રિયાને સ્કૂલના એક પ્રોજેક્ટ માટે સ્ટેશનરી ખરીદવાની જરૂર પડી અને તેણે ખરીદી કરવા માટે મમ્મી પાસે પૈસા માગ્યા. મમ્મીએ તેને સ્ટેશનરી ખરીદવાની સાથે-સાથે રાતની રસોઈ માટે શાકભાજી પણ ખરીદી આવવા કહ્યું
મની મૅનેજમેન્ટ
પ્રતીકાત્મક તસવીર
રિયાને સ્કૂલના એક પ્રોજેક્ટ માટે સ્ટેશનરી ખરીદવાની જરૂર પડી અને તેણે ખરીદી કરવા માટે મમ્મી પાસે પૈસા માગ્યા. મમ્મીએ તેને સ્ટેશનરી ખરીદવાની સાથે-સાથે રાતની રસોઈ માટે શાકભાજી પણ ખરીદી આવવા કહ્યું. રિયા ખરીદીની યાદી લઈને ઘરેથી નીકળી, પરંતુ રસ્તામાં એક જગ્યાએ નવી ખૂલેલી ચૉકલેટની દુકાન જોઈને એના તરફ આકર્ષાઈ. આથી તેણે રસોઈ બનાવવા માટે જરૂરી ગાજર અને કોબીજ ભૂલીને ચૉકલેટ ખરીદી લીધી. ઘરે પાછી ફરી ત્યારે મમ્મીને જોઈને તેને અફસોસ પણ થયો અને ડર પણ લાગ્યો. સદનસીબે તેને વઢ ન પડી. જોકે આ ઘટનાને લીધે એને પૈસાના યોગ્ય ઉપયોગ વિશેનો બોધપાઠ શીખવા મળ્યો. આજે આપણે એની વાત કરવાના છીએ. મેં એને બેસ્ટ - BEST (Budget, Emergency, Savings, Temptation) નામ
આપ્યું છે.
બજેટ : જો રિયાએ પોતે ખરીદવાની વસ્તુ માટેના પૈસા અલગથી સંભાળીને રાખ્યા હોત તો તેણે બિનજરૂરી ખર્ચ કર્યો ન હોત. બાળકોને બજેટિંગનું મહત્ત્વ શીખવવાની જવાબદારી તેમનાં માતાપિતાની છે. એ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ. બાળકને એક નિર્ધારિત રકમ આપીને તેને પોતાના બર્થ-ડેની પાર્ટીની ઉજવણીની વ્યવસ્થા કરવાનું કહેવું. તેઓ આપેલી રકમનો કેવી રીતે સારામાં સારો ઉપયોગ કરે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.
ADVERTISEMENT
ઇમર્જન્સી : ધારો કે રિયાને સ્ટેશનરીની દુકાનમાં ગયા બાદ ખબર પડી હોત કે સ્ટેશનરીનો ભાવ પહેલાં કરતાં ઘણો વધારે થઈ ગયો છે તો એ વધારાના ખર્ચને કેવી રીતે પહોંચી વળી હોત? અહીં એક પ્રયોગ કરવા જેવો છે. બાળકોને એકને બદલે બે પિગી બૅન્ક આપો. એમાંથી એક પિગી બૅન્કની રકમ ફક્ત ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટેની હોય અને બીજી ખર્ચ કરવા માટેની હોય. ઇમર્જન્સી માટે પણ પૈસા પડ્યા છે એવી સલામતીની ભાવના તેમને નાનપણમાં જ સમજાઈ જશે તો તેઓ ઇમર્જન્સી માટે અલગથી પૈસા રાખવાનું મહત્ત્વ સમજી જશે.
સેવિંગ્સ : સેવિંગ્સનો અર્થ ફક્ત પૈસા બચાવવા એવો નથી. એ બચતમાંથી ખર્ચ કરવા ઉપરાંત રોકાણ પણ કરવાનું હોય છે. નવો ફોન કે ફરવા જવું કે મોટું ટીવી ખરીદવું વગેરે જેવા મોટા ખર્ચ કરવા માટે થોડા-થોડા પૈસા ભેગા કરવાનું બાળકોને શીખવવામાં આવે એ અગત્યનું છે. આ રીતે તેમને બચતનો બોધપાઠ મળી જાય છે.
ટેમ્પ્ટેશન : બાળપણમાં જ પ્રલોભનને ટાળવાનું શીખવવામાં આવે તો મોટા થઈને એ વૃત્તિ બેછૂટ બની જતી નથી. અહીં રિયા ચૉકલેટ ખરીદવાનું પ્રલોભન ટાળી શકી નહીં અને તેણે આવશ્યક ખર્ચ માટેની રકમ ચૉકલેટ પાછળ ખર્ચી કાઢી અને પછી તેને અફસોસ થયો તથા મમ્મીનો ડર લાગ્યો.
દરેક પ્રલોભન ટાળવાનું કદાચ શક્ય ન હોય, પરંતુ એને નિયંત્રણમાં રાખવાનું અગત્યનું છે. ઇમર્જન્સી માટે નાણાં અલગથી રાખ્યાં હોય અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે બચત કરી હોય તો થોડા શોખ પૂરા કરવા માટે પૈસા ખર્ચવામાં કંઈ ખોટું નથી. આ બેસ્ટ વાત તમને કેવી લાગી એ જણાવજો.