ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જીત્યા પછી માનસી પારેખ કહે છે...
માનસી પારેખ
ગયા અઠવાડિયે ૨૦૨૨ માટેના નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સની જાહેરાત થઈ. એમાં સિંગર અને ઍક્ટર માનસી પારેખને ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં તેના અભિનય માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ જાહેર થયો એટલું જ નહીં, આ ફિલ્મને કુલ ૩ અવૉર્ડથી નવાજવામાં આવી છે. બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન માટેનો અવૉર્ડ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે નિકી જોશીને અને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ પણ ‘કચ્છ એક્સપ્રેસ’ને મળ્યો છે ત્યારે માનસી અત્યંત ખુશખુશાલ છે અને ગર્વ અનુભવી રહી છે. માનસી કહે છે, ‘અવૉર્ડની જાહેરાત થઈ ત્યારે હું અમદાવાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. મારી ફિલ્મને ૩ અવૉર્ડ મળ્યા છે એ જાણ્યું ત્યારે ઓહ માય ગૉડ... એ ફીલિંગ હું વર્ણવી નથી શકતી, એટલી ખુશી થઈ આવી હતી કે હું ખૂબબધું રડી હતી. આલિયા ભટ્ટ અને ક્રિતી સૅનને આ અવૉર્ડ મેળવ્યો છે.’



