...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત
યસ, શત્રુઘ્ન સિંહાને ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરનો રોલ કરવા માટે ઑફર થઈ હતી, પરંતુ રમેશ સિપ્પીએ એ રોલની ઑફર કરી ત્યાં સુધીમાં શત્રુઘ્ન સિંહા મોટા સ્ટાર બની ચૂક્યા હતા અને તેમની પાસે ઘણીબધી ફિલ્મો હાથ પર હતી અને તેમને કેટલી બધી ફિલ્મોની ઑફર્સ મળતી રહેતી હતી. શત્રુઘ્ન સિંહા શરૂઆતમાં સપોર્ટિંગ રોલ કરતા હતા. એ પછી તેઓ વિલનના રોલ કરતા થયા હતા. પરંતુ તેમની અભિનયની આગવી શૈલીના કારણે પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો તેમને હીરો તરીકે સાઇન કરવા લાગ્યા હતા. એટલે શત્રુઘ્ન સિંહાએ વિચાર્યું કે હું વિલનનો રોલ કરીશ તો મારા સ્ટારડમને એ નુકસાન કરશે.
એ અગાઉ રમેશ સિપ્પીએ શત્રુઘ્નને અમિતાભવાળો જયનો રોલ પણ ઑફર કર્યો હતો, પરંતુ શત્રુઘ્ન સિંહાએ એ રોલ પણ ઠુકરાવી દીધો હતો. એ પછી શત્રુઘ્ન સિંહાએ વિચાર બદલ્યો અને જયનો રોલ સ્વીકારવાનું નક્કી કર્યું. તેમણે સિપ્પીને કૉલ કર્યો હતો કે હું જયનો રોલ કરવા માટે તૈયાર છું. પરંતુ એ દરમિયાન સલીમ-જાવેદ અમિતાભ બચ્ચનના નામનો આગ્રહ એ રોલ માટે કરી રહ્યા હતા. ધર્મેન્દ્રએ પણ જયના રોલ માટે અમિતાભનું નામ સૂચવ્યું હતું. અમિતાભે ધર્મેન્દ્રને વિનંતી કરી હતી કે તમે મારું નામ જયના રોલ માટે આપો અને જયા બચ્ચને પણ અમિતાભને જયનો રોલ આપવા માટે આગ્રહ રાખ્યો હતો. પરંતુ શત્રુઘ્ન સિંહાએ જ્યારે રમેશ સિપ્પીને કહ્યું ત્યારે સિપ્પી અમિતાભને જયનો રોલ આપવા માટે વિચાર કરી ચૂક્યા હતા એટલે તેમણે એ રોલ આપવા માટે ના પાડી દીધી.
ADVERTISEMENT
એ વખતે રમેશ સિપ્પીને એ વિચાર પણ આવ્યો હતો કે શત્રુઘ્ન સિંહા ઑલરેડી મોટા સ્ટાર બની ચૂક્યા છે, ધર્મેન્દ્ર પણ મોટા સ્ટાર હતા અને સંજીવકુમાર પણ મોટા સ્ટાર હતા. અમિતાભ બચ્ચનનું એ વખતે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ નહોતું થયું. રમેશ સિપ્પીએ એટલે વિચાર્યું કે શત્રુઘ્ન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર એમ ત્રણ સ્ટાર ભેગા થશે તો અહમ ટકરાવ થશે અને ફિલ્મના શૂટિંગ દરમિયાન તકલીફો ઊભી થશે.
શત્રુઘ્ન સિંહાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે મને આજે પણ અફસોસ થાય છે કે મેં ‘શોલે’ના જય અને ગબ્બર સિંહના રોલ ઠુકરાવી દીધા હતા. સિંહાએ કહ્યું હતુ કે એ ફિલ્મ ઠુકરાવવાનો મને એટલો અફસોસ છે કે આજ સુધી એ ફિલ્મ મેં જોઈ નથી! જોકે શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે મને આનંદ એ વાતનો છે કે મારા દોસ્ત અમિતાભને એ ફિલ્મથી જબરદસ્ત સફળતા મળી. શત્રુઘ્ન સિંહાએ આ વાત તેમની આત્મકથામાં પણ લખી છે.

