Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્યાં છે કોઈ આકાર કસમનો

ક્યાં છે કોઈ આકાર કસમનો

Published : 15 December, 2024 05:37 PM | Modified : 15 December, 2024 05:48 PM | IST | Mumbai
Hiten Anandpara

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તાજેતરમાં નવી સરકાર દ્વારા શપથવિધિ સંપન્ન થઈ. પ્રધાનો બંધારણ અને કાયદાને અનુસરવાના સોગંદ ખાય છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ફાઈલ તસવીર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ફાઈલ તસવીર


મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તાજેતરમાં નવી સરકાર દ્વારા શપથવિધિ સંપન્ન થઈ. પ્રધાનો બંધારણ અને કાયદાને અનુસરવાના સોગંદ ખાય છે. જોકે આ સોગંદ લીધા પહેલાં જ તોડાઈ ગયા ગણાય, કારણ કે મોટા ભાગના પ્રધાનો સામે કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે કસમ લીધાની મહત્તાને માનીએ, પણ નિષ્ઠા વિશે તો શંકા થાય જ. બહુ જૂજ નેતાઓ એવા હશે જેમના માટે ડૉ. ભૂમા વશીનું મુક્તક ટાંકી શકાય...


દેશ સર્વોપરી એ લીધા છે શપથ



માતૃભૂમિને કાજે લીધો આ જનમ


આ હૃદય ગાય છે, માતરમ્ માતરમ્

જાન કુરબાન છે, એ લીધા છે શપથ


આપણા દેશમાં કેટલાય લોકોને વંદે માતરમ્ બોલતાં પણ જોર પડે છે. આવા લોકોને સિરિયા કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં નિષ્કાષિત કરી દેવા જોઈએ જેથી કેટલા વીસે સો થાય એની ખબર પડે. જે દેશમાં રહેતા હોય એ પ્રત્યે મમત કેળવવાને બદલે પોતાનાં ભાણાં સાચવવા, પારકાનાં ગાણાં ગાવા લાગે છે. તેમના આક્રોશમાં ક્રાન્તિ નહીં પણ ઊથલપાથલના ભણકારા સતત વાગ્યા કરે. અમિત ટેલર લડતને અર્થ આપવાનો પ્રયાસ કરે છે...  

શોધતો ફરતો રહું કોઈ મળે તો હું લડું

લોહી ઊકળતું રાખતા ચૂલામાં બળતણ જોઈશે

હો ભલેને સ્વાર્થનું તો પણ મને મંજૂર છે

સત્યના સોગંદ ખાવા કોઈ સગપણ જોઈશે

સપ્તપદીમાં સાત ફેરા લેતી વખતે સોગંદ લેવાના હોય છે. એમાં ભોજન, સુખ અને શાંતિસભર જીવન, આધ્યાત્મિક અને ધાર્મિક કર્તવ્યનું પાલન, સૌહાર્દપૂર્ણ રીતે પ્રેમથી જીવાતો સંસાર, વિશ્વકલ્યાણ અને સંતાનપ્રાપ્તિ, ધનધાન્ય, પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અંગે વચન આપવાનું હોય છે. એમાં વ્યક્તિ સાથે સમષ્ટિની ભાવના પણ જોડાયેલી છે. દિલીપ ધોળકિયા શ્યામ વચનની મહત્તા કરે છે...

હૃદયમાં સાચવી રાખો, વચન આપો અગર કોઈ

વચન વિશ્વાસની જ્યોતિ વચન પોતે જ કિરતારા

વચન પ્રહલાદ ઉગાર્યો, વચનથી રામવન પામ્યા

વચન બંધન અફર માનો, વચન ઉતારે ભવ પારા

વચન આપતી વખતે એ ધ્યાન રાખવું પડે કે એને પાર પાડવા આપણે શક્તિમાન છીએ કે નહીં. જે કાર્યક્ષેત્ર આપણા વશમાં કે સમજમાં નથી એના વિશે વચન આપીને નિષ્ફળતા વહોરવી પડે. પ્રત્યેક જણની એક મર્યાદા હોય છે. એ મર્યાદાથી આગળ થયેલી વાતો કાં તો બણગાં હોય અથવા ઠગારી આશા હોય. ચાંદ-તારા તોડી લાવવાની કસમ હવે યુગો જૂની થઈ ગઈ. આ કસમ ઉચ્ચારાય તો પૂનમનો ચાંદ પણ ડિપ્રેશનમાં આવીને અમાસમાં સરી પડે. સ્વાતિ રાજીવ શાહ કસમની નિષ્ઠાને પડકારે છે...  

ખુદ કસમ આપી પછીથી એ કસમ ભૂલી ગયા

દર્દ દઈ અમને ખુશીથી એ કસમ ભૂલી ગયા

બસ કસમ ખાધી હતી કે નામ એનું નહીં હવે

ચોટ જ્યાં લાગી, અમારી એ કસમ ભૂલી ગયા

કસમ, સનમ તેરી કસમ, આપ કી કસમ, કસમ પૈદા કરને વાલે કી, ખુદા કસમ, તુમ્હારી કસમ, હિન્દુસ્તાન કી કસમ, કસમ સુહાગ કી, મેરા વચન ગીતા કી કસમ, આખરી કસમ વગેરે અનેક હિન્દી ફિલ્મોમાં સોગંદનો મહિમા થયો છે. એક વાર સમ ખાઈએ પછી એ પાળવાના હોય. એમાં છેહ કરીએ ત્યારે અરીસા સામે ઊભા રહેવું દુષ્કર થઈ જાય. ડૉ. અપૂર્વ શાહ વકીલની બાનીમાં વાત કરે છે...

જ્યાં અપેક્ષાઓ હતી ત્યાં વાયદા દેખાય છે

જ્યાં હતી નિઃસ્વાર્થતા ત્યાં ફાયદા દેખાય છે

જો કર્યું સોગંદનામું એટલી સગવડ વધી

જ્યાં ફક્ત સગપણ હતું ત્યાં કાયદા દેખાય છે

કાયદો ગુના માટે સજા આપે છે, સોગંદ તોડવા માટે નહીં. નેતાઓ ચૂંટણી વખતે મસમોટા વાયદા કરે છે. એ નિભાવવાના આવે ત્યારે છટકબારીઓ ગોત્યા કરે. વચને કા દરિદ્રતા સૂત્રને તેઓ સુપેરે નિભાવી જાણે છે. આવા લોકોને દીપક ઝાલા અદ્વૈત સણસણતી ચાબુક ફટકારે છે...

ભરોસો નહીં અપાવે પણ ભરોસાની કસમ ખાશે

તમારા સમ કશે, ને ક્યાંક પોતાની કસમ ખાશે

ઘણા લોકો મા જીવે ત્યાં સુધી માની કસમ ખાશે

મા ગુજર્યા બાદ એ બીમાર ડોસાની કસમ ખાશે

લાસ્ટ લાઇન

કેવો કરતાં વાર કસમનો?

જીતવા લે આધાર કસમનો

                ભોળી જનતાને છળવાને,

                લીધો છે અધિકાર કસમનો

તારલિયા દેખાડે સૌને,

ક્યાં છે કોઈ આકાર કસમનો?

                રૂના પથ્થર હૈયે રાખી

                દશરથ સ્હેતા ભાર કસમનો

વાતે વાતે સમ ખાઈને

ફૂલ્યો છે વસ્તાર કસમનો

                નેતા રાખે બંધ દુકાનો

                જ્યારે હો રવિવાર કસમનો

દૂધ દોવાને નીરણ નાખે

આટલો છે બસ સાર કસમનો

- મિતુલ કોઠારી

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2024 05:48 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK