ટીકા કરનારની નિંદા કરવાનો અત્રે ઉદ્દેશ નથી, પરંતુ કોઈની ભૂલ હોય ત્યારે બેધડક નિંદા કરીએ છીએ તો તેના જ ગુણો સ્પષ્ટ દેખાતા હોય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજે લોકો નાની એવી બાબતોની પણ બિનજરૂરી ટીકા કરતા રહે છે. ટીકા કરનારની નિંદા કરવાનો અત્રે ઉદ્દેશ નથી, પરંતુ કોઈની ભૂલ હોય ત્યારે બેધડક નિંદા કરીએ છીએ તો તેના જ ગુણો સ્પષ્ટ દેખાતા હોય તેની પ્રશંસા પણ દિલથી શા માટે ન કરવી? એનો અર્થ એ પણ નથી કે આપણે આપણી ટીકા ન સાંભળવી અને આપણી પ્રશંસા થતી હોય એમાં જ મસ્ત રહેવું. આપણા માટે કરાતી ટીકાઓ શાંતિથી સાંભળવી જોઈએ. મિત્રો જે છુપાવે છે તે ટીકાકાર ખુલ્લું કરે છે. એનાથી નારાજ થશો નહીં. ટીકાખોરનું કોઈ પૂતળું ક્યારેય ક્યાંય મુકાયેલું જોયું નથી. હા, જેની ટીકાઓ થઈ છે તેમાંના ઘણાનાં પૂતળાંઓ જગતભરમાં મળી આવશે. પ્રશંસાની વાત કરીએ તો આપણે વ્યક્તિગત કે સામાજિક રીતે કોઈનાં વખાણ કરવામાં કંજૂસ થતા જઈએ છીએ એવું ક્યારેક લાગે છે. જે વ્યક્તિમાં જે પ્રશંસાયુક્ત ગુણો હોય એ તેની હાજરીમાં કહી બતાવવા, બીજાના ધ્યાનમાં લાવવા, એમાં કશું ખોટું નથી. એ કોઈ પણ સહૃદયી સજ્જનનું કર્તવ્ય છે. એનાથી બે અર્થ સરે છે. એક તો જે વ્યક્તિના ગુણો છે તેની આપણે કદર કરી ગણાય. બીજું અન્ય લોકો માટે તે પ્રેરણાદાયી બને છે. મોટી કંપનીઓ સારું પરિણામ કે વધુ નફો મેળવી આપનારા કર્મચારીઓને ટ્રોફીઓ આપીને પ્રોત્સાહિત કરતી રહે છે. આમાં કોઈએ કાંઈ ગુમાવવાનું નથી. માત્ર મેળવવાનું છે. ટીકા હસતે મોઢે સાંભળવી એ તંદુરસ્ત માનસની નિશાની છે, પણ અન્યની સતત ટીકા કર્યા કરવી કે ભૂલો શોધ્યા કરવી એ તંદુરસ્ત માનસ નથી. મહાન પુરુષો અને સ્ત્રીઓ હંમેશાં નિંદાનાં તીર સહેતાં આવ્યાં છે. કસોટી કરનાર શુદ્ધ હોય છે કે નહીં એ કોઈ જાણી શકતું નથી, પણ જેની પરીક્ષા થાય કે ટીકા થાય પછી તે પરીક્ષામાં કે જીવનમાં સફળ થાય તેની જગત પૂજા કરે છે. રામાયણ યુગનો ધોબી દરેક યુગમાં હોય છે, પરંતુ પૂજા તો રામ અને સીતાની જ થાય છે, ધોબીની નહીં. બીજી એક વાત, ક્યારેય ટીકાખોરનું સન્માન પણ ન કરવું, તે હંમેશાં તમારા પથદર્શક કે હિતેચ્છુ હોય એવું જરૂરી નથી. તેમના મનની કડવાશ અને ડંખ પણ એમાં ભળેલાં હોઈ શકે છે. ટીકાખોરને મહત્ત્વ આપવાથી માણસ પોતાની નિજી દૃષ્ટિ ભૂલીને તેની આંખે જોતો થઈ જાય એ પણ યોગ્ય નથી. ટૂંકમાં પ્રશંસા કે નિંદા બન્નેને બરાબર માપી-જોખીને સાંભળવાં-સ્વીકારવાં. કોઈ પણ પ્રમાણભાન વગરની પ્રશંસા અને પૂર્વગ્રહ પ્રેરિત નિંદા સમાજ માટે હાનિકારક છે. જે લોકો પ્રશંસા અને નિંદા બન્નેને પચાવી શકે છે તેઓ મહાન બની શકે છે. મહાન પુરુષોના જીવનમાંથી આ જ શીખવાનું છે.
-હેમંત ઠક્કર

