તાજેતરમાં ઓટીટી મંચ પર રિલીઝ થયેલી ‘ધ રેલવે મેન - ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ભોપાલ ૧૯૮૪’ નામની સિરીઝ શા માટે જોવી જ જોઈએ? એનાં કારણો આ રહ્યાં...
પીડા, દર્દ, આક્રંદ, ભયાનકતા છતાં અઢળક સંવેદનશીલ સત્ય હકીકતોની આ કથા છે. આવી સિરીઝ બનાવવી એ પણ એક નેક અને અવેરનેસનું, પ્રજાને જાગ્રત કરવાનું કામ છે એવું લાગે છે.
શું આપણી ભીતર સંવેદનશીલતા જીવે છે? કેટલી અને કઈ રીતે આ સંવેદનશીલતા જીવે છે એની પરીક્ષા લેવા આવી છે આ ફિલ્મ
ભોપાલ ગૅસ દુર્ઘટના (૧૯૮૪) યાદ છે તમને? નવી પેઢીમાંથી લાખો લોકોને એ ખબર પણ નહીં હોય, જેમને ખબર હતી તેમાંથી પણ લાખો લોકો હાલ વિદાય લઈ ચૂક્યાયા હશે. આ ઘટનાને ચાર દાયકા વીતી ગયા છે ત્યારે એના વિશે તાજેતરમાં એક સિરીઝ આવી છે. અમને પહેલાં થયું કે શા માટે આ દુર્ઘટનાને કે એની કારમી પીડાને યાદ કરાવવાનો શું અર્થ છે? કેમ હવે યાદ કરવી જોઈએ? શું મળશે હવે એને યાદ કરીને? એના વિશેની સિરીઝ જોઈને? પરંતુ આ જોયા બાદ અમને ઘણા સબક મળ્યા, હજી મળી શકે છે. અમારી સંવેદનશીલતા જીવે છે એનો પુરાવો મળ્યો.
ADVERTISEMENT
આવી ગંભીર દુર્ઘટના વખતે વેપારના ખેલ, ચોક્કસ વિદેશી યા મલ્ટિનૅશનલ કંપનીઓના કારનામા, તેમના મૅનેજમેન્ટની નિર્દયતા, નિષ્ઠુરતા, બેદરકારી, રાજકરણની રમતો, ભ્રષ્ટાચાર, સ્વાર્થી હિતો, તત્કાલીન સરકારમાં-સત્તાધારીઓમાં રહેલાં સ્થાપિત હિતો વગેરે જોયા પછી હૃદય દ્રવી ઊઠ્યું. લોકોની પીડા જોઈને આક્રંદ થયું અને સત્તાવાળાઓની-કંપનીની-સ્થાપિત હિતોની ચાલાકી જોઈ આક્રોશ પણ જાગ્યો. જો તમારી સંવેદના જીવંત હોય અને તમે પીડા સહન કરીને પણ એને જીવંત રાખવા માગતા હો તો આ સિરીઝ જરૂર જોજો. એક નવા પૈસાનું મનોરંજન નહીં મળે, પરંતુ સૌથી મૂલ્યવાન મનોમંથન ચોક્કસ અને ભરપૂર મળશે. આ અમારી અનુભૂતિ તમારી સાથે શૅર કરીએ છીએ.
રેલવે અધિકારીઓને સલામ
આમાં વાત માત્ર ભોપાલની ગૅસ દુર્ઘટનાની નથી, પરંતુ એ સમયમાં રેલવેના સંખ્યાબંધ નાના-મોટા કર્મચારીઓએ જીવતી રાખેલી માનવતાની મિસાલની છે, આપણે જેમને યાદ કરવાનું તો બાજુએ રહ્યું, તેમના વિશે વિચારતા પણ નથી એવા રેલવેના એ સમયના ચોક્કસ અધિકારીઓએ પોતાના ભોગે કઈ રીતે હજારો લોકોના જીવની રક્ષા કરી, તેમને મૃત્યુના મુખમાંથી બહાર કાઢી કઈ રીતે સલામત સ્થળે પહોંચાડ્યા,અસરગ્રસ્તોને સારવાર પહોંચાડી, વગેરે જેવાં અનેક પીડા, દર્દ, આક્રંદ, ભયાનકતા છતાં અઢળક સંવેદનશીલ સત્ય હકીકતોની આ કથા છે. આવી સિરીઝ બનાવવી એ પણ એક નેક અને અવેરનેસનું, પ્રજાને જાગ્રત કરવાનું કામ કહી શકાય એવો મારો નમ્ર મત છે. આ લખવાનો ઉદ્દેશ કોઈ પણ પ્રકારના પ્રચારનો નથી બલકે સત્યની અનુભૂતિ વ્યક્ત કરવાનો છે. આ લખાણનો હેતુ ફિલ્મ કે સિરીઝ રિવ્યુનો પણ નથી, કારણ કે નિખાલસતાપૂર્વક કહું તો
હું પોતે ફિલ્મ સમીક્ષક કે ક્રિટિક પણ નથી અને એક્સપર્ટ પણ નથી. આ મારા વિચારો તો મારા આ સિરીઝના ચાર ભાગ (બાકીના ભાગ હજી રિલીઝ થવાના બાકી છે) જોયા પછીની સંવેદનાના છે.
ટીવી સ્ક્રીન પર જોવાની પણ પીડા થઈ શકે
યુનિયન કાર્બાઇડ નામની વિદેશી કંપનીની ભોપાલ ખાતેની કેમિકલ ફૅક્ટરીમાં ઝેરી ગૅસ લીકેજ થવાની ઘટના ૧૯૮૪માં બની હતી, જેના લીધે આશરે ૧૫,૦૦૦ લોકોના જીવ ગયા હતા. અનેક લોકો એની અસર રૂપે ગંભીર રોગના ભોગ બન્યા હતા અને અનેક લોકો પર એ પછી પણ વરસો સુધી એક યા બીજી અસર રહી હતી. એ યાતના-પીડા એટલી તીવ્રતાભરી હતી કે એનું વર્ણન પણ કાળજું કંપાવી દે એવું છે.
આ સિરીઝમાં એની રજૂઆત પણ એટલી જ તીવ્રતા સાથે થઈ હોવાનું ફીલ કરી શકાય છે.
આમ શા માટે થયું, કઈ રીતે થયું?
ક્યાં બેદરકારી રહી ગઈ?
કેવી અગમચેતીનાં પગલાં જરૂરી હતાં? કઈ રીતે આને ડામી શકાત?
કઈ રીતે હજારો જીવોને બચાવી શકાયા હોત?
સરકારે એ વખતે શું ઍક્શન લીધી? જવાબદાર કંપની સામે શું પગલાં ભરાયાં?
એના મૅનેજમેન્ટને શું કર્યું? અસરગ્રસ્તોને શું રાહત કંપનીએ આપી કે સરકારે આપી?
આવા ઘણા સવાલોના જવાબો પણ પીડાદાયક છે. ઉપરથી એ સમયની રાજીવ ગાંધી સરકારે યુનિયન કાર્બાઇડના ચૅરમૅનને ભારતમાં સજા કે દંડ કરવાને બદલે તેને અહીંથી નાસી જવામાં પરોક્ષ સહાય કરી હતી. આ અન્યાયને ભોપાલની પ્રજા અને ભારતની પ્રજા કયારેય માફ કરી શકશે નહી. અલબત્ત, આ હકીકતોને એમાં મીઠું-મરચું નાખ્યા વિના સિરીઝમાં સમાવી લેવાઈ છે.
અભિનયથી વધુ આત્મસાત ભૂમિકા
આ સિરીઝના બાહોશ અભિનેતાઓમાં રેલવે અધિકારી-સ્ટાફ તરીકે કે. કે. મેનન, આર. માધવન, દિવયેન્દુ શર્મા, બાબિલ ખાન (સ્વ. ઇરફાનનો ખાનનો દીકરો) વગેરેએ સરસ અભિનય કર્યો છે એટલું કહેવું પર્યાપ્ત નથી, બલકે તેઓ પોતાની ભૂમિકામાં આત્મસાત થઈ ગયા હોવાનું પ્રતીત થાય છે.
સંગીતે ઘટનાની ગંભીરતા, વેદના અને પીડાને બહુ ઇફેક્ટિવલી પ્રસ્તુત કરી છે. સંવાદો બહુ જ સરળ હોવા છતાં અતિ સંવેદનશીલ બનીને સ્પર્શે છે. ડિરેક્ટરે પણ દૃશ્યને વાસ્તવિકતા સમાન બતાવવામાં અહમ્ ભૂમિકા ભજવી છે. આમાંના મુખ્ય કૅરૅક્ટર રિયલ લાઇફમાં થઈ ગયાં છે જેમાં એક પત્રકાર તરીકેની ભૂમિકા નવા કલાકાર સની હિન્દુજાએ બખૂબી ભજવી છે, જે શ્રોતાઓનું ધ્યાન ખેંચશે. આ પત્રકારે જાનના જોખમે આ આખી ઘટનાનું રિપોર્ટિંગ કર્યું હતું અને અનેક ફોટો પણ પાડ્યા હતા. જોકે છેલ્લા કોવિડ દરમ્યાન તેમનું અવસાન થઈ ગયું. આ સિરીઝ આપણને રેલવે મેનને દિલથી સલામ અને પ્રણામ કરવાનું કહે છે.
આ ઘટનાની બધી જ કથા-વ્યથા અમે કહી દીધી નથી, હજી ઘણું સમજવાનું છે. આ માટે ઇમોશન્સ અને સેન્સિટિવિટી અનિવાર્ય છે. જે જોશે તે બીજી સંવેદનશીલ વ્યક્તિઓને કહ્યા વિના રહેશે નહીં. આ કામ અમે તો અહીં કરી દીધું. હવે આગળ તમારી મરજી, તમારી સંવેદનશીલતા નક્કી કરે.

