કામરાના વિવાદે દેશમાં વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સરકાર કે નેતાઓની ટીકા કરવાના અધિકાર અને પરંપરા પર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે
કુણાલ કામરા
જે મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેએ તેમની કારકિર્દીની શરૂઆત રાજીકીય વ્યંગ કરતાં કાર્ટૂનો દોરીને કરી હોય અને જે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા રાજ ઠાકરેએ પણ રાજકીય કાર્ટૂનની એ પરંપરાને જાળવી રાખી હોય એ મહારાષ્ટ્રમાં કુણાલ કામરા નામના એક સ્ટૅન્ડ અપ કૉમેડિયનના રાજકીય વ્યંગના હિંસક પ્રત્યાઘાતો પડે અને ખુદ રાજ્ય સરકાર તેને ‘પાઠ’ ભણાવવાની ચીમકી આપતું હોય એનો એટલો જ અર્થ થયો કે કોણે શું અને કેટલું બોલવું એ કાનૂન નક્કી નહીં કરે, સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે.
ખુદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ બરાબર ખબર છે કે બંધારણીય હોદ્દા પર બેસીને હિંસાને સમર્થન ન કરી શકાય અને તેમણે તેમના કાર્યકરોના કરતૂતથી છેડો ફાડ્યો છે, પરંતુ તેમણે તેમની પ્રતિક્રિયામાં વડા પ્રધાનની આડશ લઈને એ હિંસાનો બચાવ પણ કરી લીધો છે.
ADVERTISEMENT
કામરાએ જ્યાં એ કાર્યક્રમ કર્યો હતો એની તોડફોડના સંદર્ભમાં શિંદેએ અભિવ્યક્તિની આઝાદી પર શરત મૂકતાં મીડિયાને કહ્યું હતું કે ‘બોલવાની આઝાદી છે, પણ એની એક સીમા હોય. આ તો કોઈને નિશાન બનાવવાની સોપારી છે. મારી વાત જવા દો. તે વડા પ્રધાન માટે શું બોલ્યો છે? તે સુપ્રીમ કોર્ટ (નિવૃત્ત) જજ વિશે શું બોલ્યો છે? નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વિશે? ગૃહપ્રધાન અમિત શાહ વિશે? ઉદ્યોગપતિ વિશે?’
મજાની વાત એ છે કે શિંદે સેનાના સહયોગી BJPમાંથી આ વિવાદમાં કોઈ પ્રતિક્રિયા નથી આવી. હા, મુખ્ય પ્રધાનની હેસિયતથી દેવેન્દ ફડણવીસે કામરા સામે પગલાં ભરવાની ચીમકી આપી છે. BJPના સૌથી મોટા નેતા કહેવાય એવા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ અભિવ્યક્તિની આઝાદીને શરતી બનાવી છે.
તેમણે કામરાના રાજકીય વ્યંગને દેશની એકતા સાથે જોડીને કહ્યું છે કે અમુક લોકોએ અભિવ્યક્તિની આઝાદીનું પોતાની રીતે અર્થઘટન કરી લીધું છે અને એનો ઉપયોગ સમાજને તોડવા માટે કરી રહ્યા છે. તેમણે ખોંખારીને કહ્યું હતું કે સ્વતંત્રતાના નામ પર બીજાના સન્માનને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.
કામરા સામેની હિંસક પ્રતિક્રિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના એ બયાન સાથે જોડીને જોવી જોઈએ જેમાં તેમણે કહ્યું હતું કે ટીકા કરવી એ લોકશાહીનો આત્મા છે. તેમણે એક વિદેશી પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘તમારી રગોમાં જો લોકશાહી દોડતી હોય તો તમારે ટીકાને ગળે લગાવવી જોઈએ. ટીકાકારોને તમારે તમારી નજીક રાખવા જોઈએ. એનાથી તમે વધુ લોકતાંત્રિક રીતે કામ કરી શકો છો.’
એ દૃષ્ટિએ જોઈએ તો કામરાએ પણ તો સરકારની અને રાજકીય પાર્ટીઓની નીતિરીતિની ટીકા કરી હતી. એવું નથી કે કામરાને તેના વ્યંગ પર હિંસક પ્રતિક્રિયાનું અનુમાન નહોતું. તેને ખબર હતી કે અમુક લોકોને એ નહીં ગમે. તેણે બીજા અનેક કૉમેડિયનોની જેમ ચૂપ રહેવાનું પસંદ કર્યું હોત, પરંતુ કામરા પણ એ જ માને છે જે વાત વડા પ્રધાનના બયાનમાં છે.
એટલા માટે તોડફોડ અને ધાકધમકીઓ પર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું હતું કે ‘હું આ ટોળાથી ડરવાનો નથી. હું માફી નહીં માગું અને તેમનાથી બચવા માટે પલંગ નીચે છુપાઈ જવાનો પણ નથી. હું પોલીસ અને કાનૂનને સહકાર આપવા તૈયાર છું. સવાલ એ છે કે કાનૂન ભાંગફોડિયા લોકો સામે પણ કાર્યવાહી કરશે?’
કામરાના વિવાદે દેશમાં વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સરકાર કે નેતાઓની ટીકા કરવાના અધિકાર અને પરંપરા પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. દરેક ભારતીયને સરકારની ટીકા કરવાનો અધિકાર છે અને આવી ટીકાને રાષ્ટ્રવિરોધી તરીકે વ્યાખ્યાયિત કરી શકાતી નથી. એવું જ હોય તો ભારતના દરેક બગીચામાં, દરેક ટ્રેનમાં અને પાનના ગલ્લે રોજ રાષ્ટ્રવિરોધી ‘કાવતરાં’ થાય છે અને અત્યાર સુધીમાં દેશ પતી ગયો હોત.
પરંતુ એવું લાગે છે કે નેતાઓ સત્તામાં આવ્યા પછી ટીકાને દેશવિરોધી ગણાવીને ભારતની લોકશાહીને ‘પોલીસ સ્ટેટ’ તરફ લઈ જઈ રહ્યા છે. ૨૧ મહિનાની કટોકટી પછી જેલમાંથી મુક્ત થયેલા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીનું નીચેનું નિવેદન લોકશાહીમાં અભિવ્યક્તિનું મહત્વ દર્શાવે છેઃ
બાદ મુદ્દત કે મિલે હૈં દીવાને,
કહને-સુનને કો બહુત હૈં અફસાને,
ખુલી હવા મેં ઝરા સાંસ તો લે લેં,
કબ તક રહેગી આઝાદી કૌન જાને?
બિહારમાં ઇફ્તાર પાર્ટીઓનું પૂર આવ્યું
બિહારમાં ચૂંટણી આવી રહી છે એનો પહેલો સંકેત એ છે કે રાજ્યમાં ઇફ્તાર પાર્ટીઓનું પૂર આવ્યું છે. એની શરૂઆત મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કરી હતી. એ પછી લાલુ યાદવે તેમના પક્ષના નેતા અબ્દુલ બારી સિદ્દીકીના નિવાસસ્થાને ભવ્ય ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે LJPના વડા ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝી પણ હાજર રહ્યા હતા. NDAના નેતાઓ એક પાર્ટીમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
બિહારના મુસ્લિમો પર ચૂંટણી વર્ષમાં રાજકીય પક્ષોના અચાનક ઊભરાઈ આવેલા પ્રેમનો હેતુ દરેકને સમજમાં આવે છે. અત્યારે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને તમામ રાજકીય પક્ષો મુસ્લિમોને તેમના પક્ષ તરફ કરવામાં વ્યસ્ત છે.
મુસ્લિમ મતોની રાજકીય શક્તિને ધ્યાનમાં રાખીને લાલુ પ્રસાદ યાદવથી લઈને નીતીશ કુમાર અને ચિરાગ પાસવાન જ નહીં પરંતુ અસદુદ્દીન ઓવૈસીથી લઈને પ્રશાંત કિશોર મુસ્લિમ મતોને પોતાની સાથે જોડવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.
BJP પણ એમાં પાછળ નથી. ચૂંટણી પહેલાં મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે BJPના લઘુમતી વિભાગે રાજ્યમાં સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલના ભાગરૂપે વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી કરવા માટે વિશેષ કિટ્સ પ્રાપ્ત થશે.
કિટ્સમાં કપડાં, સેવૈયાં, ખજૂર, સૂકો મેવો અને મીઠાઈ હશે. મહિલાઓની કિટ્સમાં સૂટ્સ માટે ફૅબ્રિક હશે, જ્યારે પુરુષોની કિટમાં કુરતા-પાયજામાનો સમાવેશ થશે. દરેક કિટની કિંમત આશરે ૫૦૦થી ૬૦૦ રૂપિયા હશે.
બિહારની ૨૪૩ વિધાનસભા બેઠકોમાંથી ૪૭ બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક સ્થિતિમાં છે. ત્યાં મુસ્લિમોની વસ્તી લગભગ ૧૭.૭ ટકા છે. આ વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી ૨૦થી ૪૦ ટકા અથવા એનાથી પણ વધુ છે.
બિહારમાં ૧૧ બેઠકો પર ૪૦ ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે અને ૭ બેઠકો પર ૩૦ ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે. ૨૯ વિધાનસભા બેઠકો પર ૨૦થી ૩૦ ટકા મતદારો મુસ્લિમો છે. આ રીતે મુસ્લિમ સમુદાય પાસે બિહારમાં રાજકીય રીતે કોઈ પણ પક્ષના ખેલને બનાવવાની અને બગાડવાની શક્તિ છે.
ન્યાયપાલિકાના આંગણે ભ્રષ્ટાચારનો કચરો
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગની ઘટનામાં મળી આવેલા કરોડો રૂપિયાનો મામલો સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગુંજી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વર્મા સામે FIR દાખલ કરવાની અને પોલીસની કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરી છે.
સામાન્ય રીતે ભ્રષ્ટાચારના કેસોની તપાસ પોલીસ અથવા CBIને સોંપવામાં આવે છે કારણ કે આ એજન્સીઓ પાસે આવા કેસોની તપાસ કરવાની કુશળતા હોય છે. પરંતુ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ન્યાયતંત્રની મજબૂરીઓ તરફ ધ્યાન દોર્યું હતું. પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે ન્યાયતંત્ર ન્યાયાધીશ સાથે સંબંધિત કેસોની તપાસ પોલીસને સોંપતી નથી. સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટની પોતાની કોઈ તપાસ એજન્સી નથી.
તપાસ પૂરી થાય અને જસ્ટિસ વર્મા દોષિત સાબિત થાય છે તો ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તેમનું રાજીનામું માગી શકે છે અને તેઓ જો રાજીનામું ન આપે તો CJI તેમની સામે મહાભિયોગની ભલામણ કરી શકે છે, પરંતુ મહાભિયોગની પ્રક્રિયા ખૂબ લાંબી છે.
મંગળવારે રાજ્યસભામાં નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ કમિશન (NJAC)નો મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ મુદ્દે આગળની રણનીતિ વિશે ચર્ચા કરવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં તેમણે કહ્યું કે લોકો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને ગઈ કાલે ગૃહમાં ખૂબ જ સારી ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે જો ન્યાયિક નિમણૂકની વ્યવસ્થા હોત તો આજે સ્થિતિ અલગ હોત. ધનખડ નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ કમિશનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું હતું.
અમુક વર્ગમાં એવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે કે સરકાર આ મામલાનો ફાયદો ઉઠાવીને જજોની નિમણૂકમાં તેનો હાથ ઉપર રાખી શકાય એવી કોઈ વ્યવસ્થા લાવવાની કોશિશ કરી રહી છે. સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ઘણા સમયથી ગજગ્રાહ ચાલે છે અને એમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ મળી આવતાં સરકારને એક મોકો પણ મળ્યો છે. જસ્ટિસ વર્મા પણ તેમની સામે કાવતરું ઘડાયું હોવાનો તર્ક આગળ કરીને મામલાને રાજકીય રંગ આપી રહ્યા છે.
ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારના આરોપો અગાઉ પણ લાગતા રહ્યા છે અને નવી ઘટનાએ એમાં ઘી હોમ્યું છે. ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે એનો સ્વીકાર કરતાં સુપ્રીમ કોર્ટના વકીલ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે કહ્યું છે કે આ સમસ્યાનો વિકલ્પ ત્યારે જ મળી શકે છે જ્યારે સરકાર અને ન્યાયતંત્ર બન્ને સ્વીકારે કે ન્યાયાધીશોની નિમણૂક સહિતની હાલની વ્યવસ્થાઓ બિનઅસરકારક બની ગઈ છે.
દેશમાં ક્યાં ભ્રષ્ટાચાર નથી એ કહેવું અઘરું છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે એવું માને કે આ દેશમાં કોઈ એક સંસ્થા, કોઈ એક વ્યવસ્થા ભ્રષ્ટાચારમુક્ત છે. આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચાર વધતો જ રહ્યો છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં ભ્રષ્ટાચાર ન હોય અથવા ઓછો હોય. એવું નથી કે બધા લોકો બેઈમાન છે, પરંતુ વ્યવસ્થાઓ જ એટલી ભ્રષ્ટ છે કે ઈમાનદારનું ટકવું મુશ્કેલ બની જાય છે.
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હવે એક વાસ્તવિકતા છે. ન્યાયતંત્રએ એને દૂર કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે, નહીં તો લોકોની રહીસહી આશા પણ તૂટી જશે. કોર્ટોમાં અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં કેસોનો ભરાવો એ બાબતનો પુરાવો છે કે લોકો બીજી બધી વ્યવસ્થાઓથી નાસીપાસ થઈને ન્યાયની આશામાં કોર્ટ પાસે આવે છે. ત્યાં પણ જો પોલંપોલ ચાલતું હોય તો લોકો ક્યાં જશે?

