Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સમય : ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

સમય : ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

Published : 05 January, 2025 07:33 AM | Modified : 05 January, 2025 07:35 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

મહંમદ અલી ઝીણાનું નામ લેતાંવેંત આપણા મનમાં કડવાશ ઊભરાઈ જાય છે. ઝીણા પાકિસ્તાનના સર્જન માટે જવાબદાર હતા. હિન્દુસ્તાનની તત્કાલીન વડી અદાલતમાં ઝીણા વકીલાત કરતા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


નાની પાલખીવાલાને તમે મળ્યા નહીં હો, પણ તેમનું નામ સુધ્ધાં તમે સાંભળ્યું ન હોય કે તેમના કામથી અપરિચિત હો એવું તો ન જ બન્યું હોય. કાનૂની ક્ષેત્રે પાલખીવાલા થોડાં વર્ષો પહેલાં બહુ મોટું નામ હતું. તેમની મુલાકાત માટે સમય મેળવવો એ ભારે અઘરું કામ હતું. મારા એક નિકટના સ્વજનને તેમના એક કેસ માટે પાલખીવાલાની મુલાકાત લઈને તેમની સલાહની જરૂર પડી હતી. આ સજ્જને પાલખીવાલાનો સમય અગાઉથી મેળવ્યો અને જે કેસ માટે તેમની સલાહ લેવાની હતી તેમની પૂરી ફાઇલ અગાઉથી મોકલી દીધી (સિનિયર વકીલોની એ પ્રથા જ હોય છે).


નિયત સમયે પેલા સજ્જન ત્યાં પહોંચી ગયા. પાલખીવાલા સાહેબે સમયસર પોતાની કૅબિનમાં તેમને બોલાવ્યા અને પછી તરત જ પોતાની ખુરશી પરથી ઊભા થઈને કહ્યું, ‘ચાલો આપણે રસ્તામાં વાતો કરી લઈશું.’ કૅબિનથી નીચે ગૅરેજમાં ઊભેલી તેમની કાર સુધી તેમની સાથે ચાલ્યા. એટલા સમયમાં પાલખીવાલાએ જે પૂછવું હતું એ પૂછી લીધું અને એ પછી કાર પાસે આવીને દરવાજો ખોલતાં પેલા સજ્જનને કહ્યું, ‘જુઓ, તમારી વાત મેં સમજી લીધી છે. એ વિશેની કાનૂની સલાહ તમને તમારી ફાઇલ સાથે મારી ઑફિસથી મળી જશે. ધૅટ્સ ઑલ! આપણી મુલાકાત અહીં પૂરી થાય છે. બીજી મુલાકાત માટે તમને મારી ઑફિસથી જરૂર હોય તો સમય મેળવી લેજો.’



આ પહેલી મુલાકાત માટે પેલી ફાઇલ અને લેખિત જવાબ મોકલવામાં આવ્યો પણ સાથે કૅબિનથી મોટરકાર સુધીની સહયાત્રા માટે ૭૦૦ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. આ ૭૦૦નું બિલ આજે કદાચ તમને નાનકડું લાગશે કેમ કે આજે ટોચના વકીલો પોતાની એક હાજરી માટે ગ્રાહક પાસેથી પાંચથી છ લાખ રૂપિયાની ફી વસૂલે છે.


ફી વસૂલાતનો નિયમ 

મહંમદ અલી ઝીણાનું નામ લેતાંવેંત આપણા મનમાં કડવાશ ઊભરાઈ જાય છે. ઝીણા પાકિસ્તાનના સર્જન માટે જવાબદાર હતા. હિન્દુસ્તાનની તત્કાલીન વડી અદાલતમાં ઝીણા વકીલાત કરતા હતા. તેમના નામે એક એવી ઘટના પણ નોંધાયેલી છે કે એક અસીલ સાથે ફીનું ધોરણ નક્કી કરતી વખતે એ વખતના ચલણ પ્રમાણે અસીલે તેમને કહ્યું કે હું આ વકીલાત માટે તમને ૫૦૦૦ રૂપિયાની ફી આપીશ અને ઝીણાએ કહ્યું કે હું દરેક હાજરીદીઠ ૫૦૦ રૂપિયા ફી લઈશ. અસીલે નાછૂટકે ઝીણાની વાત સ્વીકારી. અદાલતમાં આ કેસ ત્રીજી જ બેઠકે પૂરો થઈ ગયો એટલે પેલા અસીલે કહ્યું, ‘મેં તમને ૫૦૦૦ રૂપિયાની ફી કહ્યું હતું. હવે આ કેસ તમે જલદી પૂરો કર્યો છે, પણ હું તમને ૫૦૦૦ રૂપિયા પૂરા આપું એવી મારી ઇચ્છા છે.’


ઝીણાએ ૫૦૦૦ રૂપિયા લીધા નહીં અને માત્ર ત્રણ બેઠકના ૧૫૦૦ રૂપિયા જ લીધા.

ડૉક્ટરને તો મળ્યા છોને?

આપણે જિંદગીની રફતારમાં કોઈક મોટા ગજાના ડૉક્ટરને ક્યારેક મળવાનું થતું જ હોય છે. આજકાલ આવા મોટા ડૉક્ટરને મળવા માટે અગાઉથી સમય લેવો પડતો હોય છે. ડૉક્ટર સમય તો આપે છે પણ એનું પાલન જવલ્લે જ કરે છે. તમને એક દરદી તરીકે એ સમય વીત્યા પછી એની કૅબિનની બહાર રાહ જોવડાવે છે. કેટલીયે વાર કલાક, દોઢ કલાક કે બે-બે કલાક રાહ જોયા પછી ડૉક્ટર તમને બોલાવે છે. ડૉક્ટરને વ્યવહારિક મુશ્કેલી હોય છે એ આપણે સમજી શકીએ. અગાઉના દરદીની તપાસમાં અણધાર્યો વધુ સમય જાય એવું બને, પણ બે કલાક જેટલો સમય વેડફાઈ જાય એ દરદી માટે કેટલું મુશ્કેલ કામ છે એ સમજી લેવું જોઈએ. ‘સમય’ જેવો એક નાનકડો શબ્દ, પછી ભલે એ શબ્દ નાની પાલખીવાલાનો હોય કે પછી મહંમદ અલી ઝીણાનો હોય, પણ સમજી લેવા જેવું છે. આજે કોઈ એક પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન, સુથાર કે એવા જ કોઈ કારીગરને કંઈક નાનકડા અને નજીવા પણ તમારી રોજિંદી કામગીરી માટે અનિવાર્ય એવા કામ માટે બોલાવશો તો તે એમ કહી દેશે કે તેની પાસે અત્યારે સમય નથી. વકીલને સમય નથી, ડૉક્ટરને સમય નથી અને આ સામાન્ય કારીગરને પણ સમય નથી. બધા જ જાણે કે સમયના ચકરાવામાં ચક્કર-ચક્કર ઘૂમી રહ્યા છે. પછી આ સમય અર્જુનનો હોય તો મહાભારતની કથા યાદ આવે. કુરુક્ષેત્રના યુદ્ધનો વિજેતા અર્જુન સમય પાસે લાચાર થઈ ગયો હતો. કાબા જેવા એક મામૂલી લૂંટારાએ અર્જુન જેવા મહારથીનો સમય છિન્નભિન્ન કરી નાખ્યો હતો.

સમય બડા બલવાન હૈ,

નહીં પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટ્યો યહી ધનુષ યહી બાણ

આ ઘટનાથી કોઈ અજાણ નથી. મીરાબાઈએ આ સમયને સાવ જુદી રીતે આપણી સામે મૂક્યો છે.

રામ રાખે તેમ રહીએ, ઓધવજી

રામ રાખે તેમ રહીએ...

મીરાબાઈના ભજનની આ પંક્તિ આપણને લાંબા ગાળાની ચેતવણી આપે છે. સમય કોઈની શરમ રાખતો નથી. પણ એણે અર્જુનની શરમ પણ રાખી નહોતી તો પછી આપણે શું વિસાતમાં?

સમય નથી એટલે શું?

વ્યવહારિક જીવનમાં આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે અમુક તમુક કામ કરવા માટે કે અમુક તમુક વ્યક્તિને મળવા માટે તેમને સમય મળતો નથી. સમય એક અને અખંડ છે. એનું વિભાજન ન થઈ શકે પણ આપણી સગવડ પૂરતું આપણે સમયને મિનિટ, કલાક, દિવસ, રાત, સપ્તાહ એમ નાના-મોટા ભાગ કર્યા છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે સમયના અભાવે પોતે કામ કરી શકતા નથી ત્યારે વાક્યના શબ્દો સાચા હોય છે પણ એની વિભાવના સાચી હોતી નથી. પ્રત્યેક માણસ પાસે અપાર સમય છે. આ સમયનો ધોધ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની કોઈને ખબર પડતી નથી પણ એ આપણી પાસે જેટલો આવે છે એટલો જ પ્રત્યેક વ્યક્તિ પાસે આવે છે અને જાય છે. ફુટપાથ પર બેસીને બૂટપૉલિશ કરી રહેલો એક માણસ જે રીતે પોતાના સમયમાં કામ કરી રહ્યો હોય છે એ જ રીતે આપણે સૌકોઈ આપણે ફાળે આવેલા સમયને સંભાળી રહેલા હોઈએ છીએ. બૂટપૉલિશવાળાનો સમય વ્યર્થ છે અને આપણો સમય મૂલ્યવાન છે એમ માની લેવું કે પછી એવી માન્યતા પેદા કરવી એમાં સચ્ચાઈ નથી. એ તથ્ય હોવા છતાં સત્ય નથી.

અઢાર અક્ષૌહિણી વચ્ચે ઊભા રહીને માનવજાતને પરમ સંદેશો આપી શકનાર કૃષ્ણ જેવી વ્યક્તિ પણ અગ્નિસંસ્કારની પ્રતીક્ષા કરતા મૃતદેહ સાથે પડી રહી હતી એ મહાકાળને કોઈએ ભૂલવા જેવો નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2025 07:35 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK