આ જનરેશન ગાળો બોલવાને કૂલ માને છે. તેમને લાગે છે કે ગાળો બોલતી વ્યક્તિ સારી લાગે છે
પ્રતીકાત્મક તસવીર
ગાળો તો વર્ષોથી માનવ સમાજમાં ઘર કરી ગયેલી છે પરંતુ એ ક્યારે વયસ્કોના વાડાને પાર કરીને નાનકડાં ભૂલકાંઓના જીવનમાં પ્રવેશી ગઈ એની આપણને ખબર જ નથી પડી. સ્કૂલ જતાં નાનાં બાળકો આજે ભરપૂર ગાળો બોલતાં થઈ ગયાં છે. ગુસ્સો આવે ત્યારે નહીં, તેમની સામાન્ય બોલચાલમાં ગાળો ઘૂસી ગઈ છે; જે ઘણું જ આઘાતજનક છે. આ જનરેશન ગાળો બોલવાને કૂલ માને છે. તેમને લાગે છે કે ગાળો બોલતી વ્યક્તિ સારી લાગે છે. મોડું થાય એ પહેલાં તેમને આમાંથી બહાર લાવવાની જવાબદારી માતા-પિતા, સ્કૂલો અને સમાજે ઉઠાવવી જ રહી
કિસ્સો-૧ ડ્રૉઇંગ રૂમમાં ટીવી ચાલતું હતું. મમ્મી-પપ્પા અને બાળક કોઈ નવી ફિલ્મ જોઈ રહ્યાં હતાં. કોઈ એક આખા સીનમાં ગાળાગાળી હતી પરંતુ એ ન સંભળાય એ માટે બીપ સાઉન્ડ વાપરવામાં આવ્યો હતો. એ સીન જોઈને ૮ વર્ષનું બાળક જોર-જોરથી હસવા લાગ્યું. મમ્મી-પપ્પાને અચરજ થયું કે આ કેમ હસે છે. તેને પૂછ્યું તો પહેલાં કંઈ બોલતો નથી. મમ્મીને ડાઉટ ગયો એટલે તેણે પૂછ્યું કે તને ખબર પડી કે આ બીપ સાઉન્ડ શેનો હતો? તો બાળકે કહ્યું, હા. તો પણ વિશ્વાસ ન આવ્યો એટલે મમ્મીએ પૂછ્યું કે શું હતો? તો બાળક તરત એ ગાળ બોલ્યો અને તેના પેરન્ટ્સ અવાક રહી ગયા. ૮ વર્ષના બાળકને આ ગાળોની ખબર છે?
ADVERTISEMENT
એક સમય હતો કે વ્યક્તિ સ્કૂલમાંથી નીકળી કૉલેજમાં જાય ત્યારે એને ખબર પડતી કે ગાળો કહેવાય કોને. હજી પણ એવા ઘણા લોકો છે સમાજમાં જેમને ગાળો શું છે એની ખબર જ નથી. ગાળનો શબ્દ ખબર હોય તો પણ એનો અર્થ શું થાય એમાં કન્ફ્યુઝન હોય. આ પરિસ્થિતિમાં મોઢામાંથી નીકળવાની તો વાત જ દૂર રહી પરંતુ બીજી તરફ સ્કૂલમાં જતાં બાળકોની એક નવી પેઢી એવી તૈયાર થઈ રહી છે જેમને બધી જ ગાળોની ખબર છે, ગાળો બોલતી થઈ ગઈ છે અને એનાથી પણ એક સ્ટેજ આગળ, ગુસ્સો આવે અને ગાળો બોલે છે એવું નથી; નૉર્મલ વાતોમાં
તેઓ ગાળો બોલે છે. એકબીજાને ગાળોથી જ સંબોધે છે અને સૌથી ખરાબ વાત એ છે કે આવું કરવાને તેઓ કૂલ સમજે છે.
