મધ્યબિંદુ પર મેડિટેશન કરવાની એક આખી પદ્ધતિ દક્ષિણ ભારતમાં છે જેના દ્વારા લોકો ધ્યાનમાં પારંગત બને છે
બુર્જ ખલીફા અને શ્રીયંત્રની રચનામાં અનેક વાતોનું સામ્ય છે જે તમે બન્નેનો અભ્યાસ કરો તો જ સમજાય.
જો તમે ધ્યાનથી જોશો તો તમને દુબઈના જગવિખ્યાત અલ બુર્જ ખલીફા બિલ્ડિંગમાં શ્રીયંત્રની પ્રતિકૃતિ દેખાશે. શ્રી નવચક્ર તરીકે સાઉથમાં પૉપ્યુલર એવા શ્રીયંત્રની રચના નવ સ્તર પર થઈ છે. બુર્જ ખલીફા પણ નવ સ્તર પર તૈયાર થયું છે. શ્રીયંત્રનું દરેક સ્તર મુદ્રા, યોગિની અને ત્રિપુરા સુંદરીના ચોક્કસ મંત્રોને અનુરૂપ છે અને જેમ-જેમ સ્તર બદલાય છે એમ-એમ એના મંત્રો પણ બદલાતા રહે છે. અનાયાસ માનો તો અનાયાસ અને ધ્યેયપૂર્વક કામ થયું છે એવું ધારો તો એમ પણ બુર્જ ખલીફા બિલ્ડિંગમાં પણ એ જ પ્રકારે દરેક સ્તર પર સુવિધા અને સગવડોમાં ચેન્જ આવતો જાય છે. સૌથી ઉપરના એટલે કે નવમા સ્તર પર ત્યાં લાઇટ આપવામાં આવી છે જે શ્રીયંત્રનું રીયુટ્રલ ડૉટ છે. આ જે ડૉટ છે એ ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે. અનેક સાધુ-સંતો શ્રીયંત્રને આંખ સામે રાખીને મેડિટેશન કરતા હોય છે. ઉત્તર ભારતમાં આ પ્રકારની ધ્યાનસાધનાનો વિકાસ થયો છે. આ જે ધ્યાનસાધના છે એ જ્ઞાન માટેની ધ્યાનસાધના છે. આ પ્રકારની સાધનાથી પુરવાર થયું છે કે વ્યક્તિની ઊંઘની પૅટર્નમાં ચેન્જ થાય છે અને ઓછામાં ઓછા સમયમાં મહત્તમ થાક ઊતરે એ પ્રકારની ઊંઘની પૅટર્ન ડેવલપ થાય છે.
ઈશા ફાઉન્ડેશનના સદ્ગુરુ જગ્ગીજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે શ્રીયંત્રના બિંદુ પર મેડિટેશન કર્યા પછી પોતાની ઊંઘ પર જીત મેળવી છે. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે શ્રીયંત્ર માત્ર ધન અને સમૃદ્ધિ માટે જ લાભદાયી છે એવું બિલકુલ નથી. શ્રીયંત્ર સર્વાંગી રીતે સૌકોઈને લાભદાયી બનવાની ક્ષમતા ધરાવે છે, પણ એના માટે જરૂરી છે જ્ઞાન. આપણી કમનસીબી એ છે કે આપણે શ્રીયંત્રને માત્ર ધનપ્રાપ્તિના દૃષ્ટિકોણમાં સીમિત કરી દીધું છે.
ADVERTISEMENT
શ્રીયંત્ર પર અનેક પ્રકારનાં સાયન્ટિફિક રિસર્ચ પણ થયાં છે, જેમાં પુરવાર થયું છે કે શ્રીયંત્ર પર કરવામાં આવતા મેડિટેશનને કારણે માનવમગજમાં રહેલી કેટલીક ગ્રંથિ વધારે સતેજ અને જાગૃત બને છે જે વ્યક્તિને સર્વાંગી બનાવવાનું કામ કરે છે. શ્રીયંત્રના કેન્દ્રબિંદુને શાસ્ત્રોક્ત રીતે શિવ અને શક્તિનો નિવાસ ગણાવવામાં આવ્યું છે તો અનેક ગ્રંથોમાં એ કેન્દ્રબિંદુને ઈશ્વરનો પ્રતિનિધિ માનવામાં આવ્યું છે. શ્રીયંત્ર પર સૌથી વધુ રિસર્ચ ઉત્તર ભારતમાં થયું હોવાનું માનવામાં આવે છે, પણ મારો અંગત અભિપ્રાય છે કે શ્રીયંત્ર પર સૌથી વધુ કામ દક્ષિણ ભારતમાં થયું છે. દક્ષિણ ભારતની એક ખાસિયત રહી છે. ત્યાં કોઈ પણ વાતનો સીધો સ્વીકાર કરવાને બદલે એ વાતને પહેલાં ચકાસવામાં આવે છે અને એ પછી એનો સ્વીકાર કરવામાં આવે છે. સદીઓથી રહેલી આ માનસિકતાનાં તેરમી સદીમાં શ્રીયંત્ર પર અનેક રિસર્ચ થયાં હોવાના પુરાવા ઇતિહાસકારોને મળ્યા છે જેને કારણે દક્ષિણનાં મોટા ભાગનાં મંદિરોમાં શ્રીયંત્રનું કોઈ ને કોઈ સ્વરૂપ તમને જોવા મળે છે. અનેક મંદિરો એવાં છે જેના ખાતમુહૂર્તમાં શ્રીયંત્રનું સ્થાપન કરવામાં આવ્યું હોય તો અનેક મંદિરો એવાં છે જેના ઘુમ્મટમાં શ્રીયંત્રનું સ્થાપન કરવામાં આવ્યું હોય. શ્રીયંત્ર મંદિરની દીવાલો પર બનાવવામાં આવ્યું હોય એવાં પણ મંદિરો દક્ષિણમાં જોવા મળ્યાં છે તો કેટલાંક મંદિરો એવાં પણ છે જેના મધ્યબિંદુ એટલે કે કેન્દ્રસ્થાનમાં જ શ્રીયંત્ર બનાવવામાં આવ્યું હોય. શ્રીયંત્રના આ અંતિમ આલેખનમાં કહેવાનું એ કે શ્રીયંત્ર ઘરમાં હોય તો એ ખૂબ સારી વાત છે, પણ એના વિશે વધુમાં વધુ જાણકારી મેળવીને જો એના પર કામ કરવામાં આવે તો શ્રીયંત્ર સાચા અર્થમાં લાભદાયી બનશે અને ઘરના સૌકોઈને ફળશે. સાચું કે શ્રીયંત્ર ધન, સમૃદ્ધિ અને સુખાકારી આપવાનું કામ કરે છે; પણ સાચી સુખાકારી ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે જીવનમાં સંતોષ અને શાંતિ હોય. શ્રીયંત્ર એ આપવાનું કાર્ય પણ કરે છે. જરૂર છે યોગ્ય માર્ગદર્શન સાથે શ્રીયંત્ર પાસેથી એની પણ પ્રાપ્તિ કરવાનો માર્ગ શોધવાની.

