Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ટાવર તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી

ટાવર તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી

Published : 22 March, 2025 04:22 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બચુબાઈ અને પીરોજબાઈની વાત તરફ પાછા વળીએ. બનાવના ૫૬ કલાક પછી મારવાડીની દુકાનેથી ‘ચોરીનો માલ’ જપ્ત કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી.

રાજાબાઈ ટાવરના ઉપલા માળ

ચલ મન મુંબઈનગરી

રાજાબાઈ ટાવરના ઉપલા માળ


ઓ ઈશ્વર! શી અવધિ આજે! અકરો કેર જ કીધો;


મુંબઈમાં શી માહતમ વરસી? લહાવો શો આ લીધો?



પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;


‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી

‘દિલજાન’ નામના પારસી કવિની આ પંક્તિઓથી શરૂ થતા આ પદ્યમાં રાજાબાઈ ટાવરની એ સમયનાં છાપાંના શબ્દો વાપરીને કહીએ તો ‘ગોઝારી ઘટના’ વિશે દિલસોજી પ્રગટ કરવામાં આવી છે. અને આમ કરવામાં આ ‘દિલજાન’ એકલા નહોતા, આવી બીજી કૃતિઓ પણ છપાઈ હતી: ‘રાજાબાઈ ટાવરની કહાની, લેખકઃ અરદેસર આદરજી ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લેખક : ‘સત્યવક્તા એક હિન્દુ’, ટાવર ગરબા, લેખક : શેઠ ખરશેદજી બહમનજી ફરામરોઝ, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લેખક : દા. એ. તારાપોરવાલા, સરોદે પાક દામની અને સિતમે મીનાર, લેખક : ફિરોઝશાહ રુસ્તમજી બાટલીવાલા, વગેરે. અલબત્ત, આ રીતે ફક્ત આ બનાવ પર જ પદ્યકૃતિઓ લખાઈ હતી એવું નથી. એ વખતે કોઈ પણ મોટો કે ગમખ્વાર બનાવ બને ત્યારે આ રીતે પદ્યકૃતિઓ લખાતી. મુંબઈની આગ, મુંબઈની મરકી, મુંબઈના શૅરબજારની ચડતી-પડતી, વગેરે બનાવો વખતે એને લગતાં પદ્ય લખાઈને પ્રગટ થયેલાં. એમાંનાં ઘણાંખરાં આજે ભુલાઈ ગયાં છે, પણ આજ સુધી ટકી રહેલી આવી એક કૃતિ તે ‘હાજી કાસમ તારી વીજળી.’


અરદેશર બરજોરજી ગોદરેજ

ખેર, આપણી ગાડી જરા જુદે પાટે ચડી ગઈ. એટલે બચુબાઈ અને પીરોજબાઈની વાત તરફ પાછા વળીએ. બનાવના ૫૬ કલાક પછી મારવાડીની દુકાનેથી ‘ચોરીનો માલ’ જપ્ત કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. તો બીજી બાજુ અંગ્રેજ ડૉક્ટર સિડની સ્મિથ અને બીજા ચાર ‘દેશી’ ડૉક્ટરોએ મરનાર બાઈઓની ઑટોપ્સી કરી. બન્ને છોકરીઓના શરીર પર જુદે-જુદે ઠેકાણે થયેલી નાની-મોટી ઈજાઓ જોઈને ચાર દેશી ડૉક્ટર એવા નિર્ણય પર આવ્યા કે બન્ને છોકરીઓ પર બળાત્કાર થયો નહોતો પણ એમ કરવાનો પ્રયત્ન થયો હતો. અને પોતાનું શિયળ બચાવવા બન્નેએ ટાવર પરથી પડતું મૂક્યું હોય એવો પૂરો સંભવ છે. પહેલાં તો અંગ્રેજ ડૉક્ટર તેમના આ અભિપ્રાય સાથે સહમત થયો પણ પછી તેણે ફેરવી તોળ્યું. અદાલતમાં તેણે કહ્યું કે બળાત્કાર તો થયો જ નથી પણ એમ કરવાનો પ્રયત્ન થયો હતો એમ માનવાને પૂરતાં કારણો મળતાં નથી. બન્ને છોકરીઓના શરીર પર જે નાની-મોટી ઈજાઓ જોવા મળે છે એ તેમનાં કપડાંમાંનાં ધાતુનાં બટન શરીર સાથે ઘસાવાથી થઈ હોય. અથવા ટાવર પરથી પડતી વખતે બન્નેના દેહ દીવાલમાંથી બહાર નીકળતા ‘પુસ્તા’ (buttress) સાથે અથડાયા હોય તેથી આ ઈજાઓ થઈ હોય. આમ છતાં માણેકજી અસલાજી પર ખૂન અથવા ખૂન નહીં એવા સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરવામાં આવ્યો. કૉરોનરની કોર્ટમાં ખટલો ૧૯ દિવસ સુધી ચાલ્યો. અને ત્રીજી જૂનના દિવસે પુરાવાને અભાવે અસલાજીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો!

