‘સૉરી’ મિત્રતાના બંધનની ગાંઠ ઢીલી કરી દે છે. મિત્રને તેડું ન હોય. જરૂર પડતાં વગર કહ્યે પડખે આવીને ઊભો રહે તે સાચો મિત્ર
પ્રતીકાત્મક તસવીર
માણસ જેટલો પોતે પોતાની જાતને નથી ઓળખતો એટલો તેનો દોસ્ત તેને ઓળખતો હોય છે. બાળપણથી જિંદગીના અંત સુધી મિત્રોની જરૂર રહે છે. બાળપણમાં તોફાન કરવા, પિકનિક પર ધમાલ કરવા, લેસનની કૉપી કરવા, યુવાવસ્થામાં કારકિર્દીની ચર્ચા કરવા, લગ્ન માટે પાર્ટનર વિશે અભિપ્રાય લેવા, પ્રૌઢાવસ્થામાં પૈસાના રોકાણ વિશે ચર્ચા કરવા, પતિ કે પત્ની અને સંતાનો વિશેની મૂંઝવણ સુલઝાવવા, તંદુરસ્તીને લગતી વિગતો જાણવા મિત્રોની જરૂર ક્યાં નથી પડતી?
પણ ખરા મિત્રો કોને કહેવાય? અડધી રાતે કામ પડે ને ઉઠાડો અને ઉઠાડતી વખતે કહેવું ન પડે કે સૉરી તને ઉઠાડવા માટે. ‘સૉરી’ મિત્રતાના બંધનની ગાંઠ ઢીલી કરી દે છે. મિત્રને તેડું ન હોય. જરૂર પડતાં વગર કહ્યે પડખે આવીને ઊભો રહે તે સાચો મિત્ર. દસકાનો એક એવા પચાસમા વર્ષે જો પાંચ સાચા મિત્રો હોય તો મુઠ્ઠી બંધ કરી એમાં સમાવી લેવા. મિત્રોની વૃદ્ધિ એ વ્યક્તિની સમૃદ્ધિ ગણાય છે પણ સમૃદ્ધિ આવે અને બણબણતી માખીઓની જેમ આવે એ સાચા મિત્રો નથી હોતા. એ ઓળખાણ હોય છે. મિત્રો પર એટલો ભરોસો હોવો જોઈએ કે આપણી ગેરહાજરીમાં પણ આપણા કુટુંબીજનોની સંભાળ લે. માણસનો સાચો ચહેરો તેના દોસ્તની આંખોમાં પડઘાતો હોય છે. ઘણી સમૃદ્ધિ વચ્ચે પણ નિર્લેપ રહી શકે એવા કલ્યાણમિત્રો હોય એ વ્યક્તિ ખરેખર નસીબદાર ગણાય. સાચા કલ્યાણમિત્રની એટલે કે પાક્કા દોસ્તની સલાહ ક્યારેય કાચી નથી હોતી. આપણો મિત્ર જ્યારે અંતરથી આપણું સારું થાય એવું કંઈક કરવાનું કહે છે ત્યારે ખુદ વિધાતાએ પણ એના લેખ બદલવા પડે છે. આપણે સફળ થઈએ છીએ, કારણ કે ઈશ્વરે આ પૃથ્વીનું સંચાલન કરવા માટે ત્રણ જણની નિમણૂક કરી છે; એક મા, બીજો મિત્ર અને ત્રીજો પિતા. મા આપણને જીવ આપે છે, મિત્ર જીવનને જીવવા જેવું બનાવે છે અને પિતા જીવનને સમૃદ્ધ બનાવે છે.
ADVERTISEMENT
દોસ્ત એટલે આપણા દિલની વાત કરવાનું સલામત સ્થાન. મૈત્રી પ્રેમ કરતાં વધારે ઊંડી વાત છે. પ્રેમ તૂટી પણ શકે છે, મૈત્રી તૂટતી નથી. પ્રેમ બાંધે છે, જ્યારે મૈત્રી મુક્ત કરે છે.
સાચી મૈત્રી કોને કહેવાય? સાચી મૈત્રી એટલે મિત્ર માટેની કાળજી, તેને માટે માનની લાગણી, મિત્ર માટેની જવાબદારી અને મિત્રને સમજી શકવાની શક્તિ. એરિક ફ્રોમે લખ્યું છે, ‘Love can not be divorced from responsibility.’ મિત્ર માટે પ્રેમ હોવો જરૂરી છે. સાથે-સાથે તેના ઉત્કર્ષની જવાબદારી લે એ જ સાચો કલ્યાણમિત્ર. એટલે જ કહેવાય છે કે સાચા મિત્રની સલાહ ક્યારેય ખોટી નથી હોતી. તમારી પાસે એક પણ સાચો મિત્ર હોય તો માનજો કે ઈશ્વરે તમને તમારા હિસ્સા કરતાં થોડું વધારે આપ્યું છે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)