યાચક કે સહાયક, આપણે કઈ અવસ્થામાં છીએ એની જાણ હોવી જરૂરી છે, કારણ કે આ એક એવી યાત્રા છે જેમાં વર્તમાન મુકામ પ્રત્યેની સભાનતા જ આપણી મુસાફરીને વેગ આપે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આધ્યાત્મિક વિશ્વ અને આંતરિક શાંતિની પ્રાપ્તિ માટે, મને પ્રભાવિત કરનારા કેટલાક મહાનુભાવોમાંનું એક ગમતું નામ એટલે Thick Nhat Hanh (ઉચ્ચારણ થાય, ટિક નાટ હાન). વિયેટનામમાં જન્મેલા અને ૯પ વર્ષની ઉંમરે પહોંચેલા તેઓ એક ઝેનગુરુ અને શાંતિ કાર્યકર્તા હતા. પચાસથી વધારે પુસ્તકો, અસંખ્ય વિડિયોઝ અને પૉડકાસ્ટમાં પ્રકાશિત અને પ્રસારિત થતા તેમના વિચારો કોઈ પણ સામાન્ય માણસની જિંદગી બદલી શકે એમ છે. તેઓ ફક્ત વિશ્વશાંતિ માટે જ નહીં, દરેક મનુષ્યની વૈયક્તિક શાંતિ માટે પણ એટલા જ સક્રિય રહ્યા. મારો વ્યક્તિગત અનુભવ કહું તો હું જ્યારે-જ્યારે તેમનાં પુસ્તકો વાંચું છું, તેમની વાતો સાંભળું છું કે તેમનો ચહેરો જોઉં છું ત્યારે-ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આજે પણ એવું લાગે કે જાણે જાતની અંદર ધમપછાડા કરતું પ્રાણી તેમના વિચારો સાંભળીને અચાનક શાંત થઈ જાય છે. તેમના પુસ્તક ‘At home in the world’માં તેમણે એક સુંદર પ્રસંગ લખ્યો છે.
તાજેતરનાં વર્ષોમાં કેટલીક જેલમાં કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બન્યું એવું કે નૉર્થ અમેરિકાની એક જેલમાં મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને ટિક નાટ હાનનું એક પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તકનું નામ, ‘Being peace’. દેહાંતદંડનો દિવસ નજીક આવતાં પહેલાં એ ગુનેગારે આ આખું પુસ્તક વાંચી નાખ્યું અને એનાથી પ્રેરાઈને તેણે પોતાના જ સેલની અંદર મેડિટેશન કરવાનું શરૂ કર્યું. અંતિમ દિવસોમાં તેણે તમાકુ ખાવાનું પણ છોડી દીધું. હવે બન્યું એવું કે તેની બાજુની ઓરડીમાં જે ગુનેગારને રાખવામાં આવેલો એ પણ તમાકુનો બંધાણી હતો.
ADVERTISEMENT
એક દિવસ એવું બન્યું કે તીવ્ર તલપ લાગતાં એ ગુનેગારે આ મૃત્યુદંડની સજા મળેલા ગુનેગાર પાસે તમાકુ માગી. તેણે પૂછ્યું. ‘થોડી તમાકુ આપશો?’ પોતે તમાકુ છોડી દીધી હોવા છતાં હાજર રહેલા સ્ટૉકમાંથી થોડી તમાકુ તેણે પાડોશી ગુનેગારને આપી. તમાકુ આપતી વખતે તેણે પોતાની પાસે રહેલા પુસ્તક ‘Being peace’નું પહેલું પાનું ફાડી નાખ્યું અને એ પાનામાં તમાકુ વીંટાળીને બાજુના ગુનેગારને આપ્યું. બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું. એ રીતે તમાકુ આપવાના બહાને એક ગુનેગારે પોતાની પાસે રહેલું આખું પુસ્તક બીજા સુધી પહોંચાડી દીધું. આ બીજો ગુનેગાર તમાકુ ખાતાં-ખાતાં દરરોજ એક પાનું વાંચતો. એ રીતે ધીમે-ધીમે તેણે આખું પુસ્તક પૂરું કર્યું. શરૂઆતમાં આક્રમક, તોફાની અને ગુનાહિત માનસિકતા ધરાવતો આ કેદી ધીમે-ધીમે શાંત થવા લાગ્યો. માથા પછાડવાને બદલે કલાકો સુધી તે પોતાની ઓરડીમાં શાંતિથી બેસી રહેતો. એક સુંદર પુસ્તક મોકલવા બદલ થોડા દિવસ પછી તેણે બાજુના કેદીને ‘થૅન્ક યુ’ લખેલી એક ચિઠ્ઠી મોકલાવી. એ બન્નેના મનમાં રહેલો એક કૉમન વિચાર એ હતો કે આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત તો આજે આપણે અહીં ન હોત. કારાવાસમાં હોવા છતાં પણ એ બન્ને ગુનેગારો એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં પુરાયેલા હોઈએ છીએ. એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ, એક પુસ્તકનો જ હોય છે.
આપણી આસપાસ એવા કેટલાય આક્રમક અને અસંતુષ્ટ લોકો હોય છે જેઓ ખુલ્લી હવા, મોકળા મેદાન કે અફાટ આભને માણી નથી શકતા. બાગમાં ખીલેલાં ફૂલોની સુગંધ તેમના સુધી નથી પહોંચતી. વૃક્ષનો છાંયો, ઠંડો પવન કે સૂર્યાસ્ત સમયના આકાશની સુંદરતા તેઓ અનુભવી નથી શકતા. આ એક પ્રકારનો કારાવાસ જ છેને! જે પુસ્તક, પ્રતીતિ કે પ્રાર્થના આપણને જાત સાથેનો શાંતિ કરાર કરાવી શકે, મુક્તિ એ જ અપાવી શકે. બીજું કશુંય પામવાની ઝંખના ખંખેરીને જ્યારે આપણે જાત સાથે કમ્ફર્ટેબલ થઈએ છીએ ત્યારે આંતરિક શાંતિ તરફ પ્રયાણ કરીએ છીએ.
જેઓ જાત સાથે શાંતિપૂર્વકના સહચર્યમાં છે, ફક્ત તેઓ જ અન્યમાં ફાટી નીકળેલો આંતરવિગ્રહ નિહાળી શકે છે. અને એ તેમની જવાબદારી છે કે તેઓ અન્યને શાંતિ સ્થાપવામાં મદદ કરે. પીડિતોને મદદ કરી શકવાની સૌપ્રથમ લાયકાત જ એ છે કે સહાયકનું અંતઃકરણ પીડામુક્ત હોવું જોઈએ. જેમનું અંતઃકરણ ઈજાગ્રસ્ત હોય છે તેઓ ઉપાસક હોય છે. એ રૂઝાયા બાદ તેઓ ઉદ્ધારક બની જાય છે.
અન્ય માટે કશુંક માગી શકવાની સૌથી પહેલી જરૂરિયાત જ એ છે કે આપણી જાત તૃપ્ત હોવી જોઈએ. યાચક કે સહાયક, આપણે કઈ અવસ્થામાં છીએ એની જાણ હોવી જરૂરી છે, કારણ કે આ એક એવી યાત્રા છે જેમાં વર્તમાન મુકામ પ્રત્યેની સભાનતા જ આપણી મુસાફરીને વેગ આપે છે. આપણા ઘા રૂઝાયા બાદ જ આપણે અન્યના જખમ પર ફૂંક મારી શકીએ એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી એ હકીકત પણ છે કે અન્યની ઈજા પર ફૂંક મારવાથી આપણા ઘા જલદી રૂઝાય છે. સ્વમાંથી ઉદ્ભવતો અને સર્વ સુધી વિસ્તરતો આ ફૂંક મારવાનો કન્સેપ્ટ અંતે તો દુભાયેલા મનને રાહત આપવાનો છે. એ તમાકુ હોય કે પુસ્તક, ક્રોધ હોય કે કરુણા, રંજાડ હોય કે રાહત, આપણે અન્યને એ જ આપી શકીએ જે આપણી પાસે વિપુલ માત્રામાં હોય.

