સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરો ઉપરાંત દેશભરમાં અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરનારાં અને અઢળક નવાં મંદિરો બનાવનારાં અહલ્યાબાઈ હોળકરનો ત્રણ દિવસ પછી એટલે કે બુધવારે ૨૯૮મો જન્મદિવસ છે
અરાઉન્ડ ધી આર્ક
મહારાણી અહલ્યાબાઈ હોળકરે સેવાકીય કાર્ય માત્ર પોતાના રાજ્યમાં જ નહીં, અન્યના રાજ્યમાં પણ કર્યું અને એ માટે તેમણે કોઈ જાતની માગ સુધ્ધાં ન કરી
અહલ્યાબાઈનાં લગ્ન ઇતિહાસમાં જબરદસ્ત ખ્યાતિ ધરાવતા સુવિખ્યાત સૂબેદાર મલ્હારરાવ હોલકરના દીકરા ખંડેરાવ સાથે થયાં, જેના માટે મલ્હારરાવે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહારાણી તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી મહારાણી રહ્યાં, જે શાસનકાળ અઠ્ઠાવીસ વર્ષથી પણ લાંબો હતો.
હવે વાત આવે છે આઝાદી પહેલાંના અંતિમ જીર્ણોદ્ધારની. ઔરંગઝેબના અંત સાથે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો, પણ એ પહેલાં તેણે મંદિરને ખંડેરમાં ફેરવી નાખ્યું હતું. મૂર્તિ પણ તહસનહસ કરી નાખી હતી. મોગલ સામ્રાજ્યના અંત પહેલાં ઔરંગઝેબને પૂરો વિશ્વાસ આવી ગયો હતો કે હવે આ મંદિર કોઈ કાળે ઊભું નહીં થાય અને આવા ખોટા આત્મસંતોષ સાથે તેણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. ઔરંગઝેબને ખબર નહોતી કે તેના મનમાં રહેલો આ આત્મવિશ્વાસ ગણતરીનાં વર્ષોમાં જ તૂટી પડવાનો છે અને એ પણ બીજું કોઈ નહીં, ભારતની એક સન્નારી દ્વારા આ કામ થવાનું છે.
ADVERTISEMENT
હા, ભારતીય મહિલાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ મંદિર આજે પણ સોમનાથના પટાંગણમાં ઊભું છે. વાત છે ઈસવીસન ૧૭૮૦ના અરસાની. બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ગઈ હતી અને દેશના હિન્દુ શાસકો એક થયા નહોતા. દરેક પોતાની રીતે પોતાનું શાસન ચલાવતા. એવા સમયે ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈ હોળકરે એ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ જીર્ણોદ્ધાર થયો એ પહેલાં મહારાણીએ અનેક અન્ય મંદિરોનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો તો અનેક જગ્યાએ નવાં મંદિરો પણ બંધાવ્યાં. મહારાણી અહલ્યાબાઈની વાતો ઇતિહાસમાં બહુ સારી રીતે લખાયેલી છે, પણ એ ભણાવવાનું કામ જોઈએ એટલું અસરકારક રીતે થતું નથી એ પણ એટલું જ સાચું છે.
ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ પહેલાં વારાણસીના જગપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. એ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આ બન્ને મંદિર અહલ્યાબાઈના નામ સાથે બહુ સારી રીતે જોડાઈ ચૂક્યાં છે. જોકે હકીકત એ પણ એટલી જ સાચી છે કે ઉત્તરથી લઈને દિક્ષણના છેવાડા સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમના છેવાડા સુધી મહારાણી અહલ્યાબાઈના રાજવી વારસામાંથી અનેક મંદિરો ઊભાં થયાં, અનેક મંદિરોનો વહીવટ થયો અને સેંકડો મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયો અને એટલે જ આજે પણ આ મંદિરોનાં દર્શનાર્થે જ્યારે લોકો ટૂર-ગાઇડ લઈને જાય છે ત્યારે તે ગાઇડના મોઢે મહારાણી અહલ્યાબાઈની વાતો આવ્યા વિના રહેતી નથી.
