મિડલ ઈસ્ટ હવે સંપૂર્ણ રીતે એક પ્રાદેશિક યુદ્ધમાં ભેરવાયું છે, જે અમેરિકાની નીતિમાં બદલાવ વગર સમાપ્ત થશે નહીં. અમેરિકા અક્કડ વલણ અખત્યાર ન કરે અને ઇઝરાયલને વધુ શસ્ત્રો મોકલવાનું બંધ ન કરે ત્યાં સુધી ઇઝરાયલ એની તોપોને શાંત નહીં કરે. અમેરિકા એવું કરશે?
ક્રૉસલાઇન
ફાઇલ તસવીર
છેલ્લા દોઢ વર્ષથી ઇઝરાયલની આક્રમકતા છતાં લાંબા સમયથી સંયમિત દેખાતા ઈરાને મંગળવારે રાતે શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલા કર્યા છે. દેખીતી રીતે જ ઈરાનના મિસાઇલ હુમલાઓથી ઇઝરાયલ ગુસ્સે ભરાયું છે અને ઈરાન સામે બદલો લેવાની ધમકી આપી છે. હવે તો પૂરી સંભાવના છે કે ઇઝરાયલનું આગામી લક્ષ્ય પરમાણુ સ્થળો હોઈ શકે છે. ઇઝરાયલનું આ પગલું ઇઝરાયલ-પૅલેસ્ટીન સંઘર્ષને ઉગ્ર બનાવશે, એટલું જ નહીં, વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ પણ દોરી શકે છે.
ઇઝરાયલે તાજેતરમાં લેબૅનનમાં હુમલો કરીને હિઝબુલ્લાહના વડા હસન નસરુલ્લાહની હત્યા કરી હતી, જેને કારણે ઈરાને બદલો લેવાની ધમકી આપી હતી. હિઝબુલ્લાહ ઈરાન સંરક્ષિત સંગઠન છે. એના પગલે ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલાએ અસ્થિર મધ્ય પૂર્વની પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
ADVERTISEMENT
ઇઝરાયલે કહ્યું છે કે એ ત્યાં સુધી હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી લેબૅનનની સરહદ નજીકનાં ઘરોમાંથી વિસ્થાપિત થયેલા નાગરિકો સલામત પાછા ન ફરે. હમાસ અને અન્ય આતંકવાદીઓએ ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકોને બાનમાં લીધા બાદ ઇઝરાયલે જવાબી કાર્યવાહીમાં ગાઝા પર આક્રમણ કર્યું હતું.
આ સમય દરમ્યાન આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ઉત્તર ઇઝરાયલમાં રૉકેટ હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. રૉકેટ હુમલાથી ચિંતિત ઇઝરાયલે તહેરાન સમર્થિત લેબૅનનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લાંબા સમયના નેતા હસન નસરુલ્લાહને નિશાન બનાવ્યો હતો. તેની સાથે એક વરિષ્ઠ ઈરાની સૈન્ય કમાન્ડર પણ હુમલામાં માર્યો ગયો હતો.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ ઇઝરાયલ-હમાસ સંઘર્ષ કરતાં વધુ ખતરનાક લાગે છે. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર બિનપરંપરાગત યુદ્ધ કામગીરીઓ હાથ ધરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમ કે વિસ્ફોટક વૉકીટૉકીઝ અને પેજર. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં લેબૅનનમાં સેંકડો હવાઈ અને મિસાઇલ હુમલા થયા છે. આ અભિયાનોએ હિઝબુલ્લાહના શસ્ત્ર-ભંડાર અને લશ્કરી માળખાનો નાશ કર્યો છે.
હુમલા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાને આની ‘ભારે કિંમત’ ચૂકવવી પડશે. એટલું જ નહીં, અમેરિકાએ પણ ઇઝરાયલને સમર્થન આપવાનું કહ્યું છે. વિશ્વના ઘણા દેશો ઈરાનના આ હુમલાની વિરુદ્ધ બોલી રહ્યા છે. આ બધાને જોતાં કહી શકાય કે આગામી સમય ખૂબ તણાવપૂર્ણ હશે.
મિડલ ઈસ્ટ હવે સંપૂર્ણ રીતે એક પ્રાદેશિક યુદ્ધમાં ભરવાયું છે, જે અમેરિકાની નીતિમાં બદલાવ વગર સમાપ્ત થશે નહીં. અમેરિકા અક્કડ વલણ અખત્યાર ન કરે અને ઇઝરાયલને વધુ શસ્ત્રો મોકલવાનું બંધ ન કરે ત્યાં સુધી ઇઝરાયલ એની તોપોને શાંત નહીં કરે. અમેરિકા એવું કરશે? અઘરું છે, કારણ કે ત્યાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી છે અને એમાં યહૂદી મતો મહત્ત્વના છે. તેના એક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તો સત્તામાં આવ્યા પછી ‘બે દિવસ’માં હમાસને ખતમ કરી દેવાનું વચન આપ્યું છે.
એમાં કોઈ શંકા નથી કે ઇઝરાયલ જવાબ આપશે. એ એવી જવાબી કાર્યવાહી હશે જે મોટા યુદ્ધ તરફ દોરી જઈ શકે છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ માત્ર બન્ને દેશો સુધી જ મર્યાદિત નહીં રહે, પરંતુ એની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે. કેટલાક દેશો ઈરાનની બાજુએ છે, જ્યારે અન્ય ઇઝરાયલની સાથે ઊભા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયલનો પક્ષ લઈ શકે છે, જ્યારે કેટલાક મુસ્લિમ દેશો ઈરાનનો પક્ષ લઈ શકે છે. અમેરિકા ઊતર્યા પછી બ્રિટન અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપી શકે છે.
આવી સ્થિતિમાં ઇઝરાયલ ઈરાન પર ભારે પ્રહાર કરી શકે છે. ઇઝરાયલ સામૂહિક વિનાશ માટે સક્ષમ છે. લેબૅનનમાં પેજર અને વૉકીટૉકી વિસ્ફોટ કરીને એ સાબિત કર્યું છે. ઇઝરાયલ ખુફિયા જાણકારી મેળવવામાં અને વિનાશક યુદ્ધ લડવા માટે સક્ષમ છે. ઈરાનનાં પરમાણુ હથિયારો પર ઇઝરાયલની નજર ઘણા વખતથી છે અને ભૂતકાળમાં એ ઘણાં ઑપરેશન કરી ચૂક્યું છે.
વાસ્તવમાં પૅલેસ્ટીન સાથે ઇઝરાયલની માથાકૂટ સાથે એની બીજી એક માથાકૂટ મિડલ ઈસ્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું છે અને એમાં ઈરાન નડતરરૂપ છે. એટલું જ નહીં, ઈરાને પણ ઇઝરાયલને નષ્ટ કરવા માટેનાં કાવતરાં ઘડી રાખ્યાં છે એટલે ઇઝરાયલ-પૅલેસ્ટીન યુદ્ધમાં ઈરાન કૂદકો ન મારે તો જ નવાઈ હતી.
ઈરાન ઇઝરાયલ સામે સીધું યુદ્ધ ટાળતું હતું, પણ એ ઇઝરાઇલના દુશ્મનોને આર્થિક સહાય સાથે શસ્ત્રો પૂરાં પાડતું હતું. હવે ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહના તમામ ટોચના સેનાપતિઓનો સફાયો કરીને એનો ઇરાદો સાફ કરી દીધો છે અને એ હવે ઈરાનનો સીધો જ મુકાબલો કરશે. થોડા દિવસ પહેલાં બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનનું નામ લીધા વિના ચેતવણી આપી હતી કે જે લોકો ઇઝરાયલને નિશાન બનાવે છે તેમણે પરિણામનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈશે. નેતન્યાહુએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલની પહોંચની બહાર કશું નથી.
ભગવાનને રાજનીતિમાંથી બહાર રાખો
ભારત જેવા દેશમાં જ્યાં સાર્વજનિક સ્વાસ્થ્યને લઈને ઘોર અંધારું પ્રવર્તે છે ત્યાં લોકોમાં સૌથી મોટી ચર્ચા એ હોવી જોઈએ કે કેન્દ્ર સરકારે ૧૫૦ જેટલી ફિક્સ્ડ-ડોઝ કૉમ્બિનેશન દવાઓને પ્રતિબંધિત જાહેર કરી છે. આ એવી દવા છે જે સામાન્ય લોકો પીપરમિન્ટની જેમ મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને ગળી જાય છે, પરંતુ દેશમાં સૌથી મોટી ચર્ચા તિરુપતિ બાલાજીના લાડુની છે. આસ્થા એટલી બધી પણ હાવી ન થઈ જવી જોઈએ કે આપણે ચોખા અને કાંકરા વચ્ચે તફાવત ન કરી શકીએ.
ગયા અઠવાડિયે આપણે લખ્યું હતું કે કેવી રીતે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ હિન્દુ મતદારોને આકર્ષવા માટે તેમ જ તેમના હરીફ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન રેડ્ડીને (જે ઈસાઈ છે) બદનામ કરવા માટે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં કથિત રીતે ‘જાનવરની ચરબી’નો વિવાદ ચગાવી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ બાબત પર કડક વલણ અખત્યાર કર્યું છે અને પૂછ્યું છે કે એ વાતનો પુરાવો ક્યાં છે કે આ એ જ ઘી છે જેનો ઉપયોગ લાડુ બનાવવા માટે થયો છે?
સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુ નાયડુને પૂછ્યું હતું કે ‘તમે બંધારણીય પદ પર છો. અમે આશા રાખીએ છીએ કે ભગવાનને રાજકારણથી દૂર રાખવામાં આવે. જો તમે પહેલાંથી જ તપાસના આદેશ આપી દીધા હતા તો મીડિયા પાસે જવાની શું જરૂર હતી? લૅબનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો. રિપોર્ટમાં પણ બધું સ્પષ્ટ નથી. ભગવાનને તો રાજનીતિમાંથી બહાર રાખો.’
મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર સભામાં કહ્યું હતું કે અગાઉની સરકાર દરમ્યાન તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. એ પછી આ વિવાદે જોર પકડ્યું હતું અને આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ આરોપના જવાબમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુ રાજકીય લાભ માટે ભગવાનનો ઉપયોગ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ આંધ્ર પ્રદેશમાં રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે. વાયએસઆર કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ એન્ડોમેન્ટ્સ પ્રધાન વેલમપલ્લી શ્રીનિવાસે સીએમ નાયડુ દ્વારા કરવામાં આવેલા ‘પાયા વિનાના અને બેજવાબદાર’ આરોપોની તપાસની માગણી કરી છે.
આમાં નાયડુને ફાયદો થશે કે રેડ્ડીને એ વાત બાજુએ મૂકીએ તો નુકસાન ધર્મનું અને આસ્થાનું થયું છે. ભારત જેવા સંવેદનશીલ અને જટિલ દેશમાં ધાર્મિક બાબતોને અમુક સીમાઓમાં રાખવી જોઈએ, નહીં તો લોકોનો વિશ્વાસ ડગી જશે અને પછી એના રાજનીતિકરણની કોઈ સીમા નહીં રહે.
ગુરમીત રામ રહીમને સજા નહીં, પરોલ મળી છે
પંજાબ અને હરિયાણામાં વિશાળ અનુયાયીઓ ધરાવતા ડેરા સચ્ચા સૌદાના વડા અને બળાત્કારના ગુનેગાર ગુરમીત રામ રહીમ સિંહ દરેક ચૂંટણીમાં હેડલાઇન બને છે. ચર્ચા એ થાય છે કે ચૂંટણી હોય ત્યારે જ ગુરમીતને પરોલ કેમ મળે છે?
હરિયાણામાં મતદાન થયું એના ચાર દિવસ પહેલાં બુધવારે ગુરમીત સિંહને ૨૦ દિવસની પરોલ મંજૂર થઈ હતી. હરિયાણામાં મતદાન પહેલાં ગુરમીત રામ રહીમ સિંહ જેલમાંથી કેવી રીતે બહાર આવ્યા એ સંદર્ભે સોશ્યલ મીડિયા, ટીવી અને અખબારોમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
ડેરા ચીફને અત્યાર સુધી ૧૫ વખત પરોલ આપવામાં આવી છે અને છેલ્લાં ૭ વર્ષમાં તેમણે ૨૫૯ દિવસ જેલની બહાર વિતાવ્યા છે. એમાંથી ૮ વખત ચૂંટણી ટાંણે જ તેમને આ રાહત આપવામાં આવી છે. રામ રહીમ બે શિષ્યાઓનાં બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષી જાહેર થયા બાદ ૨૦ વર્ષની સજા કાપી રહ્યા છે. તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.
રસપ્રદ વાત એ છે કે તેમની પરોલ વિધાનસભા, લોકસભા અથવા પંચાયતની ચૂંટણીઓની આસપાસ જ હોય છે. આ પહેલાં પણ હરિયાણા, પંજાબ કે રાજસ્થાનમાં ચૂંટણી હોય ત્યારે ગુરમીત રામ રહીમ સિંહને પરોલ પર મુક્ત કરવામાં આવ્યા હોય એવું બન્યું છે.
હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કરી રહેલી કૉન્ગ્રેસે ગુરમીતને પરોલ આપવાનો વિરોધ કર્યો છે અને આ મામલે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે. કૉન્ગ્રેસે કહ્યું છે કે રામ રહીમ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે એટલે તેમને પરોલ આપવામાં ન આવે. પરોલ દરમ્યાયાન ગુરમીત રામ રહીમ સિંહ ૨૦ દિવસ ઉત્તર પ્રદેશના બાગપતમાં રહેશે.
ડેરા સચ્ચા સૌદાએ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપ્યું છે. જોકે BJPનું કહેવું છે કે તેમને પરોલ જેલ મૅન્યુઅલ અનુસાર મળે છે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી પહેલાં હરિયાણા BJPના તત્કાલીન રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ડેરા મુખીના આશીર્વાદ લેવા માટે પાર્ટીના ૪૦ ઉમેદવારો સાથે સિરસા ગયા હતા. એ પછી ડેરા દ્વારા BJPને સમર્થન આપવામાં આવ્યું હતું. ચૂંટણી જીત્યા બાદ પણ વિજયવર્ગીય તેમના ૧૮ ધારાસભ્યો સાથે ગુરમીત રામ રહીમ સિંહનો આભાર માનવા ગયા હતા.
૨૦૧૭માં જ્યારે ગુરમીત રામ રહીમ સિંહને સજા થઈ એ પહેલાં હરિયાણાની BJP સરકારના ઘણા પ્રધાનો ગુરમીત રામ રહીમ સિંહના કૅમ્પમાં તેમના આશીર્વાદ લેવા જતા હતા. એક કાર્યક્રમમાં તો તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સાથે તેઓ સ્ટેજ પર દેખાયા હતા.
રામ રહીમના મામલામાં એવું કહેવાય છે કે તેમને સજા નથી મળી, પરોલ મળી છે. એક તરફ તેમના નામે બળાત્કાર અને હત્યા જેવો ગંભીર ગુનો છે તો બીજી તરફ જેલની બહાર રહેવાની સરકારી સુવિધા છે. છેલ્લાં બે વર્ષમાં જ તેમની ૨૫૩ પરોલ મંજૂર કરવામાં આવી છે. એમાં આ નવી ૨૦ દિવસની પરોલ ઉમેરવામાં આવે તો આ સંખ્યા ૨૭૩ દિવસ થઈ જાય. મતલબ કે આ પરોલ બાદ ગુરમીત કુલ ૯ મહિના અને ૧૨ દિવસ જેલની બહાર વિતાવશે. જ્યારે ૨૦૨૦થી ૨૦૨૨ સુધી ગુરમીતને માત્ર ૧૨ કલાક માટે પરોલ આપવામાં આવી હતી.
જે દેશમાં હજારો લોકો માત્ર આરોપી (દોષી નહીં) બનીને જેલમાં જીવન બરબાદ કરી નાખે છે ત્યારે આજીવન કેદની સજા પામેલા રામ રહીમ ૨૫૩ દિવસ જેલની બહાર ગુજારે છે એ કેવી વક્રતા છે. શું એટલા માટે કે તેમના લાખો ભક્ત છે? શું એટલા માટે કે કોઈ ચૂંટણી નજીકમાં છે?