પત્ની અને તેનાં પિયરિયાંઓના ત્રાસથી છૂટવા સોમવારે બૅન્ગલોરમાં ચોત્રીસ વર્ષના એક પ્રોફેશનલે આત્મહત્યા કરી લીધી.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
પત્ની અને તેનાં પિયરિયાંઓના ત્રાસથી છૂટવા સોમવારે બૅન્ગલોરમાં ચોત્રીસ વર્ષના એક પ્રોફેશનલે આત્મહત્યા કરી લીધી. તેની પત્નીએ તેના પર ઘરેલુ હિંસાના આક્ષેપો થોપ્યા હતા અને કેસ પત્ની રહે છે એ ઉત્તર પ્રદેશના જૌનપુર શહેરની અદાલતમાં ચાલતો હતો. કેસની પ્રક્રિયામાં હાજર રહેવા એ યુવાન ચાલીસ વાર બૅન્ગલોરથી જૌનપુર ગયો હતો! અદાલતમાં પણ સામા પક્ષ દ્વારા તેને ખૂબ જ અપમાનિત કરવામાં આવતો હતો અને મરી જવા માટે ઉશ્કેરવામાં આવતો. સતત ચાલતી આ હેરાનગતિથી થાકીને એ યુવાને જિંદગીનો અંત આણ્યો. ચોવીસ પાનાંની સુસાઇડ-નોટમાં તેણે લખ્યું છે કે છેલ્લે તો એ લોકોએ યુવાન પર કરેલા આક્ષેપો પાછા ખેંચવા માટે ત્રણ કરોડ રૂપિયાની માગણી કરી હતી! એ યુવાને તેની એ નોટમાં લખ્યું છે કે ‘હવે હું જિંદગીનો અંત આણી દઉં તો જ બહેતર છે કેમ કે મારી કમાણી મારા દુશ્મનોને મજબૂત બનાવે છે.’
વાંચીને ધ્રૂજી જવાય એવી આ પીડા કોઈ એકલદોકલ પતિની નથી. ‘ઑલ ઇન્ડિયા મેન્સ વેલ્ફેર અસોસિએશન’, ‘સેવ ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશન’, ‘મેન્સ રાઇટ્સ અસોસિએશન’ જેવી અનેક સંસ્થાઓ આવા પીડિત પતિઓની વધતી જતી સંખ્યાના પરિણામે ઊભી થઈ છે. એમાં પતિઓની આત્મહત્યાના હજારો કિસ્સાઓ આવે છે. આ સંસ્થાઓના અધિકારીઓ કહે છે કે પુરુષો પોતાની આવી વ્યથાને જાહેરમાં વ્યક્ત કરતાં અચકાય છે અને મનોમન ઘૂંટાય છે અને એ સ્ટ્રેસમાં આત્મહત્યાનું પગલું ભરે છે. આવા અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે છતાં આજે પણ ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર બનેલા કે પત્ની અને તેનાં પિયરિયાંની નાણાં પડાવવાની વૃત્તિનો શિકાર બનેલા પુરુષોની વ્યથા પ્રત્યે સામાજિક જાગૃતિ કે સહાનુભૂતિ નથી. પરંતુ અતુલ સુભાષની આત્મહત્યાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને પણ ઝંઝોડી નાખ્યા છે. આ ઘટનાના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલતે કરેલી ટકોર એની સાક્ષી છે. અદાલતે કહ્યું છે કે સ્ત્રીઓ દ્વારા દહેજ સંબંધી શોષણના કાયદાનો દુરુપયોગ નિર્દોષ લોકોને હેરાન કરવા થઈ રહ્યો છે. અદાલતે ચોક્કસ વિગતો વિનાના અસ્પષ્ટ આક્ષેપોને મૂળમાં જ ડામી દેવાની સલાહ આપી છે. પતિ પાસેથી નાણાં પડાવવા કે સંપત્તિ હડપ કરવા પત્ની અને તેનાં પિયરિયાં કાયદાને હાથો બનાવે એ બિલકુલ ચલાવી લેવાય નહીં. આ વાત સર્વોચ્ચ અદાલતે સ્વીકારી છે એ સારી વાત છે. હકીકતમાં દામ્પત્ય જીવનમાં પીડિત માત્ર પત્નીઓ જ નથી હોતી, પતિ પણ પીડિત હોય છે. એટલે ડોમેસ્ટિક વાયલન્સની વ્યાખ્યામાં ‘બૅટર્ડ વાઇવ્સ’ને બદલે ‘બૅટર્ડ સ્પાઉસિસ’નો સમાવેશ કરવાની જરૂર છે.
ADVERTISEMENT
- તરુ મેઘાણી કજારિયા

