Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક જમાનો હતો જ્યારે GPOની સોએ સો બારી ધમધમતી રહેતી

એક જમાનો હતો જ્યારે GPOની સોએ સો બારી ધમધમતી રહેતી

29 June, 2024 11:20 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સ્પન્જવાળી દાબડી, ટાંકણી રાખવાનાં ‘પિન કુશન’, લાલ-કાળી-ભૂરી શાહીના જાડા કાચના ખડિયા અને એમાં બોળીને લખવા માટેનાં ટાંકવાળાં હોલ્ડર, શાહી વધુપડતી વપરાઈ હોય તો એ ચૂસી લેવા માટેનાં બ્લોટિંગ પેપર-ઘણુંબધું હવે સ્મૃતિમાં જ સચવાયું છે

એકસો ‘બારી’વાળું રોટુન્ડા

ચલ મન મુંબઈનગરી

એકસો ‘બારી’વાળું રોટુન્ડા


GPO એટલે કે જનરલ પોસ્ટ ઑફિસના ત્રણ નંબરના ગેટમાંથી દાખલ થઈ થોડાં પગથિયાં ચડીએ એટલે સામે આવે એકસો ‘બારી’વાળો ભવ્ય વિશાળ હૉલ, જે ઓળખાય ‘રોટુન્ડા’ નામે; કારણ કે ઉપરના ઘુમ્મટની જેમ આ હૉલ પણ ગોળ છે. પણ એમાં જે એકસો ‘બારી’ છે એ હવાની આવનજાવન માટે નહીં, ટપાલની આવનજાવન માટે છે. એક જમાનામાં મોડી રાત સુધી આ સોએ સો બારીઓ ધમધમતી રહેતી. લોકલ ટપાલ માટેની બારીઓ જુદી, બહારગામ માટે જુદી, પરદેશની ટપાલની અલગ. તો ટપાલટિકિટ વેચવા માટે, મનીઑર્ડર લેવા માટે, પાર્સલ લેવા માટે જુદી-જુદી બારીઓ. સાંજ પછી તો ઘણી બારીઓ સામે લાંબી લાઇનો લાગે. આખા કોટ વિસ્તારની ઑફિસો, દુકાનો વગેરેના પટાવાળા કે ગુમાસ્તા ટપાલના, નાનાં પાર્સલના થોકડા લઈને ઊભા હોય. રોજેરોજ આવનારા પણ એ અને બારી પર બેસનારા પણ એ. એટલે ઘણી વાર ઝડપથી એકબીજાના ખબરઅંતર પણ પૂછી લે.


આ લખનારને બરાબર યાદ છે. દિવાળીના પાંચ-સાત દિવસ પહેલાં ‘સાલ મુબારક’નાં રંગબેરંગી પોસ્ટકાર્ડનો થોકડો લઈને લાઇનમાં ઊભા રહી જવાનું. દરેક કાર્ડ પર ઘરે જ જરૂરી ટિકિટ ચોડવાની. ઘરથી નજીકમાં નજીકની પોસ્ટઑફિસ ઠાકુરદ્વારની. ત્યાંથી જરૂરી ટિકિટની શીટ પહેલાં લઈ આવવાની. પાછલી બાજુના ગુંદરને સહેજ ભીનો કરવાનો. શીટમાંથી એક-એક ટિકિટ છુટ્ટી પાડી હળવે હાથે પોસ્ટકાર્ડ પર ચોડવાની. પછી ઉપર કપડાનો કટકો દાબવાનો. ટિકિટ વધુપડતી ભીની થાય તો ફાટી જાય એટલે સ્પન્જ કહેતાં વાદળીવાળી દાબડીમાં થોડું પાણી નાખવાનું અને એ વાદળી પર મૂકીને ટિકિટ થોડી ભીની કરવાની.



સમય બદલાયો એમ ઘણું બદલાયું. હવે સ્પન્જવાળી દાબડી, ટાંકણી રાખવાનાં ‘પિન કુશન’, લાલ-કાળી-ભૂરી શાહીના જાડા કાચના ખડિયા અને એમાં બોળીને લખવા માટેનાં ટાંકવાળાં હોલ્ડર, શાહી વધુપડતી વપરાઈ હોય તો એ ચૂસી લેવા માટેનાં બ્લોટિંગ પેપર-ઘણુંબધું હવે સ્મૃતિમાં જ સચવાયું છે. અરે! હવે તો દિવાળી, નાતાલ, જન્મદિવસનાં રંગબેરંગી છાપેલાં કાર્ડ પણ ઘરે કોણ લાવે છે? દિવાળી અને નાતાલ પહેલાં એકાદ મહિનાથી કેટલીયે દુકાનો આવાં કાર્ડ વેચતી. સ્ટેશનરીની દુકાનોમાં જન્મદિવસ, પારસી નવું વરસ વગેરેનાં કાર્ડ આખું વરસ વેચાય. તો પ્રેમપત્રો લખવા માટેનાં ‘ખાસ’ રંગબેરંગી લેટરહેડ અને કવર પણ આખું વરસ મળે. અદરાયેલાં કે નવાં પરણેલાં જાણે બહુ મોટું પરાક્રમ કરતાં હોય એમ એ લઈ આવે અને ઘરમાં છાનામાના બેસી એકબીજાને પ્રેમપત્રો લખે. આ પત્રો વાંચવાના પણ છાનામાના. અને એ વાંચ્યા પછી ‘તૂ મેરા ચાંદ, મૈં તેરી ચાંદની’વાળાઓનાં મોઢાં બીજમાંથી પૂનમના ચાંદ જેવાં બની જાય!


સ્મૃતિશેષ કલમ અને ખડિયો


પણ આજે આવો ટાઇમ કોને છે? પ્રેમપત્રની રાહ જોવાની ધીરજ કોનામાં છે? હવે તો ખોલો WA અને ટાઇપ કરો  : I ❤ U. વાત પૂરી. કોઈનો જન્મદિવસ છે? Happy Birthday to You – એટલું લાંબું લખે કોણ, અને વાંચે કોણ? લખી નાખો : HBD. અને આવાં અનેક કામ માટે મોબાઇલ નામનો અલાદીનનો જાદુઈ ચિરાગ હાજરાહજૂર છે. પછી આજે પોસ્ટઑફિસમાં જાય કોણ? શા માટે? એટલે જ આજનાં બાળકોને ધૂમકેતુની પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટ ઑફિસ’ ગળે જ ન ઊતરે. મરિયમના કાગળની આટલી રાહ કેમ જોવી પડે? એ માટે ડોસાએ રોજ પોસ્ટઑફિસ જવું કેમ પડે? દીકરીને WA પર મેસેજ કે વિડિયો-કૉલ કરીને ડોસો પૂછી કેમ ન લે કે બેટા, તું મજામાં તો છોને?

અરે! બાળકોની વાત ક્યાં કરો છો? સાચું કહું? આ લખનાર જેવા બુઢ્ઢાએ વરસોથી હાથમાં બૉલપેન પકડી હોય તો એ ક્યાંક સહી કરવા માટે જ. એટલે જન્મજાત ખરાબ અક્ષર વધુ ખરાબ બન્યા છે, કારણ કે વરસોથી PC કે મોબાઇલ પર જ ટાઇપ કરવાની ટેવ પડી ગઈ છે. અને હવે તો ટાઇપ કરવા આંગળીઓ વાપરવાની પણ જરૂર નહીં! બોલતા જાઓ અને સ્ક્રીન પર ટાઇપ થતું જાય! એટલે પછી પોસ્ટઑફિસ, પોસ્ટકાર્ડ, ટપાલટિકિટ વગેરેને તો અમિતાભ બચ્ચનના અવાજમાં કહેવાનું રહે : મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?

પણ જે વાતમાં રહસ્ય ન હોય એ વાત તે કંઈ વાત કહેવાય? GPOના મકાનની વાતમાં પણ રહસ્ય છે. અને એ પણ એક નહીં, ત્રણ-ત્રણ. આ રહસ્યોની વાત આપણા આંગણામાં લઈ આવીશું હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 11:20 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK