છેલ્લા એક અઠવાડિયામાં લક્ષદ્વીપ માટે જે લોકજુવાળ જાગ્યો છે એણે ખરેખર સૌંદર્યથી તરબતર એવા આ દ્વીપના સમૂહ માટે જુદા-જુદા ફ્રન્ટથી વિચારવા માટે મજબૂર કર્યા છે. લક્ષદ્વીપ લઈ જતી એકમાત્ર ઍરલાઇને ટૂરિસ્ટના ધસારાને કારણે હાલ પૂરતું બુકિંગ બંધ કર્યું છે
સ્પેશ્યલ સ્ટોરી
લક્ષદ્વીપ (તસવીર: સમીર અમન)
લક્ષદ્વીપ જે મૂળ મલયાલમ અને સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે લાખો ટાપુઓનો સમૂહ. અલબત્ત, લક્ષદ્વીપમાં અત્યારે કુલ ૩૬ ટાપુ છે અને અત્યાર સુધી જાણે એકાંતવાસમાં રહેલું દેશનું આ અતિસુંદર સ્થળ મોદી-મૅજિકને કારણે આજે ભલભલાની જબાન પર ચડી ગયું છે. મોદીજીનું લક્ષદ્વીપ જવું, ત્યાંના અપ્રતિમ દરિયાકિનારાના ફોટો લોકો સાથે શૅર કરવા, એ દરમ્યાન જ મૉલદીવ્ઝના નેતાઓ દ્વારા બફાટ થવો અને સાથે જ ‘બૉયકૉટ મૉલદીવ્ઝ’નો વિરોધ ઊભો થવો અને એમાં અઢળક વગદાર લોકોનું એમાં શામેલ થવું - કંઈક આ રીતે એક નવા જ પ્રકારની દેશદાઝ સાથે લક્ષદ્વીપને ક્યારેય નહોતો મળ્યો એટલો પ્રેમ અને અટેન્શન મળી ગયું. સોશ્યલ મીડિયા પર તો એવી સ્થિતિ થઈ ગઈ કે લક્ષદ્વીપ એ દેશપ્રેમનું બીજું નામ થઈ ગયું. લોકોએ મૉલદીવ્ઝની ટિકિટો કૅન્સલ કરાવી નાખી, તો વળી ટ્રાવેલ કંપનીઓએ મૉલદીવ્ઝનાં બુકિંગ બંધ કરી દીધાં અને બધા જ જાણે લક્ષદ્વીપ જવા માટે આતુર બની ગયા. એનું પરિણામ એ આવ્યું કે લક્ષદ્વીપમાં જવા માટે મૂળ માધ્યમ ગણાતી કોચી-અગાતીની ફ્લાઇટ આવતા ત્રણ મહિના સુધી ફુલ છે. આ રૂટ પર ચાલતી એકમાત્ર ઍરલાઇન અલાયન્સ ઍર દ્વારા વધારાની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પાઇસ જેટ પર લક્ષદ્વીપની ફ્લાઇટ શરૂ કરે એવી જાહેરાત એણે કરી છે. બીજી બાજુ કોચીથી મૉલદીવ્ઝ માટેનાં ગણતરીનાં જહાજો (જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકલ પબ્લિક કરતી હોય છે) તો પહેલેથી જ ઓવરબર્ડન હતાં, જેની ફ્રીક્વન્સી વધારવાની વિચારણા શરૂ થઈ છે. ટૂરિઝમથી લક્ષદ્વીપની ઇકૉનૉમીને જોરદાર બૂસ્ટ મળશે એમાં શંકાને સ્થાન નથી. ૨૦૨૧માં ૧૩,૫૦૦ પ્રવાસીઓ લક્ષદ્વીપ પહોંચ્યા હતા, જે આંકડો વધીને ૨૦૨૨માં ૨૨,૮૦૦ પર પહોંચ્યો હતો. ૨૦૨૩ના ફીગર્સ ૧૦૦ ટકા આનાથી વધારે હોવાના અને જાન્યુઆરીમાં જે રીતે આ ટાપુઓ તરફ લોકોનું ધ્યાન ગયું છે એ જોતાં આવનારા સમયમાં ટૂરિસ્ટ્સની સંખ્યા ‘દિન દૂના, રાત ચૌગુના’ વધવાની છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આટલાબધા મોટા પ્રમાણમાં ટૂરિઝમનો લોડ સહી શકવા માટે આ ટાપુઓ સમર્થ છે? શું અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને શું અહીંના લોકલ લોકો અહીં આવી રહેલા બદલાવથી ખુશ છે? અહીંના પર્યાવરણ માટે વધુ પડતા ટૂરિસ્ટ્સનો ધસારો અનુકૂળ છે જેવા અનેક પ્રશ્નોના જવાબ ત્યાંના નિષ્ણાતો સાથે વાત કરીને મેળવીએ.