નાની ઉંમરનાં બાળકો
ગાળો વયસ્ક બોલે તો અભદ્ર લાગે, પરંતુ બાળકો બોલે તો એ અસહ્ય ગણાય એમ વાત કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશનનાં અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આજકાલ ખૂબ જ નાની ઉંમરનાં બાળકો ૧-૨-૩ ધોરણમાં ભણતાં હોય જે માંડ હજી તો બોલવાનું શીખ્યાં છે એમ કહી શકાય. તેમને પણ ગાળો આવડે છે. ભલે તેમને એનો અર્થ નથી ખબર, પણ તેઓ એ બોલવા લાગ્યાં છે. એક સમાજ તરીકે એ આપણને સૂચવે છે કે જુઓ, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આપણે બાળકોને કેવું વાતાવરણ આપી રહ્યા છીએ કે સ્કૂલ જતાં કુમળી વયનાં બાળકો નૉર્મલ વાતચીતમાં પણ ગાળોનો પ્રયોગ કરી રહ્યાં છે.’
પરિસ્થિતિ
આ બાબતે વાત કરતાં જુહુમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલનાં પ્રિન્સિપાલ કલ્પના પતંગે કહે છે, ‘ખરેખર એ ચિંતાજનક પરિસ્થિતિ છે. ગાળો તો પહેલાં પણ લોકો બોલતા
અને આજે પણ બોલે છે, પરંતુ બાળક અને વયસ્કનો ભેદ હવે રહ્યો જ નથી. પહેલાંના સમયમાં નીચલા વર્ગના અભણ લોકો ગાળો બોલતા. હવે એવું રહ્યું નથી. બાળકોને પણ એ સમયે સમજાવવામાં આવતું કે ભણેલા-ગણેલા, ઉચ્ચ વર્ગના સંસ્કારી લોકો ગાળો બોલતા નથી પરંતુ આજકાલ એવું રહ્યું જ નથી. બાળકો પણ જુએ છે કે તેમને ગમતા કલાકારો-ગાયકો કે ઍક્ટર્સ, ઇન્ફ્લુઅન્સર્સ, બધા જ ગાળો બોલે છે. એટલે તેમણે પણ એ અપનાવી લીધું છે.’
અસર
નાની ઉંમરથી બાળકો ગાળો બોલે એને કારણે તેમના પર શું અસર થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘શબ્દોની મન પર ઘણી ઘેરી અસર હોય છે. એ પોતાની છાપ છોડે છે. શબ્દો થકી વર્તન ઘડાય છે. સારું બોલનારા સારું વર્તન કરનારા બને છે. એ શબ્દો તમારી અંદર તમારું ઘડતર કરવાનું કામ કરે છે. જેમ કે કોઈ બાળકને કહો કે તું મૂર્ખ છે, તને કંઈ નથી આવડતું. સતત એમ કહેતા રહો તો તે મૂર્ખ બની જાય છે. મા અને બહેનના નામની જે ગાળો બાળક વાત-વાતમાં આપે છે તે મોટું થઈને સ્ત્રીઓનું માન ક્યારેય જાળવી નહીં શકે. ઉપરથી દેખાડશે, પણ અંદરખાને તેના સૂક્ષ્મ વર્તનમાં એ દેખાશે કે આ ગાળો તેના સબ-કૉન્શિયસ મનમાં ઘૂસીને કામ કરી રહી છે. ગાળો બોલવાને કારણે બાળકોમાં સ્ત્રીઓ પ્રત્યેનો ગ્રેટિટ્યુડ અને જીવન પ્રત્યેનો ઍટિટ્યુડ બન્ને બગડે છે. હાર્વર્ડનો સ્ટડી કહે છે કે નાનપણની જે આદતો હોય એ જીવનભર સાથે રહે છે. નાનપણમાં જે બાળકોએ દારૂ ચાખ્યો હોય, મોટાં થઈને તે દારૂડિયા બની જાય એની શક્યતા ઘણી વધારે છે. આમ તે મોટાં થઈને સમજીને ગાળો નહીં બોલે એમ જો લોકો માનતા હોય તો એ ખોટું છે. એટલે તેમને આ ઉંમરમાં રોકવાં જરૂરી છે.’
અર્થ વગર
ઘણા લોકો કહેતા હોય છે કે અમે ગાળો બોલીએ છીએ, પરંતુ એ અર્થ સાથે અમે બોલતા નથી. અમારો કહેવાનો અર્થ એવો હોતો નથી. આ તો આદત છે આ રીતે બોલવાની એટલે બોલીએ છીએ. મા અને બહેનની ગાળો બોલતી વખતે અમારો અર્થ એવો હોતો નથી. આનો તર્ક આપતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘જે વસ્તુ તમે કહેવા માગતા જ નથી એ વસ્તુ બોલવાની જરૂર શું? મોઢામાંથી નીકળતા દરેક શબ્દની અસર હોય છે અને એની કિંમત હોય છે. તમે બન્નેને અવગણીને બોલશો તો એનો અર્થ એ થયો કે તમારા શબ્દ પર કોઈ વિશ્વાસ કરે જ નહીં. એક સમય હતો કે બોલેલા શબ્દોની કિંમત હતી. એને આધારે લોકો એકબીજા પર વિશ્વાસ કરી શકતા હતા. સંસ્કૃતિમાં આદર્શવાદનું એક ઉચ્ચ સ્થાન જળવાઈ રહેવું જોઈએ જેમાં ગાળોને સ્થાન નથી. નાનાં બાળકોને તો આમ પણ અર્થ ખબર નથી. પણ એટલે તે બોલે તો વાંધો નથી એમ ન કહી શકાય.’
કારણો શું છે?
આજનાં બાળકોને આટલી નાની ઉંમરે ગાળોની ખબર ક્યાંથી પડે છે? એનો જવાબ આપતાં ચત્રભુજ નરસી મેમોરિયલ સ્કૂલ, વિલે પાર્લેનાં પ્રિન્સિપાલ કવિતા સંઘવી કહે છે, ‘આજના બાળકના હાથમાં મોબાઇલ ફોન છે. તેની પાસે દુનિયાનું એક્સપોઝર છે. સોશ્યલ મીડિયા છે. ઘરમાં OTT પ્લૅટફૉર્મ પર મમ્મી-પપ્પા જે સિરીઝ જોયા કરે છે ત્યારે બાળક ત્યાં જ ફરતું હોય કે બીજા રૂમમાં પણ હોય તો તેને બધું સંભળાતું હોય છે. મુંબઈમાં તો ઘરની બહાર પગ મૂકો કે રોડ પર તમને ગાળો જ ગાળો સંભળાય. આ બધું મળીને આપણે આજની તારીખે એવું વાતાવરણ ઊભું કર્યું છે બાળકની આજુબાજુ જેમાં ગાળો સહજ બની ગઈ છે. એનાથી પણ દુઃખની વાત એ છે કે જ્યારે પેરન્ટ્સ ખુદ જ ગાળો બોલતા હોય તો બાળકને કઈ રીતે રોકવાનાં?’
પેરન્ટિંગની જવાબદારી
પહેલાં પણ સમાજમાં ગાળો તો બોલાતી જ હતી, પણ બાળકો ગાળો નહોતાં બોલતાં. તો આજે કેમ બોલી રહ્યાં છે? એનું મહત્ત્વનું કારણ જણાવતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘પહેલાંનું પેરન્ટિંગ અમુક બાબતો માટે ખૂબ જ ચોક્કસ હતું. કડકાઈ સાથે પણ કામ લેવામાં આવતું. આમ થશે અને આમ નહીં જ થાય જેમાં ‘નહીં’ ખૂબ મોટો હતો. આજકાલ થોડું લિબરલ પેરન્ટિંગ થઈ ગયું છે. નહીં જ ચાલે જેવી વાત માતા-પિતા બાળકોને કરતાં નથી. દરેક બાબતોનું રીઝનિંગ આપવું શક્ય નથી. ખાસ કરીને એકદમ નાનું બાળક હોય તેને ગાળો કેમ ન બોલાવી જોઈએ એ સમજાવવું અઘરું છે. ત્યાં નિયમબદ્ધ વાતાવરણ જોઈએ. આમ નહીં જ થવું જોઈએ એવી કડકાઈ પણ જોઈએ. ખાસ કરીને સ્કૂલોમાં ડિસિપ્લિન ખૂબ કડક રીતે પાળવી જરૂરી છે, જે પળાઈ નથી એનું કારણ છે કે પહેલાં ૧-૨ ખરાબ બાળકો ગાળો બોલતાં, હવે માત્ર એક-બે બાળકો જ બચ્યાં છે જે નથી બોલતાં. કુમળી વયમાં એકબીજાને જોઈને શીખી જતાં બાળકોને શિસ્તમાં રાખવાં અત્યંત જરૂરી છે.’
