસ્ત રાખે છે.
ઘાટકોપરમાં રહેતાં ૭૯ વર્ષનાં રસીલા કોરડિયા હસબન્ડના અવસાન પછી છેલ્લાં ૧૫ વર્ષથી એકલાં રહે છે. દીકરો ન હોવા છતાં ક્યારેય તેમને દીકરાની ખોટ નથી સાલી. જ્યારે જરૂર હતી ત્યારે દીકરીઓ ખડે પગે બાજુમાં ઊભી રહી છે. જરૂરિયાતના સમયે રસીલાબહેને પોતે જ પોતાની આવડત અને કલાથી ઘર ચલાવવામાં મદદ કરવાની શરૂઆત કરી. તેમના કુકિંગના શોખે આજે પણ તેમને કાર્યરત રાખ્યાં છે. આજે તેઓ એકલા હાથે ઊંધિયું કે હાંડવાના ઑર્ડર તૈયાર કરે છે. તેમના જીવનની સફર ૭૦ના દાયકાની કોઈ ફિલ્મની કહાની જ લાગે અને જો લેખક લુઇસા મે એલ્કોટની વિશ્વવિખ્યાત નવલકથા ધ લિટલ વુમન વાંચી હોય તો લાગશે કે બધાં પાત્રોએ વાસ્તવિક રૂપ લઈ લીધું છે. મળીએ આ સ્ફૂર્તિલાં વડીલને જેમણે જીવનમાં બહુ જ તડકાછાંયા જોયા છે અને તેમની વાતોમાંથી ઘણા બોધપાઠ લેવા જેવા છે.
ADVERTISEMENT
દોહિત્રીઓ અને દીકરી-જમાઈ સાથે દર વર્ષે રસીલાબહેનનો એક નવો ફૅમિલી ફોટો હોય છે. પહેલી હરોળમાં વૈશાખી, ભક્તિ, કિંજલ શાહ, મીરા ખજૂરિયા, અર્ચના હરિયા, દીપલ અને રસીલાબહેનની બાજુમાં બેસેલા જમણી બાજુએથી જમાઈઓ રાજેશ હરિયા, ભરત ખજૂ©રિયા અને તેજસ શાહ.
સમાજની રૂઢિઓને જીવ્યાં
મહારાષ્ટ્રના અકોલામાં જન્મેલાં અને લગ્ન પછી ૧૯૬૪માં ઘાટકોપર આવેલાં રસીલાબહેન કહે છે, ‘જ્યારે મેં મેટ્રિક પાસ કર્યું ત્યારે અકોલામાં હું અમારા સમાજની સૌથી પહેલી છોકરી હતી. ૧૮ વર્ષે હું લગ્ન કરીને ઘાટકોપરમાં આવી. તે સમયે ઘરમાં વડીલ પુરુષોની લાજ કાઢવાની પ્રથા હતી. ઘાટકોપરમાં એક રૂમ અને રસોડાના ઘરમાં અમે રહેતાં હતાં. મારા હસબન્ડ જૉબ પરથી રાત્રે ૯ વાગ્યે આવતા અને મારા સસરા સાંજે ૬ વાગ્યે ઘરે આવી જતા. એ સમયમાં સાંજે ૬થી ૯ વાગ્યા સુધી રસોડામાં પાટલો નાખીને લાજ કાઢીને બેસી રહેવાનું. હું જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે અમે એક બીજા ઘરમાં રહેવા ગયાં. લગ્નનાં બે વર્ષ પછી મારી પહેલી દીકરી અર્ચનાનો જન્મ થયો. અર્ચના પછી મનીષા, મીરા અને કિંજલનો જન્મ થયો. એ સમયે દીકરો તો હોવો જ જોઈએ એવું સમાજનું પ્રેશર રહેતું. ચાર દીકરી પછી સમાજના શબ્દો તો ખરા જ કે દીકરો નથી. મારી દીકરીઓ કેવી રીતે મોટી થઈ ગઈ મને એનો ખ્યાલ જ નથી આવ્યો. સમય બહુ સરળ હતો અને મોંઘવારી નહોતી તેમ જ ભણતર બહુ સસ્તું હતું. પાંચમા ધોરણમાં ૫ રૂપિયા, છઠ્ઠા ધોરણમાં ૬ રૂપિયા એવી શાળાની ફી રહેતી અને દસમું ધોરણ નિ:શુલ્ક હતું. મારી અર્ચના દસમા ધોરણમાં આવી ત્યારે મેં તેને કહ્યું કે દીકરા, હવે તારે કંઈક કામ કરવું જોઈએ. તો તે નાનાં-મોટાં કામ કરીને પોતાનો ખર્ચો કાઢતાં શીખી ગઈ. મેંદી મૂકતાં શીખી, ડેકોરેશન કરતાં શીખી અને પછી તેને મેકઅપમાં રસ જાગ્યો એટલે ત્યારથી જ તેણે બ્યુટિશ્યન બનવાનું નક્કી કરી લીધું. મનીષાને ફેફસાંની બીમારી હોવાથી બહુ જ ટૂંકું જીવી. અર્ચના અને મીરાનાં લગ્ન થઈ ગયાં હતાં અને મનીષાએ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. દીકરો નહોતો એટલે સમાજનું ગણ-ગણ ક્યારેક સંભળાતું કે ઘરમાં કોઈ કમાવાવાળું નથી.’
શોખ બન્યો મદદગાર
પરિવારમાં આર્થિક સમસ્યા કોઈ પણ સમયે આવી શકે છે. ૩૦ વર્ષ પહેલાં એવો જ સમય આવ્યો અને પોતાના શોખથી પૈસા કમાવાની તક મળી. રસીલાબહેન કહે છે, ‘દીકરીઓનાં લગ્ન પછી ઘરમાં મારી નાની દીકરી અને અમે પતિ-પત્ની એમ ત્રણ જ હતાં. ત્યારે મારા હસબન્ડને લિવરમાં તકલીફ શરૂ થઈ હતી, જે બહુ લાંબા સમય સુધી ચાલી. તેઓ ઑફિસ નહોતા જઈ શકતા એટલે અમારો હાથ ટૂંકો હતો. એવામાં મેં અમારા સમાજની ઇવેન્ટમાં કુકિંગ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં મારાં દાળવડાંને પ્રથમ ઇનામ મળ્યું. મારી રસોઈ પહેલેથી વખણાતી એટલે જ્યારે પણ કોઈના ઘરમાં વધારે લોકોની રસોઈ કરવાની હોય તો મને બોલાવતા. મારી રસોઈનાં વખાણ સાંભળીને ઘાટકોપરની બહુ જાણીતી ફૂડ શૉપ છે તેમણે મારો સંપર્ક કર્યો અને મને અમુક વાનગી ચખાડવાનું કહ્યું. મેં તેમને જુદી-જુદી વાનગીઓ ચખાડી. મને મારા કુકિંગ પર એટલો વિશ્વાસ છે કે વ્યક્તિ એક વખત ચાખશે તો બીજી વખત માગશે જ. એ ફૂડ શૉપના મને ઑર્ડર આવતા એટલે હું તેમને બનાવીને આપતી. તો આવી રીતે ૩૦ વર્ષ પહેલાં પંજાબી શાક, ગુજરાતી નાસ્તાઓ, કેરીનું શરબત એમ વિવિધ વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું હતું. માનો કે પાંચ રૂપિયાની વસ્તુ વેચાય તો મને બે રૂપિયા કમાવા મળતા. આવી રીતે મેં મારા પરિવારને આર્થિક રીતે મદદ કરવાનું શરૂ કર્યું. એક સમય પછી તો મારા હસબન્ડથી કામ જ નહોતું થઈ શકતું. આ ઑર્ડર પર જ મારું ઘર ચાલતું હતું. મારે પંજાબી શાકના ઑર્ડર બહુ જ રહેતા. એ સિવાય અમીરી ખમણ, હાંડવો અને જાતભાતનો નાસ્તો પણ બનાવતી હતી. છેલ્લાં પંદર વર્ષથી હું એકલી જ રહું છું અને ઉંમરને કારણે પણ ઘણીબધી વાનગીઓના ઑર્ડર લેવાનું ઓછું કરી નાખ્યું છે, પણ મારાથી ખાલી ન બેસાય એટલે આજે પણ ઊંધિયું અને હાંડવાના ઑર્ડર લઉં છું.’
