મોટી સ્ટીમરો નાંગરી શકે એવા પહેલા ડૉકનું બાંધકામ ૧૮૭૫માં શરૂ થયું હતું એના માટે ગ્રેનાઇટ પથ્થર છેક સાઉથ વેલ્સથી આવેલા અને ખર્ચ થયેલો ૬૭ લાખ રૂપિયા
ઈ.સ. ૧૭૫૦માં મુંબઈનું બંદર આવું દેખાતું હતું.
છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?
ઉમાશંકર જોશીના આ જાણીતા ગીતમાં જેની વાત છે એવી હોડીઓ અને શઢવાળાં વહાણ મુંબઈ આવતાં જતાં ત્યાં સુધી તો પાલવા બંદર, બોરી બંદર અને એના જેવાં બીજાં બંદરોથી કામ ચાલી ગયું. માલસામાન અને મુસાફરો બન્નેની ચડઊતર આ બંદરો પર થતી. પણ પછી આવ્યો આગબોટ એટલે કે સ્ટીમરનો જમાનો. મુંબઈના વિકાસમાં અસાધારણ ફાળો આપનાર ગવર્નર માઉન્ટ
સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લંડનમાં બેઠેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોને ૧૮૨૩માં ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચે દરિયાઈ ટપાલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલી. પણ ડિરેક્ટરોએ દાદ દીધી નહીં. ૧૮૨૬માં ફરી એ જ દરખાસ્ત મોકલી. ફરી નન્નો.
એલ્ફિન્સ્ટન પછી ગવર્નર બન્યા સર જૉન માલ્કમ. તેમણે કહ્યું કે બોર્ડ ઑફ ડિરેક્ટર્સ કી ઐસી તૈસી. આપણે આપણો ધર્મ સંભાળવો. તેમણે સરકારી બૉમ્બે ડૉકયાર્ડને કહ્યું કે બાંધો મુંબઈથી સુએઝ જઈ શકે એવી સ્ટીમર. અને એ ડૉકયાર્ડમાં બંધાયું એચસીએસ (ઓનરેબલ કંપનીઝ શિપ) Hugh Lindsay. ૧૮૨૯ના ઑક્ટોબરની ૧૪મી તારીખે લેડી ગવર્નરે એને તરતું મૂક્યું ત્યારે આ જહાજ મુંબઈમાં બંધાયેલું પહેલવહેલું
સ્ટીમશિપ બન્યું. અલબત્ત, જરૂર પડે ત્યારે વાપરી શકાય એટલા માટે એના પર શઢ પણ બેસાડવામાં આવેલાં. ૧૮૩૦ના માર્ચની ૨૦મી તારીખે એણે સુએઝની પહેલી મુસાફરી શરૂ કરી અને જહાજ ૨૧ દિવસ અને ૮ કલાક પછી સુએઝ પહોચ્યું. કમાન્ડર જૉન એચ. વિલ્સન એના કૅપ્ટન હતા. આ પહેલી મુસાફરીમાં ટપાલ ઉપરાંત થોડા મુસાફરો પણ હતા.
