ધરતીકંપ જેવી ઘટના વિશે તો આપણે કંઈ જાણતા જ નથી હોતા. આજે ઇઝરાયલ અને ગાઝાપટ્ટીમાં યુદ્ધ ચાલી રહ્યું હોય, સેંકડો માણસો મરી રહ્યા હોય તો એમાં તમારી જવાબદારી કઈ રીતની એવો સવાલ અવશ્ય થાય.
ઉઘાડી બારી
પ્રતીકાત્મક તસવીર
પલકારા જેટલા સમયમાં પ્રત્યેક ક્ષણે પૃથ્વી ઉપર સંખ્યાબંધ ઘટનાઓ બનતી જ હોય છે. આ ઘટનાઓ વિશે આપણે કોઈ જાણકારી મેળવી શકતા નથી. કરોડો જન્મો, કરોડો મૃત્યુ, કરોડો લગ્નો, કરોડો હત્યાઓ આમ પ્રત્યેક ક્ષણે જે બનતું હોય છે એના વિશે આપણે કંઈ જાણતા નથી પણ જો કોઈ એમ કહે કે આ બધી જ ઘટનાઓ બનવામાં ક્યાંક ને ક્યાંક તમે પણ જવાબદાર છો તો તમે શું કહેશો? પાર વિનાની ઘટનાઓને આપણે પ્રાકૃતિક કહીએ છીએ. ધરતીકંપ જેવી ઘટના વિશે તો આપણે કંઈ જાણતા જ નથી હોતા. આજે ઇઝરાયલ અને ગાઝાપટ્ટીમાં યુદ્ધ ચાલી રહ્યું હોય, સેંકડો માણસો મરી રહ્યા હોય તો એમાં તમારી જવાબદારી કઈ રીતની એવો સવાલ અવશ્ય થાય.
થોડાં વર્ષોથી આપણા દેશમાં નક્સલવાદ નામનો એક હિંસાવાદી પક્ષ પ્રવૃત્ત છે. આ હિંસાચાર નક્સલ નામના એક ગામથી શરૂ થયો હતો. દેશના પૂર્વ સીમાડે આવેલા નક્સલ નામના એક ગામમાં થોડાક જવાનોએ સ્થાનિક જમીનદારો સામે ઊહાપોહ કર્યો હતો. જ્યારે આ ઊહાપોહ એક આંદોલન બન્યું અને એનો પ્રસાર વધતો ગયો ત્યારે જયપ્રકાશ નારાયણે એક બહુ જ વિચારપ્રેરક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નક્સલવાદી હિંસાખોરો આપણા જ દેશના જવાનો છે. તેમણે આ આવો હિંસાચાર આચર્યો એ પૂર્વેની ઘટનાઓ તપાસવી જોઈએ. નક્સલ અને એની આસપાસના વિસ્તારના જમીનદારો દ્વારા શ્રમિકો પર જે અન્યાય થતો હતો એ અન્યાયનો પ્રતિકાર કરવા આ હિંસક નક્સલીઓએ પ્રયત્નો કર્યા હતા. સત્તાવાળાઓએ આ જવાનો સાથે વાત કરવી જોઈએ અને જાણવું જોઈએ કે આ લોકો નિર્દોષોની હત્યા કરવા માટે કેમ પ્રેરાયા. જમીનદારોનો જે જુલ્મ હતો એનો સામનો તેઓ કરી શકતા નહોતા અને તેમની કોઈ ફરિયાદ સત્તા સ્થાને બેઠેલા સરકારી બાબુઓ સાંભળતા નહોતા. પરિણામે થોડાક માથાના ફરેલા અને કુકર્મે દોરવાયેલા છોકરાઓએ હિંસા આચરી અને આ હિંસાનો પ્રસાર વધતો ગયો. આ પ્રસ્તાર રોકવો જોઈએ અને રોકવા માટે સરકારે આગળ આવવું જોઈએ.
ADVERTISEMENT
હિટલર અને શ્રી અરવિંદ
બીજું વિશ્વયુદ્ધ જ્યારે ટોચ પર પહોંચી ગયું હતું અને દુનિયાના ઘણાખરા દેશો એમાં ગૂંથાઈ ગયા હતા ત્યારે પૉન્ડિચેરી આશ્રમના શ્રી અરવિંદ ઘોષે એક ભારે વિચારપ્રેરક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બીજા વિશ્વયુદ્ધ માટે આમ તો હિટલર જ જવાબદાર કહેવાય, પણ હિટલરને આ અવસ્થામાં ખેંચી લાવવા માટે આપણે સહુ પણ ઓછા જવાબદાર નથી. શ્રી અરવિંદે કહ્યું કે હિટલર જે કંઈ કરે છે એમાં ક્યાંક ને ક્યાંક હું મને પણ જોઉં છું. દુનિયામાં કશુંયે આપોઆપ નથી બનતું એટલું જ નહીં, જે કંઈ બને છે એ અચાનક નથી બનતું. એના બનવા પાછળ ઘણીબધી ઘટનાઓ જેના કતૃત્વનો ભાર આપણે સહુએ વધતા ઓછા પ્રમાણમાં સ્વીકારવો જ પડે. શ્રી અરવિંદે તો ત્યાં સુધી કહેલું કે હિટલરના આયોજન સાથે હું મને પોતાને પણ ક્યારેક જોઉં છું.
