જીવનના દરેક સંબંધને લેવડદેવડનો હિસાબ લાગુ નથી પડતો
જીવનના દરેક સંબંધને લેવડદેવડનો હિસાબ લાગુ નથી પડતો
જીવનમાં સતત આપણે એકબીજાના સાથસહકારથી આગળ વધી રહ્યા છીએ. ગમેતેટલા અને ગમેતેવા સ્વાવલંબી હોવાનો દાવો કરીએ, પણ હકીકત એ છે કે આપણે સતત પરાવલંબી જીવન જીવી રહ્યા છીએ. આપણું અસ્તિત્વ જ કોઈકને કારણે છે. આપણે શ્વાસ કોઈકને કારણે લઈએ છીએ. આપણા પેટમાં જતો આહારનો એકેક દાણો કોઈકની મજૂરીનું પરિણામ છે. રોટી, કપડાં અને મકાન એમ જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં આપણે સતત-સતત અવલંબિત છીએ. અવલંબન વિનાનું એકેય જીવંત અસ્તિત્વ આ ધરતી પર છે જ નહીં. એકબીજાના આધારે, એકબીજાને આધીન થઈને, એકબીજાની જરૂરિયાતો પર નિર્ભર રહીને આપણે ટકી શક્યા છીએ. અઢળક લોકો સતત આપણા પર ઉપકાર કરતા રહે છે અને એ ઉપકારો જ આપણને જિવાડી જાય છે. જેમ આપણે સતત કોઈકના અવલંબન પર જીવી રહ્યા છીએ એમ આપણને આધીન પણ કેટલાક લોકો જીવી રહ્યા છે. અરસપરસના સાથસહકારથી જીવમાત્રનું અસ્તિત્વ ટકેલું છે. ચાહે એ દૂરના સંબંધો હોય, નજીકના સંબંધો હોય, પ્રોફેશનલ રિલેશન હોય કે સોશ્યલ રિલેશન હોય; સંબંધમાં હંમેશાં આપ-લે હોય છે. સંબંધના પ્રકાર પ્રમાણે આપ-લેનો વ્યવહાર બદલાતો હોય છે.
જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં લેવડદેવડની ગણતરી હોતી જ નથી, જ્યાં આપનારી વ્યક્તિને આપવું એ પોતાનો અધિકાર લાગતો હોય છે. જોકે આવા સંબંધો જૂજ હોય છે. જ્યાં ઉપકાર શબ્દ નથી હોતો પણ કંઈક કરવા મળ્યું, કોઈક રીતે પોતે પ્રિય વ્યક્તિને કામ લાગ્યા એનો ઉમળકો હોય છે. અગેઇન, આવા સંબંધો જૂજ હોય છે. એક, બે અને કદાચ ત્રણ. અપેક્ષાઓનું વિશ્વ ત્યાં ખૂબ જ નાજુક હોય છે. એક મીઠી નજર અને બે મીઠા બોલમાં તો એકમેક માટે જીવ આપી દેવા પ્રેરિત કરી દે. આગળ કહ્યું એમ, આ સંબંધોમાં લેવડદેવડ પ્રેમની છે એટલે બીજી બાબતોનું કોઈ અસ્તિત્વ જ નથી.
પ્રેમના આવા સંબંધોને બાદ કરતાં બાકીના તમામ સંબંધોમાં વ્યવહારિકતા છે. આપ-લેના વ્યવહારુ સંબંધોમાં જ્યારે સામી વ્યક્તિ દ્વારા થઈ રહેલા ઉપકારોને વ્યક્તિ પોતાનો અધિકાર માનીને વર્ત્યા કરે ત્યારે એમાં શોષણની અનુભૂતિ થવા માંડે છે. આપ્યા વિના લીધા કરવાની વૃત્તિ આદત બને ત્યારે અટકી જવામાં શાણપણ છે, કારણ કે ખોટી આદતો ક્યારેક બહુ મોટો આઘાત આપતી હોય છે. તમે યાદ કરો એવા તમામ લોકોને, જેમની સાથેના વ્યવહારમાં તમે માત્ર લેવાનું કામ કર્યું છે. શાંતિ અને સંતુષ્ટિ જોઈતી હોય તો સામા પાત્રને શોષણની અનુભૂતિ આવે એ સ્તર પર ક્યારેય કોઈને વાપરી ન કાઢો, કારણ કે એમાં તે વ્યક્તિ કરતાં લાંબા ગાળે તમને વધુ નુકસાન છે. આ જ વાત પરથી બિહારની અત્યારની સ્થિતિ યાદ આવી. બિહારમાં થયેલા લઠ્ઠાકાંડ માટે પાંચેક દિવસ પહેલાં કેટલાક લોકોને મૃત્યુદંડ તો કેટલાકને આજીવન કારાવાસની સજા મળી અને એની સામે આજે પણ એ કાંડમાં જીવ ગુમાવનારાઓને વળતર નથી મળ્યું. ક્યાં ભૂલું, ક્યાં યાદ કરું જેવો આ ઘાટ છે.

