જો તમે ભવિષ્ય માટે ઊંચાં સપનાં સેવતા હો તો તમારા પર્સનલ ફાઇનૅન્સને વિસારે પાડી ન દેશો. તમે ચાહે કોઈ પણ ઉંમરના હો, વાસ્તવવાદી લક્ષ્યો સાથે આ ક્ષેત્રમાં સિસ્ટમૅટિકલી આગળ વધવું જરૂરી છે
માઇન્ડ યૉર મની
પ્રતીકાત્મક તસવીર
કરજ ચૂકવતી વખતે નવું કરજ ઊભું થવું ન જોઈએ. પોતાની આવકના મહત્તમ ૪૦ ટકા કરતાં વધારે ચુકવણી કરવી પડે એટલું કરજ ક્યારેય લેવું ન જોઈએ.
ઈસુના નવા વર્ષમાં પ્રવેશતી વખતે આપણે ફરી એક વાર નવા સંકલ્પો સાથે તૈયાર રહેવાનું છે. નવા વર્ષના સંકલ્પોની નોંધ કરવી એ ઘણું જ સહેલું કામ છે, પરંતુ એને અનુસરવું ઘણું જ મુશ્કેલ હોય છે. આમ છતાં મનુષ્ય સદીઓથી નવા વર્ષના સંકલ્પો લેતો આવ્યો છે અને એને પૂરા કરવા માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે.
ADVERTISEMENT
પર્સનલ ફાઇનૅન્સની વાત કરીએ તો બીજા અનેક સંકલ્પો અને કાર્યોની વચ્ચે પર્સનલ ફાઇનૅન્સ એટલે કે નાણાકીય આયોજન વિસારે પાડી દેવાય છે, એને જોઈએ એટલી પ્રાથમિકતા મળતી નથી. ફક્ત યુવા વર્ગ નહીં, મોટી ઉંમરના લોકો પણ એના તરફ દુર્લક્ષ કરે છે. આમ છતાં પર્સનલ ફાઇનૅન્સનું મહત્ત્વ હંમેશથી એટલું ને એટલું જ રહ્યું છે. જે વ્યક્તિ ભવિષ્ય માટે સ્વપ્ન સેવતી હોય અને કંઈક કરવાની તમન્ના ધરાવતી હોય એણે આયોજન કરવું અત્યંત જરૂરી હોય છે. એમાં આળસ કરવાથી કે એને બાજુએ મૂકી દેવાથી ચાલે નહીં.
તો ચાલો, આજે આપણે નવા આત્મવિશ્વાસ અને નવા દૃઢ સંકલ્પ સાથે વર્ષ ૨૦૨૩નું સ્વાગત કરીએ. આપણે નાણાકીય આયોજનની દૃષ્ટિએ કયા સંકલ્પો લેવા જોઈએ એના તરફ એક નજર કરીએ :
ઘેટાવૃત્તિથી દૂર રહીશું
મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સાહજિક રીતે એ પોતાના મિત્રો, સંબંધીઓ કે અન્ય લોકોનું અનુકરણ કરવાની વૃત્તિ ધરાવે છે. પોતે શા માટે એવું કરે છે એની ઘણી વાર એને ખબર પણ હોતી નથી. વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિના પોતપોતાનાં સ્વપ્ન, જરૂરિયાતો, આવક ખર્ચ, પોતાના પર નિર્ભર વ્યક્તિઓ વગેરે અલગ-અલગ હોય છે. જે રીતે બધા જ લોકોની એક સામાન્ય દવા હોઈ શકતી નથી એ જ રીતે બધા જ લોકો માટે એક સર્વસામાન્ય ઇલાજ કે ઉપાય હોઈ શકે નહીં. આથી જ દરેક વ્યક્તિનું પોતપોતાનું નાણાકીય આયોજન હોવું આવશ્યક છે, જેની મદદથી એ પોતાનાં નાણાકીય લક્ષ્યો કે સ્વપ્નો સાકાર કરી શકે છે.