આજે વૈશ્વિક ત્રાસવાદ એ ભયાનક સમસ્યા બનીને આપણી સામે મોં ફાડીને ઊભો છે. આ ત્રાસવાદ માટે તમે કે હું દેખીતી રીતે જવાબદાર નથી જ પણ સાથે જ એ પણ ભૂલવા જેવું નથી કે આ ત્રાસવાદનું સમર્થન કરનારા લાખો ને કરોડો માણસો આ દુનિયામાં છે જ. આ સમર્થકોને કારણે આ ત્રાસવાદ વકરેલો છે.
પરમાત્માએ વૈશ્વિક અસ્તિત્વનું એક સંતુલન કરેલું છે. આજે આપણે વારંવાર પર્યાવરણ વિશે ચિંતિત થઈએ છીએ. ઉષ્ણતામાન ખૂબ વધી ગયું છે અથવા ખૂબ ઘટી ગયું છે એવી બુમરાણ આપણે કરતા રહ્યા છીએ. આ વાત ખોટી નથી, એમાં સત્ય છે. નિષ્ણાતોએ ગણતરી મૂકીને કહ્યું છે કે આ વધારો કે ઘટાડો જો આ રીતે જ ચાલુ રહેશે તો થોડા દસકાઓમાં જ પૃથ્વી ઉપર વસવાટ અઘરો બની જશે. જો આમ થાય તો એના માટે જવાબદારી કોની છે? પ્રકૃતિએ આપણને જે આપ્યું હતું એમાં આપણે આપણા તત્કાળ સ્વાર્થ માટે જે પરિવર્તન કર્યાં એને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણવા જ પડે. આપણે જંગલોનો નાશ કર્યો, પ્રાકૃતિક જળપ્રવાહો બદલાવ્યા. આને પરિણામે જે બન્યું એ દેખીતી રીતે તમારી કે મારી વ્યક્તિગત જવાબદારી ભલે ન લેખાય પણ સામાજિક સ્તરે આ બધાં પરિવર્તનો થયેલાં છે અને આ સમાજમાં હું અને તમે જ જવાબદાર છીએ.
થોડાં વર્ષો પહેલાં ભૂમધ્ય સમુદ્રને સહરાના રણપ્રદેશમાં ઠાલવી શકાય કે કેમ એવો વિચાર પણ બૌદ્ધિકોએ વહેતો કર્યો હતો. જો આમ કરી શકાય તો ભૂમધ્ય સમુદ્રનો ભૂમિ વિસ્તાર માણસને વાપરવા મળે એટલું જ નહીં, આ જળપ્રવાહ સહરાના રણપ્રદેશમાં ઠલવાઈ જવાથી ત્યાંનો ભૂમિ વિસ્તાર પણ માણસ ઉપયોગમાં લઈ શકે. આ વિચાર વિશે ગંભીરતાપૂર્વક આંકડા માંડ્યા પણ અંતે આવું થઈ શકે નહીં એવો સાર નીકળ્યો હતો. આમ કરવાથી પૃથ્વી ઉપર જે ભાર પોપડા તરીકે વહેંચાયેલો છે એ ભારનું સંતુલન બદલાઈ જાય અને આ બદલાવને કારણે ધરતીનો પોપડો ધ્રૂજી ઊઠે. આ ધ્રુજારીથી દુનિયાના અનેક દેશો નાશ પણ પામે.
અહીં પણ એક નજર
આપણે સહુ વૈશ્વિક સ્તરે કદાચ આવો વિચાર ન કરી શકીએ પણ ઘરમાં, ઑફિસમાં, પાડોશમાં કે આપણા અન્ય રોજબરોજના વ્યવહારમાં જો નજર ખૂલેલી હોય તો જે ઘટનાઓ નજરે પડે છે એના વિશે પણ આજ સિદ્ધાંત લાગુ કરી શકાય છે. પરિવારમાં ક્યારેક ઊંચા જીવ થાય, બોલચાલ થાય, એકબીજા પ્રત્યે ગમોઅણગમો થાય. આ બધું જ્યારે બને છે ત્યારે એ ભૂલવું ન જોઈએ કે ખરેખર તો આપણે સહુ એક યા બીજા પ્રકારે એવું કાંઈક સતત કરતા રહ્યા છીએ કે જેને કારણે આ ઘટના બની. ઘરમાં પિતા-પુત્ર, પતિ-પત્ની કે ભાઈ-ભાઈ વચ્ચે જે અણગમો બનીને બહાર આવ્યું એ બધું તેમના કુટુંબીજનોના વ્યવહારનું લાંબા ગાળાનું સ્વરૂપ જ હોય છે.
બધું કામ તમે નથી કરતા, પણ કેટલુંક કામ તમે જરૂર કરો છો. આ કામ જે લાંબા ગાળાનું પરિણામ છે એ સમજવા જેવું હોય છે. એક માણસ રસ્તા ઉપર જ્યારે થૂંકે છે અથવા બીજી કોઈ ગંદકી કરે છે ત્યારે એ ગંદકી વૈશ્વિક રોગચાળો બનીને માણસજાત ઉપર ત્રાટકે છે એ ભૂલવા જેવું નથી. આટલી અમથી વાત દેખીતી રીતે તો નાનકડી છે પણ આપણું દરેક કામ લાંબા ગાળાએ માનવજાત ઉપર કેવી અને કેટલી અસર કરે છે એ યાદ રાખવું જોઈએ.