તક છે, પણ....
ADVERTISEMENT
બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીમાં ૨૮ વર્ષ કામ કરનારા અને સૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના મૅનેજિંગ ડિરેક્ટર તેમ જ કોસ્ટલ ઝોનના ઊંડા અભ્યાસુ પ્લસ અગ્રણી રિસર્ચર દીપક આપ્ટે છેલ્લાં ૪૦ વર્ષથી લક્ષદ્વીપ જાય છે અને ત્યાંના કોરલ રીફ પર રિસર્ચ કરી રહ્યા છે. ૧૦ વર્ષ એકધારું તેઓ લક્ષદ્વીપમાં રહી ચૂક્યા છે. અહીં ટૂરિઝમની સંભાવનાને સ્વીકારીને કેટલીક સાવધાની વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ વિસ્તારમાં ટૂરિઝમ ડેવલપ થાય એ બહુ સારું છે. ઇકૉનૉમિકલ બૂસ્ટનો ફાયદો લોકલ પ્રજાને પણ થશે, પરંતુ એમાં હૉલિસ્ટિક અપ્રોચ સાથે આગળ વધવું મહત્ત્વનું છે. કુદરતી સૌંદર્ય અને હેબિટાટની દૃષ્ટિએ લક્ષદ્વીપ અને મૉલદીવ્ઝમાં ફરક નથી, પરંતુ સૌથી મોટો ફરક વિસ્તારનો છે. મૉલદીવ્ઝ હજારથી વધુ ટાપુઓનો સમૂહ છે, જ્યારે લક્ષદ્વીપમાં ૩૬ ટાપુઓ છે. નાની જગ્યા હોવાને કારણે મૉલદીવ્ઝ જેવું ટૂરિસ્ટ્સ માટેનું એક્સપાન્શન શક્ય નથી. એ પછી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ટૂરિસ્ટ માટે ડિસિપ્લિન્ડ બિહેવિયરને લગતા કડક નિયમો આવે એ જરૂરી છે. પૂરતો અભ્યાસ થવો જોઈએ. પાણી, ઇલેક્ટ્રિસિટી, કનેક્ટિવિટીને બહેતર કરવાની સાથે ત્યાં આવતા ટૂરિસ્ટ્સ ગમે ત્યાં પ્લાસ્ટિક ન ફેંકે, ત્યાં લોકો રહી શકે એવી જગ્યાનું પ્રમાણ ઓછું છે તો એ દિશામાં પ્લેસની ટૂરિસ્ટ્સનું વહન કરવાની ક્ષમતાનું પ્રૉપર આકલન કરીને એમાં વધારો કરવાની દિશામાં કામ થવું જોઈએ. પ્લસ અમુક એક-બે ટાપુઓને બાદ કરતાં ત્યાંના લોકલ લોકો પણ આ જ ટાપુઓ પર વસે છે એટલે સોશ્યલી પણ પરસ્પરનું સામંજસ્ય જળવાય એ જોવું રહ્યું. દરેક બાજુથી સમજી-વિચારીને સેન્સિબલ ટૂરિઝમને ધ્યાનમાં રાખીને જો વ્યવસ્થા થશે તો સો ટકા અહીંની સુંદરતા લોકો માણી શકશે. ટૂરિસ્ટ્સ દ્વારા જો કચરો ફેલાવવામાં આવશે તો ૨૫-૩૦ વર્ષમાં આ જગ્યા જોવા જેવી નહીં હોય, કારણ કે એ બહુ નાની જગ્યા છે.’