વાસ્તવવાદી લક્ષ્યો રાખીશું
ફક્ત એક જ દિવસ જિમ્નૅશ્યમમાં જઈને સિક્સ-પૅક ઍબ્સ બનતી નથી. પૂરતી બચત ન હોય તો સિડૅન કાર ખરીદવાનું છ મહિને પણ શક્ય બનતું નથી. આ વાત પરથી કહેવાનું કે લક્ષ્યોની પ્રાપ્તિ કરવા માટે લાંબો સમય આપવો પડતો હોય છે. એના માટે મક્કમતા અને સંકલ્પની જરૂર હોય છે. કોઈ પણ વ્યક્તિ સોએ સો ટકા આવકની બચત કરી શકતી નથી. આથી પરિવારનું બજેટ બનાવીને પોતાનાં નાણાકીય લક્ષ્યો માટે રકમ અલાયદી રાખવાનું નક્કી કરવું. જો નાણાકીય લક્ષ્યો અને બચત વચ્ચે ઘણો મોટો તફાવત હશે તો લક્ષ્યની પ્રાપ્તિ માટે ધાર્યા કરતાં વધારે સમય લાગશે. આથી સમગ્ર પરિવારની વર્તમાન-ભાવિ પરિસ્થિતિના આધારે બજેટ બનાવીને વાસ્તવવાદી લક્ષ્યો નક્કી કરવાનો સંકલ્પ કરીએ.
બચતમાં સતત વધારો કરીશું
કોઈ પણ નાણાકીય લક્ષ્ય સિદ્ધ કરવા માટે બચત અને એની સાથે-સાથે બચતનું રોકાણ આવશ્યક હોય છે. જો બદલાતા સમયની સાથે-સાથે બચત વધારવામાં ન આવે તો નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણી વાર લાગી શકે છે. સામાન્ય રીતે પાંચ, દસ કે પંદર વર્ષના ગાળા માટે અલગ-અલગ લક્ષ્યો નક્કી કરવામાં આવે છે. નિવૃત્તિકાળ માટે ભંડોળ ભેગું કરવાનું લક્ષ્ય કદાચ એનાથી પણ વધારે લાંબા સમયનું હોય છે. આ અલગ-અલગ સમયગાળા દરમિયાન ફુગાવાને કારણે આપણી ખરીદશક્તિમાં ઘટાડો થતો જાય છે અને નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવામાં વાર લાગી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં દરેક પરિવારમાં બચતનું પ્રમાણ સતત વધતું રહેવું જોઈએ અને એ બચતનું રોકાણ કરતા રહેવું જોઈએ.
કરજ પર કાબૂ રાખીશું અને કરજ ઘટાડતા જઈશું
આજની તમારી આઇફોનની ખરીદી તમને ભવિષ્યમાં કારની ખરીદી કરવાથી દૂર લઈ જઈ શકે છે. કોઈ પણ આકર્ષક વસ્તુનો મોહ ટાળવાનું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાની દરેક ઇચ્છા પૂરી કરી શકતી નથી. સૌએ પોતપોતાના બજેટને વળગી રહેવાનું હોય છે. પોતાની ઇચ્છાઓને પૂરી કરવા માટે કરજ લેતા જવું અને દેવાના બોજ હેઠળ આવતા જવું એ નુકસાનકારક સ્થિતિ છે. દરેક પરિવારે પોતાના કરજના પ્રમાણને કાબૂમાં રાખવું જોઈએ અને કરજ લીધા પછી એની ચુકવણી વહેલામાં વહેલી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. કરજ ચૂકવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે કોઈ નવું કરજ ઊભું થવું ન જોઈએ. પોતાની આવકના મહત્તમ ૪૦ ટકા કરતાં વધારે ચુકવણી કરવી પડે એટલું કરજ ક્યારેય લેવું ન જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કરજની ચુકવણીની રકમ હંમેશાં આવકના ૪૦ ટકા કરતાં ઓછી હોવી જોઈએ.
પૂરતો આરોગ્ય-જીવન વીમો
આરોગ્ય વીમો અને જીવન વીમાનું મહત્ત્વ વધારીએ એટલું ઓછું છે. નાણાકીય આયોજનમાં આરોગ્ય વીમો અને જીવન વીમો એ બંનેનું સ્થાન અનેરું છે. ભારત હોય કે બીજો કોઈ પણ દેશ, બધે જ તબીબી સારવારનો ખર્ચ ઘણો વધારે હોય છે. વર્તમાન સમયની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તથા વિવિધ પ્રકારના રોગચાળાની પરિસ્થિતિમાં આરોગ્ય વીમો તો ખૂબ જ જરૂરી બની ગયો છે. ફક્ત એક વ્યક્તિ નહીં, પણ સમગ્ર પરિવારના આર્થિક રક્ષણ માટે આરોગ્ય વીમો અને જીવન વીમો અનિવાર્ય છે. આ બન્ને વીમા વગર દરેક પરિવારનું નાણાકીય આયોજન અધૂરું ગણાય. એક પણ દિવસ આ રક્ષણ વગર નહીં જાય એવો નવા વર્ષનો સંકલ્પ કરીએ.
ઇમર્જન્સી ભંડોળ ભેગું કરીશું
ઇમર્જન્સીમાં જરૂર પડે એટલાં નાણાં ભેગાં કરવાનું જો હજી સુધી શક્ય બન્યું ન હોય તો આ નવા વર્ષે શક્ય બનાવજો. ક્યારેક યુદ્ધ, મંદી, નોકરી જવાનું જોખમ વગેરે ઘટનાઓ અચાનક આવી પડતી હોય છે અને એનો સામનો કરવા માટે ઇમર્જન્સી ફન્ડ અત્યંત જરૂરી હોય છે. ક્યારેક અણધાર્યા ખર્ચ પૂરા કરવા માટે પણ આ ફન્ડ ઉપયોગી થતું હોય છે. ક્યારેક એવું બને કે પૂરતી નાણાકીય જોગવાઈ ન હોય તો ઈએમઆઇની ચુકવણી કરવાનું રહી જાય છે. આ પરિસ્થિતિ ઘણી નુકસાનકારક છે, કારણ કે ઈએમઆઇની ચુકવણી કરવામાં નિષ્ફળ જનારનો ક્રેડિટ સ્કોર બગડી જાય છે અને ભવિષ્યમાં ઊંચા દરે વ્યાજ ચૂકવવું પડી શકે છે.
કરવેરાનું આયોજન કરીશું
જ્યાં આવક છે ત્યાં આવકવેરો પણ હોય છે. કરવેરાથી બચીને જવાનું કોઈના માટે શક્ય હોતું નથી. આથી એનો આદરપૂર્વક-માનભેર સ્વીકાર કરીને એની ચુકવણી કરતા રહેવું અને સરકારે આપેલી સવલતોનો લાભ લઈને કરની બચત કરતા રહેવું. કરવેરાનું આયોજન નાણાકીય વર્ષ શરૂ થવા પહેલાં જ થઈ જવું જોઈએ, જેથી નવા વર્ષ માટે પૂરતી જોગવાઈઓ કરી શકાય. કરવેરાની બચત અને નાણાકીય આયોજનની દૃષ્ટિએ કરવેરાનું આયોજન કરવામાં નિષ્ણાતની સલાહ લેવાનું હંમેશાં ફાયદાકારક ઠરે છે.
આપણે હવે નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છીએ ત્યારે રોમાંચ, ઉમંગ, ઉત્સાહ ટકાવી રાખવા માટે નાણાકીય આયોજન બહુ જ જરૂરી છે. આપણે એ આયોજનને આવશ્યક પ્રાથમિકતા આપીએ અને ઉજ્જવળ ભવિષ્યનું સર્જન કરીએ.
લેખક એક જાણીતા ફાઇનૅન્શિયલ એક્સપર્ટ છે. તેમનો સંપર્ક feedback@mid-day.com પર કરી શકાય.