નહીં એટલે નહીં જ
એ માટે આપણે શું કરી શકીએ? થોડી આશાસ્પદ વાત એ છે કે બાળકો શિક્ષકો કે પ્રિન્સિપાલ સામે ગાળો બોલતાં નથી. એનો અર્થ એ થયો કે તેમને ખબર છે કે આ ખોટી વસ્તુ છે. તેઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં એ બોલે છે, જે પણ યોગ્ય નથી જ. એટલે આપણે એને એક ટૅબુ તરીકે જ ચીતરવું જરૂરી છે. એ નથી જ બોલવાનું એ સ્પષ્ટીકરણ તો હોવું જ જોઈએ. જો તમે એ બોલો છો એનો અર્થ એ છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. આ સભાનતા તો આપણે તેમની અંદર નાખવી જ જોઈએ. મને લાગે છે કે આજનાં બાળકો સમજદાર છે. આ કુમળી વયે તેઓ ખોટી ઇન્ફ્લુઅન્સમાં ન આવે એની જવાબદારી આપણી છે. એના ઉપાય સ્વરૂપ મને લાગે છે કે સ્કૂલમાં અમુક બાળકો હોય છે જેનાથી આખી સ્કૂલ ઇન્ફ્લુઅન્સ થતી હોય છે. એવાં બાળકો હોય છે જેને બધાં પોતાનો હીરો સમજતાં હોય છે. જો એ બાળક ગાળો નહીં બોલે તો તેને જોઈને બીજા પણ નહીં બોલે. આપણે એ બાળકો પર ધ્યાન આપીએ તો પણ ઘણું સારું પરિણામ મળતું હોય છે. અંતે બાળકો એકબીજાને જોઈને જેટલું શીખે છે એટલું તે કોઈ પાસેથી નથી શીખતાં.’
આપણે કરીને બતાવવું પડશે
જો બાળકોને કહીશું કે ગાળો બોલવી ખરાબ છે, એ નથી બોલવાની તો શું બાળકો એ બોલવાનું બંધ કરી દેશે? આ પ્રશ્નનો જવાબ આપતાં કવિતા સંઘવી કહે છે, ‘ના, ઊલટું વધુ બોલશે. એક તો આ જનરેશન એવી છે કે તેમને સીધી ના સમજાતી નથી. તેમને એ કેમ ન બોલવી એનાં કારણો આપવાં પડે. એનાથી પણ વધુ બદલાવ ત્યારે સંભવ છે જ્યારે આપણે તેમનું વાતાવરણ બદલીએ, જે ખૂબ અઘરું છે. પણ એ જવાબદારી સમાજે, સ્કૂલોએ, પેરન્ટ્સે સ્વીકારવી જ રહી. આપણે એમને ગાળોથી મુક્ત વાતાવરણ આપીશું તો આપોઆપ ગાળો બોલવાનું બંધ થઈ જશે. આપણે તેમને કરીને બતાવવું પડશે. આપણે ઉદાહરણો સેટ કરવાં પડશે.’
એસ. એમ. શેટ્ટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં થઈ રહ્યો છે અનોખો પ્રયોગ સ્વામી વિવેકાનંદના નાનપણમાં તેમના પિતાએ બાળક નરેન્દ્રના મોઢે ગાળ સાંભળી તેને પૂછ્યું કે ક્યાં શીખ્યો આ શબ્દ? તેમણે કહ્યું કે સ્કૂલમાં. તેમના પિતાએ બીજા દિવસથી નરેન્દ્રની સ્કૂલ છોડાવી અને તેમનું ઘરે ભણતર ચાલુ કર્યું. થોડા દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ પણ તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેમની આસપાસના લોકો ખૂબ ગાળો બોલતા ત્યારે તેમને થતું કે આ લોકો કેમ આવું બોલે છે. પણ એ માહોલમાં રહીને તેમણે એ વિચારી લીધું હતું કે હું આ અપશબ્દો નહીં જ બોલું. સ્વામી વિવેકાનંદની જેમ આપણે બાળકને સ્કૂલથી ઉઠાવી ન લઈએ અને નરેન્દ્ર મોદી જેવી મક્કમ પ્રતિભા બાળકની ન હોય તો શું કરી શકાય? એનો ઉપાય મુંબઈની એક સ્કૂલે કાઢવાની કોશિશ કરી છે.
પવઈમાં આવેલી બંટ સંઘની એસ. એમ. શેટ્ટી ઇન્ટરનૅશનલ સ્કૂલે હાલમાં પોતાના વિદ્યાર્થીઓ ગાળો બોલતાં અટકે એ માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. આ બાબતે આ સ્કૂલના ટ્રસ્ટી અને સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી કહે છે, ‘અમે એક પ્રયોગ કર્યો છે. ૪૫ દિવસની આ વર્કશૉપ છે જેની શરૂઆતમાં અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે તમારી મમ્મીનો ફોટો લઈ આવો. એ ફોટો જોતાં-જોતાં મમ્મી વિશે વાત કરો. બધાએ ખૂબ ઇમોશનલ થઈને સારી વાતો કરી. પછી અમે કહ્યું કે હવે મા વિશે ખરાબ વાતો કરો, જે કોઈ કરી શક્યું નહીં. અમે તેમને અહેસાસ દેવડાવ્યો કે તમે મા વિશે ખરાબ બોલી નથી શકતા અને તેને ગાળો આપો છો? આ પ્રશ્નાર્થે તેમને અંદરથી હલાવી દીધા. એક આખું લિસ્ટ ગાળોનું ભેગું કર્યું. એમાંથી મા કે બહેનને કઈ ગાળો લાગુ પડશે અને શું એ ગાળો દેવાલાયક છે કે નહીં એ પ્રશ્નો ઊભા કર્યા. જે ગાળો ખૂબ બોલે છે એવા છોકરાઓને ઊભા રાખ્યા અને તેમની સામે તેમણે જેમને ગાળો આપી હતી તેમને મનમાં કેવું લાગ્યું હતું એ જણાવવા કહ્યું. આ રીતે તેમને અહેસાસ થયો કે તેઓ જેને નૉર્મલ વર્તન માને છે એ વર્તન બીજાને હર્ટ કરી રહ્યું છે. આ એક લાંબી પ્રોસેસ છે. ૪૫ દિવસના લાંબી વર્કશૉપમાં તેમની અંદર ઘૂસી ગયેલી આ આદતને પૂરી રીતે કાઢી શકાય એવા પ્રયત્નો અમે કરવા ઇચ્છીએ છીએ.’
કૂલ નથી જ
એક સમય એવો હતો જ્યારે ગાળો બોલવાનું અભદ્ર અને અશિષ્ટ માનવામાં આવતું. એક સમય હતો જ્યારે ફિલ્મોમાં ગાળો હીરો નહીં, વિલેન જ બોલતો કારણ કે ગાળોનું અસોસિએશન ખરાબ સાથે જ કરવામાં આવતું. આજકાલ હીરો ગાળો બોલે છે. એ વિશે વાત કરતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘જે અંગ્રેજી મ્યુઝિક બૅન્ડ પાછળ આપણા છોકરાઓ ગાંડા થઈ ગયા છે એ બૅન્ડનાં ગીતોમાં ગાળોનો વરસાદ થાય છે. એને જોઈને હિન્દી-પંજાબી ગીતો પણ એટલાં જ બગડતાં જાય છે. ગાળોનું ગ્લૉરિફિકેશન યોગ્ય નથી. એને આજે કૂલ બનાવી દીધું છે એટલે બાળકો એ બોલતાં થઈ ગયાં છે. એ વયસ્કોની જવાબદારી છે કે બાળકને સમજાવે કે આ કૂલ નથી. ગાળો બોલવાથી તમે અભદ્ર લાગો છો એ તેમના મગજમાં ક્લિયર કરવું જરૂરી છે. ગાળો આપીને તમે સામેવાળી વ્યક્તિને જ નહીં, ખુદનું પણ અપમાન કરો છો. તમારી ઇમેજ બગડે છે.’
એસ. એમ. શેટ્ટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં થઈ રહ્યો છે અનોખો પ્રયોગ
સ્વામી વિવેકાનંદના નાનપણમાં તેમના પિતાએ બાળક નરેન્દ્રના મોઢે ગાળ સાંભળી તેને પૂછ્યું કે ક્યાં શીખ્યો આ શબ્દ? તેમણે કહ્યું કે સ્કૂલમાં. તેમના પિતાએ બીજા દિવસથી નરેન્દ્રની સ્કૂલ છોડાવી અને તેમનું ઘરે ભણતર ચાલુ કર્યું. થોડા દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ પણ તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેમની આસપાસના લોકો ખૂબ ગાળો બોલતા ત્યારે તેમને થતું કે આ લોકો કેમ આવું બોલે છે. પણ એ માહોલમાં રહીને તેમણે એ વિચારી લીધું હતું કે હું આ અપશબ્દો નહીં જ બોલું. સ્વામી વિવેકાનંદની જેમ આપણે બાળકને સ્કૂલથી ઉઠાવી ન લઈએ અને નરેન્દ્ર મોદી જેવી મક્કમ પ્રતિભા બાળકની ન હોય તો શું કરી શકાય? એનો ઉપાય મુંબઈની એક સ્કૂલે કાઢવાની કોશિશ કરી છે.
પવઈમાં આવેલી બંટ સંઘની એસ. એમ. શેટ્ટી ઇન્ટરનૅશનલ સ્કૂલે હાલમાં પોતાના વિદ્યાર્થીઓ ગાળો બોલતાં અટકે એ માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. આ બાબતે આ સ્કૂલના ટ્રસ્ટી અને સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી કહે છે, ‘અમે એક પ્રયોગ કર્યો છે. ૪૫ દિવસની આ વર્કશૉપ છે જેની શરૂઆતમાં અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે તમારી મમ્મીનો ફોટો લઈ આવો. એ ફોટો જોતાં-જોતાં મમ્મી વિશે વાત કરો. બધાએ ખૂબ ઇમોશનલ થઈને સારી વાતો કરી. પછી અમે કહ્યું કે હવે મા વિશે ખરાબ વાતો કરો, જે કોઈ કરી શક્યું નહીં. અમે તેમને અહેસાસ દેવડાવ્યો કે તમે મા વિશે ખરાબ બોલી નથી શકતા અને તેને ગાળો આપો છો? આ પ્રશ્નાર્થે તેમને અંદરથી હલાવી દીધા. એક આખું લિસ્ટ ગાળોનું ભેગું કર્યું. એમાંથી મા કે બહેનને કઈ ગાળો લાગુ પડશે અને શું એ ગાળો દેવાલાયક છે કે નહીં એ પ્રશ્નો ઊભા કર્યા. જે ગાળો ખૂબ બોલે છે એવા છોકરાઓને ઊભા રાખ્યા અને તેમની સામે તેમણે જેમને ગાળો આપી હતી તેમને મનમાં કેવું લાગ્યું હતું એ જણાવવા કહ્યું. આ રીતે તેમને અહેસાસ થયો કે તેઓ જેને નૉર્મલ વર્તન માને છે એ વર્તન બીજાને હર્ટ કરી રહ્યું છે. આ એક લાંબી પ્રોસેસ છે. ૪૫ દિવસના લાંબી વર્કશૉપમાં તેમની અંદર ઘૂસી ગયેલી આ આદતને પૂરી રીતે કાઢી શકાય એવા પ્રયત્નો અમે કરવા ઇચ્છીએ છીએ.’