મૉલદીવ્ઝમાં લોકલ રહે છે એવા ટાપુઓની મુલાકાત લેનારા અને ત્યાંની પ્રાકૃતિક સ્થિતિ અને લક્ષદ્વીપનો અભ્યાસ કરનારા પ્રખર પ્રકૃતિપ્રેમી અને ‘ટેરાવેલર’ નામની કંપની અંતર્ગત પ્યૉર ઇકો-ફ્રેન્ડલી ટૂર ઑર્ગનાઇઝ કરતો તોષ ઠક્કર અહીં કહે છે, ‘મેં એક લોકલની જેમ મૉલદીવ્ઝ એક્સપ્લોર કર્યું છે અને ત્યાંના લક્ઝરી રિસૉર્ટના આઇલૅન્ડને બાદ કરો તો લોકલ આઇલૅન્ડ પર પણ કચરો તમને જોવા મળશે. આટલા સરસ ટર્કોઇશ પાણી વચ્ચે પણ કચરાનો ઢગલો તમારું મૂડ બગાડશે. જોકે મૉલદીવ્ઝના રૂટ પરથી શિપિંગ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનાં જહાજની યાતાયાત ઓછી હોવાને કારણે દરિયાની અંદર રહેલી ત્યાંની મુખ્ય સુંદરતા ગણાતા કોરલને ડૅમેજ નથી થયું જે લક્ષદ્વીપમાં થઈ રહ્યું છે એવું મેં ત્યાંના અભ્યાસુઓ પાસે સાંભળ્યું છે. બાકી રહેણીકરણી, પહેરવેશ જેવું ઘણું બધું તમને મૉલદીવ્ઝ અને લક્ષદ્વીપમાં સરખું જોવા મળશે. હું લગભગ મહિના પહેલાં લક્ષદ્વીપ જવા માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે પણ ત્યાં ફ્લાઇટ ફુલ મળતી હતી. કોચીથી લક્ષદ્વીપની ફેરીની ફ્રીક્વન્સી પર ભરોસો કરી શકાય એમ નથી. બેઝિક ફૅસિલિટીની બાબતમાં હજી ત્યાં ઘણું ડેવલપ કરવાની જરૂર છે જે મૉલદીવ્ઝની અંદર બહુ સરળ અને સહજ રીતે ડેવલપ થયેલું છે. ઘણાને ખબર નહીં હોય, પણ અત્યારે આખી દુનિયામાં સૌથી સસ્તો સ્કૂબા ડાઇવિંગનો કોર્સ જો ક્યાંય કરાવાતો હોય તો એ છે લક્ષદ્વીપ.’
ચિંતા થાય છે
દીપક આપ્ટે, તોષ ઠક્કર, હિમાંશુ પ્રેમ અને સમીર અમન
પ્રકૃતિપ્રેમી અને ઘણી વાર લક્ષદ્વીપની ટૂર કરી ચૂકેલા હિમાંશુ પ્રેમ કહે છે, ‘હું ૧૯૮૮માં પહેલી વાર લક્ષદ્વીપ ગયો ત્યારની ત્યાંની સુંદરતા અને એનાં ૨૦ વર્ષ પછી ગયો ત્યારની સુંદરતા વચ્ચે ફરક સ્પષ્ટ દેખાતો હતો. આપણે ત્યાં ટૂરિઝમ અનેક દૂષણો સાથે આવતું હોય છે. બહુ કમનસીબીની વાત છે કે જે વ્યક્તિ કૅનેડા, સિંગાપોર કે યુરોપમાં જઈને બહાર કચરો ન નખાય એ વાત સ્વીકારતો હોય અને એ જ વ્યક્તિ હિમાલયમાં ફરતી વખતે ધડ દઈને બિસ્કિટનું રૅપર નાખી દેતાં અચકાતો નથી. એક પ્રકૃતિપ્રેમી તરીકે હું એટલું જ ઇચ્છુ છું કે સરકાર ટૂરિઝમ માટે ત્યાંના સૌંદર્યનો ભોગ ન લેવાય એની ચોકસાઈ રાખશે. માત્ર હોર્ડિંગ્સ કે બોર્ડ લગાડવાથી કામ નહીં પતે. કડક નિયમ બનાવીને એને પળાવવા માટેની વ્યવસ્થા કરવી પડશે. તમે માનશો નહીં, પણ હું જ્યારે ૪૦ વર્ષ પહેલાં લદાખના પેનગૉન્ગ લેક ગયો હતો ત્યારે ત્યાં પાણી પણ નહોતું મળતું અને કચરાના નામે તો કંઈ જ ન દેખાય, પણ ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ આવ્યા પછી ટૂરિસ્ટ્સનો જે ધસારો વધ્યો અને જે ગંદકીનું પ્રમાણ વધ્યું એ જોઈને હૃદય કંપી ઊઠે છે. ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે અનેક લાખ ઇડિયટ્સ એ જગ્યાએ વેઠવા પડ્યા. આજે મારી ટૂરમાં હું લોકોને નવી જગ્યાએ લઈ નથી જતો, કારણ કે મને ડર હોય છે કે એક વાર નવી જગ્યાની ખબર પડ્યા પછી એના પર પણ બગાડ શરૂ થઈ જશે. આપણે ત્યાં કચ્છમાં કે સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં ટૂરિઝમ પછી પણ વેસ્ટ મૅનેજમેન્ટની દિશામાં કામ થયું છે એવું જ કામ લક્ષદ્વીપને ડેવલપ કરતી વખતે થાય એ જરૂરી છે.’
સ્થાનિક લોકોની સમસ્યા
લક્ષદ્વીપમાં કુલ ૩૬ ટાપુમાંથી મોટા ભાગની વસ્તી ૧૦ ટાપુમાં જ વિભાજિત થયેલી છે. લક્ષદ્વીપના પહેલા ડિસ્ટ્રિક્ટ જજનો દીકરો અને અહીંની રાજધાની ગણાતી કાવરતી ટાપુમાં રહેતો સમીર અમીન છેલ્લાં ૧૫ વર્ષથી ટ્રાવેલ-કંપની ચલાવે છે. છેલ્લા એક અઠવાડિયામાં જે સ્તરે દેશભરમાં લોકોની જીભે લક્ષદ્વીપનું નામ ચડ્યું છે એનો તેને ખૂબ આનંદ છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સમીર કહે છે, ‘મારે માટે આ ખરેખર ખુશીની ક્ષણ છે, કારણ કે આજ સુધી જાણે અમે ગુમનામીની જિંદગી જીવી રહ્યા હતા. એમાં લોકોનું આટલું વ્યાપકપણે અમારા તરફ ધ્યાન ગયું એ બહુ મહત્ત્વનું છે. હું પોતે ટૂરિઝમ સાથે સંકળાયેલો છું એટલે ટૂરિઝમમાં થઈ શકનારો વધારો અહીંના દરેક સ્થાનિક લોકોને લાભ કરાવનારો થશે એમાં બેમત નથી. આમ પણ છેલ્લા એક અઠવાડિયાથી ઇન્ક્વાયરી વધી ગઈ છે. જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીની બાબતમાં હજી ઘણા બદલાવની સંભાવના છે. સ્થાનિક લોકોના ઉત્થાનમાં સરકાર ધ્યાન આપીને વિસ્તારને ડેવલપ કરવાની નીતિ રાખે એવું અમે ઇચ્છીએ છીએ. ક્યાંક થોડા અંશે એવું પણ થઈ રહ્યું છે કે અમારી બાપદાદાના સમયની જમીનને સીધેસીધી હસ્તગત કરીને ઇન્વેસ્ટર્સને ડેવલપમેન્ટ માટે આપવામાં આવી રહી છે. એને બદલે લોકલ લોકો પોતે એ ડેવલપમેન્ટનો હિસ્સો બની શકે એવું કંઈક કેમ ન કરી શકાય? ‘રોજગારની તકો ઊભી થશે’ એવું કહેવામાં આવી રહ્યું છે એમાં અમને વાંધો નથી, પરંતુ જે લોકો પોતે ડેવલપમેન્ટ કરવા માગે છે તેમને શું કામ પરમિશન ન અપાય? જોકે સરકાર આ દિશામા ગંભીર છે અને એને અનુરૂપ પગલાં લઈ રહી છે એટલે અમને આશ્વાસન તો છે જ કે અમારી આ માગણીઓ તરફ પણ ધ્યાન અપાશે.’
