શિવજીના તપોભંગ માટે કામદેવે વસંત ઋતુ જન્માવી હતી. કિરણ જોગીદાસ ‘રોશન’ વસંતનાં વધામણાં કરે છે...
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ એટલે વસંત. શિયાળુ બરફ પીગળવાની શરૂઆત થાય અને વસંતનું આગમન થાય. શિવજીના તપોભંગ માટે કામદેવે વસંત ઋતુ જન્માવી હતી. કિરણ જોગીદાસ ‘રોશન’ વસંતનાં વધામણાં કરે છે...
જ્યાં જ્યાં નજર પડે ત્યાં રંગો નીતરતાં દૃશ્યો
ADVERTISEMENT
આંખો થઈ કુંવારી આવી વસંત આવી
મોસમ દીવાનગીને બદલે મિજાજ સૌનો
હરખાય નર ને નારી આવી વસંત આવી
ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ‘છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં માગશર મહિનો છું અને ઋતુઓમાં હું કુસુમાકર ઋતુ વસંત છું.’ વસંત એટલે ઉલ્લાસ અને ઉમંગની ઋતુ. પમરવાની અને વળગવાની ઋતુ. વગર વરસાદે આંખોમાં હરિયાળી આંજવાની ઋતુ. અંકિતા મારુ ‘જિનલ’ એના કૌતુકને શબ્દસ્થ કરે છે...
કારીગરી કરે છે ગજબ, ડાળ ડાળ પર
કેવો કસબ બતાવે, સવારી વસંતની
ગુલમહોર ને ગુલાલ, ગુલાબી કરે ગગન
નભ ને ધરા સજાવે, સવારી વસંતની
વસંત એટલે રંગોનો રોમાંચ. સંત પણ વસંતનાં વધામણાં કરી કુદરતની અપાર લીલાને અસીમ સાથે જોડે છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું ઃ વસંત ઋતુ આવી મારા વ્હાલા, રંગભર ફાગ રમાડો; કાનકુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો. હોળીના રંગોની છોળ રાસબિહારી સ્વયં છોળો ઉડાડે તો ધન્ય થઈ જવાય. આપણો ભગવાન જિંદગીના રંગોને જાણનારો અને માણનારો પણ છે. ડૉ. માર્ગી દોશી એનું સંકલન કરે છે...
મનહર વસંતનું આ હરિયાળું આગમન છે
ફૂલો, પલાશ, ખુશ્બૂ, મઘમઘતું અંજુમન છે
ઉત્સવ હૃદયનો કહું ને માહોલ કહું પ્રણયનો
સૌંદર્ય, સ્નેહ, સાજન; સુગંધી સંકલન છે
શહેરોમાં વસંતના અણસારા વર્તાતા નથી એવું લાગે, કારણ હરિયાળી સંકોચાઈ ગઈ છે. વૃક્ષો મકાનોની વચ્ચે ખોવાઈ ગયાં છે. એવા સમયે વસંતના આગમનની છડી પોકારતી કોયલના ટહુકાઓ સાંભળી આ ઋતુ યાદ કરવી પડે. ફાગણમાં જે ફૂલ તન્મયતાથી ફાલે છે એની રંગસજ્જા અને રૂપસજ્જા ડૉ. સેજલ દેસાઈ નિરૂપે છે...
આકાશે કેસુડાનાં તોરણ મને ગમે છે
સોનેરી રંગનું એ વળગણ મને ગમે છે
જે આગવી છટાથી તનમન કરે છે ઘાયલ
રંગો ભર્યો ખજાનો ફાગણ મને ગમે છે
ન્હાનાલાલે વસંતને ઋતુરાજ કહ્યો છે. નરસિંહ મહેતાએ ગાયું ઃ આ ઋતુ રૂડી રે, મારા વહાલા રૂડો માસ વસંત. નિનુ મઝુમદારે લખ્યું ઃ કીર્તન કરી ઊઠી હરિયાલી, આવી આજે પૂજન કાજે ઋતુ વસંત મતવાલી. પ્રજારામ રાવળે લખ્યું ઃ શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી. અતુલ દવે રોમાંચ અને રોમાન્સને સાંકળે છે...
‘એ’ અહીંથી નીકળે ને રોજ પથરાશે વસંત
રૂપ જોઈ તેમનું સાચે જ પરખાશે વસંત
ગીત ગાતાં ગેલમાં પંખી બધાંયે ઊડશે
કો’ક નટખટ છોકરી જેવી જ વળ ખાશે વસંત
અનેક કવિઓએ અનેક રીતે વસંતને નીરખી છે અને નિરૂપી છે. આમ તો આ કુદરતનું ચક્ર છે, છતાં એને જિંદગીના ચક્ર સાથે પણ સાંકળી શકાય. કમલેશ શુક્લ વસંતને આપણી અવસ્થા સાથે સાંકળે છે...
સાઠ થાય તે છતાં, લાગતું કે આવી છે
ઉમ્ર વીસની ફરી, એ જ તો વસંત છે
એક હોડી કાગળે, બાળપણને લઈ ફરે
ક્ષણ બધી આવી તરી, એ જ તો વસંત છે
આમ તો ૧૩ માર્ચથી ૧૩ મે સુધી વસંતઋતુનો સમયગાળો ગણાય. પ્રકૃતિનો આસવ નિયમિત રીતે પીનાર અને પાનાર પ્રદીપ સંઘવી સમયની પાર જઈને લખે છે ઃ ‘ખરું પૂછો તો વસંત કંઈ બે મહિનાની ઋતુ નથી. વનમાં વસંતને કોઈ કાલાવધિમાં બાંધી શકાતી નથી. એટલું જ નહીં, પાનખર પછી વસંત, એ પણ સાવ સાચું નથી. વનમાં એ બન્ને આગળ, પાછળ ને જોડાજોડ પણ ચાલે છે. પહેલી કળીઓ શાલ્મલિ, ગ્લિરિસીડિયા અને આંબાને આવે. પછી કેસૂડો. ત્યાર પછી અશોક, સુરંગી, ફાલસા ને પનરવો. પછી સોનમહોર. એ પછી ગરમાળાનાં પીળાં ઝુમ્મર. ત્યાર પછી નદીકાંઠો ને પટ નક્તમાલનાં ફૂલોથી ભરાઈ જાય. એના પછી ગુલમહોર ને જંગલી જૂઈ. ચોમાસાની શરૂઆતમાં લીલીનાં ફૂલ. પછી જંગલી હળદરના ગુચ્છા. ત્યાર પછી સાગના કુસુમ-મુકુટ. પછી હળદરવો. ત્યાર પછી જાતજાતનાં ઘાસ-ફૂલ. છેલ્લે દિવાળી આવે ત્યારે લટકચમેલી. એ વિદાય લે ત્યાં ફરી આ શાલ્મલિ! વસંત ક્યાં જાય છે? ક્યાંક ને ક્યાંક તો હોય જ છે.’
લાસ્ટ લાઇન
હર હર વસંત, ઘર ઘર વસંત
થયો કેસૂડો, પાદર વસંત
ફૂલો ઉપર, ચાદર વસંત
આંખો ઝૂકી, આદર વસંત
મુગ્ધા ચરણ, ઝાંઝર વસંત
છાતી ચૂમે, સાદર વસંત
મીરાને મન, ઠાકર વસંત
કોયલને કંઠ, ઈશ્વર વસંત
મારે અઢી, અક્ષર વસંત.
- શૈલેશ પંડ્યા ‘નિઃશેષ’