સૌથી પહેલો વેટ ડૉક
આ પહેલવહેલી સ્ટીમર પછી મુંબઈના બારામાં નાની-મોટી સ્ટીમરોની આવ-જા વધતી ગઈ, પણ કોણ જાણે કેમ આ નવા યુગને અનુરૂપ ડૉક બાંધવા તરફ કંપની સરકારે ધ્યાન જ ન આપ્યું. ૧૮૫૮માં કંપનીનું રાજ ગયું અને ક્રાઉનનું રાજ થયું. એ પછી પણ છેક ૧૮૭૩માં સરકારે ‘બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ ઍક્ટ’ પસાર કર્યો. અત્યાર સુધી જુદી-જુદી એજન્સીઓના તાબામાં દરિયાકિનારાની અને બીજી જમીન હતી એ બધી આ નવા ટ્રસ્ટની બની. એ એજન્સીઓ જે જુદા-જુદા કામ કરતી એ પણ હવે બોર્ડને સોંપાયાં. આ ટ્રસ્ટના કુલ દસ ટ્રસ્ટીઓમાંથી ફક્ત બે જ ‘દેશી’ હતા: નારાયણ વાસુદેવ અને કેશવજી નાયક. કર્નલ જે. એ. બેલાર્ડ તેના પહેલા અધ્યક્ષ બન્યા. તેઓ સરકારી ટંકશાળના પણ વડા હતા. મુંબઈમાં સૌથી પહેલો વેટ ડૉક ડેવિડ સાસૂને ૧૮૭૫માં કોલાબા ખાતે બાંધ્યો હતો. નવા સ્થપાયેલા ટ્રસ્ટે ૧૮૭૯માં એ ખરીદી લીધો. પણ સાચા અર્થમાં જેને વેટ ડૉક કહી શકાય, જ્યાં મોટી સ્ટીમરો પણ નાંગરી શકે એવા પહેલા ડૉકનું બાંધકામ ૧૮૭૫માં શરૂ થયું અને ૧૮૮૦માં પૂરું થયું. એ બાંધવાનો ખર્ચ આવ્યો હતો ૬૭ લાખ રૂપિયા! એને માટેના ગ્રેનાઇટ પથ્થર છેક સાઉથ વેલ્સથી મગાવવામાં આવ્યા હતા! એના જેટલી જ ગુણવત્તાવાળા પથ્થર આ દેશમાં સહેલાઈથી મળતા હોવા છતાં આમ કેમ કરેલું એ સમજવું મુશ્કેલ છે. પનવેલ નદીના કિનારેથી ખોદીને રેતી લવાઈ હતી. આ ડૉક બાંધવા માટેનું ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે દરિયા નીચેની જમીનમાંથી ૩૦૦ જેટલાં અશ્મિભૂત ઝાડ મળી આવેલાં. આનું કારણ એ કે એક જમાનામાં મુંબઈના કિનારા પર ગાઢ જંગલ આવેલું હતું, પણ વખત જતાં કાંઠાની જમીન થોડી ઢળવાને કારણે આખું જંગલ દરિયામાં ડૂબી ગયું હતું. આ નવા બંધાયેલા ડૉકનું નામ પાડવામાં આવ્યું પ્રિન્સીસ ડૉક (Prince’s Dock) એટલે કે રાજકુમારનો ડૉક. પણ વખત જતાં લોકજીભે એનું નામ થઈ ગયું પ્રિન્સેસ ડૉક, રાજકુમારીનો ડૉક! આ ડૉક બંધાયા પછી બે અઠવાડિયાં સુધી જહાજી કંપનીઓએ કોઈક કારણસર એનો બહિષ્કાર કર્યો હતો. બીજી નાની કંપનીઓએ એ વાપરવાનું શરૂ કર્યા પછી પણ પીઍન્ડઓ અને બીઆઇ જેવી બે મોટી કંપનીઓએ બહિષ્કાર ચાલુ રાખ્યો હતો. અને એમ છતાં આ ડૉકના ઉદ્ઘાટન પછીના દોઢેક વરસમાં જ આવતી-જતી સ્ટીમરો માટે આ ડૉક અપૂરતો હોવાનું જણાયું હતું. એટલે આ ડૉકની બાજુમાં બીજો ડૉક બાંધવાનું નક્કી થયું. ૧૮૮૫ના જાન્યુઆરીમાં આ નવા ડૉકનું બાંધકામ શરૂ થયું અને ૧૮૮૮ના માર્ચની ૧૨મી તારીખે એનું ઉદ્ઘાટન થયું. આ નવા ડૉકને ગ્રેટ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનું નામ આપવામાં આવ્યું, વિક્ટોરિયા ડૉક. અગાઉના મસ્જિદ બંદર અને નિકોલ બંદરને આ નવું બંદર ગળી ગયું! આ બે બંદર બંધાયા પછી એની ધરખમ આવકને કારણે બૉમ્બે પોર્ટ ટ્રસ્ટની આર્થિક સ્થિતિ ખૂબ સધ્ધર થઈ ગઈ હતી.
જવાહરલાલ નેહરુ પોર્ટ
૧૯મી સદી પૂરી થાય એ પહેલાં મુંબઈનો વેપાર એટલો વધ્યો કે ત્રીજો ડૉક બાંધવાની જરૂર જણાઈ. ૧૯૦૫માં હિન્દુસ્તાનની મુલાકાત દરમ્યાન પ્રિન્સ ઑફ વેલ્સે નવેમ્બરમાં ત્રીજા ડૉકનો પાયો નાખ્યો હતો, પણ કેટલીક મુશ્કેલીને કારણે ત્રીજા ડૉકનું કામ છેક ૧૯૦૭માં શરૂ થયું. કામકાજ ચાલતું હતું એ દરમ્યાન સરકારનાં લશ્કરી જહાજ પણ નાંગરી શકે એ હેતુથી ડૉકની પહોળાઈ વધારવાનું સરકારે પોર્ટ ટ્રસ્ટને જણાવ્યું. બીજાં કેટલાંક કારણોને લીધે પણ કામ ધીમું ચાલ્યું. છેવટે ધારેલાં સાત વરસને બદલે નવ વરસમાં કામ પૂરું થયું. ૧૯૧૪માં એનું કામ પૂરું થયું ત્યારે એનું નામ પડ્યું ઍલેક્ઝાન્ડ્રા ડૉક. ૧૯૭૨માં એનું નામ બદલીને ઇન્દિરા ડૉક રાખવામાં આવ્યું. પણ અગાઉનાં બે ડૉકનાં બ્રિટિશ નામ જ આજ સુધી જળવાઈ રહ્યાં છે.
જોકે એક જમાનામાં આ ત્રણ ડૉકની જેવી બોલબાલા હતી એવી આજે હવે નથી રહી. કારણ? હવે વહાણવટામાં ધરખમ ફેરફાર થયા છે. હવે મોટાં-મોટાં બલ્ક કૅરિયર અને ટૅન્કરોનો જમાનો છે. અને આવાં જહાજ આ ત્રણ ડૉકમાં નાંગરવાનું શક્ય જ નથી. આવાં જહાજ માટે જે જગ્યા જોઈએ એ નથી આ ત્રણ ડૉકમાં કે નથી એની આસપાસ. એટલે સામી બાજુએ, તળભૂમિ પર, રાયગઢ જિલ્લામાં આ માટેની જરૂરી સગવડો સાથેનું જવાહરલાલ નેહરુ પોર્ટ તૈયાર થયું. ૧૯૮૯માં એ વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ બધાં પોર્ટ તો માલસામાન–કાર્ગો માટેનાં. પણ એક જમાનામાં પરદેશ–ખાસ કરીને બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી માટે પણ સ્ટીમર સિવાય બીજું કોઈ સાધન નહોતું. એટલે પૅસેન્જર સ્ટીમરો માટે બંધાયું બેલાર્ડ પિઅર. મૂળ તો આજના બેલાર્ડ પિઅરની પાછળ એક નાનકડી જેટી હતી એ બેલાર્ડ પિઅર તરીકે ઓળખાતી. બૉમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષનું નામ એને અપાયેલું. પછી એનું વિસ્તરણ કરીને તૈયાર થયું બેલાર્ડ બંદર. થોડા વખત પછી ફરી એને મોટું કરવું પડ્યું. એક જમાનામાં માત્ર મુંબઈના જ નહીં, આખા દેશના વેપાર-વણજનું કેન્દ્ર હતું આ બેલાર્ડ પિઅર. બેલાર્ડ એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૪૩ મોટાં મકાનો વ્યવસ્થિત યોજના પ્રમાણે બંધાયાં, જેમાં આખા દેશની અગ્રગણ્ય વેપારી કંપનીઓની ઑફિસો હતી.