મહારાણી અહલ્યાબાઈનું જીવન ભારોભાર કષ્ટદાયી હતું, પણ એ હાડમારી વચ્ચે પણ મહારાણીએ ક્યારેય ભગવાન પ્રત્યેની આસ્થા છોડી નહોતી. સોમનાથ મંદિર કે પછી મહારાણી દ્વારા જીર્ણોદ્ધાર થયેલાં કે નવનિર્માણ થયેલાં અન્ય મંદિરો વિશે વાત કરતાં પહેલાં મહારાણી અહલ્યાબાઈ, તેમના જીવન અને તેમણે કરેલાં કામો વિશે વાતો કરવી પડે, કારણ કે મહારાણી પહેલાં એવાં મહિલા હતાં જેમણે અઢારમી સદીમાં પણ નારીઉત્થાનનાં એવાં-એવાં કામો કર્યાં હતાં જે આજે પણ અકલ્પનીય લાગે.
માલવા સામ્રાજ્યના એવા ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈ હોલકરના જન્મને બે વર્ષ અને ત્રણ દિવસ પછી ૩૦૦ વર્ષ થવાનાં છે. મહારાણી અહલ્યાબાઈનો જન્મ ૧૭૨પની ૩૧ મેના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરના જામખેડમાં આવેલા ચૌંઢી નામના ગામમાં થયો હતો. તેમનું નિધન ૧૭૯પની ૧૩ ઑગસ્ટે થયું હતું.
અહલ્યાબાઈનો પરિવાર ક્યાંય પણ રાજવી સલ્તનત સાથે સંકળાયેલો નહોતો અને એ પછી પણ તેમનાં લગ્ન સુવિખ્યાત સૂબેદાર મલ્હારરાવ હોલકરના દીકરા ખંડેરાવ સાથે થયાં, જેના માટે મલ્હારરાવે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહારાણી તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી મહારાણી રહ્યાં, જે શાસનકાળ અઠ્ઠાવીસ વર્ષથી પણ લાંબો હતો. કોઈ મહિલા શાસકનું આટલું લાંબું શાસન રહ્યું હોય એવું હિન્દુસ્તાનમાં ઓછું જોવા મળ્યું છે, પણ મહારાણી અહલ્યાબાઈના જીવનમાં એ જોવા મળ્યું. તેમને સત્તાવારપણે સત્તા ૧૯૬૭ની પહેલી ડિસેમ્બરે સોંપવામાં આવી. પોતાના શાસનકાળ દરમ્યાન અન્ય પર હાવી થવાને બદલે મહારાણીએ ઇન્દોરને વધારે સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપવાનું કામ કર્યું, જેને લીધે આજે પણ આ આખા પંથકમાં માલવા સામ્રાજ્યની અઢળક સ્થાપત્યની યાદો ઊભી છે.
માત્ર પોતાના જ રાજ્યમાં નહીં, પોતાના રાજ્યની સીમાની બહાર પણ મહારાણીએ મંદિરોની સ્થાપના કરવાથી માંડીને અનેક વાવ, કૂવા અને તળાવોનું નિર્માણ કર્યું તો રસ્તાઓ બનાવવાનું કામ પણ તેમણે દેશભરમાં કર્યું. જે સમયમાં ગાડામાર્ગની કોઈ પ્રથા નહોતી એવા સમયે દરેકેદરેક ઘર ગાડામાર્ગ સાથે જોડાયેલું હોય એ વિચાર મહારાણી અહલ્યાબાઈને આવ્યો અને એ માટે તેમણે એ સમયના વાસ્તુકારોની એક ખાસ ટીમ બનાવી હતી, જે મહારાણી સાથે સીધા સંપર્કમાં રહેતી.
મહારાણી પહેલાં એવાં મહિલા હતાં જેમણે ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે મંદિરોમાં શાસ્ત્રોનો અભ્યાસ થાય એ માટે વિદ્વાન પંડિતોની નિયુક્તિ કરવાની શરૂ કરી અને એ પંડિતો નવી પેઢીને શાસ્ત્રોનો અભ્યાસ કરાવે એ માટે પોતાના રાજ્યની તિજોરીમાંથી પગાર શરૂ કર્યો!
એક સારો શાસક દેશ અને પોતાના રાજ્યને કયા સ્તર પર લઈ જઈ શકે એની વાત અને સોમનાથ તથા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરોના નવનિર્માણની પ્રક્રિયા કેવી રીતે મહારાણીના જીવનમાં આવી એની વાતો હવે કરીશું આપણે આવતા રવિવારે.