એકલા હાથે રસોડામાં રાજ
જેટલા કિલોનો ઑર્ડર હોય એ પ્રમાણે દિવસની શરૂઆત થાય એમ જણાવતાં રસીલાબહેન કહે છે, ‘ઊંધિયાનો પાંચ કિલોનો ઑર્ડર હોય તો ૬ વાગ્યે અને ૧૦ કિલોનો ઑર્ડર હોય તો પાંચ વાગ્યે મારા દિવસની શરૂઆત થાય. આ ૩ મહિના તો ઊંધિયાની સીઝન છે એટલે એના ઑર્ડર વધારે હોય છે. રસોડામાં મને કોઈની મદદ ન જોઈએ. ઊંધિયું બનાવવામાં હું આખો દિવસ વ્યસ્ત રહું છું. આ વાનગી બનાવવામાં મેથી, રીંગણ, પાપડી, ટીંડોળા, કોથમીર જેવી લીલી શાકભાજીનો ઉપયોગ થાય છે. આ બધી શાકભાજીને સાફ કરીને સમારવી અને કોથમીરને ધોઈને સાફ કરવામાં મને કલાકો લાગે છે. ઊંધિયાનાં મૂઠિયાં પણ બનાવીને આગળના દિવસે તૈયાર રાખું છું એટલે બીજા દિવસના ઊંધિયાના ઑર્ડરની તૈયારી એક દિવસ પહેલાં જ કરી રાખું છું. રાત સુધીમાં મારી બધી સામગ્રી તૈયાર હોય છે. સવારે ઊઠીને મારે વઘાર કરવાનો રહે છે. ઊંધિયાની સાથે મારા હાંડવાના ઑર્ડર પણ તૈયાર કરવાના હોય છે એટલે સવારે ૧૨ વાગ્યા સુધી હું ઑર્ડર બનાવવામાં વ્યસ્ત હોઉં છું અને સાંજે હું બીજા દિવસના ઑર્ડરની તૈયારી કરવામાં વ્યસ્ત રહું છું. મારી દીકરીઓ મને ઘણી વાર કામ બંધ કરવાની સલાહ આપે છે, પણ મારી દીકરીઓને મેં સમજાવ્યું છે કે મારા હાથ-પગ સલામત છે ત્યાં સુધી હું કામ કરીશ; કાલે મને કોઈ બીમારી થાય કે હું પોતાને ન સંભાળી શકું ત્યારે જ તમે મને આર્થિક સહાય કરજો. મારી દીકરીઓ અને જમાઈ મારું બહુ જ ધ્યાન રાખે છે. હમણાં જ મારી દીકરી મને સમજાવતી હતી કે પ્રેઝન્ટેશન કેટલું જરૂરી છે. હું ઑર્ડર બનાવીને ડબ્બામાં પૅક કરીને પ્લાસ્ટિકની કોથળીમાં પૅક કરીને આપી દઉં. મારા માટે તો વાનગીનો સ્વાદ મહત્ત્વનો છે પણ મારી દીકરી પૅકેજિંગ માટે બહુ જ સરસ કોથળીઓ લઈ આવી અને હવે હું એમાં પૅક કરીને આપું છું.’
દીકરીઓ ઘર ભરી દે છે, ખાલી નથી કરતી
આજે મારી બધી દીકરીઓ બહુ જ સમૃદ્ધ અને સુખી છે એમ જણાવતાં રસીલા કોરડિયા કહે છે, ‘દીકરી-જમાઈ અર્ચના અને રાજેશ હરિયા, મીરા અને ભરત ખજૂરિયા તથા કિંજલ અને તેજસ શાહ છે. આ ત્રણેય દીકરીઓનાં લગ્નમાં મારે ખર્ચ નથી કરવો પડ્યો, કારણ કે મારી દીકરીઓ એટલી ટૅલન્ટેડ અને વ્યવસ્થિત હતી કે સામેના પરિવારોએ માત્ર દીકરી જ માગી. મારી દીકરીઓના ઘરે પણ દીકરીઓ જ છે અને તે પણ બધી પરણી ગઈ છે. અર્ચનાની દીકરીઓ વૈશાખી અને દીપલ તેમ જ મીરાની દીકરી ભક્તિનાં લગ્ન થઈ ચૂક્યાં છે. કિંજલનો દીકરો હીર હજી સ્કૂલમાં છે. બધાં જ બહુ સુખી છે અને ઘરની બધી મહિલાઓ બહુ જ સક્રિય અને વર્કિંગ છે. એક મા તરીકે મારી બધી ઇચ્છા પૂરી થઈ છે. મારી દીકરીઓ પોતાના પગ પર ઊભી છે અને સંસારમાં સુખી છે. કોણ કહે કે દીકરીઓ બોજ છે? દીકરીઓ ઘર ભરી દે છે, ખાલી નથી કરતી. સમાજને કદાચ દીકરાની ખોટ સાલે, પરંતુ મને ક્યારેય મારી દીકરીઓએ કોઈ કમી નથી થવા દીધી. મારે ક્યારેક કોઈ ઇવેન્ટમાં જવાનું થાય તો તેઓ કાર અને ડ્રાઇવર મોકલવાનું કહેતી હોય છે ત્યારે હું તેમને સ્ટ્રિક્ટ્લી ના કહું છું. હું જાતે રિક્ષા લઈને પહોંચી જાઉં છું અને મારી દીકરીઓને પણ કોઈના પર નિર્ભર રહેવાની સલાહ નથી આપતી.’