જયાજી પણ રેડી હતાં અને રિહર્સલ્સ પણ શરૂ થવામાં હતાં, પણ એ જ સમયે સમાજવાદી પાર્ટીએ જયાજીને રાજ્યસભા માટે નૉમિનેટ કરતાં આખો પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો
જે રોલ-એક્સચેન્જ અમે હિન્દી નાટક માટે વિચારતા હતા એ જ વાતને અમે ગુજરાતી નાટકમાં પણ પકડી રાખી અને પદમારાણીને મેઇન ભૂમિકા આપી તો સનત વ્યાસને સેકન્ડ લીડ રોલ આપ્યો.
હા, ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ નાટકનો વિચાર મૂળ તો રમેશ તલવારે કર્યો હતો અને અમે એ હિન્દીમાં જયાજી સાથે કરવાના હતા. જયાજી પણ રેડી હતાં અને રિહર્સલ્સ પણ શરૂ થવામાં હતાં, પણ એ જ સમયે સમાજવાદી પાર્ટીએ જયાજીને રાજ્યસભા માટે નૉમિનેટ કરતાં આખો પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો
આપણી વાત ચાલે છે અમારા નવા નાટક ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ની. ગયા સોમવારે તમને કહ્યું એમ અમે આખું નાટક મૂળ મરાઠી નાટકના રાઇટર વસંત કાનેટકરના જમાઈને દેખાડ્યું અને તેમણે કહ્યું કે આ એક સ્વતંત્ર નાટક છે, આની રૉયલ્ટી હું લઈ શકું નહીં. કાસ્ટિંગ અને નાટકની બીજી ઇન્ટરેસ્ટિંગ વાતો બાકી રાખીને પણ આ વાત તમને કહી દેવાનો હેતુ માત્ર એટલો કે જેથી તમારો રસ જળવાયેલો રહે.
અમે નાટકની વાર્તા પદમારાણીને સંભળાવી. તેઓ તૈયાર થઈ ગયાં અને એમ અમે અડધી બાજી જીતી ગયા. જોકે અહીં ફરીથી મારે તમને ફ્લૅશબૅકમાં લઈ જવાના છે. એવું તે શું બન્યું કે પદમાબહેને નાટક સાંભળતાં જ હા પાડી દીધી એનો જવાબ પણ તમને એ વાત પરથી મળશે અને સાથોસાથ એ પણ તમને સમજાશે કે મને શું કામ કાનેટકરસાહેબના નાટક ‘પ્રેમા તુઝા રંગ કસા’ કરવાનો વિચાર આવ્યો?
કાનેટકરસાહેબના આ જ નાટક પરથી કાંતિ મડિયાએ ‘પઢો રે પોપટ પ્રેમના’ નાટક ઑલરેડી બનાવ્યું હતું જે ફ્લૉપ ગયું હતું. મડિયાસાહેબનું એ નાટક મેં જોયું પણ નહોતું, પણ એ પછી ફરીથી ‘પ્રેમા તુઝા રંગ કસા’ પરથી લાલુભાઈ શાહે ‘જીવનસાથી’ બનાવ્યું, જે મેં જોયું હતું. જો મારી ભૂલ ન થતી હોય તો ‘જીવનસાથી’માં સનત વ્યાસ અને કેતકી દવે હતાં. આ થઈ બેઝિક વાત. કાનેટકરસાહેબની જ વાતને અહીં કન્ટિન્યુ કરીને કહું તો તેમણે લખેલા નાટક ‘અખેર ચા સવાલ’ પરથી મારા હિન્દી નાટકોના ડિરેક્ટર અને કો-પ્રોડ્યુસર રમેશ તલવારે હિન્દીમાં ‘આખરી સવાલ’ બનાવ્યું હતું, જેના પરથી અમે જયા બચ્ચનને લઈને ‘ડૉક્ટર મુક્તા’ નાટક કર્યું. ‘ડૉક્ટર મુક્તા’ પહેલાં અમે જયાજી સાથે ‘માઁ રિટાયર હોતી હૈ’ ઑલરેડી કરી ચૂક્યા હતા એ તમને યાદ હશે.
આમ બે નાટક જયાજી સાથે કર્યા પછી હવે જયાજીને પણ નાટકોમાં મજા આવતી હતી એટલે તેમણે અમને કહ્યું કે હવે આપણે ત્રીજું નાટક કરીએ. અમે સ્ક્રિપ્ટ શોધવામાં લાગ્યા, જેમાં અમને રમેશજીએ કાનેટકરસાહેબનું ‘પ્રેમા તુઝા રંગ કસા’ પરથી બનાવેલું હિન્દી નાટક ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ યાદ આવ્યું. રમેશજીએ નાટકની સ્ક્રિપ્ટ કાઢી અને તરત કામ શરૂ કરી દીધું.
હકીકત એવી હતી કે કાનેટકરસાહેબના નાટકમાં મુખ્ય ભૂમિકા હસબન્ડની એટલે કે એ નાટક મેલ-ઓરિએન્ટેડ હતું. વાઇફની ભૂમિકા ઇમ્પોર્ટન્ટ, પણ અંતે જે સદ્બુદ્ધિ લાવવાની વાત હોય છે એ બધી હસબન્ડ કરે છે. અમારે તો નાટક જયાજીને ધ્યાનમાં રાખીને કરવાનું હતું એટલે રમેશજીએ આખું નાટક ફીમેલ-ઓરિએન્ટેડ મતલબ કે વાઇફ આધારિત કર્યું અને તેમણે નાટક જયાજી સમક્ષ વાંચ્યું. જયાજીને નાટક ખૂબ ગમ્યું. મેં પણ એ જ સમયે પહેલી વાર સાંભળ્યું હતું અને મને પણ મજા આવી ગઈ. જયાજીએ નાટક કરવાની હા પાડી દીધી. વાઇફનો રોલ તે કરે અને હસબન્ડના રોલમાં રમેશજી આવી જાય એવું નક્કી પણ થયું. આ હસબન્ડ-વાઇફનો દીકરો એક કોલસાવાળાની દીકરીના પ્રેમમાં પડે છે એવું હતું. આ કોલસાવાળાનો રોલ હું કરું એવી માત્ર રમેશજીની જ નહીં, જયાજીની પણ ઇચ્છા હતી અને મેં પણ હામી ભણી દીધી.
બધેબધું રેડી અને રિહર્સલ્સની તૈયારીઓ શરૂ થઈ, પણ અમારાં કમનસીબ. રિહર્સલ્સ શરૂ થાય એ પહેલાં જ જયાજીને સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા માટે નૉમિનેટ કર્યાં અને અમારો પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો. જોકે નાટક મારા મનમાં ચીપકી ગયું. સમય પસાર થતો ગયો અને નવાં-નવાં નાટકો અમે કરતા ગયા, પણ ‘એક મૂરખને એવી ટેવ’ પછી મારા મનમાં ફરીથી આ નાટક જાગ્યું અને મેં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાને કહ્યું કે આપણે ‘પ્રેમા તુઝા રંગ કસા’ કરીએ. નાટક વિપુલે વાંચ્યું, તેને પણ ગમ્યું અને એ પછી અમે ગયા ભાવેશ માંડલિયા પાસે. અહીં પણ અમે રમેશજીએ આપેલી થિયરી જ પકડી રાખી હતી કે નાટકની મુખ્ય ભૂમિકા વાઇફની બનાવવી અને હસબન્ડને વિરોધનું એ કામ સોંપવું જે મરાઠી નાટકમાં વાઇફ કરતી હતી.
ભાવેશે વાર્તા વિચારી લીધી એટલે વાત આવી નાટકના કાસ્ટિંગની. પદમાબહેન રેડી થઈ ગયાં એટલે ધીમે-ધીમે અમારા પ્રોડક્શન હાઉસના અવિભાજ્ય અંગ બનતા જતા સનત વ્યાસ પાસે ગયા. સનત વ્યાસે પણ હા પાડી દીધી એટલે મેજર કાસ્ટિંગ અમારું પૂરું થયું. હવે એ બન્નેના દીકરાનું કૅરૅક્ટર કરવા માટે અમને કોઈ યંગ છોકરો જોઈતો હતો અને મને યાદ આવ્યો આપણા કમલેશ દરુનો દીકરો સૌનિલ દરુ, જે અગાઉ અમારી સાથે બે-ત્રણ નાટક કરી ચૂક્યો હતો.
દીકરાની વાઇફના રોલમાં અમે મીરાને લાવ્યા. આ મીરાનું બીજું નામ છે નિયતિ રજવાડે. નિયતિ આજે મરાઠી નાટકો અને સિરિયલોનું ખાસ્સું મોટું નામ છે. આ નિયતિ વિપુલ મહેતાની શોધ. ડ્રામા કૉમ્પિટિશનને કારણે વિપુલ ઘણા મરાઠી કલાકારોને ઓળખે. અમે મોટા દીકરાની ગર્લફ્રેન્ડ મરાઠી છોકરી દેખાડવાના હતા એટલે વિપુલનું કહેવું હતું કે ઓરિજિનલી મરાઠી છોકરી હશે તો તે વધારે સારે રીતે કૅરૅક્ટર નિભાવી જાણશે. બન્યું પણ એવું જ હતું. ઍનીવે, હસબન્ડ-વાઇફની દીકરીના રોલમાં અમે લાવ્યા દીપાલી ભુતાને અને તેના હસબન્ડના રોલમાં લાવ્યા કપિલ ભુતાને. હિન્દી નાટકમાં કોલસાવાળા બાપનું જે કૅરૅક્ટર હતું એ ભાવેશે ચેન્જ કરીને અમારા નાટકમાં વાઇન-શૉપવાળાનું કરી નાખ્યું હતું, જે રોલ અમે આપ્યો હર્ષ મહેતાને તો કપિલ ભુતાનાં દીકરા-દીકરીના રોલ માટે જતીન પરમાર અને ખુશ્બૂને લઈ આવ્યા. આમ અમારું કાસ્ટિંગ પૂરું થયું અને અમારાં રિહર્સલ્સ શરૂ થયાં.
નાટક તૈયાર થયું અને ઓપન કરવાની તારીખ પણ આવી ગઈ.
૨૦૦૮ની ૧૨ જુલાઈ, રવિવાર અને તેજપાલ ઑડિટોરિયમ.
‘એક મૂરખને એવી ટેવ’ એ અમારું ૪૪મું નાટક હતું અને આ અમારું ૪પમું નાટક.
રાતના પોણાઆઠ વાગ્યે શો શરૂ થયો અને પંદર જ મિનિટમાં મને સમજાઈ ગયું કે નાટક સુપરહિટ છે અને બન્યું પણ એવું જ. મિત્રો મારે અહીં બીજી પણ એક વાત કહેવી છે. ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ ટાઇટલ અગાઉ એક નાટકમાં વપરાયું હતું. સિત્તેરના દશકમાં બનેલા નાટકનું આ ટાઇટલ અમે રાખ્યું જેનાં બે કારણો હતાં. પહેલું, ટાઇટલ નાટકની વાર્તા સાથે બંધબેસતું હતું અને બીજું, નાટકના ટાઇટલમાં કમર્શિયલ ફીલ તો હતી જ, સાથોસાથ એમાં કૉમિક ફીલ પણ ભારોભાર હતી. આ નાટકના અમે ૧પ૬ શો કર્યા. આ નાટક પણ અમે ત્રણ કૅમેરા સેટ-અપ સાથે શૂટ કર્યું. નાટકના શૂટ માટે પણ મારે એક વાત કહેવી છે.
મેં જાગૃત રીતે મારાં મોટા ભાગનાં નાટકોનું ડિજિટાઇઝેશન થાય એનો પ્રયાસ કર્યો છે જેની પાછળ એક કારણ છે. પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેષ દવે જેવા કલાકારોનાં અદ્ભુત સર્જન અમને જોવા નહોતાં મળતાં ત્યારે મને થતું હતું કે આવું ન થવું જોઈએ. આ સ્મૃતિઓ સચવાયેલી રહેવી જોઈએ, જેથી આપણી આગામી પેઢી પણ એ જોઈ શકે અને એમાંથી કંઈક શીખી શકે. નાટકોને શૂટ કરીને રિલીઝ કરી દેવાનું કામ આર્થિક રીતે નુકસાનકર્તા છે. તમે એ નાટક બીજી વાર ક્યારેય કરી શકતા નથી. જોકે મને એમાં વાંધો નથી હોતો. હું ઇચ્છું છે કે નાટકની સ્મૃતિ અકબંધ રહે અને પચ્ચીસ-પચાસ વર્ષ પછી પણ એ નાટક જોવાતું રહે અને આપણી નવી પેઢીને પણ અમે કરેલાં કામો વિશે જાણવા મળે.
ADVERTISEMENT
મેં જાગૃત રીતે મારાં મોટા ભાગનાં નાટકોનું ડિજિટાઇઝેશન થાય એનો પ્રયાસ કર્યો છે એની પાછળ એક કારણ છે. પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેષ દવે જેવા કલાકારોનાં અદ્ભુત સર્જન અમને જોવા નહોતાં મળતાં ત્યારે મને થતું હતું કે આવું ન થવું જોઈએ. આ સ્મૃતિઓ સચવાયેલી રહેવી જોઈએ, જેથી આપણી આગામી પેઢી પણ એ જોઈ શકે અને એમાંથી કંઈક શીખી શકે.

