છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં ડાયાબિટીઝનું પ્રમાણ ૧૫૦ ટકા વધ્યું છે એટલું જ નહીં, ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં નાનાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે. શું કામ આવું થઈ રહ્યું છે અને કઈ રીતે એને ટૅકલ કરી શકાય એ જાણીએ
હેલ્થ ઇઝ વેલ્થ
તમારા બાળકના ડાયાબિટીઝ માટે ભૂલ તમારી હોઈ શકે છે
ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે તાજેતરમાં પ્રગટ કરેલો એક અહેવાલ કહે છે કે છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં ડાયાબિટીઝનું પ્રમાણ ૧૫૦ ટકા વધ્યું છે એટલું જ નહીં, ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં નાનાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે. શું કામ આવું થઈ રહ્યું છે અને કઈ રીતે એને ટૅકલ કરી શકાય એ જાણીએ
૨૦૧૯ના આંકડા કહે છે કે દુનિયામાં ચાલીસ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ પાછળ ડાયાબિટીઝ કારણભૂત હતું. એવી બીમારી જે કિડનીની બીમારીથી લઈને અંધાપો અને હૃદયરોગ તરફ ખૂબ જ સરળતાથી ધકેલી શકે છે. આ દુનિયાની સ્થિતિ છે પરંતુ ભારતની સ્થિતિ ચિંતા ઉપજાવનારી છે. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ (ICMR) રિસર્ચના આંકડા કહે છે કે ભારત વિશ્વનું ડાયાબિટીઝ કૅપિટલ છે. કુલ ડાયાબિટીઝના કેસમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. ડયાબિટીઝ ધરાવતી વિશ્વની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. વધુ ચિંતા થવી જોઈએ એવી વાત એટલે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીઝ ફેડરેશનનો અભ્યાસ કહે છે કે વિશ્વમાં દસ લાખ કરતાં વધુ બાળકો અને ટીનેજર્સમાં ટાઇપ વન ડાયાબિટીઝ છે જેના સૌથી વધુ કેસ ભારતમાં છે. યસ, આખા વિશ્વમાં ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં સૌથી વધુ બાળકો ભારતમાં છે. એ બાળકો અને ટીનેજર્સ, જે આપણા દેશનું ભવિષ્ય છે. શું કામ આજના યંગસ્ટર્સમાં ડાયાબિટીઝનું પ્રમાણ વધી રહ્યું છે એનાં સંભવિત કારણો અને એ માટેના ઉપાયો શું હોઈ શકે એ દિશામાં ડાયાબેટોલૉજિસ્ટ, એન્ડોક્રિનોલૉજિસ્ટ અને આયુર્વેદાચાર્ય સાથે ચર્ચા કરીએ આજે.
લાઇફસ્ટાઇલ જ બીજું શું?
ICMRના સર્વેમાં છેલ્લાં ત્રીસ વર્ષના આંકડાનો સમાવેશ થાય છે અને છેલ્લાં ત્રીસ વર્ષમાં સૌથી વધુ બદલાવ આપણી જીવનશૈલીમાં આવ્યો છે. જાણીતા ડાયબેટોલૉજિસ્ટ ડૉ. કેતન મહેતા કહે છે, ‘ખાવાપીવાની ખોટી આદતો, કસરતનો અભાવ, ખોરાકમાં વધારે પડતી અનહેલ્ધી આઇટમોનો ધસારો, સ્ટ્રેસ લેવલ, સતત વધી રહેલું પ્રદૂષણ જેવા ફૅક્ટર્સે આપણી ઓવરઑલ હેલ્થને ડૅમેજ કરવાનું કામ કર્યું છે. ટાઇપ વન અને ટાઇપ ટૂ એ બન્ને પ્રકારના ડાયાબિટીઝ વધવા પાછળ આ બહુ જ મહત્ત્વનું કારણ છે. વેસ્ટર્ન કલ્ચર તરફ આપણા વધી રહેલા ઝુકાવે આપણને બેઠાડુ જીવન જીવવાની આદત પાડી દીધી જે ક્યાંક ને ક્યાંક ડાયાબિટીઝ જ નહીં પણ વધી રહેલા અન્ય ઘણા જીવનશૈલીના રોગો માટે જવાબદાર છે. જન્મથી થતા ડાયાબિટીઝ માટે માતા પ્રેગ્નન્સી દરમ્યાન જ નહીં પણ કન્સીવ કરે એ સમયે પણ જે પ્રકારની લાઇફસ્ટાઇલ રાખે છે એની અસર આવનારા બાળકની હેલ્થ પર પણ પડતી હોય છે. ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં બાળકોમાં અન્ય જિનેટિક કારણો ઉપરાંત માતાની લાઇફસ્ટાઇલ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોડી પ્રેગ્નન્સી પ્લાન કરવી અને ખોટી લાઇફસ્ટાઇલ મારી દૃષ્ટિએ પ્રમુખ કારણ છે.’
