Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > હરિમા, તમને પ્રણામ

હરિમા, તમને પ્રણામ

Published : 02 March, 2025 07:38 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આપણી આસપાસ રોજ સંખ્યાબંધ ઘટનાઓ બનતી હોય છે. આમાંથી એકેય ઘટના આપોઆપ નથી બનતી એ આપણે જાણીએ છીએ. પ્રત્યેક ઘટના એટલે કે મામૂલી ક્રિયા સુધ્ધાં કોઈક કારણવશ બને છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણી આસપાસ રોજ સંખ્યાબંધ ઘટનાઓ બનતી હોય છે. આમાંથી એકેય ઘટના આપોઆપ નથી બનતી એ આપણે જાણીએ છીએ. પ્રત્યેક ઘટના એટલે કે મામૂલી ક્રિયા સુધ્ધાં કોઈક કારણવશ બને છે. આને આપણે વ્યાવહારિક જીવનમાં કાર્યકારણ સંબંધ એ રીતે ઓળખીએ છીએ. કંઈ પણ બને એ બનવા પાછળ કોઈક કારણ તો અવશ્ય હોવું જોઈએ. કંઈક બન્યું અને એનું કારણ આપણને સમજાય નહીં તો આપણને અસંતોષ થાય છે. આપણે એનું કારણ શોધવા પ્રયત્નશીલ થઈ જઈએ છીએ. એમ છતાં દરેક ક્રિયાનું એટલે કે ઘટનાનું કારણ આપણને સંતોષ થાય એટલી હદે મળતું નથી.


સૂરજ ઊગે છે અને આથમે છે, સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. આ બધી પ્રાકૃતિક ક્રિયાઓ છે. એનાં કારણો અને સમય સુધ્ધાં આપણે અગાઉથી જાણી શકીએ છીએ. જોકે કેટલીક ઘટનાઓ એવી બને છે કે એનું કારણ આપણે શોધી શકતા નથી. આપણે કારણ શોધી શકતા નથી એટલે એ ઘટનાનો ઇનકાર તો થઈ શકશે નહીં. આજે પણ સમુદ્રના ચોક્કસ અક્ષાંશ-રેખાંશ પર કે પછી આકાશી માર્ગમાં એક ચોક્કસ બિંદુ પર હવાઈ કે દરિયાઈ જહાજ અદૃશ્ય થઈ જાય છે અને એ પછી એની કોઈ નિશાની સુધ્ધાં આપણને મળતી નથી. આને આપણે શું કહીશું? જ્યારે આપણને ચોક્કસ બૌદ્ધિક કારણ સમજાતું નથી ત્યારે આપણે આપણી સમજશક્તિ અને સાધનસામગ્રી અનુસાર કારણ સાંકળી લઈએ છીએ. આપણા સાંકળેલા કારણ સાથે ઘણા લોકો સહમત ન થાય એવું બને છે. પરિણામે આપણે માનેલા કારણને પેલા વિરોધીઓ અંધશ્રદ્ધા કહે છે. આથી ઊલટું આપણે આવા કારણને ભલે બૌદ્ધિક સમાધાન ન મળતું હોય તોય એક ઈશ્વરી સંકેત માનીએ છીએ. આપણી સમજશક્તિ મર્યાદિત હોય છે અને મર્યાદાનો સ્વીકાર કરીને આપણે કારણને પરસ્પર સાંકળી લઈએ છીએ.



આમ સાંકળવું સહેલું નથી


કુદરત અફાટ અને અપાર છે. માણસ કુદરતને બધી રીતે ક્યારેય સમજી શકતો નથી અને સમજી શકવાનો પણ નથી. બિલાડી આડી ઊતરે એને અપશુકન કહેવાય કે ડાબી-જમણી આંખ ફરકવી એને શુભ-અશુભ સંકેત ગણવો એ વ્યક્તિગત માન્યતાનો પ્રશ્ન છે. એ સાચું જ છે એ કોઈ કહી શકે નહીં, પણ ખોટું જ છે એ છાતી ઠોકીને કહેવું અઘરું છે. દરેક સમાજ પાસે સમયાંતરે આવી જાતજાતની અને ભાતભાતની માન્યતાઓ હોય છે. આજે આવી એક નાનકડી માન્યતાના સ્વાનુભવની વાત કરવી છે.

અમારા પરિવારમાં એટલે કે છેલ્લાં ૮૦ વર્ષથી હું જે સમાજ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે એ સમાજમાં હરિમાનું એક પાત્ર ઊંડાં મૂળ ઘાલીને બેઠું છે. આ હરિમા કોણ છે? ક્યાંથી આવ્યાં છે? તેમનું સામર્થ્ય શું છે? એ કોઈ કશું જાણતું નથી, પણ અમારો પરિવાર એટલે કે કાકા, મામા, માસી, ફોઈ, દીકરી, જમાઈ, બહેન, બનેવી આવા સેંકડો સ્વજનો હરિમાને સ્વીકારે છે. સ્વીકારની સિદ્ધિ પછી બૌદ્ધિક સમજૂતી વેળાએ આ સૌ એમ પણ કહી દે છે કે ‘આવું કંઈ ન હોય.’ આવું કંઈ ન હોય એમ કહ્યા પછી બીજી વાર સુધ્ધાં એ જ પરિસ્થિતિ જરૂર પડે ત્યારે આ હરિમાનો સ્વીકાર પણ કરે છે.