અહીં ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને અહીં ૨૦૨૦થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વસનીય ગણાતા અગ્રણી નેતા પ્રફુલ પટેલ મુખ્ય ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે સક્રિય છે. પ્રફુલભાઈએ દીવ-દમણમાં કરેલા પૉઝિટિવ બદલાવને જોતાં અહીંના સ્થાનિક લોકોમાં તેમને ત્યાં વિકાસની યાત્રા બહેતર બનશે એવી આશા તો છે જ, પણ ક્યાંક પાયાની સુવિધાઓમાં રહેલી ક્ષતિઓ તેમને ખૂંચે છે. પોતાનું નામ ન આપવાની શરતે એક સ્થાનિક વ્યક્તિ પાસેથી અમને જાણવા મળ્યું કે આજે પણ લક્ષ્યદ્વીપમાં ઍડ્વાન્સ મેડિકલ ટ્રીટમેન્ટની કોઈ સુવિધા નથી. સાંજના સમયે ધારો કે કોઈ વ્યક્તિને હાર્ટ-અટૅક આવે કે ઍક્સિડન્ટ નડે તો બીજા દિવસે બપોર સુધી કોચી પહોંચે ત્યાં સુધી ટ્રીટમેન્ટ માટે તેણે રાહ જોવી પડે. બીજું, અહીં એવા ઘણા સાયન્ટિફિક સ્ટડી થયા છે જેમાં અહીંની ઇકોસિસ્ટમ પ્રમાણે કેટલું અને કેવું ડેવલપમેન્ટ થઈ શકે એની વિગતો છે. જગ્યા નાની છે એટલે તમે અમુક લેંગ્થથી વધારે રસ્તો નહીં બનાવી શકો. લગભગ ૭૦,૦૦૦ જેટલા લોકો અહીંના ટાપુઓ પર નિવાસ કરે છે. અત્યારે તો તેમને માટે પણ રહેઠાણની જમીન ટૂંકી પડે છે, તો નવા ડેવલમેન્ટ માટે જગ્યા ક્યાં છે એ પ્રશ્ન પણ અહીંના લોકોને સતાવી રહ્યો છે.
ગ્લોબલ વૉર્મિંગની અસર
એક બહુ મહત્ત્વનું સત્ય છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે સતત દરિયાનનો જળસ્તર વધી રહ્યો છે. પોતે પ્રકૃતિને ખૂબ માનતો સ્કૂબા ડાઇવિંગ એક્સપર્ટ અને મરીન મૅન તરીકે પોતાને ઉલ્લેખતો સમીર અહીં ઉમેરે છે, ‘હું ૪૧ વર્ષનો થયો એમાં જ મેં પ્રકૃતિમાં ઘણા બદલાવ જોયા છે. પહેલાં ૧૦ વર્ષે એક વાર સુનામી આવતી જે હવે વર્ષમાં એકથી વધુ વાર આવી જાય છે. અમારે ત્યાં કેટલાંક સ્થળ એવાં છે જ્યાં જમીન કરતાં સી લેવલ વધારે છે. ડેવલપમેન્ટના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રવીન્દ્ર કમિશન દ્વારા બનાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ આઇલૅન્ડ મૅનેજમેન્ટ પ્લાનને સરકાર ધ્યાનમાં રાખશે એવી અમારી અપેક્ષા છે, કારણ કે અત્યારની સ્થિતિ જોતાં ૧૦૦ વર્ષની અંદર આમાંના કેટલાક ટાપુ દરિયામાં ગરકાવ થઈ જાય તો નવાઈ નહીં. એમાં જો આડેધડ ડેવલપમેન્ટ થયાં તો કુદરતને અને અહીં વસતી જનજાતિને મોટું નુકસાન થઈ શકે છે. એટલે અહીં આવતા ટૂરિસ્ટને પણ મારી તો એક જ વિનંતી છે કે આ જગ્યાને કુદરતના ખજાના તરીકે જોવા આવવું હોય તો આવો અને લક્ઝરીની અપેક્ષાનો ભાર આ સ્થાન પર ન પડે એની ચોકસાઈ રાખો.’
૧૦૦૦ યુવાનો સાથે લક્ષદ્વીપમાં યોજાશે આધ્યાત્મિક રિટ્રીટ
લક્ષદ્વીપની વધી રહેલી પ્રભાવકતાનું વધુ એક જાણવા જેવું આયોજન શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક પૂજ્ય રાકેશગુરુજીના સાંનિધ્યમાં જાન્યુઆરી-એન્ડમાં યોજાવાનું છે. ૩૧ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી દરમ્યાન દેશભરના ૧૦૦૦ જેટલા યુવાનો અધ્યાત્મિક યુથ રિટ્રીટ માટે લક્ષદ્વીપ જવાના છે. અત્યાર સુધી અજ્ઞાતવાસમાં રહેલા આ ટાપુઓના પ્રાકૃતિ સૌંદર્યને માણવાની સાથે ત્યાંના લોકોને, ત્યાંની સંસ્કૃતિને અને તેમની જીવનશૈલીને સમજવાના પ્રયાસ થશે અને એ બધા વચ્ચે સેલ્ફ ડેવલપમેન્ટની વર્કશૉપ, મેડિટેશન જેવી ઍક્ટિવિટી પણ કરો. લક્ષદ્વીપમાં આ પ્રકારની રિટ્રીટનું આયોજન પહેલવહેલી વાર થઈ રહ્યું હોય એવી પૂરી સંભાવના છે જે ક્યાંક ને ક્યાંક એની વધી રહેલી પૉપ્યુલરિટીની વધુ એક સાબિતી છે.
લક્ષદ્વીપ અને મૉલદીવ્ઝ :આ બન્નેમાંથી શું બેસ્ટ છે?
ઘાટકોપરમાં રહેતા વેપારી સંજય દોશીને ફરવાનો ભારે શોખ છે. સંજયભાઈ ૨૦૧૮માં લક્ષ્યદ્વીપ જઈ આવ્યા છે અને ૨૦૨૨માં તેમણે મૉલદીવ્ઝની ટ્રિપ પણ સહપરિવાર કરેલી. સંજયભાઈ કહે છે, ‘અમે લોકો બંગારામ આઇલૅન્ડમાં પાંચ દિવસ રહ્યાં હતાં અને એ સિવાય પણ બે-ત્રણ આઇલૅન્ડ એક્સ્પ્લોર કરેલા. તો સામે મૉલદીવ્ઝમાં પણ માપુઝી આઇલૅન્ડ અને બીજા બે-ત્રણ આઇલૅન્ડ જોયા પછી તમને કહું કે લક્ષદ્વીપનું સૌંદર્ય અદ્વિતીય છે. ટૂરિસ્ટ તરીકે કહીશ કે બન્ને જુદા છે. તમને ભાવ જ જુદો આવશે ત્યાં ફરવાનો. મોદીજીએ તો હમણાં કહ્યું, પણ હું તો ૨૦૧૮થી લોકોને કહું છું કે ભારતીયને ગૌરવ અપાવે એવું સ્થળ એટલે લક્ષદ્વીપ. ત્યારે પરમિટ લેવામાં અમારે થોડી માથાકૂટ કરવી પડી હતી, પણ હવે તો એ પણ ઑનલાઇન થાય છે. તમે માનશો ૨૦૧૮માં જ્યારે લક્ષદ્વીપની પરમિટ લેવા માટે હું સાઉથ મુંબઈના ક્રૉફર્ડ માર્કેટ ગયો ત્યારે ત્યાં બેસતા અધિકારીને એમ હતું કે લક્ષદ્વીપ એટલે હું વિદેશના કોઈક સ્થળની વાત કરું છું. ત્યાંનું સૌંદર્ય જ ત્યાંની જમા પૂંજી છે અને એને કોઈ નુકસાન ન થાય એ જોવાની તકેદારી સરકારે ટૂરિઝમ વધારવાની સાથે રાખવી જ જોઈએ. બાકી ત્યાંનું સ્કૂબા ડાઇવિંગ જે મારા જેવા પાણીથી ગભરાતા વ્યક્તિનું દિલ જીતી ગયું. દરિયાની અંદરનું એ અપ્રતિમ સૌંદર્ય કહેવા માટે મારી પાસે શબ્દો નથી. એને કોઈ વર્ણવી પણ ન શકે. એ અનુભવવા તમારે ત્યાં જવું પડે. મૉલદીવ્ઝમાં મને આ અનુભવ નથી થયો. મૉલદીવ્ઝમાં અમુક જગ્યાએ ટૂરિસ્ટ સેન્ટ્રિક બનાવવા માટે નૅચરલ બ્યુટી સાથે છેડખાની થઈ હોય એવું તમને દેખાશે. બાકી લક્ષદ્વીપના સૌંદર્ય સામે ત્યાંની તમામ અગવડને અનેક વાર સહેવી પડે તો હું સહેવા તૈયાર થઈ જાઉં.’
સંજયભાઈનો દીકરો રાજ પણ લક્ષદ્વીપના પોતાના સ્કૂબા ડાઇવિંગના અનુભવને દુનિયાનો શ્રેષ્ઠ અનુભવ માને છે. પ્રોફેશનલ ડાઇવર રાજ દોશી અહીં કહે છે, ‘મેં ઘણી જગ્યાએ ડાઇવિંગ કર્યું છે અને એ પછી કહું છું કે આ યુનિક પ્લેસ છે. કુદરતનું સૌંદર્ય અહીં અનટચ્ડ છે એટલે એક જુદો જ આનંદ તમને અહીં મળશે.’