પ્રજ્વલિત થાય તો મોટી ક્રાન્તિ થઈ જાય. સરમુખત્યારો મોટી તોપો કે તલવારોથી જેટલા ડરતા નથી તેટલા શબ્દોથી ડરે છે.
પ્રતીકાત્મક તસવીર
શબ્દોની શક્તિનો કોઈ પાર નથી. શબ્દ ચિનગારી જેવો હોય છે. એ પ્રજ્વલિત થાય તો મોટી ક્રાન્તિ થઈ જાય. સરમુખત્યારો મોટી તોપો કે તલવારોથી જેટલા ડરતા નથી તેટલા શબ્દોથી ડરે છે. સૌથી પહેલાં તો વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકી દે છે. નેતાજીના બે શબ્દો ‘ચલો દિલ્લી’ કે બાપુના બે શબ્દો ‘ભારત છોડો’ કે જયપ્રકાશ નારાયણના બે શબ્દો ‘કટોકટી તોડો’ કેટલી મોટી ક્રાન્તિ કરી ગયા એ આપણા ઇતિહાસના જ પ્રસંગો છે. શબ્દમાં જેમ શક્તિ છે એમ ભક્તિ પણ છે. રામને નામે પથ્થર તરે છે.
વિનોબાની ભૂદાન પ્રવૃત્તિ જોશમાં ચાલુ હતી ત્યારે જંગલમાંથી પસાર થતા વિનોબાજીને એક આદિવાસીએ રોક્યા. ખુલ્લી છરી સાથે તે ક્રોધથી કંપતો હતો. વિનોબાએ કહ્યું, ‘અત્યાર સુધી મેં રામનાં ઘણાં સ્વરૂપ જોયાં છે પણ ક્રોધિત અવસ્થામાં રામને કદી જોયા નથી. તેં આજે મને તારામાં રહેલા ક્રોધિત રામનાં દર્શન કરાવ્યાં તેથી હું પાવન થયો. એ રામનાં દર્શન કરીને મૃત્યુને ભેટવાનો મને કોઈ રંજ નથી.’ પેલાએ છરી ફેંકી દીધી. આ છે શબ્દોની શક્તિ... શબ્દકોશ એ શબ્દોનું મ્યુઝિયમ છે. કવિતા એ શબ્દોની આર્ટ ગૅલરી છે. શબ્દો ગંજીપાનાં બાવન પાનાં જેવા છે. તમને બાજી ગોઠવતાં ન આવડે તો જેમ બાજી હારી જાઓ એમ શબ્દોનો ઉપયોગ કરતાં ન આવડે તો જિંદગીમાં દુખી થવાનો વખત આવશે. ક્રોધમાં કહેવાઈ ગયેલા શબ્દો માટે પછીથી પશ્ચાત્તાપ થતો જ હોય છે.
ADVERTISEMENT
શબ્દોનો ઉપયોગ આપણા લેખકો અને કવિઓએ કઈ રીતે કર્યો છે એ જોઈએ. નર્મદ અને અખો શબ્દના એક ઘા અને બે કટકા કરે છે, ન્હાનાલાલ શબ્દોના પિયરમાં આંટા મારે છે, ગોવર્ધનરામ શબ્દોના વનમાં શબ્દોને તપાવે છે, મેઘાણી શબ્દોને સંજીવની પીવડાવે છે, કાલેલકર શબ્દોની આંખે પ્રકૃતિ આંજે છે, તો મીરાંબાઈ શબ્દોને કૃષ્ણમય બનાવે છે, સ્નેહલ મઝુમદાર તેમની કૉલમમાં શબ્દોના નવા-નવા અર્થ બતાવે છે. કવિ હેમેન શાહ તેમની ‘પ્રિસ્ક્રિપ્શન’ નામની કવિતામાં નવોદિત કવિઓને માર્ગદર્શન આપતાં લખે છે, ‘શબ્દોની પરેજી રાખવી, શબ્દો વધુપડતા ફાંકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે છે.’ શબ્દોનાં પુષ્પોનો આ બાગ સુગંધમય તો જ થાય જો આપણામાં બાળકનું મન, સ્ત્રીનું હૃદય, કવિની કલ્પના અને સંતની નેકી હોય. બાકી તો શબ્દો શેરીઓમાં વસ્ત્રો ઉતારીને બેઠા જ છે. વાપરો જેમ વાપરવા હોય એમ... અને પરિણામ ભોગવવા તૈયાર રહો. -હેમંત ઠક્કર