બિઝનેસ સેન્ટર
આજે તો હવે ઠેકઠેકાણે બિઝનેસ સેન્ટરો ઊભાં થઈ ગયાં છે, પણ એ વખતે આખા એશિયામાં બેલાર્ડ પિઅર એ પહેલવહેલું બિઝનેસ સેન્ટર હતું. એ જમાનામાં દરિયાઈ રસ્તે આવતા મુસાફરો માટે તો આ બેલાર્ડ પિઅર એ જ ગેટવે ઑફ ઇન્ડિયા હતું. અહીં મુસાફરો માટે બધી જ સગવડો બે માળના મકાનમાં હતી. એમાં સેન્ટ્રલ રિસેપ્શન હૉલ, કસ્ટમ્સ તપાસણી માટેનો હૉલ, રેલવે-સ્ટેશન સુધી ફેલાયેલો એક મોટો હૉલ જેવી સગવડો ભોંયતળિયે હતી. ઉપલો માળ પરદેશની ટપાલ માટે અલાયદો રાખ્યો હતો. એ જ માળ પર એક રેસ્ટોરાં ઉપરાંત રાતવાસો કરવા માટેના ઓરડા પણ હતા. મુસાફરો અને તેમના માલસામાનની ચડઊતર બને એટલા ઓછા સમયમાં થાય એવી ગોઠવણ હતી. જે મુસાફરો પોતે કસ્ટમ્સની વિધિ કરવા ન માગતા હોય તેમને માટેના કસ્ટમ એજન્ટોની ઑફિસો પણ અહીં હતી. નજીકમાં જ બાંધેલા રેલવે-સ્ટેશન પર ચાર પ્લૅટફૉર્મ હતાં. ટપાલની સ્ટીમર આવવાની કે જવાની હોય ત્યારે કલકત્તા, દિલ્હી, પેશાવર અને દેશના બીજા ભાગોની ટ્રેન સીધી બેલાર્ડ પિઅર સ્ટેશન સુધી આવી જતી. આ ઉપરાંત મુસાફરો માટે સ્ટીમર આવવા કે ઊપડવાના દિવસે જીઆઇપી (આજની સેન્ટ્રલ) રેલવેની ઇમ્પીરિયલ ઇન્ડિયન મેલ અને બીબીસીઆઇ (આજની વેસ્ટર્ન) રેલવેની ફ્રન્ટિયર મેલ બેલાર્ડ પિઅર સ્ટેશન સુધી આવતી. આ સ્ટીમરોમાં મુસાફરો તો આવ-જા કરતા જ, પણ બ્રિટિશ લશ્કરના સૈનિકો પણ મોટી સંખ્યામાં આવ-જા કરતા. પણ પછી આ બેલાર્ડ પિઅરનું મહત્ત્વ સતત ઘટતું ગયું, કારણ કે એક તો હવે વિદેશો સાથેની હવાઈ મુસાફરી શક્ય બની હતી અને એટલે દરિયાઈ મુસાફરો ઘટતા જતા હતા. બીજું, બ્રિટિશ સૈનિકોની આવ-જાનો તો હવે સવાલ જ નહોતો રહ્યો. એક જમાનો એવો પણ આવ્યો કે જ્યારે આખો બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર ભૂતિયા મહેલ જેવો લાગતો હતો. પણ છેલ્લાં થોડાં વરસમાં એમાં ફરી જીવ આવ્યો છે.
પણ શું બંદર પર કે શું રસ્તા પર, શું મેદાનમાં કે શું મકાનોની બહાર, ક્યાંક ને ક્યાંક યુનિફૉર્મ પહેરેલો એક માણસ જોવા મળશે. મોટા ભાગે હાથમાં દંડૂકો, ક્યારેક રાઇફલ કે રિવૉલ્વર પણ ખરી. એ માણસનું આગમન મુંબઈમાં ક્યારે, કઈ રીતે થયું એની વાત હવે પછી.
1829
આ વર્ષે ઑક્ટોબરની ૧૪મી તારીખે લેડી ગવર્નરે એચસીએસ (ઓનરેબલ કંપનીઝ શિપ) Hugh Lindsay તરતું મૂક્યું જે મુંબઈમાં બંધાયેલું પહેલવહેલું સ્ટીમશિપ બન્યું