ઘડિયાળો મુકાયા પહેલાંનો રાજાબાઈ ટાવર 

નવાઈની વાત એ હતી કે આ કેસ ચાલ્યો ત્યારે કેટલાક ચશ્મદીદ ગવાહોને તો જુબાની માટે બોલાવ્યા જ નહીં! મેસર્સ કોનરોય ઍન્ડ બ્રાઉન સૉલિસિટર્સની કંપનીમાં અસિસ્ટન્ટ મૅનેજિંગ ક્લર્ક તરીકે કામ કરતા મિસ્ટર એન્ટીએ પોલીસને કહ્યું હતું કે તેણે બન્ને છોકરીઓને ટાવર પરથી પડતી નજરોનજર જોઈ હતી પણ તેમને જુબાની માટે બોલાવ્યા જ નહીં! યુનિવર્સિટીમાં જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરતા પ્રો. હેનરી ચાર્લ્સ શોને બન્ને છોકરીઓને ટાવર પરથી પડ્યા પછી તરત જોઈ હતી એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપી અસલાજી અને પોલીસના અધિકારી મૅક્ડર્મોટને ટાવરથી થોડે દૂર જઈને ખાનગીમાં કશીક વાત કરતા પોતે જોયા હતા એટલું જ નહીં, તેમણે તો સામે ચાલીને કહ્યું કે ખટલા વખતે હું જુબાની આપવા આવીશ. ત્યારે મૅક્ડર્મોટે તેમને કહ્યું કે ‘કેમ? તમે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે કે શું? આ ખટલામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.’ અને તેમને પણ અદાલતે બોલાવ્યા નહીં! ટાવર પાસેના બગીચામાં રમતાં બે બાળકોએ પણ અસલાજી વિરુદ્ધની વાત પોલીસને જણાવી હતી. પણ આવી વાતમાં બાળકોની વાત પર વિશ્વાસ મૂકી શકાય નહીં એમ જણાવી અદાલતે તેમની જુબાની નોંધી નહીં. યુનિવર્સિટીના ત્રણ નોકરો આત્મારામ બાબાજી, ગંગાજી હીરજી અને હેમચંદ કચરાએ બન્ને છોકરીઓને ટાવર પર ચડતી જોઈ હતી. પણ આ ત્રણમાંથી એક્કેને અદાલતે બોલાવ્યા નહીં. એક વિક્ટોરિયાના ડ્રાઇવરે અગાઉ કહ્યું હતું કે મૅક્ડર્મોટે તેની ગાડી ભાડે કરી હતી. સાથે એક હવાલદાર અને અસલાજી પણ હતા. અસલાજીએ નોટો ગણીને પાંચ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ ગણાય) મૅક્ડર્મોટને અને ૫૦૦ રૂપિયા હવાલદારને આપ્યા હતા એ મેં નજરોનજર જોયું હતું પણ તેને જ્યારે જુબાની માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ફેરવી તોળ્યું અને કહ્યું કે પોલીસ પાસે ખોટું નિવેદન કરવા માટે મને લાંચ આપવામાં આવી હતી! અદાલતે જે સાક્ષીઓને જુબાની માટે બોલાવ્યા તે બધાએ અસલાજીની તરફેણમાં જુબાની આપી હતી. અને એમાંથી એકે સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી નહીં.