ખોવાયેલી ચીજ શોધી આપજો

ઘરના રોજિંદા વ્યવહારમાં આપણે કેટલીક વસ્તુઓ આમતેમ મૂકી દેતા હોઈએ છીએ. ક્યારેક કોઈક કાગળ કે કોઈ ચીજવસ્તુ કે પછી કોઈક પુસ્તક અથવા દરદાગીનો આડોઅવળો મુકાઈ જાય છે. કોઈ વાર હાથમાંથી સરકી કે પડી જાય છે અને પછી મળતું નથી. આ ખોવાયેલી વસ્તુ અગત્યની હોય છે. એ ક્યાં ખોવાઈ અને કેવી રીતે ખોવાઈ એની બધી તરતપાસ કર્યા પછી ઘરના ખૂણેખૂણાને જોઈ વળીએ છીએ, ઘરની બહાર ક્યાંક બહાર ગયા હોઈએ તો એ બહારગામના સ્થળને સુધ્ધાં તપાસી લઈએ છીએ, સગાંસંબંધીઓની પૂછપરછ પણ કરી લઈએ છીએ - કદાચ તેમને ત્યાં ભૂલી ગયા હોઈએ. આમ જ્યારે બન્ને હાથ ઊંચા કરી લઈએ પછી હરિમા સાંભરે છે.

આ હરિમાને પહેલાં ઘરમાં ‘હરિ ડોશી’ કહીને ઓળખવામાં આવતાં. પેલી ખોવાયેલી અગત્યની ચીજ મળતી જ નથી એ પછી પરિવારની સૌથી વરિષ્ઠ સ્ત્રી એટલે કે બા, દાદીમા કે એવું જ કોઈક ઘરનું માણસ હરિમાના નામે પોતાના પહેરેલા સાડલાના પાલવની એક ગાંઠ મારીને બોલે છે કે ‘હે હરિમા, મારી ખોવાયેલી ચીજ મને શોધી આપજો. પછી જ હું આ ગાંઠ છોડીશ.’

બસ, થઈ રહ્યું! હવે કંઈ નવેસરથી શોધખોળ કરવાની જરૂર નથી. જે-જે જગ્યાએ આવી શોધખોળ કરી ચૂક્યા હતા એ જ જગ્યાએથી અચાનક કોકનો હાથ ફરે છે અને પેલી ખોવાયેલી ચીજ મળી આવે છે. બધા રાજીના રેડ થઈ જાય છે અને પેલી વડીલ સ્ત્રી સાડલાના પાલવની ગાંઠ છોડી નાખે છે.

આવું દર વખતે સો ટકા બને જ છે એવું ખાતરીપૂર્વક તો હું કહી શકતો નથી. કેટલીક વાર આવી ગાંઠ દિવસો સુધી વળેલી રહી જાય છે અને પછી હતાશ થઈને ગાંઠ છોડી પણ નાખવામાં આવે છે. આવી ગાંઠ છોડતી વખતે પેલી વરિષ્ઠ સ્ત્રી - બા, દાદી કે મા હરિમાને હાથ જોડીને એવું પણ કહે છે, ‘ઠીક છે મા, તમારી મરજી નહીં હોય અથવા અમારા નસીબમાં નહીં હોય એટલે નહીં મળ્યું. અમારા નસીબમાં જ ન હોય એટલે તમે ક્યાંથી આપો. તમને ગાંઠ વાળીને રાખ્યા એ બદલ માફ કરજો.’

વિજ્ઞાન તો નથી , આમ છતાં કશુંક છે તો ખરું

કોઈ વસ્તુ આડીઅવળી મુકાઈ જાય, ખોવાઈ જાય અથવા હાથવગી ન થાય એ જીવનનો રોજિંદા કામકાજનો એક ભાગ છે. એમાં આવા કોઈ ચમત્કારને સાંકળી શકાય નહીં. એમને સાંકળવા જઈએ તો વિજ્ઞાનના પ્રશ્નો ઊભા થાય. આમ છતાં ટકાવારીના દરે કહીએ તો લગભગ ૮૦ ટકા કિસ્સામાં તો હરિમાને મદદે આવતાં જોયા છે. આ ૮૦ ટકાને કોઈએ અંધશ્રદ્ધા કહેવી હોય તો કહી શકે છે. હું પોતે પણ આવી ઘટનાનો સાક્ષી હોવા છતાં એનું વૈજ્ઞાનિક કારણ સાંકળી શકતો નથી. ઘરમાં છેલ્લાં ૮૦ વર્ષમાં જેમને નાસ્તિક કહી શકાય એવા સ્વજનો પેદા થયા જ છે અને આ નાસ્તિકોએ સુધ્ધાં હરિમાના ચમત્કારનો જરૂર પડ્યે સ્વીકાર કર્યો છે.

આપણી સમજદારીની મર્યાદાનો સ્વીકાર કરીને હરિમાને પ્રણામ કરી લેવામાં કોઈ નાનપ નથી. આપણે શોધી શકતા નથી એ ખરું, પણ એ સાથે જ ભવિષ્યમાં નહીં શોધી શકીએ એ માનવાનું કોઈ કારણ નથી. ગઈ કાલે જન્મ-મૃત્યુ, સૂર્યોદય-સૂર્યાસ્ત કે ભરતી-ઓટને આપણે સમજી શકતા નહોતા. આજે આ બધું સાવ સાધારણ થઈ ગયું છે.

સાચી વાત તો એ છે કે માણસ પોતાની સમજશક્તિ બહારની માન્યતાને શ્રદ્ધા કહે છે અને આ શ્રદ્ધાને કોઈ કારણ હોતું નથી. માણસને શ્રદ્ધા વિના કદી ચાલતું નથી,. પછી એ શ્રદ્ધા વિજ્ઞાનની પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકથી મોટો શ્રદ્ધાળુ બીજો કોઈ હોતો નથી. અન્યની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહી શકાય ખરી, પણ આમ કહેવું એ વાત જ શ્રદ્ધાને ખોખલી બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2025 07:38 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK