છઠપૂજા શરૂ થઈ છે ત્યારે જાણી લો કે કારતકમાં સૂર્ય આપણો મિત્ર બનીને આવે છે, એનો લઈ શકાય એટલો લાભ લઈ લો
પ્રતીકાત્મક તસવીર
આપણા પ્રસિદ્ધ કવિ શ્રી કલાપીએ ‘ગ્રામ્ય માતા’ નામની પોતાની કવિતાની પ્રથમ પંક્તિમાં લખ્યું છે...
‘ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં...’
ADVERTISEMENT
કારતક મહિનાની શરૂઆત થઈ ચૂકી છે એની સાથે હેમંત ઋતુની પણ શરૂઆત થઈ છે. આ ઋતુમાં સૂર્ય મૃદુ અર્થાત્ કોમળ બનીને આપણી વચ્ચે આવે છે. ઉનાળામાં પ્રખર લૂ મોકલતો અને ચોમાસામાં વાદળોની પાછળ સંતાઈ રહેતો સૂર્ય શિયાળામાં તમારી સામે દોસ્તીનો હાથ લંબાવે છે અને કહે છે કે તમારી મદદે આવ્યો છું, તમારે જેટલો લાભ લેવો હોય એટલો આ ઋતુમાં તમે ઉઠાવી શકો છો.
આ જ સમયમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાલના અનેક જિલ્લાઓમાં છઠપૂજા ઊજવાય છે એ યથાયોગ્ય છે. આ છઠપૂજામાં સૂર્યપૂજા જ મુખ્ય હોય છે. આ ઉત્સવ નિમિત્તે લોકો સૂર્યની સમીપ જાય છે, એને અર્ઘ્ય આપે છે એની સાથે તેમના તનમનને પણ અનેક પ્રકારના સ્વાસ્થ્ય-લાભ મળે છે.
સવાર-સાંજનાં સૂર્યકિરણો સહન થઈ શકે એવાં અને વધુ લાભદાયી હોય છે. આવાં કિરણો આપણી ચામડી દ્વારા શરીરમાં જાય છે અને એનાથી શરીર જાતે વિટામિન-ડી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં જે લોકોને સંધિવા ખૂબ સતાવતો હોય તેમને માટે સૂર્ય ઔષધ બનીને આવે છે. આવા સૂર્ય સામે ગોળ ફરીને પ્રદક્ષિણા કરવાથી શરીરનાં તમામ અંગોને એનો લાભ મળે છે. સૂર્યકિરણો માત્ર ચામડી સુધી જ નહીં, શરીરની અંદરના ભાગોમાં પ્રવેશીને એને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરતાં હોય છે. હાડકાં અને ચામડીનાં દર્દ દૂર કરી શકતાં સૂર્યકિરણો આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. સૂર્યસ્નાનથી વાળની વૃદ્ધિ પણ થાય છે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ સૂર્યસ્નાન ઉત્તમ છે. બાળકના જન્મ પહેલાં નિયમિત સૂર્યસ્નાન કરતી મહિલાને ધાવણ સારું આવે છે. એક એવો પણ અભ્યાસ છે કે પૃથ્વીના જે-જે ભાગમાં પૂરતો સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં કૅન્સરનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછું જોવા મળે છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક ડૉ. ડબ્લ્યુ. એમ. ફ્રેઝરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સૂર્યકિરણોમાં જીવાણુઓનો નાશ કરવાની અદ્ભુત શક્તિ છે. આપણે ત્યાં અનાજ, મસાલા કે ખાદ્ય પદાર્થો ખરાબે ચડ્યા હોય તો એને સૂર્યપ્રકાશમાં સૂકવવાનો રિવાજ આ જ કારણે છે. ફરક એટલો કે વિદેશીઓ સૂર્યની કામગીરીને શક્તિ કે પાવર કહીને નવાજે છે તો આપણે એને આદરપૂર્વક દેવનો દરજ્જો આપી આભાર વ્યક્ત કરીએ છીએ. આથી જ આપણાં શાસ્ત્રોએ સૂર્યને નમસ્કાર કરવાની અને પાણી વડે આદરાંજલિ આપવાની સુંદર પ્રથા આપણને ભેટ આપી છે. શિયાળામાં સૂર્યનમસ્કાર કરવાથી અને સૂર્યસ્નાનથી થતા બધા ફાયદાનો લાભ તો મળે જ છે, સાથોસાથ માથાથી લઈને પગ સુધીના પ્રત્યેક અંગને કસરત મળે છે. શરીર ખડતલ અને સ્નાયુબદ્ધ બને છે.
સૂર્યને પાણીનું અર્ઘ્ય શા માટે?
બિહારમાં છઠપૂજા નિમિત્તે લોકો નદી-તળાવમાં ઊભા રહીને સવાર-સાંજ સૂર્યદેવને પાણીની અંજલિ આપતા હોય છે. ઘણા ભારતીયોને તાંબાનો લોટો ભરીને ઘરની બાલ્કનીમાંથી સૂર્યને પાણીની અંજલિ આપતા તમે જોયા હશે. આવી અંજલિ આપવી એ ભાવના અને વિજ્ઞાન બન્નેની દૃષ્ટિએ સારી વ્યવસ્થા છે.
જેમ કોઈ બળતા ઘરને પાણીથી બુઝાવી શકાય છે, કોઈ ગરમીથી ત્રસ્ત જીવની તરસ પાણીથી છિપાવી શકાય છે એમ બળબળતા સૂર્ય નામના ગોળાને ઠંડક આપવી હોય, એને પ્રસન્ન કરવો હોય તો પાણીની અંજલિ આપવી એ શ્રેષ્ઠ ક્રિયા છે.
પાણી સૂર્યનો ખોરાક છે. ઉનાળામાં સૂર્ય પાણી શોષે છે એનાથી વરાળ ઉત્પન્ન થાય છે. આ વરાળ વાદળાં બનીને ફરીથી પાણીરૂપે વરસે છે. આપણે કોઈ વ્યક્તિને તેની મનગમતી કે તેને ખૂબ જરૂર હોય એવી ગિફ્ટ આપીએ તો તે ખૂબ ખુશ થાય છે. સૂર્યનારાયણને પાણી ખૂબ ગમે છે અને એને એની જરૂર પણ હોય છે. આથી જ એને અંજલિ આપવા સવાર-સાંજ જ્યારે હજારો હાથ ઉપર ઊઠતા હશે ત્યારે એ કેટલો પ્રસન્ન થતો હશે?
હવે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સૂર્યને પાણીની અંજલિ આપીએ એ શ્રેષ્ઠ ક્રિયા છે. લંડનના વૈજ્ઞાનિક અને ઍસ્ટ્રોનૉમીના પ્રોફેસર જોનાથન ટેનિસન જણાવે છે કે ‘પાણીનો પરમાણુ આ પૃથ્વી પર ખૂબ મહત્ત્વનો છે. જીવન માટે તો એ અનિવાર્ય છે જ, સાથે પાણી સૂર્યનાં કિરણોમાં રહેલી જોખમી શક્તિઓને શોષી લઈ એને ઠંડી પાડે છે. સૂર્યની સારી બાબતોને ઉજાગર કરવા અને નકામી બાબતોને નિષ્ક્રિય કરવા માટે ઉપયોગી તત્ત્વ છે.’
આથી જ સૂર્યને એવી રીતે અંજલિ આપવી જોઈએ જેથી સૂર્યનાં કિરણો એ પડી રહેલા પાણીમાંથી પસાર થઈને આપણા સુધી આવે. આપણા શરીર અને સૂર્ય વચ્ચે પાણીનો પડદો રચાવો જોઈએ જેથી સૂર્યનાં ઔષધિરૂપ કિરણોનો આપણને વધુ ને વધુ લાભ મળે.
સૂર્ય છે તો જીવન છે. સૂર્ય પૂરી ગ્રહમાળામાં કેન્દ્રસ્થાને વિરાજે છે.
સૂર્ય પૂરા બ્રહ્માંડનો આત્મા છે. સૂર્ય પ્રચંડ ઊર્જા આપતો ધગધગતો અગ્નિનો ગોળો છે. આવો સૂર્ય આ નૂતન વર્ષની શરૂઆતમાં હૂંફ બનીને આપણી સમક્ષ આવે છે એને આપણે નરી આંખે જોઈ શકાતા દેવ ગણીને વધાવી લેવો જોઈએ, પૂજા-અર્ચના કરવી જોઈએ.