કૈસરે હિન્દ સાપ્તાહિકના એક અંકનું કવર 

કોરોનરની કોર્ટ પછી ખટલો સેશન્સ કોર્ટમાં ગયો. પણ ત્યાં પણ અસલાજીને નિર્દોષ ઠરાવવામાં આવ્યો. માત્ર પારસી સમુદાયમાં જ નહીં, મુંબઈના લોકોના મોટા વર્ગમાં આ ફેંસલા સામે અસંતોષનો વંટોળ જાગ્યો અને આખા કેસ અંગે ફેરવિચારણા કરવા સરકારને વિનંતી કરવાનું નક્કી થયું. આ માટે એક સમિતિ બનાવાઈ હતી. સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ તેના પ્રમુખ હતા. તેમના ઉપરાંત આ સમિતિમાં નીચેના સભ્યો જોડાયા હતા: સર દીનશાહજી માણેકજી પિતિત બૅરોનેટ, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતિત, ડૉ. કેખશરૂ નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજી.

આ સમિતિએ મુંબઈ સરકારને એક અરજી મોકલી હતી. તેમાં મુખ્ય માગણી એ હતી કે ‘ટાવર મર્ડર કેસ’ વિશે ઉપયોગી થાય એવી માહિતી આપનાર વ્યક્તિ માટે સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવું જોઈએ. અને આવી માહિતીને આધારે આ કેસ ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની અદાલતમાં ફરીથી ચલાવવો જોઈએ. ૧૮૯૧ની ૧૦ જૂનના સરકારે એનો જવાબ આપ્યો. સરકારે જણાવ્યું કે આવી બાબતોમાં સરકારને માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે. એટલે એ માટે સરકારે ઇનામ આપવાં નહીં એવું સાત વર્ષ પહેલાં ગ્રેટ બ્રિટનની સરકારે ઠરાવ્યું છે એ હિન્દુસ્તાનને પણ લાગુ પડે છે. આ કેસમાં કોઈ અસાધારણ કે અપવાદરૂપ બાબત હોય એવું સરકાર માનતી નથી. એટલે આ તબક્કે સરકાર આવું કોઈ ઇનામ જાહેર કરવા માગતી નથી. અલબત્ત, ભવિષ્યમાં સંજોગો બદલાય તો સરકાર ઇનામ આપવા માટે ફેરવિચારણા કરી શકે. વળી આ ખટલાનો ચુકાદો આવ્યા પછી કોઈ નવી હકીકતો કે પુરાવા બહાર આવ્યા નથી એટલે આ કેસ ફરી ચલાવવાની જરૂર સરકાર હાલતરત તો જોતી નથી.

સરકાર તરફથી આ જવાબ મળ્યા પછી મુંબઈના અખબાર જામે જમશેદના તંત્રીએ સરકારને લખી જણાવ્યું કે તેમના અખબાર તરફથી આવું પાંચ હજારનું ઇનામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. એના જવાબમાં સરકારે જણાવ્યું કે કોઈ ખાનગી અખબારે શું કરવું અને શું ન કરવું એ વિશે સરકાર કશું કહી શકે નહીં. પણ સરકાર એ વાત તરફ ધ્યાન દોરવા માગે છે કે આવું ઇનામ સરકાર ક્યારેય જાહેર નહીં કરે એવું સરકારે કહ્યું નથી. ભવિષ્યમાં નવા/જુદા સંજોગો ઊભા થાય તો સરકાર પોતાના નિર્ણયમાં ફેરબદલો કરી શકે છે. પણ જો આ રીતે ખાનગી વ્યવસ્થા થઈ ચૂકી હોય તો પછી ભવિષ્યમાં સરકાર ફરીથી ઇનામ જાહેર કરી શકે નહીં. વળી એક ખાનગી અખબારે જાહેર કરેલા ઇનામના જવાબમાં મળેલી માહિતી કાયદાની અદાલતમાં સ્વીકારાય કે કેમ એ વિશે સરકારને પૂરેપૂરી શંકા છે.

સરકારનો ઇશારો સમજી જઈને એ અખબારે ઇનામ જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ મુંબઈના લોકો? એ માની ગયા? ન માન્યા? એ વિશે વધુ વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 04:22 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK