આ કારીગરોનું જે રીતે હૃદયપરિવર્તન થયું એ માટે કોઈને વ્યક્તિગત જશ આપવા કરતાં હસ્તગિરિને જ જશ આપવો પડે
અરાઉન્ડ ધી આર્ક
હસ્તગિરિ જૈન તીર્થ
આપણે વાત કરીએ છીએ પાલિતાણાના હસ્તગિરિ જૈન તીર્થની. હસ્તગિરિનાં બધાં ડ્રૉઇંગ્સ મેં કાગળ પર તૈયાર કર્યાં હતાં. કમ્પ્યુટર તો હવે આવ્યાં. એ સમયે તો એવી કોઈ સુવિધા હતી નહીં એટલે અમારે બધું કામ પેપર પર જ કરવું પડતું. હસ્તગિરિનાં ડ્રૉઇંગ્સ આજે પણ અમે સાચવી રાખ્યાં છે. હવે અમે એનું ડિજિટાઇઝેશન કરી લીધું છે. ડ્રૉઇંગ તૈયાર કરતાં પહેલાં મનમાં તૈયાર કરેલી ડિઝાઇનની વાત દાદાજી સાથે કરવાની. દાદાજી અમુક સૂચનો કરે અને ડિઝાઇન તૈયાર થયા પછી એ જોઈને તેમના મનમાં જે પ્રશ્નો જાગે એ પૂછે. મારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું અને એ પછી એ વાતને ટ્રસ્ટીઓ સામે મૂકવાની. તમને ગયા રવિવારે કહ્યું એમ એ સમયના જૈન શ્રેષ્ઠી કાન્તિભાઈ મણિભાઈની આગેવાનીમાં આ જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું હતું. કાન્તિભાઈ મણિભાઈ મોટા શ્રીમંત. તેમની સાથે અન્ય જૈન શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા. મને આજે પણ યાદ છે કે કાન્તિભાઈ મણિભાઈની ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સની ફૅક્ટરી હતી.
હસ્તગિરિના જીર્ણોદ્ધારનું કામ ખાસ્સું લાંબું ચાલ્યું. એ જૈન તીર્થનું કામ ચાલુ હતું એ દરમ્યાન દાદાશ્રીનો દેહાંત થયો અને પછી મેં એ પ્રોજેક્ટ મારી રીતે આગળ વધાર્યો. મને આજે પણ યાદ છે કે એક તબક્કે આ પ્રોજેક્ટ આખો અટકી ગયો હતો. ફન્ડ ખૂટી પડ્યું. ટ્રસ્ટીઓ બહુ પ્રયાસો કરે પણ ફાળો આવે નહીં એટલે ધીમે-ધીમે કામ આગળ વધે, પણ જે કોઈ આવીને હસ્તગિરિ જુએ તે પ્રભાવિત થાય અને પછી ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે વિદેશમાં રહેતા જૈન શ્રેષ્ઠીઓને રૂબરૂ બોલાવી, હસ્તગિરિનાં દર્શન કરાવીને જ ફાળાની વાત કરવી અને આ વાત બહુ અસરકારક રીતે આગળ વધી.
ADVERTISEMENT
આ હસ્તગિરિ જૈન તીર્થ કુલ નવ એકરમાં પથરાયેલું છે. મંદિરની આઠેઆઠ દિશામાં જૈન તીર્થંકરની સ્થાપના થઈ છે, જ્યારે આખા તીર્થમાં કુલ ૭૨ જૈન તીર્થંકરનાં જિનાલય છે. તીર્થમાં કરવામાં આવેલું કાર્વિંગ સંપૂર્ણપણે હસ્તકળા છે અને એ તમામ કારીગરોને શેત્રુંજય તીર્થ પર બેસાડીને એનું કામ કરવામાં આવ્યું છે. શેત્રુંજય પર્વત પર આવેલું આ તીર્થ જમીનથી ૩૫૦૦ પગથિયાં ઉપર છે. એનું કામ ચાલતું હતું ત્યારે તીર્થ સાથે જોડાયેલા બધા કારીગરોએ જૈન ધર્મના તમામ નીતિ-નિયમોનું પાલન કર્યું હતું. શેત્રુંજય પર રાતે રહેવું ન જોઈએ એવી શીખ પહેલેથી મળી હોવાથી તમામ કારીગરો સવારે પાંચ વાગ્યે ઉપર જવા માટે રવાના થાય અને સૂર્યાસ્ત પહેલાં કામ પૂરું કરીને પાછા આવે. મને એક્ઝૅક્ટ આંકડો તો નથી ખબર, પણ એક સમયે ૧૦૦૦થી ૧૫૦૦ કારીગરો કામ કરતા હતા. કામ કરતા એ તમામ કારીગરોનું ખાનપાન પણ સંપૂર્ણ જૈન રહેતું અને એ તેમની ઇચ્છાથી કરવામાં આવ્યું હતું. મને પાક્કું યાદ છે કે ટ્રસ્ટીમંડળમાંના કોઈએ મને કહ્યું હતું કે અનેક કારીગરોએ ત્યાર પછી કાયમ માટે જૈન ધર્મ સ્વીકારી લીધો અને પછી પાલિતાણામાં જ રહી ગયા હતા. જો મારી ભૂલ ન થતી હોય તો કોઈ એકાદ કારીગરે તો ત્યાર પછી જૈન ધર્મ મુજબ દીક્ષા પણ લીધી અને સંસારનો ત્યાગ પણ કર્યો. આ જે ચમત્કાર છે એ હસ્તગિરિનો ચમત્કાર છે.