રોજ તો વહેલી સવારે આય રોડ સૂમસામ હોય. પન આજે આય રોડ પર આવેલા નવસારી મૅન્શનની બહાર વહેલી સવારથી લોકોની લાંબી ક્યુ લાગી ગઈ છે. આય મકાનમાં આવેલી તાતા ગ્રુપની ઑફિસ રોજ તો સવારે દસેક વાગ્યે ખૂલે પન આજે એ બી વહેલી ખૂલી ગઈ છે
ચલ મન મુંબઈનગરી
સર દોરાબજી તાતા
તારીખ : ૨૭ ઑગસ્ટ, ૧૯૦૭.
સ્થળ : મુંબઈના હૉર્નબી રોડ પર આવેલું નવસારી મૅન્શન નામનું મકાન.
ADVERTISEMENT
સમય : વહેલી સવાર.
રોજ તો વહેલી સવારે આય રોડ સૂમસામ હોય. પન આજે આય રોડ પર આવેલા નવસારી મૅન્શનની બહાર વહેલી સવારથી લોકોની લાંબી ક્યુ લાગી ગઈ છે. આય મકાનમાં આવેલી તાતા ગ્રુપની ઑફિસ રોજ તો સવારે દસેક વાગ્યે ખૂલે પન આજે એ બી વહેલી ખૂલી ગઈ છે. લાઇનમાંથી એક પછી એક જણ એ ઑફિસમાં જાય છે, ફૉર્મ ભરે છે, રોકડા પૈસા આપે છે, અને મલકાતે મોઢે એક કાગલિયું લઈને બહાર આવે છે. બીજા થોરા લોકો એને ઘેરી વલે છે : અરે! જરા બટાવ તો ખરો! કેવો છે આ કંપનીનો શૅર. અને એ શૅરની જેમ જ કંપની બી હુતી નવી નક્કોર. આગલે દિવસે – ૨૬ ઑગસ્ટ, ૧૯૦૭ના દહાડે જ એની સ્થાપના થઈ હુતી. થોરા દિવસમાં આઠ હજાર લોકોએ એ કંપનીના શૅર વેચાતા લઈ લીધા. એ વાત ગ્વાલિયરના મહારાજાના કાન સુધી પહોંચી. એવને એ કંપનીના ચાર લાખ પાઉન્ડની કિંમતના શૅર ખરીદી લીધા. આય કંપની તે તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની, આજની તાતા સ્ટીલ.
અત્તાર વેર તાતા ગ્રુપે જે કંપનીઓ શુરૂ કીધેલી એમાંની કોઈ સાથે ‘તાતા’ નામ જોડ્યું નહોતું. આય પહેલી કંપની હુતી જેની સાથે ‘તાતા’ નામ જોડાયું હુતું. સર જમશેદજીના પોરિયા દોરાબજીની ખુશીનો તો પાર નહોતો. બાવાજીનું સપનું સાચું પરસે એની ખુશી તો હુતી જ. પન આય એવો પેલ્લો દાખલો હૂતો જ્યારે ફક્ત હિન્દીઓ માટે, ફક્ત હિન્દીઓ દ્વારા, અને ફકત હિન્દીઓની માલિકીની આટલી મોટ્ટી કંપની શુરૂ થઈ હુતી. એ કંપનીમાં દોરાબજીએ પોતાની અંગત મિલકતમાંથી ૨૫ લાખ રૂપિયા રોક્યા અને કુલ ૨૩ કરોડ રૂપિયાના શૅર લોકોને વેચાતા આપ્યા. અગાઉ બીજી કોઈ હિન્દી કંપનીએ આટલી મોટ્ટી રકમના શૅર બજારમાં મૂક્યા હુતા નહીં. (આય ૧૯૦૭ની વાત છે. તેવારના ૨૩ કરોડ એટલે આજના?)
જમશેદપુરની મુલાકાતે વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડ અને સાથીઓ
અને એ જ વરસના નાતાલના દિવસોમાં મયૂરભંજ ખાતે એ કંપનીનું કામ શરૂ થયું! થોરે દૂરની ખાણોમાંથી કાચું લોઢું કાઢીને ખટારામાં ભરાતું. વચમાં મોટુ જંગલ આવતું જેમાં વાઘ, હાથી, જંગલી રીંછ અને બીજાં જંગલી જાનવર ઘૂમતાં રહેતાં. આવું જંગલ વીંધીને ખટારા કાચું લોઢું મયૂરભંજના કારખાનામાં ઠાલવતા. આ પ્રદેશમાં લોઢા ઉપરાંત કોલસા અને ચૂનાની ખાણો પણ હતી. પન પાની? કારખાના માટે જોઈતું પાની ક્યાંથી મલસે એની ચિંતા હુતી. ભૂસ્તરશાસ્ત્રી શ્રીનિવાસ રાવ એક દિવસ ઘોડા પર બેસીને જંગલમાં ઘૂમી રહ્યા હતા અને અચાનક ક્યાંકથી ખળખળ વહેતા પાનીનો અવાજ આયો. ખબરદારીથી એ દિશામાં આગળ વધ્યા. અને થોરે દૂર દેખાઈ સુવર્ણરેખા નામની નદી. ચાલો! છેલ્લી ચિંતા, પાનીની ચિંતા, બી દૂર થઈ.
૧૯૦૮ના ફેબ્રુઆરી સુધીમાં તો મજૂરોને રહેવા માટેનાં કામચલાઉ ઝૂપરાં અને કાલા-ગોરા સાહેબોની ઑફિસો બી તૈયાર થઈ ગઈ. એને ફરતી પાક્કી દીવાલ ચણાઈ ગઈ, દરવાજો બંધાઈ ગિયો. અને દરવાજા પર નામનું બોર્ડ લાગી ગિયું : ‘તાતા સ્ટીલ કંપની.’ અને એની આજુબાજુ બંધાવા લાગિયું દેશનું પહેલવહેલું ઔદ્યોગિક નગર. આ મુલકના લોકોએ જ નહીં, આખા દેશના લોકોએ આવું કામ, આટલી ઝડપથી થતું કામ, પહેલાં ક્યારેય બી જોયું હુતું નહીં.
અસલ દરવાજો
પોતાનું સપનું સાચું પરતું જોવા જમશેદજી બાવા તો હાજર હુતા નહીં પન પોતાની હયાતીમાં એવને દીકરા દોરાબજીને કાગલો લખીને આય નવું નગર કેવું હોવું જોઈએ એ સમજાવિયું હુતું: ‘જોજો, રસ્તા પહોળા અને બને એટલા સીધા બાંધજો. રસ્તાની બન્ને બાજુએ ઘટાદાર ઝાડ વાવજો. અરધાં ઝાડ ઝટ ઊગી નીકળે અને અરધાં ઝાડ થોરાં ધીમે-ધીમે ઊગે એવાં પસંદ કરજો. બાગ-બગીચા અને રમત-ગમતનાં મેદાનો માટે પૂરતી ખુલ્લી જગા રાખજો. ફુટબૉલ અને હૉકી જેવી રમતો રમવાની સગવડ રાખજો. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનકો માટે અલગ-અલગ જગ્યા ફાલવજો.’ અને બેટા દોરાબજીએ જમશેદજીનું આય સોણલું સાકાર કીધું.
૧૯૧૨નું વરસ. કારખાનું તૈયાર થઈ ગિયું હુતું. બધો જરૂરી સાધન-સરંજામ એકઠો થઈ ગિયો હુતો. અને તાતાના એ કારખાનામાં બનેલી સ્ટીલની પહેલવહેલી પાટ તૈયાર થઈ. અને પછી આવિયો ૧૯૧૪નો એ દિવસ. જુલાઈ મહિનાની ૨૮મી તારીખ. સત્તાવાર રીતે ફર્સ્ટ વર્લ્ડ વૉરની શરૂઆત થઈ. અને આય લડાઈ ચાલી ત્યાં વેર તાતા સ્ટીલનું આ કારખાનું રોજેરોજ આઠ કલ્લાક ધમધમતું રહ્યું. એક પણ દિવસની રજા પાળ્યા વગર! કેમ?
લડાઈ માટે સૈનિકો અને સાધન-સરંજામની હેરફેર કરવા એ વખતે સૌથી ઝડપી સાધન ટ્રેન. એટલે ઠેર ઠેર નવી રેલવે લાઇન તાબડતોબ નાખવાની જરૂર ઊભી થઈ. પન નવી રેલવે લાઇન નાખવા માટે લોઢાના પાટા જોઈએ. અને યરપમાં એ પાટા માટે પૂરતું થાય એટલું સ્ટીલ હતું નહીં. મેસોપોટેમિયા, ઇજિપ્ત, પૅલેસ્ટીન અને ઈસ્ટ આફ્રિકામાં રેલવે લાઇન નાખવા માટે જોઈતા પાટા પૂરા પાડ્યા જમશેદપુરના તાતાના આય કારખાનાએ. જો આ મદદ નહીં મલી હોતે તો કદાચ આ રેલવે લાઇનો નાખી સકાઈ હોતે નહીં. તાતાએ અણીને વખતે સરકારને પાટા પૂરા પાડ્યા એ એટલી મોટ્ટી મદદ હુતી કે લડાઈ પૂરી થયા વેરે હિન્દુસ્તાનના વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડે (૧૮૬૮-૧૯૩૩) ૧૯૧૯ના જાન્યુઆરીની બીજી તારીખે તાતાના આય કારખાનાની ખાસ મુલાકાત લીધી અને પોતાના ભાષણમાં બોલિયા કે અણીને વખતે જો તાતાએ રેલવેના પાટા પૂરા નહીં પાડ્યા હોતે તો શું થયું હોતે એની હું કલ્પના બી કરી શકતો નથી. (લૉર્ડ ચેમ્સફર્ડ ૧૯૧૬થી ૧૯૨૧ સુધી હિન્દુસ્તાનના વાઇસરૉયના પદે રહ્યા હતા.) એવનણે કારખાનું જ્યાં બંધાયું હુતું તે જગાને નામ આપવામાં આવ્યું જમશેદપુર. અને પાસેના ‘કાલીમાટી’ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાખ્યું ‘તાતાનગર’.
‘કાલી માટી’ સ્ટેશન બન્યું તાતાનગર સ્ટેશન
પ્રિય વાચક! યાદ છે? સ્ટીલ બનાવવાનું કારખાનું સર જમશેદજી તાતા નાખવાના છે એવા ખબર સાંભલી ઇન્ડિયન રેલવે બોર્ડના ચૅરમૅન સર ફ્રેડરિક એપકોટે એવનના દોસ્તને સું કીધું હુતું? એવને કહેલું : ‘ચાલ! લાગી સરત. જો આય દેસમાં કોઈ બી માઈનો લાલ સ્ટીલ બનાવે તો ઇન્ડિયન રેલવેને જેટલું સ્ટીલ જોઈએ તે બધ્ધું એવનની ફૅક્ટરીમાંથી જ હું ખરીદસ.’ હિન્દુસ્તાનના વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડની આય સ્પીચ સાંભલવા માટે પેલા એપકોટસાહેબ હાજર હુતા કે નહીં એ જાની સકાયું નથી છે.