ADVERTISEMENT
લૉકડાઉન ઇફેક્ટ
હવે અહીં ટાઇપ વન અને ટાઇપ ટૂ ડાયાબિટીઝનો બેઝિક ભેદ ટૂંકમાં સમજીએ. ટાઇપ ટૂ ડાયાબિટીઝ એટલે પૅન્ક્રિઆસ છે અને પૅન્ક્રિઆસ બીટા સેલ્સ એટલે કે ઇન્સ્યુલિન બનાવે પણ છે, પરંતુ એ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઍબ્સૉર્બ નથી થતું જેથી વધારાની જરૂરિયાત દવા દ્વારા બહારથી પૂરી કરાય છે. જ્યારે ટાઇપ વન ડાયાબિટીઝ મોટા ભાગે જન્મજાત હોય છે જેમાં પેન્ક્રિઆસ ખરાબ થયેલું છે. એમાં ઇન્સ્યુલિન બનતું જ નથી એટલે વ્યક્તિએ ઇન્જેક્શન લઈને ઇન્સ્યુલિનની જરૂરિયાત પૂરી કરવી પડે છે. ICMRનો ડેટા કહે છે કે આખી દુનિયાની તુલનાએ ભારતમાં ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં બાળકો સૌથી વધારે છે. જોકે એન્ડોક્રિનોલૉજિસ્ટ અને ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. મનજિત કૌર કહે છે, ‘મારી પાસે આવી રહેલા પેશન્ટ પરથી હું મારું ઑબ્સર્વેશન કહું તો લૉકડાઉન પછી ટાઇપ ટૂ ડાયાબિટીઝ ધરાવતાં અને બૉર્ડર લાઇન ડાયાબિટીઝ ધરાવતાં બાળકોની સંખ્યા ડેફિનેટલી વધી છે અને એનું કારણ ઓબેસિટી છે. બાળકોએ બે વર્ષમાં ફિઝિકલ ઍક્ટિવિટી બહુ જ ઓછી કરી છે અને સામે અનહેલ્ધી કહી શકાય એવા જન્ક ફૂડનું લૉકડાઉનના ગાળામાં ભરપૂર સેવન કર્યું છે જેણે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધાર્યું છે, જેણે તેમને ડાયાબિટીઝ તરફ ધકેલ્યાં છે. બીજી મહત્ત્વની વાત એટલે બાળકોના જે કેસ અમારી પાસે આવે એ મોટા ભાગે ખરાબ કન્ડિશન પછી જ આવતા હોય છે. વારંવાર પેશાબ લાગવો, વજન અચાનક ઘટવું, ગળામાં કાળાશવાળી લાઇન દેખાવી, બહુ તરસ લાગવી જેવાં લક્ષણો તીવ્રતા સાથે દેખાય એ પછી જ પેશન્ટ અમારા સુધી પહોંચતા હોય છે. અમારી પાસે આવે ત્યાં સુધીમાં ખાસ્સું એવું ડૅમેજ થઈ ગયું હોય છે.’
લૉકડાઉન પછી ટાઇપ ટૂ ડાયાબિટીઝ ધરાવતાં અને બૉર્ડર લાઇન ડાયાબિટીઝ ધરાવતાં બાળકોની સંખ્યા ડેફિનેટલી વધી છે અને એનું કારણ ઓબેસિટી છે. - ડૉ. મનજિત કૌર, ડાયાબેટોલૉજિસ્ટ
તમને ખબર છે?
ICMRના આંકડા મુજબ ભારતમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં ૯૫,૬૦૦ બાળકોમાં ટાઇપ વન ડાયાબિટીઝ છે અને દર વર્ષે આ એજ ગ્રુપના ૧૫,૯૦૦ કેસ ઉમેરાઈ રહ્યા છે. અત્યારે ભારતમાં લગભગ અઢી લાખ લોકોને ટાઇપ વન ડાયાબિટીઝ છે.
આયુર્વેદિક ડૉક્ટર શું કહે છે?
આપણે ત્યાં આયુર્વેદમાં પણ મધુપ્રમેહનું વિગતવાર વર્ણન મળે છે. આયુર્વેદ પણ માને છે કે ટાઇપ ટૂ ડાયાબિટીઝ લાઇફસ્ટાઇલમાં દોષ હોવાને કારણે થાય છે અને ટાઇપ વન ડાયાબિટીઝ માટે બીજ દોષ એટલે કે જિનેટિક સમસ્યા જવાબદાર હોઈ શકે છે. છેલ્લા ચાર દાયકાથી આયુર્વેદની પ્રૅક્ટિસ કરી રહેલા ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘બીજ દોષ હોય ત્યારે વારસાગત રીતે આ સમસ્યા બાળકમાં પણ આવી શકે છે. આયુર્વેદમાં કાશ્યમ સંહિતા નામના ગ્રંથમાં ગર્ભધારણ કરો ત્યારથી લઈને બાળકને સ્તનપાન કરાવતા હો ત્યાં સુધી માતા-પિતાએ કેવી આચારસંહિતા પાળવી એનું વર્ણન છે. સુપ્રજા નામનો બહુ જ મહત્ત્વપૂર્ણ કન્સેપ્ટ આયુર્વેદમાં છે જેમાં હેલ્ધી બાળક માટે મા-બાપે કેટલું ધ્યાન રાખવાનું છે એના નીતિનિયમો છે. આજના જમાનામાં બહુ ઓછી મમ્મીઓ બાળકના અવતરણ પહેલાં આવી કોઈ બાબતનું ધ્યાન રાખે છે. આજથી પચાસ વર્ષ પહેલાં ડાયાબિટીઝના આટલા કેસ નહોતા. છેલ્લા અમુક દાયકાઓમાં જીવનશૈલી બહુ જ ખરાબ રીતે બગડી છે અને એમાં જ શરીરનાં ઇન્ટર્નલ ઑર્ગન્સ જ નહીં પણ માતા-પિતાના શુક્ર-અંડબીજને પણ બહુ ઘેરી અસર પહોંચી છે અને જે આવનારી પેઢીને જન્મથી જ અમુક ખામીઓ સાથે જન્માવી રહી છે. હવે પેરન્ટ્સ બનવા માગતા દરેક કપલે બાળકને કન્સીવ કરતાં પહેલાંથી જ લાંબા સમય માટે પોષણયુક્ત જીવનશૈલી તરફ વળવું અતિ જરૂરી છે જો તેમને એક તંદુરસ્ત સંતાનને જન્મ આપવો હોય તો.’