જે-તે પ્રદેશના રહેવાસીઓના પરસ્પર માનસિક સંતુલન અને સામાજિક સહયોગ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં થોડાંક વર્ષોથી વૈશ્વિક કક્ષાએ દુનિયાના દેશો પૈકી કયો દેશ વધારે સુખી છે એની એક રસપ્રદ નોંધ થઈ રહી છે. ૨૦૨૫ની નોંધ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં ફિનલૅન્ડ સૌથી વધુ સુખી છે અને ભારતનો નંબર ૧૨૬મો છે (યાદ રહે કે આ ૧૨૬ એટલે પાકિસ્તાનથી પણ પાછળ). સુખની વ્યાખ્યા આર્થિક સંપત્તિ જ નથી હોતી. આર્થિક દૃષ્ટિએ અમેરિકા સૌથી અધિક સમૃદ્ધ છે ને છતાંય એનો ક્રમ પહેલા દસમાં નથી. પહેલા દસમાં ઇઝરાયલ છે. અહીં સુખ માપક જે પૅરામીટર છે એમાં જે-તે પ્રદેશના રહેવાસીઓના પરસ્પર માનસિક સંતુલન અને સામાજિક સહયોગ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પ્રજાનો શાસન ઉપર કેટલો અને કેવો વિશ્વાસ છે એ અગત્યની પારાશીશી છે.
વિશ્વાસની વાત કરીએ છીએ ત્યારે ગયા સૈકામાં ગાંધીજીને પુછાયેલો એક પ્રશ્ન યાદ આવે છે. કોઈકે ગાંધીજીને પૂછ્યું હતું કે ‘પ્રવર્તમાન સમયમાં દેશની સૌથી વધુ એવી કઈ ગણના છે કે જેને કારણે દુઃખ અને વ્યાધિ વધતાં જાય?’ આના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે દેશમાં શિક્ષણ વધે છે પણ સંવેદના ઘટે છે એ સૌથી દુઃખદ પરિસ્થિતિ છે. આજે સંવેદના વધી છે કે ઘટી છે એવું ભલે ખાતરીપૂર્વક ન કહી શકીએ પણ એક વાત નિશ્ચિત છે કે સાંપ્રત જીવન વ્યવહારમાં કોણ જાણે કેમ આપણે પરસ્પરનો વિશ્વાસ ગુમાવી બેઠા છીએ.
ADVERTISEMENT
વ્યવહારમાં વિશ્વાસ
ઝાઝી ગણતરી મૂક્યા વિના તમે જે રોજિંદું જીવન જીવો છો એની આસપાસ નજર ફેરવો. તમારી પાસે કુટુંબ છે, પત્ની, પુત્ર, માતા કે પિતા, પતિ ઇત્યાદિ-ઇત્યાદિ સંબંધો તમારા રોજિંદા જીવનમાં છે. મિત્રો છે, પાડોશીઓ છે, સહકર્મચારીઓ છે અને અનેકાનેક પરિચિતો છે. આજે બન્યું છે એવું કે આપણે બધા પરસ્પર વ્યવહાર કરતી વખતે હસીએ છીએ, પરસ્પર સહયોગ વ્યક્ત કરીએ છીએ પણ મનમાં ઊંડે-ઊંડે અવિશ્વાસની એક લાગણી રહે છે. મારા આમ કહેવાથી તેને આવું તો નહીં લાગે? આવો પ્રશ્ન આપોઆપ વ્યવહારમાં વ્યક્ત થઈ જાય. ઘરમાં દાખલ થતી ક્ષણે ઑફિસની ફાઇલોને આમતેમ ઊથલાવતી વખતે સહુ સાથે બેસીને આનંદપ્રમોદ કરતી વખતે પણ આપણામાંથી આ ભાર અદૃશ્ય થતો નથી. આ ભાર એટલે પરસ્પરનો અવિશ્વાસ.
ફરી એક વાર ગાંધીજીની વાતને જ યાદ કરીએ. ગાંધીજીએ એવું લખ્યું છે કે સેંકડો માણસો સાથે મારે વાતચીત કરવાની હોય છે. આમાં વાઇસરૉયથી માંડીને સામાન્ય કાર્યકર સુધી સહુનો સમાવેશ થઈ જાય છે. એવી ત્રણ જ વ્યક્તિઓ છે જેની હાજરીમાં હું સાવ નચિંત ભાવે દિલ ખોલીને વાત કરી શકું. સામાન્ય રીતે વાત કરતી વખતે જો ત્રીજા કોઈનો ઉલ્લેખ કરીએ તો પણ એટલું યાદ રાખવું પડે છે કે આ ત્રીજા કોઈ વિશે હું જે વાત કરું છું એ કદાચ તેના સુધી પહોંચી પણ જાય. માત્ર ત્રણ જણ - ૧. મગનભાઈ, ૨. મીરાબહેન, ૩. મહાદેવભાઈ. આ ત્રણ જણની હાજરીમાં હું સાવ નિશ્ચિંત રહું છું. આવું બહુ ઓછું બને છે. ગાંધીજી પાસે આ ત્રણ જણ હતા. આપણી પાસે છે?
શ્રી રામનું સ્મરણ કરીએ
લંકાના પાદરમાં જ્યારે રામ-રાવણનું મહાયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રોજ રામ વિભીષણ સાથે યુદ્ધ વિશેની ચર્ચા લાંબા ગાળા સુધી કરતા. રામ સાથે લાંબી વાતચીત કરવા ઉત્સુક હનુમાન અને સુગ્રીવ રોજ રાત્રે શ્રી રામના શયન કક્ષ પાસે પહોંચી જતા. બન્નેની ઇચ્છા રામ સાથે વાતચીત કરવાની હતી પણ થોડી જ વારમાં રામ ઘસઘસાટ ઊંઘી જતા. હનુમાન કે સુગ્રીવની કોઈ વાત સાંભળતા નહીં. આમ હોવાથી હનુમાન અને સુગ્રીવ બન્નેને માનસિક અણગમો થયો અને એકદિવસ તેમણે શ્રી રામને પૂછી જ લીધું – ‘હે રામ, વિભીષણ શત્રુ પક્ષનો હોવા છતાં તમે કલાકો સુધી અનેક વાતો કહો છો અને અમે તમારા સેવકો હોવા છતાં તમે અમારી સાથે કેમ કોઈ વાત કરતા નથી?’ શ્રી રામ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત સાવ સહજ છે. વિભીષણ શત્રુ પક્ષનો હોવાથી મારે તેની હાજરીમાં સતત જાગતા રહેવું પડે. તમે બન્ને તો મારા એવા અંગત જન છો કે તમારી હાજરીમાં માથું મૂકીને હું ઘસઘસાટ ઊંઘી શકું.’
વાત માત્ર વિશ્વાસની છે. વિશ્વાસ કોણ કોની ઉપર ક્યારે કરી શકે એ વાત સૌથી વધુ ચિંતન કરવા જેવી છે.
કાલે એક ઓરડીમાં આઠ જણ
આપણા રોજિંદા જીવનને જરાક ઊલટાવીને જોઈશું તો તરત જ ખ્યાલ આવી જશે કે આપણે એકસાથે રહેવા છતાં પરસ્પર કેવા અવિશ્વાસ વચ્ચે જીવીએ છીએ. ગઈ કાલે આપણી પાસે 2-BHK કે 3-BHK એવા ફ્લૅટ નહોતા. એક લાંબી ચાલીમાં સિંગલ રૂમ ને બહુ-બહુ તો રાંધણિયું કહી શકાય એવી એક ઓટલા જેટલી જગ્યા. આટલામાં આખો પરિવાર રહેતો. આ ઘરે મહેમાનો આવતા. મહેમાનો એક કે બે રાત નહીં પણ દિવસો સુધી રોકાતા. આ ઓરડીમાં અથવા પેલા રાંધણિયાના ઓટલા પર ચૂલો કે પ્રાઇમસ ખસેડીને પથારી કરી લેવામાં આવતી. આ એક પથારીમાં બબ્બે જણ સાથે સૂઈ જતા. કોઈને કશું જ દુઃખ નહોતું થતું. આજે થ્રી-BHKના ફ્લૅટમાં એક રાત માટે પણ જો મહેમાન આવે છે તો ઘરધણીને મહેમાનને સુવાડવા માટે ગોઠવણો કરવી પડે છે. આજે ભોંય પથારી કરીને સૂવું સહુ કોઈને અપમાનિત લાગે છે. હવે પલંગ સિવાય સુવાતું નથી. આ પરિસ્થિતિમાં મહેમાન અને યજમાન બન્ને વચ્ચે મનોમન અવિશ્વાસની ભૂમિકા રચાઈ જાય છે. યજમાનને એમ થાય છે કે મહેમાન ક્યારે જશે અને મહેમાનને એમ થાય છે કે યજમાન પોતાની ખાતરબરદાસ્ત બરાબર કરતા નથી. આમ નિકટતાને બદલે દૂરી પેદા થઈ જાય છે. આ દૂરી એ જ મોટો અવિશ્વાસ.
શબ્દ, તમે આવજો
આજે વ્યવહારમાં બન્યું છે એવું કે રૂડારૂપાળા શબ્દોથી આપણે પરસ્પર સાથે હસીએ છીએ, બોલી છીએ અને રોજિંદો વ્યવહાર કરીએ છીએ. આ વ્યવહાર સુખરૂપ પણ થાય છે. આમાં કોઈ છેતરપિંડી છે એવું કંઈ કહેવાનો આશય નથી. ખરેખર એટલું જ કહેવા જેવું છે કે આ છેતરપિંડી આપણા લોહીના પરિભ્રમણમાં જ એવી એકરૂપ થઈ ગઈ છે કે એને જુદી પાડવી ભારે મુશ્કેલ બનતી જાય છે.

